આરોગ્યની ચાવી/ભાગ પહેલો:૪. ખોરાક

વિકિસ્રોતમાંથી
← ૩. પાણી આરોગ્યની ચાવી
૪. ખોરાક
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. મસાલા →


૪. ખોરાક

૨-૯-'૪૨

હવાપાણી વિના મનુષ્ય જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નિર્વાહ તો ખોરાકથી જ થઈ શકે. અન્ન એનો પ્રાણ છે.

ખોરાક ત્રણ જાતનો કહેવાય : માંસાહાર, શાકાહાર, ને મિશ્રાહાર. અસંખ્યમાણસો મિશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. દૂધને કોઈ પણ રીતે આપણે શાકાહારમં નથી ગણી શકતા. તેમ લૌકિક ભાષામાં એ કદી માંસાહરમાં નથી ગણાતું. સ્વરૂપે તો એ માંસનું જ એક રૂપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દૂધમાં છે. દાક્તરી ભાષામાં એની ગણતરી પ્રાણીજ ખોરાક - ઍનિમલ ફૂડ - માં કરવામાં આવી છે. ઈંડા સામાન્ય રીતે માંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઈંડા એવી રીતે પેદા કરવામાં આવે છે કે મરઘીને મરઘો બતાવવામાં નથી આવતો, અને છતાં તે ઈંડા મૂકે છે. આ ઈંડા કદી પાકતાં નથી. તેમાં મરઘું નહીં થઈ શકે. એટલે જેને દૂધ પીવામાં હરકત નથી તેને આ બીજા પ્રકારના ઈંડા લેવામાં કશી હરકત ન હોવી જોઈએ.

દાક્તરી મત મુખ્યત્વે મિશ્રાહાર તરફ ઢળે છે. જો કે પશ્ચિમમાં દાક્તરનો એક મોટો સમુદાય નીકળ્યો છે જેનો દ્રઢ અભિપ્રાય છે કે, મનુષ્યના શરીરની રચનાને જોતાં એ શાકાહારી જ છે. એના દાંત, હોજરી વગેરે એને શાકાહારી સિદ્ધ કરે છે. શાકમાં ફળોનો સમાવેશ કર્યો છે. અને ફળોમાં સૂકાં અને લીલાં બંને આવી જાય . સૂકાંમાં બદામ, પિસ્તાં, અખરોટ, ચિલગોજા વગેરેનો સમાવેશ છે.

મારો પક્ષપાત શાકાહાર તરફ હોવા છતાં અનુભવે મારે કબૂલ કરવું પડ્યું છે કે, દૂધ અને દૂધમાંથી નીપજતા પદાર્થો-માખણ, દહીં વગેરે વિના મનુષ્યશરીરનો નિભાવ સંપૂર્ણ રીતે નથી થઈ શકતો. મારા વિચારોમાં આ મહત્ત્વનો ફેરફાર થયો છે. મેં દૂધ ઘી વિના છ વર્ષ ગાળ્યાં છે. તે વખતે મારી શક્તિમાં કશી ન્યૂનતા નહોતી આવી. પણ મારા અજ્ઞાનને લીધે હું ૧૯૧૭ની સાલમાં સખત મરડાનો ભોગ બન્યો. શરીર હાડપિંજર થઈ ગયું. હઠપૂર્વક દવા ન લીધી અને એટલી જ હઠપૂર્વક દૂધ કે છાશ ન લીધાં શરીર કેમેય ન બાંધી શકાય. દૂધ ન લેવાનું મેં વ્રત લીધું હતું. દાક્તરે કહ્યું, "પણ તે તો ગાયભેંસના દૂધ વિશે હોય." "બકરીનું દૂધ કેમ ન લેવાય?" ધર્મપત્નીએ ટાપસી પૂરી ને હું પીગળ્યો. ખરું જોતાં જેણે ગાયભેંસના દૂધનો ત્યાગ કર્યો હોય તેને બકરી વગેરેના દૂધની છૂટ હોવી ન જોઈએ, કેમ કે એ દૂધમાં પદાર્થો એક જ જાતના હોય છે. ફરક કેવળ માત્રાનો જ છે. એટલે મારા વ્રતના અક્ષરનું જ પાલન થયું. તેનો આત્મા તો હણાયો. ગમે તેમ હોય. બકરીનું દૂધ તુરંત આવ્યું ને મેં લીધું. મને નવચેતન આવ્યું. શરીરમાં શક્તિ આવી ને ખાટલેથી ઊઠ્યો. એ અને એવા બીજા અનેક અનુભવો ઉપરથી હું લાચારીથી દૂધનો પક્ષપાતી થયો છું. પણ મરો દ્રઢ વિશ્વાસ છે કે, અસંખ્ય વનસ્પતિઓમાં કોઈક તો એવી છે જ કે જે દૂધ અથવા માંસની સંપૂર્ણ ગરજ સારે અને તેના દોષથી મુક્ત હોય. પણ આ શોધ તો થાય ત્યારે ખરી.

મારી દ્રષ્ટિએ દૂધ અને માંસમાં દોષ તો રહ્યાં જ છે. માંસને સારુ આપણે પશુપંખીનો નાશ કરીએ છીએ. અને માન દૂધ સિવાય બીજા દૂધનો અધિકાર તો આપણને ન હોય. આ નૈતિક દોષ ઉપરાંત બીજા દોષો કેવળ આરોગ્યની દ્રષ્ટિએ રહ્યા છે. બંનેમાં તેના માલિકના દોષો ઊતરે જ છે. પાળેલાં પશુ સામાન્યપણે તંદુરસ્ત નથી હોતાં. જેમ મનુષ્યમાં તેમ પશુઓમાં પુષ્કળ રોગો થાય છે. ઘણી પરીક્ષાઓ થતાં છતાં, ઘણા રોગો પરીક્ષકની નજર બહાર રહી જાય છે. બધાં પશુઓની સારી પરીક્ષા અસંભવિત લાગે છે. મારી પાસે ગૌશાળા છે. મિત્રોની મદદ સહેજે મળી રહે છે. પણ મારાથી ખાતરીપૂર્વક ન કહી શકાય કે, મારી પાસે રહેલાં પશુઓ નીરોગી જ હોય. એથી ઊલટું એમ જોયું છે કે, જે ગાય નીરોગી માનવામાં આવતી હતી તે છેવટે રોગી સિદ્ધ થઈ છે. એ શોધ થતાં પહેલાં તો રોગી ગાયના દૂધનો ઉપયોગ થયો હતો. આસપાસના ખેડૂતો પાસેથી પણ દૂધ સેવાગ્રામ આશ્રમ લે છે. તેઓનાં ઢોરની પરીક્ષા કોણ કરે? દૂધ નિર્દોષ છે કે નહીં એ પરીક્ષા કઠિન વસ્તુ છે. એટલે દૂધને ઉકાળીને જેટલો સંતોષ મળી શકે એટલેથી કામ ચલાવવું રહ્યું. બીજે બધે આશ્રમના કરતાં ઓછી જ પરીક્ષા હોવાનો સંભવ છે.

જે દૂધ દેતાં પશુઓને વિશે લગુ પડે છે તે માંસને સારુ કતલ થતાં પશુઓને વિશે વધારે લાગુ પડે છે. પણ ઘણે ભાગે તો ભગવાન ભરોસે જ આપણું કામ ચાલે છે. મનુષ્ય પોતાના આરોગ્યની ચિંતા ઓછી જ કરે છે. તેણે પોતાને સારુ વૈદ્ય, દાક્તરો, હકીમ વગેરેનો કોટ ચણી રાખ્યો છે, ને પોતાને સુરક્ષિત માને છે. તેની મોટી ચિંતા ધનપ્રતિષ્ઠા વગેરે મેળવવાની રહે છે ને તે ચિંતા બીજી ચિંતાઓને ગળી જાય છે. એટલે જ્યાં લગી કોઈ પારમાર્થિક વૈદ્ય, દાક્તર, હકીમ ખંતપૂર્વક સંપૂર્ણ ગુણવાળી વનસ્પતિ શોધી નથી શક્યા, ત્યાં લગી મનુષ્ય માંસાહાર, દૂધાહાર કર્યે જશે.

હવે યુક્તાહાર ઉપર વિચાર કરીએ. મનુષ્યશરીર સ્નાયુ બાંધનાર, ગરમી આપનાર, ચરબી વધારનાર, ક્ષારો આપનાર અને મળને કાઢનાર દ્રવ્યો માંગે છે. સ્નાયુ બંધનાર દ્રવ્યો દૂધ, માંસ, કઠોળ તથા સૂકા મેવામાંથી મળે છે. દૂધ, માંસનાં દ્રવ્યો કઠોળાદિ કરતાં વધારે સહેલાઈથી પચે છે ને સર્વાંશે વધારે લાભદાયી છે. દૂધ અને માંસમાં દૂધ ચડી જાય છે. માંસ પચી ન શકે ત્યારે પણ દૂધ પચી શકે છે એમ દાક્તરો કહે છે, માંસાહર નથી કરતા તેને તો દૂધની બહુ મોટી ઓથ મળે છે. પચવામાં રાંધ્યા વગરનાં ઈંડાં સૌથી વધારે સારાં ગણાય છે. પણ દૂધ કે ઈંડાં બધાંને સાંપડતાં નથી. એ બધેય મળતાં પણ નથી. દૂધને વિશે એક બહુ અગત્યની વસ્તુ અહીં જ કહી જાઉં. જેમાંથી માખણ કાઢી લેવામાં આવે છે એ દૂધ નકામું નથી. તે અત્યંત કીમતી પદાર્થ છે. કેટલીક વેળા તો તે માખણવાળા દૂધ કરતાં ચડી જાય છે. દૂધનો મુખ્ય ગુણ સ્નાયુવર્ધક પ્રાણિજ દ્રવ્ય આપવાનો છે. માખણ કાઢી લીધા પછી પણ એ દ્રવ્ય કાયમ રહે છે. છેક બધું માખણ કાઢી શકાય એવું યંત્ર હજુ લગી તો બન્યું નથી. બનવાનો સંભવ પણ ઓછો જ છે.

૪-૯-'૪૨

પૂર્ણ દૂધ કે અપૂર્ણ દૂધ ઉપરાંત બીજા પદાર્થોની જરૂર રહે છે. બીજો દરજ્જો ઘઉં, બાજરો, જુવાર, ચોખા વગેરે અનાજોને આપી શકાય. હિંદુસ્તાનમાં પ્રાંતે પ્રાંતે અનાજ નોખાં જોવામાં આવે છે. ઘણે ઠેકાણે કેવળ સ્વાદને ખાતર એ જ ગુણવાળાં એકથી વધારે અનાજ એકી વખતે ખાવામાં આવે છે. જેમ કે ઘઉં, બાજરો ને ભાત ત્રણેય વસ્તુ સાથે થોડી થોડી લેવાય છે શરીરના પોષણને સારુ આ મિશ્રણ જરૂરી નથી.એથી માપ ઉપર અંકુશ જળવાતો નથી અને ને હોજરીને વધારે પડતું કામ અપાય છે. એક જ અનાજ એકીવખતે લેવું ઠીક ગણાશે. આ અનાજોમાંથી મુખ્યત્વે સ્ટાર્ચ મળે છે. બધાં અનાજોમાં ઘઉં રાજા છે. દુનિયાની ઉપર નજર નાખીએ તો ઘઉં વધારેમાં વધારે ખવાય છે. આરોગ્યની દ્રષ્ટીએ ઘઉં મળે તો ચાવલ અનાવશ્યક છે. જ્યાં ઘઉં ન મળે અને બાજરો, જુવાર ઇત્યાદિ ન ભાવે કે ન રુચે તો ચાવલ લેવા ઘટે છે.

૬-૯-'૪૨

અનાજમાત્રને બરાબર સાફ કરીને ઘરની ઘંટીમાં દળી, ચાળ્યા વગર વાપરવું જોઈએ, તેની ભૂસીમાં સત્ત્વ છે અને ક્ષારો છે. એ બંને બહુ ઉપયોગી પદાર્થો છે. વળી એમાં એવો પદાર્થ હોય છે કે જે પચ્યા વગર નીકળી જાય. તે સાથે મળને કાઢે છે. ચાવલનો દાણો નાજુક હોવાથી કુદરતે તેના ઉપર પડ બનાવ્યું છે, જે ખાવાના ઉપયોગનું હોતું નથી. તેથી ચાવલને ખાંડવામાં આવે છે, ઉપલું પડ કાઢવા પૂરતા જ ચાવલને ખાંડવા જોઈએ. યંત્રમાં ખાંડેલા ચાવલને તો, તેની ભૂસી છેક નીકળી જાય ત્યાં લગી ખાંડવામાં આવે છે. આનું કારણ એ છે કે, જો ભૂસી રાખવામાં આવે છે તો ચાવલમાં તુરત ઈયળ કે ધનેડાં પડે છે. કારણ કે ચાવલની ભૂસીમાં બહુ મીઠાશ રહેલી છે. અને ઘઉં કે ચાવલની ભૂસીને કાઢતાં માત્ર સ્ટાર્ચ રહી જાય છે. અને ભૂસી જતાં અનાજનો બહુ કીમતી ભાગ છૂટી જાય છે. ઘઉં ચાવલની ભૂસી એકલી રાંધીને પણ ખાઈ શકાય. તેની રોટલી પણ બની શકે. કોંકણી ચાવલનો તો આટો કરીને તેની રોટલી જ ગરીબ લોકો ખાય છે. ચાવલના આટાની રોટલી આખા ચાવલ રાંધીને ખાવા કરતાં કદાચ વધારે પાચક હોય ને ઓછી ખાવાથી પૂરતો સંતોષ આપે.

આપણામાં રોટલીને દાળમાં કે શાકમાં બોળીને ખાવાની ટેવ છે. આથી રોટલી બરોબર ચવાતી નથી. સ્ટાર્ચના પદાર્થો જેમ ચવાય ને મોઢામાં રહેલા થૂંક(અમી)ની સાથે મળે તેમ સારું. એ થૂંક (અમી) સ્ટાર્ચ પચાવવામાં મદદ કરે છે. ચાવ્યા વિના ખોરાક ગળી જવામાં આવે તો તે મદદ ન મળી શકે. તેથી ચાવવો પડે એવી સ્થિતિમાં ખોરાક ખાવો લાભદાયી છે.

સ્ટાર્ચપ્રધાન અનાજ પછી સ્નાયુ બાંધનાર કઠોળને બીજું પદ આપવામાં આવે છે. દાળ વિનાના ખોરાકને સહુ કોઈ અપૂર્ણ ગણે છે. માંસાહારીને પણ દાળ તો જોઈએ જ. જેને મજૂરી કરવી પડે છે, અને જેને પૂરતું કે મુદ્દલ દૂધ મળતું નથી, તેને દાળ વિના ન ચાલે એ સમજી શકાય છે. પણ જેને શારીરિક કામ ઓછું પડે છે, જેવા કે મુત્સદ્દી, વેપારી, વકીલ, દાક્તર કે શિક્ષક, અને જેને દૂધ મળી રહે છે, એને દાળની જરૂર નથી, એમ કહેતાં મને જરા પણ આંચકો નથી આવતો. સામાન્યપણે પણ લોકો દાળને ભારે ખોરાક માને છે ને સ્ટાર્ચપ્રધાન અનાજ કરતાં બહુ ઓછા પ્રમાણમાં લે છે. દાળોમાં વાલ, વટાણા બહુ ભારે ગણાય છે, મગ ને મસૂર હળવાં. દેખીતું છે કે , માંસાહારીને દાળની મુદ્દલ જરૂર નથી. એ માત્ર સ્વાદને સારુ દાળ ખાય છે. કઠોળને ભરડ્યા વિના રાતભર પલાળીને ફણગા ફૂટે ત્યારે તોલા જેટલું ચાવવામાં આવે તો ફાયદો કરે છે.

ત્રીજું પદ શાક અને ફળને આપવું ઘટે. શાક અને ફળ હિંદુસ્તાનમાં સસ્તાં હોવા જોઈએ, પણ એમ નથી. તે કેવળ શહેરીઓનો ખોરાક ગણાય છે. ગામડાંઓમાં લીલોતરી ભાગ્યે જ મળે અને ઘણી જગ્યાએ તો ફળ પણ નહીં. આ ખોરાકની અછત એ હિંદુસ્તાનની સભ્યતા ઉપર એક મોટો ડાઘ છે. દેહાતીઓ ધારે તો લીલોતરી પુષ્કળ ઉગાડી શકે છે. ફળઝાડોને વિશે મુશ્કેલી છે ખરી, કેમ કે જમીન-વપરાશના કાયદા સખત છે ને ગરીબોને દબાવનારા છે. પણ આ તો વિષયાંતર થયું.

લીલોતરીમાં પાંદડાની ભાજીઓ (પત્તી-ભાજી) જે મળે તે સારા પ્રમાણમાં રોજ શાકમાં હોવી જોઈએ. જે શાકો સ્ટાર્ચપ્રધાન છે એની ગણતરી અહીં શાકમાં નથી કરી. સ્ટાર્ચપ્રધાન શાકોમાં બટેટાં, શક્કરિયાં, કંદ, સૂરણ ગણાય. એને અનાજનું પદ આપવું જોઈએ. બીજાં શાક સારા પ્રમાણમાં લેવાવાં જોઈએ. કાકડી, લૂણીની ભાજી, સરસવ, સુવાની ભાજી, ટમેટાં રાંધવાની કશી જરૂર નથી. તેને સાફ કરી બરોબર ધોઈને થોડા પ્રમાણમાં કાચાં ખાવાં જોઈએ.

ફળોમાં મોસમનાં ફળ મળી શકે તે લેવાં. કેરીની મોસમમાં કેરી, જાંબુની મોસમમાં જાંબુ, જામફળ, પપૈયાં, અંગૂર, ખાટાંમીઠાં લીંબુ, સંતરા, મોસંબી વગેરે ફળોનો ઠીક ઉપયોગ થવો જોઈએ. ફળ સવારમાં ખાવાં ઉત્તમ છે. દૂધ અને ફળ સવારે ખાવાથી પૂર્ણ સંતોષ મળી રહે છે. જેઓ વહેલા જમે છે તેઓ સવારના એકલાં ફળ ખાય એ ઈષ્ટ છે.

કેળાં સરસ ફળ છે. પણ એ સ્ટાર્ચમય હોવાથી રોટલીની જગ્યા લે છે. કેળાં ને દૂધ તથા ભાજી સંપૂર્ણ ખોરાક છે.

મનુષ્યના ખોરાકમાં થોડેઘણે અંશે ચીકણા પદાર્થની જરૂર છે. તે ઘી-તેલથી મળી રહે છે. ઘી મળી રહે તો તેલની કશી આવશ્યકતા નથી. તેલો પચવામાં ભારે હોય છે; શુદ્ધ ઘીના જેટલાં ગુણકારી નથી. સામાન્ય માણસને ત્રણ તોલા ઘી મળે તો પૂરતું માનવું જોઈએ. દૂધમાં ધી આવે જ છે. એટલે જેને ઘી ન પરવડે તે એકલું તેલ લે તો ચરબી મળી રહે છે. તેલોમાં તલનું, કોપરાનું, મગફળીનું સારું ગણાય. એ તાજાં હોવાં જોઈએ. તેથી દેશી ઘાણીના મળે તો સારાં. ઘી-તેલ બજારમાં મળે છે તે લગભગ નકામાં જેવાં હોય છે, એ ખેદની અને શરમની વાત છે. પણ જ્યાં લગી કાયદા વડે કે લોકકેળવણી વડે વેપારમાં પ્રમાણિકપણું દાખલ ન થાય, ત્યાં લગી લોકોએ કાળજી રાખીને ચોખ્ખી વસ્તુઓ મેળવવી રહી. ચોખ્ખીને બદલે જે તે મળે તેથી કદે સંતોષ નહીં માનવો. ખોરું ઘી કે ખોરું તેલ ખાવા કરતાં ઘી-તેલ વિના રહેવું વધારે પસંદ કરવા જેવું છે.

જેમ ચીકટની ખોરાકમાં જરૂર છે તેમ જ ગોળખાંડની. જોકે મીઠાં ફળોમાંથી પુષ્કળ મીઠાશ મળી રહે છે છતાં બેથી ત્રણ તોલા ગોળખાંડ લેવામાં હાનિ નથી. મીઠાં ફંળો ન મળે તો ગોળખાંડની જરૂર હોય. પણ આજકાલ મીઠાઈ ઉપર જે ભાર મૂકવમાં આવે છે બરોબર નથી. શહેરના માણસો બહુ વધારે મીઠાઈ ખાય છે. દૂધપાક, બાસૂદી, શિખંડ, પેંડા, બરફી, જલેબી વગેરે મીઠાઈઓ ખવાય છે. તે બધાં અનાવશ્યક છે. વધારે પ્રમાણમાં ખાવાથી નુકશાન કરે છે. જે દેશમાં કરોડો માણસોને પૂરું અન્ન પણ નથી મળતું, ત્યાં જેઓ પકવાન ખાય છે તે ચોરીનું ખાય છે એમ કહેવામાં મને મુદ્દલ અતિશયોક્તિ નથી લાગતી.

જેમ મીઠાઈનું તેમ જ ઘી-તેલનું. ઘી-તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની કશી આવશ્યકતા નથી. પૂરી, લાડુ વગેરે બનાવવામાં જે ઘીનો ખર્ચ થાય છે એ કેવળ વગર વિચાર્યું ખર્ચ છે. જેને ટેવ નથી તેઓ આ વસ્તુ ખાઈ જ શકતા નથી. અંગ્રેજો આપણા મુલકમાં આવે છે ત્યારે આપણી મીઠાઈઓ અને ઘીમાં રાંધેલી વસ્તુઓ ખાઈ જ નથી શકતા. ખાનારા માંદા પડ્યા છે, એ મેં ઘણી વાર જોયું છે. સ્વાદો કેળવેલી વસ્તુ છે.જે સ્વાદ ભૂખ પેદા કરે છેતે સ્વાદ છપ્પન ભોગમાં નથી. ભૂખ્યો માણસ સૂકો રોટલો અત્યંત સ્વાદથી ખાશે. જેનું પેટ ભર્યું છે તે સારામાં સારું ગણાતું પકવાન નહીં ખાઈ શકે.

૮-૯-'૪૨

કેટલું અને કેટલી વખત ખાવું એ વિચારીએ. ખોરાકમાત્ર ઔષધરૂપે લેવો જોઈએ; સ્વાદને ખાતર કદી નહી સ્વાદમાત્ર રસમાં રહેલો છે, અને રસ ભૂખમાં છે. હોજરી શું માંગે છે એની ખબર બહુ થોડાને રહે છે, કેમ કે આદત ખોટી પડી ગઈ છે.

જન્મદાતા માતાપિતા કંઈ ત્યાગી ને સંયમી નથી હોતાં. તેમની ટેવો થોડે ઘણે અંશે બચ્ચામાં ઉતરે છે. ગર્ભાધાન પછી માતા જે ખાય છે તેની અસર બાળક ઉપર પડે જ. પછી બાલ્યાવસ્થામાં માતા અનેક સ્વાદો કરાવે છે. પોતે ખાતી હોય એ બાળકોને ખવરાવે છે. એટલે હોજરીને ખોટી ટેવ બચપણથી જ પડેલી હોય છે. તેને વટી જનાર તો બહુ વિચારી થોડા જ હોઈ શકે. પણ જ્યારે મનુષ્યને ભાન થાય છે કે, તેના શરીરનો તે સંરક્ષક છે અને શરીર સેવાર્પણ થયું છે ત્યારે શરીરસુખાકારીના નિયમો જાણવાની તેને ઈચ્છા થાય છે, ને તે નિયમોનું પાલન કરવાનો તે મહાપ્રયાસ કરે છે.

૯-૯-'૪૨

ઉપરની દ્રષ્ટિએ બુદ્ધિજીવી મનુષ્યોનો રોજનો ખોરાક નીચે પ્રમાણે યોગ્ય ગણાય:

૧. બે રતલ ગાયનું દૂધ
૨. છ ઔંસ એટલે પંદર તોલા અનાજ (ચોખા, ઘઉં, બાજરી ઈ. મળીને)
૩. શાકમાં પાંદડા (પત્તી-ભાજી) ત્રણ સૌંસ અને પાંચ ઔંસ બીજાં શાક.
૪. એક ઔંસ કાચું શાક.
૫. ત્રણ તોલા ઘી કે ચાર તોલા માખણ.
૬. ત્રણ તોલા ગોળ કે સાકર.
૭. તાજા ફળ જે મળે તે રુચિ અને શક્તિ પ્રમાણે. રોજ બે ખાટાં લીંબુ હોય તો સારું.

આ બધાં વજન કાચા એટલે કે વગર રાંધેલા પદાર્થના છે. નિમકનું પ્રમાણ નથી આપ્યું. રુચિ ઉપરથી લેવું જોઈએ. ખાટાં લીંબુનો રસ શાકમાં ભેળવાય અથવા પાણી સાથે પિવાય.

આપણે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ? ઘણા તો માત્ર બે જ વખત ખાય છે. સામાન્ય રીતે ત્રણ વાર ખવાય છે. સવારે કામે ચડતાં પહેલાં, બપોરે, ને સાંજે કે રાતે. આથી વધારે વખત ખાવાની કશી જરૂર નથી હોતી. શહેરોમાં કેટલાક વખતોવખત ખાય છે. આ નુકશાન કારક છે. હોજરી આરામ માગે છે.