આ તે શી માથાફોડ !/૧૨૩. ઓય , એ તો ચુંક આવતી હતી

વિકિસ્રોતમાંથી
← ૧૨૦. બા, હું તને અબોટ કરાવું ? આ તે શી માથાફોડ !
૧૨૩. ઓય, એ તો ચૂંક આવતી હતી
ગિજુભાઈ બધેકા
૧૨૪. ચણાનો લોટ →


: ૧૨૩ :
ઓય, એ તો ચૂંક આવતી હતી

“શું છે ? આજ રમુ કેમ રડે છે ?”

“કોણ જાણે, રોંઢા દિ'નું આદર્યું છે તે રોતી રે'તી જ નથી. રહી રહીને રાડ્યો નાખે છે.”

“કાંઈ કારણ હશે.”

“કારણ શું હોય મારી કઠણાઈ .”

“એમાં આકળી શું થાય છે ? છોકરાં છે તે રડે.”

“તમારે ઠીક છે . ઈ કાંઈએ માનો જીવ છે તે છોકરું રોવે તો કળીએ કળીએ કપાય. લ્યો, આ પૂછ્યું: “શું કામ રડે છે ?”

“વખતે ભૂખી હોય તો ?”

“ભૂખી ભૂખી તો કાંઈ નથી. કેટલી યે વાર ધવરાવી, પણ ઈ જરાક ધાવે છે ને મૂકી દે છે. ભૂખી હોય તો કાંઈ એમ કરે ?

“કાંઈ થયું હોવું જોઈએ. કોણ જાણે, પેટ ચડ્યું હોય તો ? લાવ, જોઉં જોઈ એ, પેટ ડબડબ બોલે છે ?”

“પેટ તો કાંઈ ચડ્યું નથી. રૂપાળું પાસા જેવું છે.”

“ત્યારે લાવ જોઈએ, રમાડું; જરા બહાર લઈ જાઉં.”

છગનભાઈ રમુને તેડીને બહાર શેરીમાં લઈ જાય છે.

રમુ ઘાડીક રોતી રહી જાય: એ ને ઘડીક ચીસેચીસ નાખે છે.

જમનાદાદી શેરીમાંથી નીકળ્યાં. છગનભાઈ કહે: “માડી જુઓ તો ? આછોડી ક્યારની રડે છે. કાંઈ થયું છે ?”

“જોઉં જોઈએ, પેટ દેખાડો તો ? અરે, આતો પેટમાં ચૂંક આવતી લાગે છે. એની બાના ખાવામાં કાંઈક આવ્યું હશે. કાલે વાલ ખાધા હતા કે ?”

“હા, કાલે નાત હતી ને વાલ તો હતા !”

ઠીક ત્યારે એમ કહોને ! જરાક સૂવાદાણા ને સંચળ ચાવીને મોઢામાં બે ટીપાં પાડો. રોતી રહી જશે ને ઊંઘી જશે.”

દાદીમાએ કીધું તેમ રમુની બાએ કર્યું. રમુ રોતી રહી ગઈ. “ઓય ! એ તો ચૂક આવતી'તી બા ! આપણને શી ખબર પડે કે સેંતકનાવાલ ખાધે છોકરાંને ચૂક આવે ?”