આ તે શી માથાફોડ !/૧૨૦. બા , હું તને અબોટ કરાવું ?

વિકિસ્રોતમાંથી
← ૧૧૯. પિતા વિષે આ તે શી માથાફોડ !
૧૨૦.બા હું તને અબોટ કરાવું
ગિજુભાઈ બધેકા
૧૨૩. ઓય , એ તો ચુંક આવતી હતી →


: ૧૨૦ :
બા હું તને અબોટ કરાવું ?

“બા, હું તને અબોટ કરાવું ? લે તું પાણી નાખ ને હું વાળું.”

“લે રાખ, રોયા બાયલા ! અબોટ તો છોકરીઓ કરે.”

×××

“બા, હું આ ઘર વાળી નાખું ?”

“રોયા, ભીખાને પગાર મફતનો આપીએ છીએ ?” વાળવા વળો થજે વાળવાવાળો !”

×××

“બા જો તો ? મેં આ મારો રૂમાલ હાથે ધોયો.”

“હવે આઘો ખશ, આ આખું પહેરણ પલાળ્યું ને પગ ગારો ગારો કર્યા ! મારે તે લૂંગડા ય કેટલા ધોવાં ?”

×××

“બા, પણે જીવીકાકીને ઘરે હીંચકો બાંધ્યો છે તે હીંચકવા જાઉં ?”

“ત્યાં ક્યાં જાતો’તો ? હાથ પગ ભાંગે તો મારાથી ચાકરી થાય એમ નથી. નથી જવું ત્યાં.”

×××

“બા, આ મારાં ને બેનનાં લૂગડાં સંકેલું ?”

“રોયાને કાંઈ ધંધો છે ? મૂક લૂગડાં કોરે; ખશ આઘો !”

×××

“જો બા, હું આ કેવા નાના નાના રાતા ને પીળા કાચના કટકા લઈ આવ્યો ! ઓલી પારેખની વંડી પાસે પડ્યા'તા.”

“એ એને નાખી આવ, ઓલ્યા ખાડામાં. ઘરમાં લાવ્યો છે તે કો'ક ના પગમાં લાગશી તો છ મહિનાનો ખાટલો થશે. એ તો ભાળ્યા તારા કાચ !”

×××

“બા, આ સોયમાં દોરો પરોવી દેને ?”

“વળી સોયદોરા ક્યાંથી લીધા ? આનું તે શું કારવું ? કાંઈ બીજો કામધંધો છે કે નહિ ? મૂકી દે સોય .”

×××

“બા, આપણા ઘરની વાંસે છાંયો છે ત્યાં વીજુ સાથે રોટલો રોટલો રમવા જાઉં ?”

“ઠીક, હવે; બાકી રહ્યું હોય તો ઈ કર્ય. બાપુ, ઈ વીજુડી હારે મારે નથી રમવું. ને એની માને મારાથી નો પો’ચાય ! રમવામાં ને રમવામાં આટલી હોળાયા જેવડી તો થઈ છે .”

“તે હું ને વીજુડી તો કંઈ બાધતાં નથી; અમે તો ભાઈબંધ છીએ.”

“હવે આઘો જાને, નહિ જોઈ હોય તમારી ભાઈબંધી !

×××

ત્યારે બા, મારા બાપા કહી ગયા છે કે આ ખડિયો સાફ કરજે; તે હું કરું ? “

“હવે બાકી રહ્યું હોય તો ઈ કર્ય. ઈ મારે કાળા હાથ ને કાળું મોઢું નથી કરવું. તારા બાપાને કંઈ કામ નહિ તે કીધા કરે !”

×××

“ત્યારે બા, હું આ ગરિયો ફેરવું ?”

“અત્યારે ખરે બપોરે તે ગરિયો હોય ? કાંઈ વખત તો જો. કંઈક કામ કર્ય રોય ! આ કરું ને તે કરું એમ પૂછ્યા શું કર્રે છે ?”

“પણ ત્યારે કરું શું ? “

“શું કેમ ? બધા છોકરા શું કરતા હશે ?”

“પણ તું મને ક્યાં કંઈ કરવા દે છે ? “ તું તો બધાની ના જ પાડે છે !”

“તે ન કરવાના કામ કરવા દે ?”

“ત્યારે કરવાનું કામ કયું ?”

“એ મારું લોહી પી મા. તારા કાકા આવશે ત્યારે કહીશ; એ તને કામ બતાવશે.”