આત્મવૃત્તાંત/લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઉપાર્જનના પ્રબંધ મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા
મણિલાલ દ્વિવેદી
૧૯૭૯
દાગીનાની ચોરી →


૧૩. લેખન, ઉપાર્જન અને ઘરસંસારની સમીક્ષા
તા. ૪–૧૦–૮૯ નડીયાદ

આશરે ચાર માસ પછી આ પાનામાં લખવા બેઠો છું પણ આજે જે લખવાનું છે તે એવું છે કે મારી જીંદગીના નાટકનો મુખ્ય અંક તેની સાથે જ સમાપ્ત થાય છે; અને જેમ મરી જઈને ફરી જન્મ પામ્યો હોઉં તે વખત માત્ર હાથ પગ ને આંખોવાળો હોઉં તેવો બની રહ્યો છું.

પ્રથમ કટુંબ વ્યવસ્થા વિષે લખું, કેમકે શરીર તો હવે જેવું સુધર્યું છું [? છે,] તેવું જ છે, એટલે તે સંબંધે કાંઈ લખવા જેવું નથી. સ્વર ઉઘડે તે માટે એકાદ માસ વળી ઔષધ લેઈ જોયું પણ કાંઈ વળ્યું નથી. મારી સ્ત્રીને તો હવે વર્ણવવી પડે તેમ નથી, તે પૂરેપૂરી વ્યભિચારિણી છે એમ પણ હવે સંપૂર્ણ નિશ્ચય થઈ ચુક્યો હતો, અને તેના પિતાને ઘેર કોઈ કણબી નોકર છે તેની સાથે હંમેશને માટે, તથા બીજા અનેક નીચ લોકો જોડે પ્રસંગોપાત તે કુકર્મ કરે છે એમ મને સમજાયું હતું. અલબત્ત મારા ઘરમાં તે રહે ત્યાં સુધી તેનાથી આ વૃત્તિને બહુ સંતુષ્ટ કરી શકાતી નહિ, પણ તેનું ચિત્ત એટલા જ કારણથી મારા ઘરમાં ઠરતું નહિ તે એટલે સુધી કે મારી મરજી તો લેશ પણ સાચવે જ શાની, પણ બીજી અનેક ઉપાધિ પણ કર્યા કરે. હું મુંબઈમાં શરીરના ઔષધ માટે ગયા વર્ષના નવેમ્બરમાં રહેતો હતો તે વખતે તેણે ઘર આગળ જે તોફાન કરેલું તે હાલ જ મારા જાણવામાં આવ્યું હતું. પોતે જ ચોરી કરી ને ચોરી મારાં ઘરનાંને માથે ચઢાવી. તેમને કાંઈ મંત્રેલા દાણા ખવરાવી મારવાનો પ્રયત્ન કર્યો, પણ તે સર્વ નિષ્ફલ ગયું, ને પોતે ચોરેલો માલ પાછો પોતે જ આણી આપ્યો. આ બધાં કારણથી તેના ઉપર મારૂં બહુ દુર્લક્ષ થઈ ગયું હતું. આવા પ્રસંગમાં તેનો વાંક તો વારંવાર નજરે આવે જ, તેથી એકાદ વાર તેમ જણાતાં મેં તેને સહજ એકાદ ડામ દીધેલો. એ વાત તેણે તેના પિતાને કહી અને અનેક યુક્તિઓ ચલાવી. એનો બાપ પણ કેવલ મૂર્ખ એટલે તે નાતના લોકો ભેગા કરી મારે ઘેર આવ્યો. તેઓને ને મારે વાત ચાલતી હતી. ને યદ્યપિ મારી સ્ત્રીને મેં વારંવાર કહ્યું હતું કે તારે જવું હોય તો સુખે ચાલી જા તથાપિ તે પોતાના બાપના કામને ગાળો દેતી હતી ને જવાની ના પાડતી હતી, તે મારા ઘરને પાછળને બારણેથી ચુપકીથી નાસી ગઈ. લોકો વેરાઈ ગયા ને બધા ગામમાં મારા સસરાને માથે અતિશય અપવાદ આવ્યો. મારે તો ટાઢે પાણીએ ખસ ગઈ ને હવે એ વ્યભિચારિણીનું નામ દેવું મટ્યું. આ સ્ત્રી બાળપણથી જારકર્મમાં પ્રવર્તેલી હતી. એની કોઈ વાર મારે હત્યા કરવી પડત, તે કરતાં તે જ ગઈ, એ સારૂં થયું, અને મારે તેનું મોં જોવું મટ્યું. હવે ગમે તો દુકાન માંડે.

મારા શરીરમાં શક્તિ સારી આવી હતી તેથી હું તેની જોડે સંબંધ કરવાના વિચારમાં હતો, એનાં માબાપ એને વસ્ત્રાલંકાર કાંઈ આપતાં નહિ, તેથી તે પણ અમે ઘડાવવા આપ્યાં હતાં, પણ એ બાઈનું નસીબ જ ઉધું તેથી તેને આવો રસ્તો સુજ્યો અને તેણે એ પ્રકારે તેનું ભવિષ્ય ખરાબ કરી લીધું. આ પ્રકરણ સંબંધે મારે બહુ બારીકાઈથી તપાસ કરવી પડેલી છે એ બધી મેં બહુ લક્ષપૂર્વક કરી જોવાથી પ્રતિ પ્રસંગમાં આ સ્ત્રી જ મને દોષિત સાબીત થઈ છે એટલું જ નહિ પણ મારાં માતાપિતાએ એને આવા માર્ગેથી અટકાવી મારી મરજી સંપાદન કરે તેવી થવા બહુ બહુ પ્રયત્ન કર્યો છે એમ પણ મને નિશ્ચય સમજાયું છે. યદ્યપિ મારી માના મનમાં મારા નાનાભાઈના ભવિષ્યનો ભય હશે, ને તેથી તેની પ્રવૃત્તિ ક્વચિત્ ઉલટી થઈ ગઈ હશે, પણ તેના ઉંડા મર્મમાં મારી સ્ત્રી સાથે મને સંપૂર્ણ અણબનાવ કરાવવાની ઇચ્છા નથી જ એમ મારે સ્પષ્ટ કહેવું ઘટે. અર્થાત્ સર્વથા એ સ્ત્રી પોતે જ એટલી નાલાયક છે કે તેને વારંવાર હસ્તે પરહસ્તે સમજાવ્યા છતાં પોતાના સ્વાર્થનું પણ ભાન નથી. કેવળ સ્વતંત્ર સ્વચ્છંદાચારમાં જ તેને આનંદ છે, બાકી પતિની મરજી સંપાદન કરવામાં કોણ પછાત પડે? અને તે સંપાદન ન પણ કેમ થાય? સારાંશ કે આ બાબતમાં જે બન્યું છે તે યોગ્ય જ છે ને મારો જન્મારો યદ્યપિ એક રીતે બગડ્યો છે તથાપિ એ સ્ત્રીને જો કાંઈ હવે પછી વેઠવું પડે તો તેમાં તેણે પોતાને જ આશિર્વાદ દેવાનો છે. છોકરા તો બન્ને મારા તાબામાં જ છે. તેમનું જે હવે પછી થાય તે ખરૂં. મોહોટો છોકરો હાલ તો અભ્યાસ ઠીક કરે છે.

આ પ્રસંગ પૂર્વે અમે સકુટુંબ સર્વે બુડથલ તરફ બાધા હતી ત્યાં જઈ આવ્યાં હતાં, તથા આશાપુરીએ નાના છોકરાના વાળ ઉતરાવી આવ્યાં હતાં. આશાપુરીથી હું પેટલાદ ગયો હતો. ત્યાં લોકોએ મને જે ભાવ અને સત્કાર દર્શાવી ધર્મજિજ્ઞાસા બતાવી તે બહુ સંતોષકારક હતી. ધર્માભિરુચિ કરાવવાનો મારો પ્રયત્ન એટલો સફલ થયો હતો કે આખા ગુજરાતમાંથી મારા તરફ પત્રો એ વિષયના આવે છે, અને અનેક માણસો જાતે પણ મળવા માટે આવે છે. ઘણેક મને પોતાના ગુરૂ રૂપે માને છે; ને એકંદરે સુધારાનો પ્રવાહ અટકતો ચાલે છે. મારા પ્રયત્નનું ફલ હું આવું જોઉં છું એ મને પોતાને બહુ સંતોષની વાત છે. લખવા વાંચવા સંબંધે કાર્ય ચાલતું જ છે. "સિદ્ધાન્તસાર" પ્રસિદ્ધ થઈ ચુક્યો છે. તેને જે માન મળ્યું છે તે પ્રસિદ્ધ જ છે, અત્રે લખવાની જરૂર નથી. "મોનીઝમ ઓર અદ્વૈતીઝમ" એ ગ્રંથ પણ યુરોપ અમેરિકા વગેરેમાં મોકલ્યો છે, ત્યાંથી બુલર, હર્બર્ટ સ્પેન્સર, એડવર્ડ ટાઈલર, દાક્તર રોસ્ટ, વીલીઅમ હંટર, ઈત્યાદિ મહાશયોનાં બહુ ઉચ્ચ અભિનંદનપત્રો આવેલાં છે. યોગસૂત્ર તથા ટીકાઓ આદિ પરથી જે અંગ્રેજી ગ્રંથ રચાય છે તે પૂર્ણ થવા આવ્યો છે. ઓરિએંટલ કોગ્રેસમાં "પુરાણ" વિષે નિબંધ જઈ ચુક્યો છે ને તેની સંભાળ દા. બુલર લેશે એમ તેણે લખેલું છે. સ્યાદ્વાદ વિષે હવે લખવું છે. પ્રિયંવદા તો ચાલે જ છે. વડોદરાવાળા જે કન્યાશાળા માટે વાચનાવલી બનાવવા ધારે છે તેમાં મને કામ સોંપવામાં આવ્યું છે, ને ધર્મ નીતિ તથા સંસાર સંબંધી વિષયો લખવાનું કામ મને નિયત કર્યું છે. આશરે પચાશેક પાઠ લખવાના છે, ને તે સંબંધે તેઓ કાંઈ આપવા પણ ધારે છે. પરંતુ મારે તો એવા કાર્યમાં કાંઈ કરવાનો પ્રસંગ આવ્યો એટલો જ બદલો સંપૂર્ણ છે. મુંબઈમાં એક નવી નાટક મંડલી સ્થપાઈ છે તેણે "કાન્તા" ભજવવાની જાહેરખબર કાઢી ને તે ઉપરથી મેં તેમને નોટીસ અપાવવા વકીલ રા. ગોવર્ધનભાઈને લખ્યું, તે લોકો તેમના સ્નેહી હશે તેથી તેમણે વચમાં પડી નીવેડો આણવા ઇચ્છયું. કંપનીનો માણસ અત્રે આવી મને મુંબઈ તેડી ગયો, તેણે બહુ માનપાન આપ્યું, ને અંતે રૂ. ૮૦) સુધીની એક હીરાની વીંટી મને આપવા માંડી, તથા બીજું એક નાટક રૂ. ૪૦૦-૫૦૦ લઈ રચી આપવા વિનતિ કરવા લાગ્યો. હું સમજતો હતો કે આ લોકો હાલ તુરત મને છેતરવા ઈચ્છે છે, ને અંતે કાંઈ કરવાના નથી, તો પણ ફક્ત ૮૦) રૂપૈયાથી હાથ ઉઠાવવા કરતાં મફત જવા દેવું વધારે આબરૂવાળું ધારી મેં તે લોકોની વીંટી ન સ્વીકારી તથા તેમને કહ્યું કે આગળ ઉપર જેમ ઈચ્છા હોય તેમ કરજો. એ લોકોએ અદ્યાપિ કાંઈ કર્યું નથી, પણ લુચ્ચાઓની આશા હતી જ નહિ, ને છે પણ નહિ. મારા નિત્યકર્મમાં જે ચાલું છે તે ચાલે છે જ, એકસો પાઠ થઈ જવાથી હોમ કરી બ્રાહ્મણભોજન કરી ચુક્યો છું. બીજું શતક ચાલે છે. હજુ જે ઈષ્ટ હતું તે ફલ જણાયું નથી, ઉલટું નુકસાન થયું છે એમ હમણાં જ સમજાશે, પણ મને દઢ વિશ્વાસ છે કે ફલ થયા વિના નહિ જ રહે તેથી હજુ પ્રયોગ ચાલુ છે. મારા પિતા જે પ્રયોગ કરતા તે પણ મેં હવે હાથ લીધો છે.

ઉપાર્જન સંબંધમાં બહુ વાંધો પડી ગયો છે. સિદ્ધાન્તસાર, પ્રાણવિનિમય અને અદ્વૈતિઝમ એ ત્રણ ગ્રંથોમાં જે ખર્ચ થયું ને જે આવક થઈ તેમાંથી રૂ. ૨૦૦) બસોનો આશરો આજ પર્યતમાં નફો રહ્યો છે તથા પુસ્તકો પડ્યાં છે. પ્રાણવિનિમય થઈ રહેવા આવ્યાં છે પણ એના ખર્ચમાં મુખ્ય રકમ જો [? તો] રા.રા. મુ. મનઃસુખરામભાઈએ..* [કાગળ ફાટી ગયો છે] પ્રયત્ન કરી રૂ. ૮૨૦)*[૧] જેટલી અપાવેલી છે. જુનાગઢવાળા મારી સર્વિસ લેવાના હતા તે સંબંધી સરકારે પાછું પુછાવ્યું હતું કે નોકરી શી આપવાના છો તે સ્પષ્ટ કરો તથા પગાર વગેરે ચોખું લખો. આનું યોગ્ય ઉત્તર આપેલું હતું. ભાવનગરવાળાને પણ સરકારે ઠપકો આપ્યો હતો ને ખુલાસો માગ્યો હતો. આ પ્રમાણે થયું હતું ને સર્વ રીતે આશા હતી કે હવે થોડી જ મુદતમાં જુનાગઢને મારી સર્વિસ સરકાર આપશે – જો કે તેમ થવાથી તુરત કાંઈ પગાર તો મળવાનો હતો જ નહિ, કેમકે જ્યારે કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગો ખાલી થાય – કે જેમ થવાનો હવે સંભવ પાસે છે - ત્યારે તે પગાર તે જગોએ સરકારની મારફત ટ્રાન્સફર થઈ લેવાનો હતો. આ બધો આશાભર્યો યોગ ચાલતો હતો તેવામાં વળી મુંબઈથી રા. મનઃસુખરામભાઈએ લખ્યું કે કચ્છ સંબંધી કેટલુંક કામ છે, તે બાબત કેટલાંક પુસ્તકમાંથી હવાલા કાઢવાના છે, ને તે કામ તમને આપવાનું છે. જો કે તેમાં મળવાનું તો કાંઈ નથી, તેથી મુંબઈ આવવું. આમ કરવામાં તેમની મતલબ એમ હતી કે રા. મોતીલાલભાઈ જે મારી નાતના છે, ને જેમણે મારા પિતાનું એક કામ નડીયાદમાં મુન્સફ હતા ત્યારે વસીલાથી જ બગાડી અન્યાય કર્યો હતો, તે મને કચ્છમાં લઈ જવા બાબતમાં રાવશ્રીની મરજી છતાં જરા જરા વિઘ્ન નાખ્યા કરતા હતા તેમને મારા સંબંધમાં આવવાથી મારો હક સ્વીકારી અડચણ કરવાનું ઝાઝું ફાવે નહિ – આ વાત મારા સમજવામાં હતી. તેથી મેં રા. મનઃસુખરામભાઈની આજ્ઞા સ્વીકારી મુંબઈમાં જવું વાજબી ધાર્યું. વળી મારે મુંબઈમાં પેલા


  1. * રૂ. ૧૧૯૫) ત્રણનો ખર્ચ થયેલો હતો.
નાટકવાળાનું પતાવવાનું હતું, તેમ સેક્રેટરીએટમાં મારી નોકરી બાબત તપાસ પણ કરવાની હતી. અર્થાતું હું મુંબઈ ગયો. એ વખતે મારા પિતાને તાવ દિવસ દશેકથી આવતો હતો, ને તેમની પ્રકૃતિ બહુ શિથિલ હતી. પણ કાંઈ ભય ન હતું. છતાં મેં ભય અટકળી તેમને બહુ કહ્યું કે હું મુંબઈ હાલ જતો નથી. પણ તેમણે અત્યંત આગ્રહથી મને જવા કહ્યું ને મારી અટકળને હસી કાઢી. તેમની હોશીઆરી એવી હતી કે જરા પણ શક આવે નહિ કે ...[કાગળ ફાટી ગયો છે] હું શનિવાર તા. ૩૧ ઓગસ્ટે મુંબઈ ગયો, ...[કાગળ ફાટી ગયો છે] જઈ ઝટપટ કચ્છ સંબંધી પુસ્તકો વગેરે ભેગાં કરી લીધાં, સેક્રેટરીએટમાં તપાસ કરી લીધી, નાટકનું પતવવા મથ્યો પણ એ તો કાંઈ વળ્યું નહિ. એમ 129સોમવારે હું નીકળવાનો હતો એવામાં તાર આવ્યો કે પિતાશ્રી શિવરૂપ થઈ ગયા. એ બનાવ તા. ૧ સપ્ટંબરની પૂર્વ રાત્રીએ બન્યો. તે જ રાત્રીના પશ્ચિમ ભાગમાં મને સ્વપ્ન થયું હતું તેથી એ બનાવની સુચના થઈ હતી, તેમ સોમવારે એટલે તા. રને દિવસ પ્રાતઃકાલે પૂજા કરતાં પણ એ વાત સૂચવાઈ હતી. મને જે ખેદ થયો તે અતુલ હતી. નહિ કે પિતાના મરણથી પણ તેમના દેહનું મારી ગેરહાજરીમાં પડવું થવાથી. પ્રારબ્ધયોગને આધીન થઈ, મન વાળી, નડીયાદ આવ્યો, અને તેમના મરણનો અતિ ઉત્તમ યોગ જાણી બહુ પ્રસન્ન થયો. મારા હાથમાં આ પ્રસંગે કાંઈ દ્રવ્ય ન હતું. ઘરમાં પણ તેમજ સીલક હતી. મારા પિતાના ચોપડા તપાસતાં તેમની...[કાગળ ફાટી ગયો છે] ઉઘરાણી આશરે પાંચ હજાર જેટલી હતી તેમ તેમને આશરે બે હજાર જેટલું દેવું હતું. મારા આગવા રૂ. ૪૬૦૦) હતા તે તો છે જ. મારા પિતાના દેવામાં એમ પણ ગણી શકાય કે તેમને ચાર હજાર કરતાં અધિક મેં આપેલા તે સુધાંત તો તેમને છ હજાર દેવું હતું. આ બધી તપાસ કરી મેં તેમનું ક્રિયાખર્ચ કરવામાં સારો વ્યય કરવો આદર્યો. હું એવાં ખર્ચની વિરુદ્ધ છું, પણ જ્યારે તે કરવા વિના ચાલતું જ નથી ત્યારે તો તેને સારી રીતે જ કરવાં. આશરે રૂપીઆ સાતસો મેં તેમાં વાપર્યા, જે મારી જ્ઞાતિની રીતિ કરતાં લગભગ દોઢા બમણા હતા. અને તેથી મને મારા કુટુંબમાં જે ઉત્તમ યશ ત્રણ પેઢીથી એવા કાર્ય સંબંધે ચાલ્યો આવ્યો છે તેવો યશ મલ્યો - રૂપીઆ મેં થોડાક તો પિતાશ્રીના લેણામાંથી ભેગા કરી આપ્યા હતા. આશરે ચાર સાડાચારસો મારી પાસેથી આપ્યા જેમાં યોગ એવો થયો કે પિતાશ્રીના બારમાને દિવસ જ ભાવનગરથી રૂ. ૩ર૭ની હુંડી આવી- કે જે મારા બાકીના પગાર વગેરેની હતી ને જે હાલ નહિ આવવાનો કે કેવલ ન જ આવવાનો મને સંકલ્પ હતો. જે શક્તિને હું ઉપાસું છું તેની ગતિ સહન છે. પણ તે ગતિનો તે પછીનો ચમત્કાર જે થયો છે તેથી તો હાલ હું સ્તબ્ધ બની ગયો છું, ને શું કરવું તેની અનેક યોજનાઓ ઘડ્યાં કરું છું. એ કહેતા પૂર્વે જેને માન ઘટે છે તેને આપવા દો કે મારા પિતરાઈ કાકા ભુલાભાઈ એમને [? ણે] મારા પિતાના કાર્યમાં બહુ જ મદદ કરી તેથી જ હું તેમાં સાંગોપાંગ પાર ઉતર્યો.

એ કાર્ય હજી પત્યું નથી તેવામાં તો સરકારથી જણાયું કે જુનાગઢ તરફ મારી નોકરી આપવામાં નહિ આવે; સબબ કે "જે કામ કરાવવા માટે જૂનાગઢે એ માગણી કરી છે, તે એવું નથી કે તે માટે સરકારી માણસ પૂરો પાડવાની જરૂર હોય."*[૧] આમ થવાથી હું નિરાધાર બની ગયો. તે જ સાથે સરકારે ઠરાવ્યું છે કે ભાવનગરવાળાએ મણિલાલને સરકારી ચાકરીમાં ફરી રજુ થાય ત્યાં સુધીનો રજા વગેરેનો જે દર થાય તે ભરી આપવો. અર્થાત્ સરકારી નોકરીમાં મને પાછો મારી અસલ જેવી જગોએ આણવો ઠર્યો છે. ને ડાયરેક્ટર સાહેબ લખે છે કે કોઈ હાઈસ્કૂલમાં જગો આપવી. એ બાબત મેં લખાણ કર્યું છે કે હું પૂર્વે ગેજેટેડ આફીસર હતો માટે મને તેવી જે જગો આપવી જોઈએ. જોઈએ હવે શું થાય છે. એ સંબંધમાં તો મારે રાજીનામું જ આપવું છે. ને કોઈ+[૨]બીજું જ કાર્ય કરવું છે, કે રજવાડામાં નોકરી કરવી છે – જે થવાનો બહુ સંભવ છે, કેમકે રા રા. મનઃસુખરામભાઈનો બહુ આગ્રહપૂર્વક પ્રયત્ન હવે તો દ્વિગુણિત બળથી ચાલુ જ છે. આ બધા યોગોમાં બહુ સંતોષની વાત એક એ થઈ છે કે મારા પરમ મિત્ર રા. ગોપાલદાસને ભાવનગરના આસિસ્ટન્ટ વસુલાત અધિકારીની જગો અકસ્માતું જ રૂ. ૨૫૦)ના પગારથી મળી છે. એનો અભ્યદય એ મારો જ છે.


  1. * આ સંબંધની ખબર પણ દિવસ બે એક પહેલાં સ્વપ્ન દ્વારા મને સૂચવાઈ હતી.
  2. + આ પાનાનો સંખ્યાક્રમ 131 હોવો જોઈએ પણ ભૂલથી 132 લખ્યો છે. એટલે સંખ્યાક્રમ આપવામાં બૂલ થઈ છે. બીજી ભૂલ નથી. [આ. બા. ધ્રુવે કરેલી નોંધ]