આ તે શી માથાફોડ !/૧૨૫. અથાણું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૧૨૪. ચણાનો લોટ આ તે શી માથાફોડ !
૧૨૫.અથાણું
ગિજુભાઈ બધેકા
૧૨૬. એવી વાર્તા કહેવી ? →


“જા રસીલા, ફઈબાને ત્યાંથી અથાણું લઈ આવ જોઈએ ?”

રસીલા ફઈબાને ત્યાં ગઈ. ફઈબાએ હોંશથી આવકાર આપ્યો; અથાણાની એક પછી એક બધી બરણીઓ ઉઘાડી ને સારું સારું અથાણું આપ્યું. રસીલા અથાણું લઈને ઘેર આવી. રસીલાએ, એની બાએ ને સૌએ અથાણું ખાંતે કરીને ખાધું.

બપોરે બાની બેનપણી આવી. રસીલાની બાવતો કરતાંહતાં: "છેને કાંઈ ફઈનો જીવ ! અથાણું મંગાવ્યું તો આપ્યું ભૂંડુંભૂખ જેવું. હશે ગયા વરસનું પડેલું !”

ત્રણ દિવસ પછી પાડોશમાંથી રમાબેનની દીકરી હંસા રસીલાને ત્યાં અથાણું લેવા આવી. બાએ રસીલાને એક બાજુએ બોલાવીને કહ્યું: "જો, એતો રોજ ને રોજ લેવા આવે છે. એમ દઈએ તો પાર ક્યાં આવે ? કાઢી આપ પેલી બરણીમાંથી ગયા વરસનું ઘણું છે તે. ને એ તો લઈને આવી છે મોટું છાલિયું; થોડુંક દેજે.”

બપોરે રસીલાની બાની બેનપણી આવી. રસીલાની બા કહેતાં હતાં: "બા અમારે તો અથાણું આપી આપીને જ ખૂટી જાય ! આડોશીપાડોશી સૌ માગવા આવે. કાંઈ ના પડાય છે ? ને થોડું યે કાંઈ અપાય છે ? ને છે તે, ઘરમાં જેવું તેવું હોય તો ખવાય, પણ બહાર તો સારું જ દેવું જોઈએ ના ?

રસીલા તો મનમાં ને મનમાં સમસમી ગઈ ! રસીલાને આજે બાએ કેવું હલકાઈનું શિક્ષણ આપ્યું !