આ તે શી માથાફોડ !/૪૮. શું કામ ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૪૭. કઈ બચલી સારી ? આ તે શી માથાફોડ !
૪૮. શું કામ ?
ગિજુભાઈ બધેકા
૪૯. પણ હું ના પાડું છું ના ! →


: ૪૮ :
શું કામ ?

બાએ મને કાઢી મૂકી. શું કામ મને કાઢી મૂકી ? હું તો એને કહેવા ગઇ હતી કે કાચ મને જડ્યો. એમ કહેવા ન જવાય ?

બાપા મને વઢ્યા. શું કામ મને વઢ્યા ? હું તો બતવવા ગઇ'તી કે શાહીથી ચિતર કેવાં કર્યાં છે. બાપુને બતાવવા ન જવાય ?

બાએ મને મારી. શું કામ મને મારી ? હું સાબુના ફીણ કરતી'તી. રાતાપીળા રંગ જોતી'તી. રાતાપીળા રંગ ન જોવા ?

બાપાએ મને પાપી કીધો. શું કામ મને એવો કીધો ? કેવું સરસ પતંગિયું હતું ! હું તો એમને બતાવવા ગયો હતો. પાપી એટલે શું હશે ?

બાએ મને બાયલો કીધો. શું કામ મને બાયલો કીધો ? બંગડી મેં પહેરી જોઇ; જોયું કે કેવી લાગે છે. સરસ લાગતી હતી. પણ બંગડી પહેર્યે બાયલો કેમ ?

બાપાએ મને મૂરખો કીધો. શું કામ મને મૂરખો કીધો ? ન ગમ્યું તો ન ગાયું. પરાણે કાંઇ ગમે ? ને મૂરખ એટલે ન ગાનાર ?

ભાઇએ મને ધક્કો માર્યો. શું કામ એણે ધક્કો માર્યો ? મેં એટલું પૂછયું કે ચાલને ભાઇ રમીએ. ન રમે તો કાંઇ નહિ, પણ એમાં ધક્કો શું કામ મારે ?

બેન કહે ખસ આઘી. શું કામ મને ખસ કહે છે ? હું તો ત્યાં ઊભી હતી; કીડીઓને જોતી હતી. મારે ક્યાંઇ જવું નો'તું. શું કામ મને ખસ કીધું ?