આજ મારે હરિ પરોણા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આજ મારે હરિ પરોણા
પ્રેમાનંદ સ્વામી


આજ મારે હરિ પરોણા ઘેર આવ્યા,
હાં રે મેં તો મોતીડાંને લેરખે વધાવ્યા રે.. . આજ૦ ટેક
શિવ સનકાદિક સુખ જેવા જોગી, પૂરણ બ્રહ્મપદ રસના રે ભોગી,
હાં રે આવા સંત સંગાથે લાવ્યા રે... આજ૦ ૧
શિવ વિરંચિ જેનો પાર ન પાવે, શેષ સહસ્ર મુખ શારદા ગાવે,
હાં રે જોના નિગમાગમે જશ ગાવ્યા રે... આજ૦ ૨
સંત હરિને હું તો નયણે રે નીરખી, પ્રેમ મગન મારા હૈયામાં હરખી,
હાં રે મેં તો ઓરડાની ઓસરીએ પધરાવ્યા રે... આજ૦ ૩
આઠે પહોર આનંદ જેના અંગમાં, રમે ગોવિંદ એવા સંતના રે સંગમાં,
હાં રે વહાલો પ્રેમસખીને મન ભાવ્યા રે... આજ૦ ૪