દીનાનાથની ઢાળો/ઢાળ ૩જી
Appearance
← ઢાળ ૨જી | દીનાનાથની ઢાળો ઢાળ ૩જી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૪થી → |
આ ઢાળ એકલ કૃતિ કે પ્રાર્થના સ્વરૂપે "આર્તપણામાં ઈશ્વરપ્રાર્થના" એ નામે પણ પ્રસિદ્ધ છે. |
ઢાળ ૩જી
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે.
પ્યારા પોતાનો જાણીને પ્રભુપદ પાડજો રે ...ટેક.
પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું;
મને હશે શું થાતું ?નાથ નિહાળજો રે. મારી... ૧
અનાદિવૈદ્ય આપ છો સાચા, કોઈ ઉપાય વિશે નહિ કાચા;
દિવસ રહ્યાં છે ટાંચા વેળા વાળજો રે. મારી... ૨
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હથ છતાં કાં હારો?
મહા મુંજ્ગારો મારો નટવર ટાળજો રે. મારી... ૩
કેશવ હરિ મારું શું થાશે ?ઘાણ વળ્યે શું ગઢ ઘેરાશે ?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે. મારી... ૪