ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર/વિદ્યાર્થી જીવન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બાલ્યકાળ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
વિદ્યાર્થી જીવન
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સરકારી નોકરીમાં વિદ્યાસાગર →


પ્રકરણ ૩ જું.


વિદ્યાર્થી જીવન.


ઈ. સ. ૧૮૨૯ ની પહેલી જૂનને સોમવારે નવ વર્ષની વયે ઇશ્વરચન્દ્ર સંસ્કૃત કૉલેજમાં વ્યાકરણના ત્રીજા વર્ગમાં દાખલ થયા. સંસ્કૃત કૉલેજ એક ઘણી જૂની સંસ્થા છે. ઇ. સ. ૧૮૨૪ માં એની સ્થાપના થઈ હતી. એવી સંસ્થાઓ, હમારા જાણવા મુજબ બ્રિટિશ હિન્દુસ્તાનમાં ગણી ગાંઠી છે. કલકત્તાની સંસ્કૃત કૉલેજ, કાશીની ક્વીન્સ કૉલેજ તથા લાહોરની ઓરિયેન્ટલ કૉલેજ એવા પ્રકારની સંસ્થાએ છે. પ્રારમ્ભમાં અંગ્રેજ સરકારે જ્ય્હારે કેળવણી ખાતું ક્હાડ્યું ત્ય્હારે એમનો વિચાર દેશમાં અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિદ્યાઓને પ્રચાર કરવાનો થોડો હતો, સંસ્કૃત કૉલજની સ્થાપના વખતે બંગાળાના દેશ- હિતૈષિ આગેવાનોમાં મતભેદ પડ્યો હતો. રાજારામમોહનરાય સંસ્કૃત કૉલેજની સ્થાપનાની ઘણા વિરુદ્ધ હતા *[૧] એમનું એમ કહેવું હતું કે સંસ્કૃત ભાષાના અભ્યાસની કાંઈ વિરુદ્ધ નથી. પંડિતોની શાળાઓ અને ચતુષ્પાઠીઓમાં સંસ્કૃતનું શિક્ષણ જેમ અપાય છે તેમ આપવા દો, બલ્કે ત્હેની ઉન્નતિને માટે પ્રયત્ન કરવો જોઇએ, પણ સંસ્કૃત ભણાવવા માટે સ્વતંત્ર કૉલેજ સ્થાપવાની જરૂર નથી. પાશ્ચાત્ય સાહિત્ય, વિજ્ઞાન વગેરેના શિક્ષણના પ્રચારને માટે જુદી જુદી કૉલેજો સ્થાપવાને સરકારે યત્ન કરવો જોઈએ. પ્રાતઃસ્મરણીય મહાત્મા લોર્ડ મેકૉલે સાહેબે એ પ્રસ્તાવને ખરા અંતઃકરણ પૂર્વક ટેકો આપ્યો. એ બન્ને મહાત્માઓના ભગીરથ પ્રયત્નથી અંગ્રેજી શિક્ષણ અને પાશ્ચાત્ય વિજ્ઞાનનો આ દેશપાં પ્રચાર થયો. બીજા અસંતોષી કૃતઘ્ની મનુષ્યો આ શુભ કાર્યની ભલે નિંદા કરે, પણ હમારો નમ્ર અભિપ્રાય તો એ છે, કે અંગ્રેજ સરકારની આ ઉદાર નાતિ માટે ભારતવાસીઓ સરકારનો જેટલો ઉપકાર માને તેટલો થોડો છે. આપણા યુવાન દેશબન્ધુઓ સરકારના દરેક કાર્યને દોષ દ્રષ્ટિથી જોવાને બદલે, ત્હેમના ઉપર સરકારે કરેલા એવા અસંખ્ય ઉપકારનું સ્મરણ કરતાં શિખે એજ પ્રાર્થના છે. અસ્તુ !

આ કૉલેજમાં દાખલ થયા પછી થોડા સમયમાં વિદ્યાસાગરે પોતાના વર્ગમાં સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે નામના મેળવી, ત્હેમના પિતા ત્હેમના અભ્યાસ તથા ચાલચલણ ઉપર ખાસ લક્ષ સખતા. પોતે જાતે જઈને નિશાળે મુકી આવતા. કૉલેજમાં શિક્ષકો પણ ત્હેમના ઉપર સ્નેહ પૂર્વક દેખરેખ રાખતા. બાળવયમાં બીજા વિદ્યાર્થીઓની કુસંગતનો પ્રસંગ એમને મળ્યો નહીં. ઘણા સરળચિત્ત, બુદ્ધિમાન, કોમળ બાળકો ખરાબ સોબતમાં પડીને પોતાનું સત્યાનાશ વાળે છે, અને ભવિષ્યમાં સદ્‌ગુણ અને શિક્ષણથી બેનસિબ રહીને પોતાની જાત તેમજ પોતાના સંબંધીઓને દુઃખનું કારણ થઇ પડે છે. ખાસ કરીને ઠાકુરદાસ જેવા ધર્મશીલ, કર્તવ્યપરાયણ અને પુત્રવત્સલ પિતાને અભાવે આપણા કેટલાએ સંતાનો કુમાર ઉકુલાંગાર ઉઠીને માબાપને અને જનની ગુર્જરીને લજવે છે. ઠાકુરદાસની માફક પુત્રના ચાલચલણમાં ખાસ કાળજી રાખનાર પિતાઓની સંખ્યા વધશે ત્ય્હારેજ આપણા દેશમાં વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય સુધરશે.

આ પ્રમાણે એમનો વિદ્યાભ્યાસ ઉત્તમ રીતે ચાલવા માંડ્યો. છ મહિના પછી તેમણે એ વર્ગની પરીક્ષા આપી ત્હેમાં એમનો પ્રથમ નંબર આવ્યો અને મહિને પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) મળી. ઈશ્વરચન્દ્રના પિતા ગરીબ હતા. ફક્ત આઠ રૂપિયાના પગારમાં એમને ધણા બહોળા કુટુંબનું ગુજરાન ચલાવવું પડતું. ખુદ ઈશ્વરચંદ્રને પણ આ નિર્ધનતાને લીધે ખાવા પીવાનું તથા કપડાલત્તાંનું ઘણું કષ્ટ સહન કરવું પડતું. પણ જે દયાના ગુણને માટે એ પાછલી વયમાં ‘દયાસાગર’ નામથી પ્રખ્યાત થયા, તે દયાનો ગુણ એમનામાં બાલ્યાવસ્થા જ વિરાજમાન હતો. એ પરદુ:ખકાતર મહાત્મા એ વયે પણ પોતાના વર્ગના ગરીબ વિદ્યાર્થીઓને પોતાની શિષ્ય-વૃત્તિના પૈસામાંથી મદદ કરતા, અને પોતે અડધા ભૂખ્યા રહીને તથા ઘરમાં બનાવેલાં જાડાં કપડાં પહેરીને એકાગ્ર ચિત્તે અભ્યાસ ક૨તા.

અગીઆર વર્ષની વયમાંજ વ્યાકરણનો અભ્યાસ પૂરો કરીને એ ‘સાહિત્ય શ્રેણી’ માં દાખલ થયા. આ વર્ગના અધ્યાપકે એમની એટલી ન્હાની વય જોઈને, એમને પોતાના વર્ગમાં દાખલ કરવાની ના કહી. કારણ કે એટલી ન્હાની વયનો બાળક સંસ્કૃત સાહિત્યના ઉત્તમ ગ્રન્થો સમજી શકે એ એમને અસંભવિત લાગ્યું. પણ જ્ય્હારે ઈશ્વરચંદ્રે પરીક્ષા આપીને એ વર્ગમાં દાખલ થવાની પોતાની યોગ્યતા સાબિત કરી આપી ત્ય્હારે અધ્યાપક મહાશય પણ આશ્ચર્ય પામ્યા અને ઘણા પ્રેમ પૂર્વક નવા શિષ્યને ભણાવવું શરૂ કર્યું. દૃઢ પરિશ્રમી ઈશ્વરચન્દ્રે પહેલાજ વર્ષમાં રઘુવંશ, કુમારસંભવ, અને રાઘવપાંડવીય આદિ સાહિત્ય ગ્રન્થોની પરીક્ષામાં સૌથી પહેલા નંબર મેળવ્યો. બીજે વર્ષે ત્હેમણે માઘ, ભારવિ, મેઘદૂત, શકુન્તલા, ઉત્તર રામચરિત, વિક્રમોર્વશીય, મુદ્રા રાક્ષસ, કાદમ્બરી અને દૃશ કુમાર ચરિત આદિ ગ્રન્થોનો અભ્યાસ કર્યો. એ બધા ગ્રન્થો આદિથી અન્ત સુધી ત્હેમને કંઠસ્થ હતા. પુસ્તક જોયા વગર એ સંસ્કૃત નાટક વગેરે, જરા પણ અટક્યા વિના આખાંને આખાં બોલી જતા. ભાષાન્તર કરવામાં એ અદ્વિતીય હતા. આ ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં વાતચીત કરવાની પણ ઘણી યોગ્યતા મેળવી હતી. બાર વર્ષના બાળકના મ્હોએ સંસ્કૃતની વાક્‌ધારા નીકળતી જોઈ કેટલો આનંદ થતો હશે ! ! આ વર્ષની પરીક્ષામાં પણ એમણે બધા વિદ્યાર્થીઓને હરાવ્યા. એમના શિક્ષકો સુદ્ધાંત ત્હેમની યોગ્યતાથી આશ્ચર્ય પામી ગયા. તેઓ એમનાથી એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા, કે એમને મ્હોંએથી વારંવાર નીકળતું કે ઈશ્વર આ બાળકને ચિરંજીવી કરે ! આગળ ઉપર એ અદ્વિતીય પુરુષ થશે.

આ સમયમાં ઠાકુરદાસ પોતાના બીજા બે પુત્રોને પણ અભ્યાસ માટે કલકત્તા લઇ આવ્યા. આથી ઘર ખટલાને બધો ભાર ઈશ્વરચંદ્ર ઉપર આવી પડ્યો. ત્હેમને ચાર આદમીઓને રસોઈ કરીને ખવરાવવું પડતું. બધાના ખાઈ રહ્યા પછી વાસણ માંજવાનું અને અબોટ કરવાનું કામ પણે ત્હેમને માથે હતું. વળી બજારમાંથી સરસામાન લાવવાનું કામ જ પણ ત્હેમનેજ કરવું પડતું. સુવાને માટે એમને ફક્ત બે હાથ લાંબી અને દોઢ હાથ પહોળી જગ્યા મળતી. આટલી સાંકડી જગ્યામાં એ સંકોચાઈને પડ્યા રહેતા હતા. પણ આટલા બધા દુઃખ અને અગવડને પણ એ બિલકુલ ગણકારતા નહીં. ઉલટું, એ બધા કામ પ્રસન્ન મને કરતા, અને જરા પણ થાક્યા વગર ભણવામાં રાત દિવસ ગુંથાયેલા રહેતા હતા; તથા ફુરસદના વખતમાં પોતાના ન્હાના ભાઈઓને પણ અભ્યાસમાં મદદ કરતા.

આટલું બધું દુઃખ વેઠીને ઘર સંસારના કામકાજનો આટલો બધો ભાર ઉઠાવીને પણ વિદ્યાલયમાં સૌથી ઊંચુ પદ મેળવ્યું હોય એવા વિદ્યાર્થીઓ જવલ્લેજ મળી આવશે.

ઠાકુરદાસ બંદોપાધ્યાયની ઘણા દિવસથી એવી ઈચ્છા હતી, કે પુત્ર ઈશ્વરચન્દ્ર કૉલેજનું શિક્ષણ સમાપ્ત કરીને વીરસિંહ જઈને એક પાઠશાળા ઉઘાડે, અને ત્ય્હાં ગામના તથા આસપાસના બાળકો ભણે. આ ઇચ્છાથી ત્હેમણે ઇશ્વરચન્દ્ર પાસે સ્કૉલરશિપના પૈસામાંથી કેટલીક જમીન ખરીદ કરાવી હતી, તથા કેટલાક હસ્તલિખિત અમૂલ્ય સંસ્કૃત ગ્રંથ ખરીદ કરાવ્યા હતા, આ ય ગ્રન્થો હજી પણ વિદ્યાસાગર મહાશયના પુસ્તકાલયમાં સાચવી રાખવામાં આવ્યા છે.

ઈશ્વરચન્દ્રે આ અરસામાં વ્યાકરણ અને સાહિત્યમાં ઘણી પ્રવીણતા મેળવી હતી. રજાના દિવસોમાં જ્ય્હારે પોતાને ગામ જતા ત્યારે ત્ય્હાંના બ્રાહ્મણો સાથે ઘણા સમાગમમાં આવતા શ્રાદ્ધાદિ પ્રસંગે એ બ્રાહ્મણોને શ્લોક રચના વગેરેનું કામ પડતું તો એ તરત રચી આપતા ગામના પંડિતો ત્હેમની શ્લોક રચનાની શક્તિ તથા પદલાલિત્ય જોઈને ઘણાંજ મુગ્ધ થઇ ગયા હતા. આથી ગામે ગામ ખ્યાતિ થઇ !

ઠાકુરદાસ બંદોપાધ્યાયનો પુત્ર છે એક મહાન પંડિત છે. ત્હેમની કીર્તિનું ખાસ કારણ એ હતું કે એ સમયના બીજા પંડિતો સંસ્કૃત ભાષામાં વિચાર પણ કરવા અશક્ત હતા. પણ બાળક ઇશ્વરચંદ્ર ધાણી ફુટે એમ ઝટ ઝટ સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા.

ત્હેમના ગુણાનુવાદ ચારે તરફ પ્રસરી જવાથી ઘણી જગ્યાએથી વિવાહનાં માંગાં આવવા માંડ્યાં. આખરે શત્રુઘ્ન ભટ્ટાચાર્યની કન્યા દીનમયી સાથે ત્હેમનો વિવાહ નક્કી થયો. આ દીનમયી સંર્વાંગ સુંદરી અને સલક્ષણા કન્યા હતી. ત્હેના પિતા શત્રુઘ્ન ભટ્ટાચાર્ય ગામમાં પૈસે ટકે અને આબરૂ ઇજ્જતે સુખી હતા. ત્હેમણે આ સગાઈ કરતી વખતે ઠાકુકરદાસને કહ્યું “બંદોપાધ્યાય ! ત્હમારી પાસે ધન નથી, પણ ત્હમાતો છોકરો વિદ્વાન નીવડ્યો છે. કેવળ એજ કારણથી મ્હારી પાણ સમાન પુત્રી દીનમયીનું ત્હમારા પુત્ર સાથે સગપણ કરૂં છું.”

ઈશ્વરચન્દ્રને આ સમયે પરણવાની ઇચ્છા નહોતી. જીંદગી પર્યન્ત પથન પાઠન કરીશ, દેશ હિતનાં કાર્યો સાધીશ, દુઃખીઓનાં દુઃખ દૂર કરીશ, રોગીઓની સેવા કરીશ, એ પ્રકારના અનેક કલ્યાણકારી શુભ વિચારો એમના હ્રદયમાં આન્દોલન મચાવી રહ્યા હતા, ૫ણ એમ કર્યાથી પિતાના જીવને દુઃખ પહોંચશે. એમ ધારી પિતૃવત્સલ ઈશ્ચરચન્દ્ર, પિતાની આજ્ઞા માથે ચ્હડાવીને એટલી ન્હાની વયે લગ્નના પાશમાં બંધાયા. એ સમય ત્હેમની વય કેવળા ચૌદ વર્ષની અને ત્હેમની પત્નીની વય આઠ વર્ષની હતી.

વાચક ! જે શુભ વિચારો એ સમયે ઈશ્વરચન્દ્રના મનમાં ઘોળાયા કરતા હતા તેવા જ શુભ વિચારો આપણા બીજા પણ અનેક ઉચ્ચાભિલાષી, સારા સંસ્કરવાળા યુવકોનો મનમાં એ વયે આવ્યા કરે છે. પણ મ્હોટા થઈ સંસારમાં પડતાં ત્હેમાંના ઘણાઓના એ શુભ આશયો હવાઇ કિલ્લાની માફક ક્ષણભરમાં ઉડી જાય છે અથવા તો ભૂતકાળના આનંદજનક સ્વપ્ન માફક સ્મૃતિગમ્ય જ રહે છે. પણ ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના જીવન ચરિત્રનું અવલોકન કરનાર કોઇ પણ ગૃહસ્થ કહી શકશે, કે ત્હેમના એ વિચાતો આત્મમંથનકાળના અવેશ રૂપે નહોતા, પણ દૃઢ ગંભીર વિચારના પરિણામ સ્વરૂપ હતા. ત્હેમણે બાલ્યાવસ્થાના આ વિચારોને બ્રહ્મચર્યકાળમાં લીધેલી પવિત્ર પ્રતિજ્ઞાના રૂપ ગણીને ભવિષ્ય જીવનમાં પૂર્ણ રીતે અમલમાં મુક્યા છે. ધન્ય છે એ વીર નરને !

પણ પ્રિયપાઠક ! અહિં એક શંકા ઉઠી શકે છે, કે ક્રૂર રૂઢિને વશ થઇને ઠાકુરદાસે પુત્રને લગ્ન કરવાનો આગ્રહ ન કર્યો હોત અને ત્હેમને ઉચ્ચ અભિલાષાઓની પૂર્તિ માટે યાવત્ જીવન બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા આપી હોતતો વિદ્યાસાગર દેશને વિશેષ ઉપયોગી થઈ પડત કે નહીં ? હમારો અત્યંત નમ્ર અભિપ્રાય તો એ છે, કે નિ:સંદેહ એ દશામાં વિદ્યાસાગર વિશેષ ઉપગી થઈ પડત. સંસ્કૃત ભાષામાં એમની અત્યંત પ્રવીણતા ઉપરાંત, વર્તમાનયુગ માટે આવશ્યક અંગ્રેજી શિક્ષણ દક્ષતા, સ્વદેશનું હિત કરવાની તીવ્ર ઈચ્છા, વિચારોની ઉદારતા, હૃદયની વિશાળતા, અને આજકાલના સંસાર ત્યાગી સ્ન્યાસીઓમાં વિરલજ! મળી આવતાં સાદાઇ થયા આત્મસંયમના અદ્ભુત ગુણોથી વિભૂષિત થયેલા વિદ્યાસાગરને કુટુંબ પોષણને માટે સેવાવૃત્તિ ન સ્વીકારવી પડી હોત તથા ઘર સંસારની અનેક આધિવ્યાધિ અને ઉપાધિને લીધે સમય સમય પર ક્લેશિત ન થવું પડ્યું હોત તો બ્રહ્મચર્યના બળપર વધારે ઉત્તેજીત થયેલા વિદ્યાસાગરની સેવા, પ્રાત:સ્મરણીય આદર્શ પુરૂષ મહર્ષી દયાનન્દ - સરસ્વતીની માફક, દેશને વિશેષ લાભદાયક થઈ પડત. અસ્તુ.

લગ્ન થઈ ગયા પછી, એટલે કે પંદર વર્ષની વયે ત્હેમણે અલંકાર શ્રેણીમાં ભણવાને આરંભ કર્યો. અને એક વર્ષમાં જ સાહિત્ય દર્પણ કાવ્ય પ્રકાશ અને રસગંગાધર આદિ સંસ્કૃતના અલંકાર ગ્રન્થો ભણી લીધા, અને હમેશની માફક આ વખતની પરીક્ષામાં પણ એજ પહેલા આવ્યાં.

એક વખત બંગાળાના સુપ્રસિદ્ધ દર્શન શાસ્ત્રવેત્તા પંડિત જય નારાયણ તર્ક પંચાનન મહાશય કાંઈ કામ પ્રસંગે પંડિત તાણનાથતર્ક વાચસ્પતિને ત્ય્હાં ગયા હતા. ત્ય્હાં આગળ ઈશ્વરચન્દ્રને સાહિત્ય દર્પણ વાંચતા જોઈને એમણે અત્યંત આશ્ચર્ય પૂર્વક તર્ક વાચસ્પતિ મહાશયને પુછ્યું ‘’આટલો ન્હાનો છોકરો સાહિત્ય દર્પણમાં શું સ્હમજતો હશે.’ તર્કવાચસ્પતિએ કહ્યું ‘બાળક શું સ્હમજે છે એ જરા પુછીતો જુઓ. ’ તર્ક પંચાનન જયનારાયણે એમને કેટલાંક પ્રશ્ન પુછ્યા, તો જણાયું કે આ બાળકતો એક અસાધારણ પંડિત છે. આકારમાં ન્હાનો જ છે, પણ વિદ્યામાં તથા જ્ઞાન વિસ્તારમાં એણે સુવિસ્તૃત વડના ઝાડની પેઠે બહુ દૂર સુધી અધિકાર ફેલાવ્યો છે. ત્હેમણે પ્રીતી પૂર્વક તર્કવાચસ્પતિને કહ્યું ‘આ બાળક કોઈ કાળે આખા બંગાળ દેશમાં અદ્વિતીય પુરૂષ નીવડશે. આટલી ન્હાની વર્ષમાં સંસ્કૃત ભાષામાં આટલી બધી પ્રવીણતા મેં કદી જોઇ નથી.’ આ સાંભળીને તર્ક વાચસ્પતિ મહાશયે કહ્યું “હું આ બાળકને કૉલેજના મહા મૂલ્યવાન અલંકાર રૂ૫ ગણું છું.” ગુરૂજન તથા દેશના અગ્રગણ્ય પંડિતોને મુખેથી આવા પ્રશંસાના ઉદ્દેગારો સાંભળવાને ભાગ્યશાળી થનાર વિદ્યાર્થીનું જ જીવન સફળ છે.

એ વખતના કાયદા પ્રમાણે વિધાર્થીઓને અલંકાર, ન્યાય, અને વેદાન્ત ભણ્યા પછી સ્મૃતિ શાસ્ત્રનો અભ્યાસ કરવો પાતો. અને સ્મૃતિ શાસ્ત્રની પરીક્ષામાં પાસ થયા પછી ત્હેમને *[૨] ‘જજ પંડિત’ ની જગ્યા મળતી. ઈશ્વચંદ્રે અલંકાર શ્રેણીમાં ભણતી વખતે જ કૉલેજના અધ્યક્ષને અરજી કરીને સ્મૃતિ શાસ્ત્રની પરીક્ષામાં બેસવાની પરવાનગી મેળવી લીધી. કૉલેજનો અભ્યાસ સમાપ્ત કર્યા પછી લૉ કમિટીની પરીક્ષ આપવાની ઈચ્છાથી વિદ્યાર્થીઓ સ્મૃતિ શ્રેણીમાં દાખલ થતા અને બે ત્રણ વર્ષ સુધી ઘણો પરિશ્રમ કરીને મનુસ્મૃતિ, મિતાક્ષરા, અને દાયભાગ આદિ હિંદુ કાયદાના પુસ્તકોનો અભ્યાસ પૂરો કરીને પરીક્ષા આપતા, પણ ઈશ્વરચન્દ્રે તો ફક્ત છ મહિનામાં જ એ ગ્રન્થોનો અભ્યાસ કરીને પરીક્ષા આપી અને ઘણી ઉત્તમતા પૂર્વક પાસ થયા. આ પરીક્ષા એની કઠણ ગણાતી કે કોઈ વિરલા વિધાર્થીઓજ એમાં પાસ થતા, તેથી ત્હેમની આ સફળતાને લીધે તેમનો યશ મલયવૃક્ષની માફક ચારે તરફ ફેલાઈ ગયો. મ્હોટા મ્હોટા પંડિતોએ પણ જ્ય્હારે સાંભળ્યું, કે મુછો પણ નથી ફૂટી એવી કિશોર વયના સોળ સત્તર વર્ષના બાળકેજ જજ પંડિતની પરીક્ષા પાસ કરી, ત્ય્હારે તેઓ આશ્ચર્ય સાગરમાં ગરકાવ થઈ ગયા. થોડા દિવસમાં ત્રિપુરા શહેરમાં જજપંડિતની જગ્યા ખાલી પડી. ઈશ્વરચન્દ્રે એ જગ્યા માટે અરજી કરી અને ત્હેમની નીમણુક પણ થઈ ગઈ. પરન્તુ એમના પિતાની ઈચ્છા એમને એટલે દૂર મોકલવાની નહોતી, તેથી એમણે એ નોકરી ન લીધી, અને પાછા વેદાન્ત ભણવા લાગ્યા. ત્ય્હાર પછી ન્યાય અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરીને ત્હેની પરીક્ષા આપી. એમા પણ એમનો પહેલો નંબર આવ્યો. આ ઉપરાંત ઉત્તમ ગદ્ય રચના તથા ઉત્તમ પદ્ય રચના માટે એમને સો સો રૂપિયાનાં બે ઈનામ મળ્યાં, જે દર્શનશાસ્ત્રનો અભ્યાસ બીજા લોકો આઠ વર્ષમાં પુરો કરે છે તે અભ્યાસ તીક્ષ્ણ બુદ્ધિના ઈશ્વરચન્દ્રે ફક્ત પાંચજ વર્ષમાં સમાપ્ત કર્યો. અને પ્રથમ નંબરે પાસ થઈ, બસેં રૂપિયાનું ઈનામ મેળવ્યું. ત્હેમના ન્હાના ભાઈ દીનબન્ધુના લગ્નમાં એમના પિતાએ જે ઋણ કર્યું હતું, તે ફેડવામાં સત્પુત્ર ઈશ્વરચન્દ્રે પોતાને ઈનામમાં મળેલા રૂપિયાનો ઉપયોગ કર્યો.

વિદ્યાસાગરનો સ્વભાવ તથા એમની મુખમુદ્રા એવાં ચિત્તાકર્ષક હતાં, કે એમના સમાગમમાં આવનાર હરકોઈ મુગ્ધ થઈ જતું. ત્હેમના ગુરુઓ પણ એમનાથી પ્રસન્ન રહેતા હતા. વેદાન્ત શ્રેણીના અધ્યાપક શંભુચન્દ્ર વાચસ્પતિ તો એમના સ્નેહપાશમાં એટલા બધા બંધાઈ ગયા હતા કે એમને પુછ્યા વગર પાણી પણ પીતા નહોતા. કારણ એ હતું કે અતિ વૃદ્ધ અવસ્થાને લીધે ઉઠવા બેસવામાં તથા ન્હાવા ધોવામાં ગુરુજીને બીજા કોઈના આધારની જરૂર પડતી હતી. ઈશ્વરચન્દ્ર સદા ગુરૂ સેવામાં તત્પર રહેતા અને આખો દિવસ ત્હેમની પાસે ગાળતા. સેવાથી ત્હેમણે વૃદ્ધ ગુરૂને પોતાને વશ કરી લીધા હતા. ગુરૂજી પણઈશ્વરચંદ્રની બુદ્ધિથી એટલા બધા ખુશ હતા, કે ત્હેમની સલાહને સૌથી ઉત્તમ ગણતા. એક દિવસ પંડિતજીએ ત્હેમને પુછ્યું, “બેટા, હું ઘણો વૃદ્ધ થઈ ગયો છું. ઉઠતાં બેસતાં હમેશાં એક માણસના ટેકાની જરૂર પડે છે. તેથી મ્હારો વિચાર છે, એકવાર લગ્ન કરૂં. કેમ ત્હારી શી સલાહ છે ?” ગુરૂજીની એ વાત સાંભળીને ઈશ્વર મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, “આ પંચાશી વર્ષનો ડોસો જો કોઈ છોકરી સાથે લગ્ન કરે તો એનું શું પરિણામ આવે ? શું થોડા જ દિવસોમાં એ મરી નહીં જાય ? શું ત્હેમની બાળપત્નીને જીવન પર્યન્ત વૈધવ્યના અથાગ સાગરમાં ગોથાં નહીં ખાવાં પડે ? હાય ! એ વખતે એ કોમળ હૃદયા પરતંત્ર બાલિકાની શી વ્હલે થશે !” આ બધા પ્રશ્નો ત્હેમના ચિત્તમાં ઉઠવા લાગ્યા અને ત્હેમને ઘણો સંતાપ થયો. આખરે ગળગળે સ્વરે ત્હેમણે જવાબ આપ્યો. “ગુરૂજી, હું આપના જેવો વિદ્વાન નથી, કે આપને સલાહ આપી શકું. આપે તો સંસારમાં કેટલીએ નવા જુની જોઈ છે. આવાં ;અગ્નનાં પરિણામ પણ આપે બહુ જોયાં હશે. મારી અવસ્થામાં ઢંગધડા વગરનું અને અનુચિત લગ્ન કરવું આપ યોગ્ય સમજો છો? એક નિરપારાધિ બાલિકાના જીવનના બધા સુખને ધુળમાં મેળવી દેવાનો આપને શો અધિકાર છે ! કેવળ પોતાના સ્વાર્થને સારૂ એક કોમળ પ્રાણને આખી જીંદગી સુધી રોવડાવ્યા કરેવો, એ આપ જેવા બુદ્ધિમાનને છાજે?” પંડિતજીએ મુંગે મ્હોંએ ઈશ્વરચન્દ્રની વાત સાંભળ્યા કરી અને ઉત્તરમાં ત્હેમના બન્ને હાથ પકડીને ઘણી નમ્રતાપૂર્વક પોતાના લગ્નની વાત આવશ્યક બતાવીને ત્હેમની એ કાર્યમાં મંજુરી માંગી. પણ અડગ ઈશ્વરચન્દ્ર નાને તાજ કહેતા ગયા અને આખરે એટલું કહીને ઘેર જતા રહ્યા, કે “કોણ જાણે ક્યહારે આ સત્યાનાશી રિવાજ કુળવાનોમાંથી જડમૂળથી નાબૂદ થશે!” આમતો ઇશ્વરચન્દ્ર ઘેર ગયા, પ્હણે ગુરુજીના લગ્નની તૈયારીએ થવા લાગી અને વાંચકો લખતાં હૃદય કંપી ઉઠે છે, પંચાશી વર્ષના બુઢ્ઢા સાથે એક અતિ રૂપવતી કન્યાનું લગ્ન– લગ્ન શેનું, પાયિગ્રહણ-થઈ જ ગયું!

ઈશ્વરચન્દ્રે જ્ય્હારે આ લગ્નની વાત સાંભળી ત્ય્હારે એ ધ્રુજવા લાગ્યા અને સજળનેત્રે, રૂંધાઈ ગયેલા કંઠે ચ્હીડાઇમાં જઈને બોલી ઉઠ્યા, કે હે પરમાત્મા ! શું આ દેશને રસાતળા પહોંચાડવાનેજ ત્હારો વિચાર છે ? સ્ત્રીઓ કષ્ટ પામતી હોય તે ધરનું અને એ દેશનું કદી કલ્યાણ થતું નથી, બસ, આટલું બોલીને એ ચુપ થઈ ગયા અને મનમાંને મનમાં કાંઇ વિચારવા લાગ્યા. દૃઢ પ્રતિજ્ઞા સૂચક ચિહ્‌નો એજ સમયે ત્હેમના મ્હોં ઉપર ઝળકવા લાગ્યા. ત્હેમની એ પ્રતિજ્ઞા, આગળ ઉપર, ત્હેમના કાર્યેથી જણાઇ આવશે.

એક દિવસ એ પંડિતજીએ ત્હેમને કહ્યું ‘આટલા બધા દિવસ થયા પછુ તું ત્હારી નવી ગુરુપત્નીનાં દર્શન કરતા નથી આવ્યો.’ ઇશ્વરચન્દ્ર રોઈ પડ્યા. ત્હેમની આંખોમાંથી ચોધાર આંસુની ધારા વહેવા લાગી. એ વખતે તો પંડિતજી શાન્ત રહ્યાં. પણ બીજે એક દિવસે પ્હરાણે એમને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં જઈને ઈશ્વરચન્દ્રે પોતાની બાળ ગુરૂપત્નીને જોઇ ત્ય્હારે ત્હેમના ચિત્તમાંનો કરૂણા સાગર ઉભરાઇ આવ્યો. ત્હેમના જળબિન્દુઓએ આંખો દ્વારા વહીને ગુરૂપત્નીના અર્ધપાદ્યની ગરજ સારી. બે રૂપિયા સામે ગુરૂપત્નીના ચરણમાં માથું મુકીને પ્રણામ કરીને પોતે બહાર જતા રહ્યા. ગુરૂજીએ ત્હેમને જળપાન કરવાનો ઘણો આગ્રહ કર્યો પણ એ તેજસ્વી મહાત્માએ ઉત્તર આપ્યો, કે ‘આ નરક કુંડમાં હવે હું જળસ્પર્શ નહીં કરૂં.' આટલું કહીને એ સીધા ઘેર ગયા, વાંચકોને જણાવવાની જરૂર નથી, કે એ શંભુચન્દ્ર વાચસ્પતિજી થોડાક દિવસમાં પરલોકક સીધાવ્યા અને તેમની બાળ વિધવા પત્નીએ પિતાના ઘરનો આશ્રય લીધો.

વાચક ! આ ઘટના ઉપરથી ત્હમે જોઈ શકશો, કે ઇશ્વરચન્દ્રનો સ્વભાવ કરૂણામય હોવા છતાં પણ કાયર નહોતો. સાધારણ રીત્યે આપણે એવો સ્વભાવ હોય છે, કે જે ‘મનુષ્યોને આપણે પૂજ્ય વડિલ ગણતા હોઇએ છીએ. ત્હેમની બે આંખની શરમ પડે છે. ત્હેમને મ્હોંએ કોઈ દિવસ ખરી વાત કહેવાતી નથી. ત્હેમના ખોટા આચારણો વખતે પણ ત્હેમને કર્તવ્ય સંબંધી સ્પષ્ટ સલાહ આપી ખોટું લગાડાતું નથી. બાળ વિવાહ, બહુ વિવાહ. (એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ) અને વૃદ્ધ વિવાહના સખ્ત વિરોધી હોવા છતાં પણ વ્યવહાર સાચવવાની ખાતર, એવાં લગ્નોના વરઘોડા આદિ ઉકેલવામાં શામિલ થતાં આપણે ઘણાં સુધારકોને જોઈએ છીએ, શું એ સુધારક બન્ધુઓ જાણતા નથી કે આ કેવળ ત્હેમની કાપુરૂષતા, નામર્દાઈ જ છે ! શું તેઓ પોતાનાં એવાં કાર્યોથી એ અનર્થકારી રિવાજોને મૌનપણે ઉત્તેજને નથી આપતા. ? પણ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર એવા બ્હીકણ મનુષ્ય નહોતા. એમણે તો પોતાના પૂજ્ય ગુરુશ્રીની પણ શરમ ન રાખતાં જે વ્યાજબી લાગ્યું તે વગર સંકોચે સ્પષ્ટ કહીજ દીધું.

ઇશ્વરચન્દ્ર કેટલા કોમળ અને પારકે દુઃખે દુઃખી થનારા હતા, તે ઉપલી ઘટના ઉપરથી સાફ જણાઈ આવે છે. ઉત્તર કાળમાં બાળ વિધવાઓના વિવાહને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને, જીંદગી પર્યન્ત ત્હેમણે જે અગાધ પરિશ્રમ કર્યો છે, તે પરિશ્રમ કરવાની વૃતિ, અબળાઓના કલ્યાણની ઇચ્છા, વૃદ્ધ વાચસ્પતિ મહાશયના અનુચિત વિવાહને લીધે સ્ફૂરી હતી, એમ કોણ નદી કહે ? જે અરસામાં ઇશ્વરચન્દ્ર કૉલેજમાં ન્યાય અને દર્શન શાસ્ત્ર ભણતા હતા તે અરસામાં વ્યાકરણના વર્ગના અધ્યાપકે રજા લીધી. તેથી થોડા વખતને માટે એ જગ્યા ઉપર માસિક ૫૦ રૂપિયાના પગારે ઈશ્વરચન્દ્ર નીમાયા, એ પગારમાંથી એમણે પિતાને ગયાજીની યાત્રા કરાવી, એ નોકરી એમણે એવી યોગ્યતા પૂર્વક કરી હતી, કે ત્હેમની ભણાવવાની ઢબથી કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ બીજા બધા પંડિતો પ્રસન્ન થઈ ગયા હતા.

ત્ય્હાર પછી છ દિવસમાં એમણે સંસ્કૃત કૉલેજની છે પરીક્ષા આપી અને ઈ. સ. ૧૮૪૧ના,૧૦ મી ડિસેમ્બરને દિવસે સંસ્કૃત કૉલેજનો ૧૨ વર્ષને ૫ માસ સુધીમાં સઘળો અભ્યાસ પૂરો કરી ‘વિદ્યાસાગર' ની ઘણી જ માન ભરેલી ઉપાધિ મેળવી. ભવિષ્ય જીવનમાં એ ‘વિદ્યાસાગર’ ના નામથી જ ઓળખાયા છે, અને હમે પણ આ સંક્ષિપ્ત જીવન ચરિત્રમાં ત્હેમને વારંવાર ‘વિદ્યાસાગર’ના નામથી સંબોધ્યા છે અને સંબોધીશું. પણ વાચકોએ સારી પેઠે યાદ રાખવું, કે ‘વિદ્યાસાગર’ એ કાંઇ ત્હેમની બાપદાદાથી ઉતરી આવેલી અટક નહોતી, કે સરકારે ખુશ થઈ જઈ બક્ષેલો ખિતાબ નહોતો, પણ મહામહેનતે પોતાની અંગત વિદ્વતાના પ્રતાપે મેળવેલી એક મ્હોટી પદવી અથવા ડીગ્રી હતી. વીસ વર્ષનો યુવક ‘વિદ્યાસાગર’ એવા ભાગ્યવાન પુરુષો સંસારમાં કેટલા થોડા હશે ! વ્યાકરણ, સાહિત્ય, દર્શનશાસ્ત્ર, સ્મૃતિ શાસ્ત્ર, જ્યોતોષ અને ધર્મશાસ્ત્ર આદિ વિષયોમાં વિશારદ હોય એવા વીસ વર્ષના પંડિતો આપણામાં કેટલા છે ? બુદ્ધિનું કેવું અપૂર્વ પરાક્રમ ! કૉલેજના અધ્યાપકો પણ વિસ્મય પામી ગયા. વ્યાકરણના અધ્યાપક કહેવા લાગ્યા “મ્હને ધન્ય છે ’ સાહિત્યના અધ્યાપક બોલ્યા ‘મ્હારું ભણાવવું આજ સાર્થક થયું છે.’ દર્શનશાસ્ત્રના અધ્યાપકે મુક્ત કંઠે સ્વીકાર કર્યો, કે “ઈશ્વરચંદ્ર અવશ્ય અસાધારણ શક્તિ વાળો છે’ ત્હેમના ડિપ્લોમા–પ્રમાણ પત્રમાં બધા અધ્યાપકોએ પોતાની સહી કરીને, પોતપોતાના વિષયમાં, ત્હેમની પ્રવીણાતાની ખાત્રી આપી છે. આ વિધાર્થીને ‘વિદ્યાસાગર’, કહે તો બીજા કોને કહે ? એમના બધા અધ્યાપકો એમને શિષ્યરૂપે મેળવીને પોતાના જીવનને ગૌરવાન્વિત કરી ગયા છે. હમેતો એટલા સુધી માનીએ છીએ કે ઈશ્વરચન્દ્ર જેવા સાત્પાત્ર વિદ્યાર્થીના નામ સાથે જોડાવાથી ‘વિદ્યાસાગર’ ઉપાધિનું ગૌરવ વધ્યું છે. પર્વત સમાન દૃઢ રહીને, વિઘ્નોની સાથે વીરતાથી યુદ્ધ કરીને ઈશ્વરચન્દ્રે વિઘાભ્યાસ ઉપર જે પ્રેમ બતાવ્યો છે, તે પ્રત્યેક વિદ્યાર્થીને અનુકરણ કરવા યોગ્ય છે. આવું ગુણવાન બાળક જે ઘરમાં લાલનપાલન પામે છે તે ગૃહના પ્રત્યેક મનુષ્યનું મુખ ઉજ્જવલ થાય છે, જે દેશના વિદ્યાર્થીઓ વિદ્યાસાગરના જેવા વિદ્યાર્થી જીવનનું અનુકરણ કરે છે તે દેશના સૌભાગ્યની સીમા રહેતી નથી.


  1. * આ અન્દોલનનનો ઉલ્લેખ કરતાં ઈ. સ. ૧૮૮૨ માં બેઠેલું કેળવણી કમીશન લખે છે કે :-
    “Rammohan Ray, the ablest representative of the more advanced members of the Hindu community, expressed deep disappointment on the part of himself and his countrymen at the Resolution of Government to establish a new Sanskrit College instead of a Seminary designed to impart instructions in the Arts, Sciences and Philosophy of Europe.”
    Report of the Indian Education
    Committee 1882.
     
  2. * અંગ્રેજી રાજ્યના પ્રારમ્ભમાં ન્યાયની કચેરીઓમાં અંગ્રેજ ન્યાયાધીશોની સાથે એક પંડિત અને એક મૌલવી બેસતા. હિંદુ અને મુસલમાનોના મુકદ્દમાઓનો ફેંસલો કરતી વખતે તેઓ પોતાના ધર્મશાસ્ત્ર મુજબ યુરોપિયન ન્યાયાધીશને સલાહ આપતા. એવા પંડિતો "જજપંડિત" કહેવાના, અને એ જગ્યા પ્રતિષ્ઠાવાળી ગણાતી.—લેખક.