આત્મવૃત્તાંત/ગૃહક્લેશ : ચાર હજારનો દસ્તાવેજ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મુદ્રાલેખ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ગૃહક્લેશ : ચાર હજારનો દસ્તાવેજ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
પંદર રૂપિયે કંકાસ ગયો →


૨-૮-૮૮
 

મુંબઈથી આવ્યાને એક માસ તો થયો નથી તેટલામાં બે તકરારો તો ઘરમાં થઈ ચુકી. અરે ચાર હજારના દસ્તાવેજ ! તું શું કરશે ! મારો પ્રાણ માત્ર લેવો જ તારે હાથ નથી, બાકી ત્યાં સુધી લાવી તો મુક્યું છે. મુંબઈથી આવ્યા પછી આશરે ૧૦-૧૫ દિવસ થયા હતા. મને ત્રીજે ત્રીજે દિવસ તાવ આવતો હતો. એક વાર તે તાવ આવ્યો હતો ને હું સાંજે પડી રહ્યો હતો. અમારાં માતુશ્રીએ ખાવાનું કર્યું ને તેમને નાતમાં જમવા જવું હતું એટલે ચાકરને કહેવા મોકલ્યો કે જમવા ચાલો. મેં કહ્યું કે તાવ આવ્યો છે તેથી વાર છે. ચાકરે કહ્યું કે ન કહ્યું તે રામ જાણે. પણ મા તો,રાતાંપીળાં થતાં આવ્યાં ને બોલ્યાં કેટલીક વાર છે, અમારાથી આવા. દાદર ચડઉતર થતા નથી, પહેલેથી કહ્યું હોત તો નાતમાં જમી આવત ને પછી રસોઈ બનાવત. મેં કહ્યું કે મારી પાસે કોઈ આવ્યું નહિ એટલે હું કોની સાથે તાવની ખબર કહેવરાવું ? હાલ ચાકર આવ્યો ત્યારે કહી. આટલા પરથી ખુબ બબડતાં ને મીજાજ કરતાં ચાલી ગયાં. મને બહુ જ માઠું લાગ્યું ને મનમાં એમ ઓછું આવ્યું કે અરે દૈવ, મારે આવો ઓશીઆળો રોટલો ખાવો રહ્યો ! ને તે પણ મારા આપતાં મુકતાં છતાં ! વળી મારા બાપે પણ હું મુંબઈથી આવ્યો કે તરત સતામણી આરંભી હતી. દૂધ લાવવા ના પાડી હતી તેથી દરરોજ બધાં ઘરનાંને તથા મારે જોઈતું દૂધ લગભગ ૨-૨|| આનાનું હું મારી પાસેથી મગાવતો: આ બધી વાત મનમાં આવી. હૈયું ભરાઈ ગયું. એટલામાં તો મા જમીને આવ્યાં, ને કહે ખાવા ચાલ. મેં ખાવાની ના પાડી, તે પરથી તેણે જેટલા બોલવાના હતા તેટલા બોલ કહ્યા; છેવટમાં કહે કે 'હજુ પણ ક્યાં સુધી દુઃખ દઈશ, આજે બબે વર્ષથી હેરાન કરે છે, હવે તો નીકાલ કર'. મેં કહ્યું કે 'એ વાત ઈશ્વરને હાથ છે, પણ મારાથી જે થશે તે કરીશ.' તો કહે કે, 'તારે ફાવે તે કર, એમાં શું ખાસડું ફાટી જવાનું છે' કહી ચાલતાં થયાં. સાંકળચંદ શેઠ આ બધી વખત હાજર હતા. મારાથી તો હવે રહેવાયું નહિ. શેઠના આગળ વધારે ઓછું જે આવડ્યું તે બોલ્યો, અને તેને મેં કહ્યું કે 'જે માણસ મને મુંવો ચહાય છે, તેના ભેગો હું કાલથી જમીશ નહિ, માટે તમે તમારો એક માણસ મોકલજો કે મને જોયતો સામાન લાવી આપી રસોઈની ગોઠવણ આ જુદા ઘરમાં કરી આપી જાય ! શેઠે તો ઉલટો મારો વાંક કાઢવા માંડ્યો અને મારી સાથે કાંઈ લડ્યા જેવું કરી ઘેર ગયા. જતે જતે મારા બીજા ઘરમાં માતુશ્રીને મળી તેમના કાન પણ ફૂંકતા ગયા. અમે તો બારીબારણાં બંધ કરી, રાતની રાત ભુખ્યા ને તરસ્યા, પડી રહ્યા. આખી રાત ઊંઘ આવી નહિ, રોયાં કર્યું. અને કેમ કરવું તેના વિવિધ તર્કવિતર્ક કરતાં મારા મિત્ર ગોપાળદાસ પાસે જુનાગઢ જવું એવો છેવટ નિર્ણય કર્યો. રાતે આપણને ખાવાપીવાને પણ કોઈ બોલાવવા ફરી જણાયું નહિ. હરિ ! હરિ!

સવાર થઈ. ખાવા જોઈશું [?શે] પણ ઘર માત્ર કબજામાં છે. વાસણ, કુસણ કશી સામગ્રિ નથી. ચાકર દુધના પૈસા લેવા આવ્યો, તેની પાસે દુધ મગાવીને તેટલું કબજે રાખ્યું કે તે પીને જ દિવસ કાઢીશું. ચહા પણ ક્યાંથી મળે ? શેઠનું માણસ આવે તો બે વાસણ વેચાતાં મગાવી એકાદ રસોઈઆને બોલાવી ખીચડી ઓરાવી ખાઉં. આ વિચારમાં ૭–૭|| વાગ્યા, પણ કોણ આવે ? એવામાં અકસ્માત્ ચતુરભાઈ આવ્યા, તેને બધી વાત મેં જણાવી, તેણે બહુ શોક કર્યો અને પોતાનાં ઘણાં અગત્યનાં કામ હતાં તે માંડી વાળી તરત જ બંદોબસ્ત કરવા ગયા. આઠ વાગ્યા, નવ વાગ્યા, માતુશ્રી આવ્યાં, ખાવા શું કરું એમ પુછ્યું. મેં ખાવાની ના પાડી. ત્યારે જરાતરા આગ્રહ કરી ચાલી ગયાં. હવે અમારી નિરાશા પાકી થઈ. નવ વાગે પેટમાં તડામાર થવા લાગી, એક શેર દુધ ઉનું કર્યા વિનાનું જેમનું તેમ પી લીધું. ચતુરભાઈ ફરી આવ્યા ને કહે રસોઈ કરનારનો બંદોબસ્ત કર્યો છે, તે આવ્યો કે કેમ? પણ કોઈ મળે નહિ. ચતુરભાઈની મરજી એમ હતી કે હાલ તુરત તો સમાધાન કરવું ઠીક પડશે કેમકે તબીઅત સારી નથી, તેથી હું પણ તેમના વિચારને મળતો થયો. તેઓ મારી મા પાસે ગયા અને તેમને સારી પેઠે ઠપકો દીધો. તેણે પણ પોતાના ઉભરા કાઢતાં ચાર હજારનો દસ્તાવેજ શા માટે કર્યો એ કહી દીધું ને છેવટે સમાધાન થયું. બારેક વાગે ખીચડી ખાવા પામ્યા. તે વખતે પણ ચતુરભાઈ વળી ત્રીજી વાર આવી જોઈ ગયા કે કેમ બરાબર થયું કે નહિ. આ બધી ગરબડમાં મારો બાપ મારી નજર આગળ પણ આવ્યો નથી કે પેલો શેઠ જે મારી સ્થિતિ તથા બધી તકરાર જોઈને ગયેલો તે મારા મુવાજીવ્યાની ખબર કાઢવા બીજે દિવસ ન આવ્યો કે માણસ પણ ન મોકલ્યું એટલું જ નહિ, પણ ત્યાર પછી ત્રણચાર દિવસ ન આવ્યો અને હાલ પણ નથી જ આવતો, ખેર!

વળી પાંચપંદર દિવસ ઠીક ચાલ્યા. દરમીઆન કોઈ વાર વાતો ચીતો થાય તેમાં મારી માએ મારે મોઢે પણ કહ્યું કે તેં ચાર હજારનો દસ્તાવેજ તારે નામે કર્યો તેથી અમને ખોટું લાગ્યું છે. શો ઈન્સાફ ! મારી કમાણીની મેં વ્યવસ્થા કરી ને આ લોકોને આપી ના દીધી તેમાં એમને ખોટું લાગ્યું ! હું ને મારાં છોકરાં ભીખ માગીએ, ને માબાપ તથા નાનાભાઈ મારે પૈસે ચેનબાજી કરે ! વાહ ! રે વાહ ! મારી આંખેથી બધો પડદો ધીમે ધીમે સાફ ખસી ગયો, ને મારાં માબાપના પ્રપંચ હવે ખુલ્લા પડવા લાગ્યા. વળી મારા બાપે કાંઈક તરકટ ઉઠાવ્યું. ઘરમાં ઘી નથી, ઘઉં નથી, તે હું લાવનાર નથી, મારે આવો ખરચ ચાલે નહિ, તમારે પરવડે તો લાવો ને ખાઓ આવી વાતો તેણે કરવા માંડી. મારી પાસે આ નિમિત્તે પૈસા માગવા માંડ્યા. એક દિવસ તેણે ઘીને માટે રૂ. ૪ માગ્યા અને કહે કે આપે તો ઘી આવશે, નહિ તો ઘી વિના ખાવું પડશે. મેં કહ્યું કે રૂપીઆ જરૂર હોય તો લો, પણ આ તે વીશી જેવો વ્યવહાર કેવો ? હાલ રૂપીઆ નહિ આપું, ભલે ઘી વિનાનું જમાડશો તો તેમ જમીશું. આ ઉપરથી વળી સળગ્યું. લાંબી બોલાચાલી તો થઈ નહિ, પણ ભાગ વહેંચી લો, જુદુ કરો ઈત્યાદિ વાતો જોરબંધ થવા લાગી. મારે તો તે વાત ઈષ્ટ હતી એટલે મેં હા પાડી, કે ભલે અત્યારે ભાગ વેહેંચી આપો. પણ સાંજ પડતામાં વાત ટાઢી પડી ગઈ. ઘી એની મેળે આવીને હાજર થયું અને કોઈ મારા માણસ આગળ મા તથા બાપે કહ્યું કે 'ભાગબાગમાં કાંઈ છે નહિ. એમાં કાંઈ મળે તેમ નથી, આ મંદવાડમાંથી મરી ગયો હોત તો આ વેળા આવત જ નહિ, માટે શા માટે ગરબડ કરે છે. હજી તો નાના દીકરાને પરણાવવો છે. તે પછી વાત.' ધન્ય છે ! મને પણ સંસારમાં કોઈ પર તો નહિ પણ આટલાં માબાપ પર આસક્તિ ભરાઈ રહી હતી કે બીચારાં શું કરશે, તે આવી પ્રપંચવિદ્યા ન જાણી હોત તો ક્યારે તુટત! 'ભલું થયું ભાગી જંજાળ.' ઘરમાં સર્વે ભેગાં છીએ, પણ બધાંના મનની અવસ્થા હાલમાં આ પ્રમાણે છે.

લખવાવાંચવાનો ક્રમ ચાલે જ છે, તે વિના આનંદનું કામ મારે માટે ક્યાં છે? મેસ્મરીઝમ વિષે ગુજરાતીમાં એક નાનું પુસ્તક લખવાનો આજે આરંભ કર્યો છે. કચ્છમાં નોકરી અપાવવા સંબંધી રા. મનઃસુખરામભાઈનો પ્રયત્ન જારી છે. તે લખે છે કે બંદોબસ્ત થશે.

આજે આ લખી રહ્યા પછી બીજો ખેલ થયો. મારી માએ રસોઈ કરવાનો સામાન વાસણ સીધું વગેરે લાવી નવા ઘરના રસોડામાં મુકી રસોઈ આરંભી ને કહે કે વરસાદના દિવસમાં જુના ઘરના રસોડામાં અંધારૂં પડે છે માટે હવે અહીં જ રાંધીશું. બપોરે હું જમવા બેઠો ત્યારે તેણે મારા બાપને તિરસ્કાર કરવા માંડ્યા ને બબડવા માંડ્યું. કહે કે મને પ્રથમથી કહ્યું હોત તો હું શીદ મેહેનત કરત, હવે કહે છે તમે તમારું સીધું સામાન ત્યાં લાવી ખાજો - ને હું મારે અહીં (જુના ઘરમાં) જુદુ [? દો] રહીશ. હું કાંઈ બોલ્યો નહિ. મેં જોયું કે આ પેચ પાકો રચાયો છે. ડોસા અહીં આવતા નથી એમ સબબ કાઢી મારી મા એકબે દિવસમાં જતી રહેશે, ને મને આ ઘરમાં જુદો કાઢી મુકશે. મેં પણ મારા બાપને કહેવરાવ્યું કે કકળાટ ના કરો, મારે નામે ખર્ચ થાય છે તે માટે મારે કાંઈ આપવું જોઈએ તે હું આપીશ, માટે જમવા ચાલો. તેણે કહ્યું કે 'મારે રૂપીઆ કાંઈ જોઈતા નથી, એને ખાવા જે જોઈએ તે લાવી આપવાની મેં ના પાડી નથી, પણ એની માને તો બધાંને (અર્થાત્ આ બધી તકરારના કારણભૂત મારા નાના ભાઈને) તેવું ખવરાવવું તે મને કેમ પહોચાય ? આ વાતની ગમે તેમ વાત બનાવી એની મા આડાંઅવળાં ભરવીને અમને લડાવે છે. હું ખાવા, રૂપીઆ માટે નથી આવતો એમ નથી, પણ મારે માથે કકળાટ એની મા કરે છે માટે નહિ આવું – છતાં આટલું કહો છો તો આવીશ' ડોસા આવીને જમ્યા. મેં ડોસાના કહેવાની મતલબ મારી માને કહી તો તેનો કાંઈ સંતોષકારક જવાબ તેણે અપાયો નહિ, તે પરથી મને લાગ્યું કે ઝાંઝો વાંક ડોસાનો નહિ પણ મારી માનો જ હોવો જોઈએ. તેને ડોસાને તથા મને લડાવી, મારી સ્ત્રીને ને મને જુદાં પાડી પોતે સર્વની ઉપરી રહી પોતાનો ને પોતાના નાના દીકરાનો સ્વાર્થ સાધવો આ ચોખું સમજાયું. મેં રૂપીઆ આપવા કહ્યા તે જાણ્યું એટલે મારી માએ જોયું કે હવે એ રૂપીઆ હાથ કરી બધા પર કબજો રાખવો ને તેથી તેણે તરત જ સાંજે જુના ઘરમાં રસોઈ હતી તેમ કરવા માંડી.