આ તે શી માથાફોડ !/૫૨. કોઈને કંઈ પૂછીશ જ નહિ, તો ?

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ૫૧. ધારે છે કે- આ તે શી માથાફોડ !
૫૨. કોઈને કંઈ પૂછીશ જ નહિ, તો ?
ગિજુભાઈ બધેકા
૫૩. પૂતરનાં પગ પારણાંમાંથી →


બાને મેં કીધું: "જો તો, આ ઈયળ કેવી આમ આમ ચાલે છે ?"

બા કહે: "નાખી દે ઈ ઈયળને. એને તે આપણે અડાય ?"

બાપાને મેં કીધું: "જુઓ તો બાપા, આમાં મેં એકડા કાઢ્યા."

બાપા કહે: "આ તો બધાં મીંડાં છે. જો એકડા કાઢતાં આવડે છે ! મૂરખો !" ભાઈને મેં કીધું: "જો તો લખુભાઇ, આ ફૂલો કેવાં ગોઠવ્યાં છે ?"

લખુભાઈ કહે: "ગોઠવ્યાં છે ભૂંડાંભૂખ જેવાં ! આમ તે ગોઠવાતું હશે ?"

બેનને મેં પૂછ્યું: "જો તો બેન, આ વાટકી કેવી સરસ ઊટકી ? ખૂબખુબા ઘસી છે હો ?"

બેન કહે: "આને તો હજુ ડાઘા છે. આવી તે ઊટકાતી હશે ?"

જમનાકાકીને કીધું: "જુઓ કાકી, મેં મારા વાળ કેવા ઓળ્યા છે ? મેં મારે હાથે હોળ્યા."

કાકી કહે: "આટલી ઉંમર થઈ તો યે પૂરા વાળે ઓળતાં ન આવડ્યા ! કાચમાં જો કાચમાં."

ભૂરાભાઈને કીધું: "જુઓ ભૂરાભાઈ, આ કાગળમાં મેં કેવી કોતરણી કરી છે ?"

ભૂરાભાઈ કહે: "એવી તો સૌ કરે. એમાં તેં શું કર્યું ? જો, એમાં બતાવવા જેવું હતું તે !"

બધાં મને આવા આવા જવાબ આપે છે. હવે કોઈને કંઈ પૂછીશ જ નહિ, તો ?