આ તે શી માથાફોડ !/૩. ગજુડો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨. વાંચ્યા, તું શું વાંચતો'તો આ તે શી માથાફોડ !
૩. ગજુડો
ગિજુભાઈ બધેકા
૪. બાળકની દ્રષ્ટિએ કાગા લઈ ગ્યા ! →


: 3 :
ગજુડો

“એ સાંભળ્યું કે ? આ ગજુડાને અહીંથી ઉપાડી લેશો ?”

“શું છે ?”

“આ ક્યારનો નહાવાની ઓરડીમાં જઈને પાણી ઢોળે છે.”

“તે ભલેને ઢોળે.”

“પણ આ પહેરણ ભીનું કરીને બગાડે છે”

“તે એમાં શું થઈ ગયું ? પહેરણ ધોઈ નખાશે.”

“પણ ઈ માદો પડશે એનું શું ? આખો દિ' પાણી ચૂંથ ચૂંથ કરાય ?”

“ઉનાળો છે; કાંઈ માંદો પડતો નથી. ઉનાળામાં છોકરાંને પાણી ગમે.”

“પણ એ પાણી ઢોળ્યા કરે ઈ મને નો ગમે. આ બે બાલદી ઢોળી નાખી.”

“પાણીની ક્યાં ખોટ છે ? નળ આખો દિ' આવ્યા જ કરે છે.”

“પણ આ ઓરડી ભીની ભીની કરી નાખી. ભીની ઓરડી તે કાંઈ સારી લાગે ?”

“એ તો હમણા સૂકાઈ જશે. ઉનાળામાં સુકાતાં કેટલી વાર ?”

“પણ એ પાણી ચૂંથ ચૂંથ કરે તે મને નો ગમે. આ મારા હાથ એંઠા છે તેમાં. તમે લઈ લ્યો છો કે ?”

“ભલેને પાણી ઢોળતો ! તારું શું જાય છે ?”

“એ મને અહીં બેઠાં બેઠાં કંઈક થઈ જાય છે એ ક્યારનો પાણી ઉડાડ્યા કરે છે, ને મારે માથે ક્યારનો ખડખડાટ કર્યા કરે છે.”

“એ તો પાણીથી રમે છે. નાનાં છોકરાંને પાણીથી રમવું બહુ ગમે. ભલેને બે ઘડી મજા કરે !”

“પાણીથી તે ક્યાંઈ રમત રમાતી હશે ? એમાં તે શી મજા બળી છે ? એલા ગજુડા ! ભાગ્યો કે ? આ વેલણનો ઘા કરીશ હો ? તમે એને લઈ જાવ હો ! એ નહિ ગાંઠે તો પછી મારું ધાર્યું નહિ ઊતરે. પછી મને કાંઈ......”

“આનું તે કરવું શું ?”