આ તે શી માથાફોડ !/૭૯.ચંપાને શિક્ષણ

વિકિસ્રોતમાંથી
← ૭૮. બાબાપુ મૂંઝાયાં આ તે શી માથાફોડ !
૭૯. ચંપાને શિક્ષણ
ગિજુભાઈ બધેકા
૮૦. રડતાં જોઉ ત્યારે →


: ૭૯ :
ચંપાને શિક્ષણ

મહેમાન આવવાના હતા. બા અને બાપાઅએ વિચર્યુ:

“આવશે ત્યારે રસોઇ પાણી કરશું. વખતે ન આવે તો ?”

નોકરે વિચાર્યુ. “આવ્યા પછી પાણી ગરમ મૂકશું આવ્યા પછી કેટલી વાર ?”

પણ નાની ચંપા તો મહેમાન આવવાના છે એવી ખબર પડી કે તુરત જ બાગમાં ગઈ ને ફૂલો લઈ આવી. બીજું બધું કામ બાજુએ મૂકી હાર ગૂંથવા બેઠી. હાર ગૂંથતી જાય ને મનમાં મહેમાનના વિચાર કરતી જાય. મહેમાન ન આવ્યા. બધાં કહે:

“નકામો વખત ગુમાવ્યો. નકામાં ફૂલો બગાડ્યાં”

ચંપા મૂરખ લાગે છે ?

મોટીબેન અમદવાદથી ભણીને આજે આવવની હતી. તાર આવી ગયો હતો; મોટાભાઇ સ્ટેશને સામે હતા. બીજાં સૌ બેઠાં બેઠાં ફડકા મારતાં હતાં, અને ઠંડી હતી તેથી સગડી પાસે બેઠાં બેઠાં તાપતાં હતાં. ગાડી સાડા આઠે આવવાની હતી, ને ત્યાર પછી અરધે કલાકે એટલે નવ વાગે સૌ ઘેર આવે અવી ગણતરી હતી. હજી તો માંડ સવા આઠ થયા હતા. રસ્તા પર ગાડીનો ખડખડાટ થાય ને ચંપા બારણું ઉઘાડવા જાય; જરાક બોલાચાલો સંભળાય ને ચંપા બારણું ઉઘાડવા જાય; કંઇક ખખડે ને ચંપા બારણા પાસે જાય. “રખેને બેન આવે !”

બધાં કહે: “જોને ચંપા ! હજી તો કેટલીયે વાર છે પણ ચંપા તો કેટલી બધી અધીરી ? જરાય યે ધીરજ જ નહિ બા ! નકમી વારે વારે ઊઠે છે ને હેરાન થાય છે.”

ચંપા અધીરી છે ?

ઘરને આંગણે એક ગરીબ માણસ આવ્યો. બિચારાની સાથે એક બાળક હતું. ગરીબ માણસ ભૂખ્યો હતો ને બાળક પણ ભૂખ્યું હતું. બાએ ઘરમાંથી ટાઢો રોટલો આપ્યો. બાપાએ કહ્યું: “એકાદ ગરમ રોટલી પણ આપોને ! આ બાળકથી રોટલો નહિ ખવાય. “બાળક અને તેનો બાપ રોટલો અને રોટલી ખાવા તો માંડ્યા. પણ રોટલી કોરી હતી ને બાળક હળવે હળવે ચાવતુ હતું. ચંપા ઘરમાં ગઈ ને બરણીમાંથી ઘી લઈ આવી. “લે, છોકરાને ઘી વિના રોટલી નહિ ભાવે.” બા અને બાપા ચંપા સામે જોઇ રહ્યાં. બાએ કહ્યું: “આ છોકરીને અક્કલ જ નથી ! કોને ઘી દેવાય અને કોને ન દેવાય એ જ ખબર ન પડે. ભિખરીને મોઢે વળી ઘી શું ?”

ચંપાને અક્કલ નથી ?

પાડોશમાંથી જીવીબેનની દીકરી રસુ ચા લેવા આવી. બા એંઠવાડ કાઢતાં હતાં. મોટો ભાઇ લેસન કરતો હતો ને નાની બેન તો હજી ભૂખી હતી. બાએ બાપુને કહ્યું: “એ આ રસીલાને ચા આપજો, પેલા નાના ડબ્બામાંથી.”

બાપુ કહે: “આ આવ્યો, જરા દાતણ કાઢીને.”

પણ ત્યાં તો ચંપા ત્યાં જ ઊભી જ હતી. એણે મોટો ડબ્બો લીધો ને વાટકી ભરીને ચા આપી ને કહ્યું: “લે, બે દિવસ ચાલશે. આ ચા સારી થાય છે.” બા તો સામેજ જોઇ રહ્યા ! રસુ ઊભી હતી એટલે શું બોલે ? બાપુ આવ્યા એટલે કહે: “આ ચંપાને કશી વાતનું ભાન જ નથી ! ચપટીક ચાને ઠેકાણે વાટકી ભરીને આપી !”

ચંપાને ભાન છે કે નહિ ?

ચંપાને ત્યાં સુમતિની બા અને સુમતિ બન્ને કાંઇક કામ હશે તો રાત રહેલાં. એકાએક રોકઈ ગયેલાં એટલે સાથે કપડાં નહિ લાવેલાં. સવારે નાહીધોઇને એમણે પહેરવું શું ? ચંપાની બાએ સુમતિની બાને એક સાડલો નાહવા માટે આપ્યો ને કહ્યું: 'તમે તમારો સાડલો પહેરી લેશો તો ઠીક પડશે. “પણ ચંપા કહે: “સુમતી, તું તો આજે નાહીને મારાં ઘાઘરીપોલકું પહેરીને જ ઘેર જજે. કાલે મોકલાવી દેજે. “બા કહે: “ચંપા, સુમતિને કંઇક નહવા દેને ? નાહીને એનાં પહેરી લેશે. “ચંપા કહે: “ના બા, મારાં કપડાં દઈશ. એનાં તો જરા મેલાં થઈ ગયેલાં છે.” ચંપાએ સરાં ઘાઘરી-પોલકું કાઢ્યાં ને બાને કહ્યું: “આ સારાં છે, ખરું ? આ જ પહેરવા આપું છું.” સુમતિની બા ત્યાં બેઠાં હતાં. ચંપાની બા ચંપાને કહે: “આ ચંપાને કશી ગતાગમ જ નથી ! કોને ક્યું લૂગડું અપાય ને કોને ન અપાય એનું ભાન જ ન મળે !”

ચંપાને ગતાગમ છે કે નહિ ?

×××

ચંપા અને એની બા બેઠાં હતાં. રામજી કાકાનો દીકરો શેરીમાંથી આવ્યો ને ત્યાં બેઠો. ચંપા કહે: “માધા, આજ તો અમે લાડવા કર્યા હતા !” માધો કહે : “એમ ? ત્યારે તો મારે ત્યાં તારી બાએ ઢાંક્યા હશે.” ચંપાની બાએ વાત ફેરવી કહ્યું: “અલ્યા માધા, ભોળવાતો નહિ હો, ચંપા તો તને બનાવે છે.” ચંપા કહે: “ના હો માધા, લાડવા કર્યા હતા; ને અમે બધાંએ ખાધા હતા. હજી પણ પડ્યા છે. “ચંપાની બાને લાડવાનું છુપાવવું હતું; ઢાંકવા જવાનો વિચાર ન હતો. પણ આખરે ઢાંકવા જવું પડ્યું. રાતે ચંપાના બાપા આવ્યા ત્યારે બધી વાત કહીને એની બા કહે: આ ચંપાને સમજણ ક્યારે આવશે ?”

ચંપાને સમજણની જરૂર છે ?

×××

ચંપા અને હીરા એકવાર શાક લેવાં ગયાં. હીરાએ એક શેર રીંગણાં લીધાં ને ચંપાએ પણ શેર લીધાં. ધેર આણીને રીંગણાં મુક્યાં ત્યાં તો હીરાનાં રીંગણા વધારે લાગ્યાં. બન્ને રીંગણા તોળી જોયાં તો ચંપાનાં એક શેર ને હીરાનાં સવાશેર ને નવટાંક ! હીરાની મા કહે: “એ તો હીરાને શાક લેતા સારું આવડે છે.” હીરા કહે: “તો આવડે ના ? કાછિયાનું ધ્યાન ન હતું એટલામાં મેં એક રીંગણું ઉપાડી લીધું “ ચંપા કહે: “એવું મફતનું રીંગણું શું કામ લઈએ ?” ચંપાની બા કહે: “આ મારી ચંપા, છે જરા યે હોશિયાર ?”

ચંપા હોશિયાર છે ખરી ?

×××

શેરીમાં છોકરાં રમતાં હશે રમતાં રમતાં લડી પડ્યાં ને બે છોકરાં વડચડે આવ્યાં; ચંપા પાસે ઊભી હતી. એને થયું કે લાવને છોડાવું, નહિતર માથાં ભાંગશે. ત્યાં એક છોકરાએ એને બચકું ભર્યુ. ચંપાને લોહી નિકળ્યું. તે ઘેર આવી પાટો બાંધતી હતી; બાપુ કહે: “એ હરામીને પથરો મારવો'તો ના પથરો ! ફરી વાર બચકું ભરવું ભૂલી જાત ! “બા કહે: “પણ ઇ ચંપા છે જ એવી નમાલી !”

×××

ચંપા અને એની બેનપણીઓ દર્શન કરવા ગઈ હતી. મંદીરમાં એક છોકરી રડતી હતી. એની બા દર્શન કરીને ઘેર ગયેલી ને પાછળ છોકરી રહી ગયેલી. ચંપા કહે: “ચાલોને આપણે એને ઘેર મૂકી આવીએ. “બીજી કહે: “ના, બાપુ, અમારાં માબાપ વઢે. “ચંપા મૂકવા ગઈ, છોકરીઓ ઘેર ગઈને ચંપાની બાને વાત કરી. અમથી ની બા ઊભાં હતાં: “જુઓ છોને ? આ ચંપા તો એવી ને એવી રહી ! અત્યારે મૂકવા ગયા વિના શું રહી જતું હતું ? લઈ જાત એની બા, એને ગરજ હોત તો.”

ચંપાની એવી ને એવી જ રહી છે કે ?