લખાણ પર જાઓ

આત્મવૃત્તાંત/લેખનવાચનનો વિશેષ ક્રમ

વિકિસ્રોતમાંથી
← ધર્મોન્નતિ માટે પ્રયત્નો મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
લેખનવાચનનો વિશેષ ક્રમ
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
ઉપાર્જનના પ્રબંધ →


૧૧. લેખનવાચનનો વિશેષ ક્રમ


તા. ૧-૪-૮૯ નડીયાદ

આજે ચૈત્ર શુક્લ પ્રતિપદ્ છે – ગોડી પડવો, નવું વર્ષ. નાડી પણ પ્રાતઃકાલે સૂર્ય છે, વર્ષમાં કાર્યસદ્ધિનું ચિહ્ન છે. અસ્તુ. શરીર આજે લગભગ બે માસ થયાં સુધારે વળેલું છે. ફેબ્રુઆરીના આરંભથી જ ગળે અન્ન ઉતરવા લાગેલું છે, ને તેથી જ તે વખતે મુંબઈના મિત્રમંડળને ખુશાલી ખાતર ભોજન આપી અત્રે આવેલો છું. મુંબઈમાં ત્રણ માસમાં રૂ. ૩૫૦ ને આશરે ખર્ચ થયો છે. ગળામાં બધું સાફ મટી ગયું છે. કાને જરા બધિરતા અને શબ્દ છૂટવામાં હજુ જરા કચાશ એમ બે અડચણો છે. દવા ચાલે છે જ. જામનગરવાળા વૈદ્ય બાવાભાઈ જ યશ લઈ ગયા છે; અત્રે આવ્યા હતા, યથાશક્તિ રૂ. ૧૦૧) મેં આપ્યા છે, વળી પરિપૂર્ણ આરામ થતાં વિશેષ આપીશ, જો કે તે પોતે તો કાંઈ જ લેવા બહુ બહુ રીતે ના પાડે છે. બેત્રણ દિવસમાં હવે માથે પાણી ઘાલવાની ક્રિયા પણ થનાર છે, એટલે તે પછી પૂજાસંધ્યાનો ક્રમ પણ પૂર્વવત્ ચાલશે.

ઉપાર્જન સંબંધે તો જાનેવારીના આરંભથી જ પગાર બંધ થયો, તેમ લેખનું કામ પણ કાંઈ આવ્યું નથી; ઈશ્વર નિભાવ કરે છે. હજુ રજાનો નીવેડો આવતો નથી. મેં જે અર્જી કરેલી કે ૧/૪ પગારે રજા આપો, વા તેમ નહિ તો વર્ષ ૧ વગર પગારે કબુલ છો તેનું ઉત્તર એવું વિલક્ષણ આવ્યું કે "તરત જ તમે તમારો સંબંધ છોડો." આનું ઉત્તમ મેં વિસ્તારથી ભાવનગર લખ્યું છે કે "ભલે, હું પાછો બ્રીટીશમાં જવા તૈયાર છું પણ મને સાજો થાઉં ત્યાં સુધીની રજા આપો ઈત્યાદિ." આનું ઉત્તર જણાયું નથી; દરમીઆન એ લોકોએ આવો મારા ઉપર અન્યાય ચલાવવા માંડ્યો છે તેની વાત મેં ડાઇરેક્ટર ઑફ પબ્લીક ઈન્સ્ટ્રકશનને લખી, તો તેણે ઉત્તર આપ્યું કે રજા વિષે ગમે તેમ કરી લો; પણ જો બ્રીટીશમાં પાછા આવવું હોય તો પોલીટીકલ એજન્ટ મારફત ગવર્મેન્ટમાં લખો. આ બધી વાત ચાલે છે તેવામાં રા. રા. મુ. મનઃસુખરામભાઈ જેને મારી પરમ ચિંતા છે તેમણે એકદમ નડીયાદ આવી રા. રા. મુ. હરિદાસભાઈને મળી એવો બંદોબસ્ત કર્યો કે રા. હરિદાસભાઈ મારી માગણી કરે. એ મુજબ માગણી તા. ૨–૩–૮૯ને રોજ જૂનાગઢથી થઈ ચુકી છે, ને પોલીટીકલે ભાવનગરવાળાને પુછાવ્યું છે કે તમારે મણિલાલને જૂનાગઢ જવા દેવામાં કાંઈ વાંધો છે કે નહિ. આ વાત વચમાં બનવાથી ભાવનગરવાળા આગળ ઈશ્વરે મારી ખરી આબરૂ રાખી છે; ને હવે તેઓ રજા આપો કે ન આપો, તેથી મને કાંઈ હરકત નથી. વળી કચ્છમાં લગ્ન પ્રસંગે રા. રા. મુ. મનઃસુખરામભાઈ ગયેલા છે, તેમની મુખ્ય મતલબ ત્યાં જઈ મારે માટે બંદોબસ્ત કરવાની જ છે. તેઓ હજી પાછા આવ્યા નથી. વડોદરેથી રા. રા. મણિભાઈ સાહેબે પણ લખ્યું છે કે યોગ્ય પ્રસંગે હું તમને તુરત બોલાવીશ.

લેખનવાચન સંબંધ ક્રમ ચાલતો જ છે. વિવિધ વાચન ચાલે છે. મોનીઝમ ઓર અદ્વૈતીઝમ એ ગ્રંથ છપાઈ તૈયાર થઈ ગયો છે – સિદ્ધાંતસાર પણ ગઈ કાલે પૂર્ણ લખાઈ રહ્યો. પ્રસ્તાવના વગેરે જ બાકી છે. એનાં પણ ૨૧ ફાર્મ છપાયાં છે. પ્રિયંવદા તો ચાલે જ છે. બેએક દિવસ ઉપર વડોદરાના ડાયરેક્ટર ઓફ વર્નાક્યુલર ઈન્સ્ટ્રક્શન તરફથી કન્યાશાળા માટે પુસ્તકો રચવાનું નિમંત્રણ મળેલું છે તેનું ઉત્તર આજે લખ્યું છે. જોઈએ શું થાય છે. નવદશ વર્ષથી જે વિચારો, ધર્મ તથા સંસાર પરત્વે મારા મનમાં રમી રહ્યા છે તે અમલમાં મુકવાનો વખત તો હરિએ આપ્યો છે. હવે જોવાનું છે કે શું નીપજે છે. આ વખત સ્વીડનમાં આઠમી ઓરિએન્ટલ કોંગ્રેસ ભરાવાની છે. ત્યાંનું નિમંત્રણ આવ્યું છે. જવાનું તો છે જ નહિ. દ્રવ્ય નથી, શરીર સારું નથી; પણ Monism or advaitism અને સિદ્ધાંતસાર બે ગ્રંથ અને એકાદ નિબંધ 'પુરાણાર્થપ્રકાશ' સંબંધી મોકલવા ધારૂં છું. 'વિયેના જર્નલ' માટે જૈન સ્યાદ્વાદનું કાંઈ લખાણ ડા. બુલર માગે છે, તે પણ તૈયાર કરવા ધારૂં છું. રા. તુકારામ તાત્યાએ થિયોસોફીકલ સોસાઈટી તરફથી પાતંજલ યોગસૂત્રનું ભાષાંતર સુધારવા સોંપ્યું છે તે પણ હવે હાથ લઉં છું. મેડમ બ્લેવેટ્સ્કીનું 'સીક્રેટ ડોક્ટ્રીન' પ્રસિદ્ધ થઈ ચુક્યું છે – અહા! શો જ્ઞાનનો ને રહસ્યનો ભંડાર છે! પાતંજલ સૂત્રને ગુજરાતીમાં પણ ગોઠવી દેવાની ઇચ્છા છે.