આત્મવૃત્તાંત/ધર્મ સંબંધી પાઠો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પત્નીનું તોફાન મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ધર્મ સંબંધી પાઠો
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
વીલ કર્યું →


[ ૧૩૮ ]
૧૮. ધર્મ સંબંધી પાઠો


તા. ૧૧-૫-૯૦
નડીઆદ
 

ઘર સંબંધી એક હકીકત નોંધવા જેવી છે. પેલી રાંડને જ્યારે પકડી આણી હતી ત્યારે તેણે કહ્યું હતું કે મેં મંગળીઓ રાખ્યો છે, મારી બેને કલ્યાણીઓ રાખ્યો છે, ને મારા ભાઈએ કલ્યાણીઆની વહુ રાખી છે. તે વાતમાંનો એક ભાગ બરાબર ખરો પડ્યો છે, જે ઉપરથી તેમાંના બીજા ભાગનું ખરાપણું પણ સાબીત થવા જાય છે. ચાલતા સંવત ૧૯૪૬ના ફાગણ વદ ૧૪ ને રોજ સવારમાં મારા સાડુ જીવતરામના ઘર આગળ જબરું તોફાન મચ્યું. કાંઈક ખાનગી અણબનાવના સંબંધથી કલ્યાણીઆની વહુ જીવતરામના ઘેર જઈ ગાળો દેવા લાગી, ને છેડો વાળી બેઠી, તથા સો બસો લોક ભેગા થઈ ગયા તેના આગળ કહેવા લાગી કે તારી બાયડીએ મારું ઘર ખરાબ કર્યું તો તું મને રાખ. આ ઉપરથી બધો દિવસ જીવતરામના ઘરમાં કંકાસ ચાલ્યો ને જીવતરામે પોતાની બાયડીને મારી તથા એકબે દિવસ ઘરમાં કેદ રાખી. આ લોકોની આવી હકીકત જગત્ પ્રસિદ્ધ છે, એટલે મારી સ્ત્રી કહેવાતી વેશ્યાને હું કદી પણ હવેથી સ્વીકારું નહિ તો તેમાં મારો દોષ નથી, અથવા તે રાંડનો મારા પર કશો હક નથી.

જે રકમો મારા ઘરમાંથી મારા ભાઈ મારફત ગયેલી છે તેના સંબંધમાં બાળાશંકરે શિવરાત્રીનો વાયદો કરેલો, ને પછી તેણે એવો વાયદો કર્યો કે ઈસ્ટરમાં દેવશંકર આવશે એટલે નીકાલ કરીશું. તે પછી પાછો તે વૈશાક સુદ ૭ ને દિવસ મારી પાસે આવ્યો ને કહે કે આ પુનેમ સુધીમાં તને અમે અવેજ પોહોચાડીશું કેમકે શું પોહોચાડવું તે અમે નક્કી કરેલું છે, મારે મારા ચોપડામાં હીસાબ રાખવો નથી. મારે બારોબાર મારા ખાનગીમાંથી અપાવવાનું છે, ને ગુમાસ્તો બહાર ગયેલો છે, તથા હું હમણાં મારી સાળીના સીમંતની ખટપટમાં છું તેથી થોડી જ મુદતમાં પુનેમ પહેલાં તને આ ઘર કરવામાં [ ૧૩૯ ] ખપ આવે તેમ પોહોચાડીશ – તેનું હજુ કાંઈ થયું નથી.

મારા ઘરને થોડી મરામત કરવાની હતી. તે કામ લઈ બેશી પુરૂં કર્યું છે. ને તેમાં આશરે રૂ. ૪૫૦ સુધી મજીઆરી ખરચ થયા છે.

નોકરી સંબંધમાં અનેક અનેક પ્રયત્ને એમ છેવટ આવ્યું છે કે વડોદરામાં દિ. બા. મણિભાઈ સાહેબે હાલ રૂ. ૧૮૦૦) બાબાશાહી ઉચક આપી કેટલાંક સંસ્કૃત પુસ્તક ભાષાન્તર કરવા માટે ૬ માસ સુધી સાંપ્યાં છે. તેમણે એમ પણ વચન આપ્યું છે કે એ કામ થઈ રહેતા પૂર્વે કોઈ કાયમ ગોઠવણ વડોદરામાં જ કરીશું. કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગો ખાલી થઈ છે. હવે ત્યાં કાંઈ થવાનો પણ સંભવ ખરો – તેમાં મોતીલાલની જે વિરુદ્ધતા જણાય છે તેનો કાંઈક ખુલાસો કચ્છના નોકરીઆત એક બે અત્રે આવેલા તેની વાતથી મળ્યો છે. મારાથી કેવલ બોલાતું નથી તેમ મુસાફરી કરવાની પણ મને શક્તિ નથી, એવી વાત ત્યાં સર્વના સમજવામાં છે. આ વાતનો ખુલાસો થવા માટે બનતો પ્રયત્ન કર્યો છે, તેમ જાતે પણ હું મોતીલાલને મળવા જવાનો છું. – કેમકે વડોદરામાં હજુ કાંઈ શાશ્વત થયું નથી, ને થાય તો પણ ભાષાન્તરને જ થાય તે કામ રાત દિવસ કરવું એ મગજને બહુ શ્રમ પડનારૂં છે માટે કચ્છની નિશ્ચયવાળી નોકરી લેવાની હજુ મને ઇચ્છા છે.

લખવાવાંચવાનું તો ચાલે જ છે - તેમાં રાજયોગ ફરી છપાય છે, ને યોગસૂત્રની વ્યાખ્યા પણ છપાય છે. વડોદરા કન્યાશાળાવાળી સીરીઝનાં ત્રણે પુસ્તકના જે પાઠ મને સોંપ્યા હતા તે લખાઈ ચુક્યા છે. તેમાંના ધર્મ સંબંધી પાઠ જુદા છપાવી લોકને પણ લાભ આપવા મેં ધારેલું પણ તેમ કરવાની લાગતાવળગતાઓએ રજા આપી નહિ. એ સાઠ પાઠ જે મેં લખ્યા છે તેની વ્યવસ્થા કાંઈક આવી છે :
[ ૧૪૦ ]
Atmavrittanta page 140.jpg