ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર/સરકારી નોકરીમાં વિદ્યાસાગર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિદ્યાર્થી જીવન ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર
સરકારી નોકરીમાં વિદ્યાસાગર
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વિદ્યાસાગરની સાહિત્ય સેવા →


પ્રકરણ ૪ થું.


સરકારી નોકરીમાં વિદ્યાસાગર.


કૉલેજનું વિદ્યાર્થી જીવન સમાપ્ત કરી હવે વિદ્યાસાગરે કર્મ જીવનમાં પ્રવેશ કર્યો. એ કાર્યક્ષેત્રમાં પણા ત્હેમણે ઘણે પ્રકારે કીર્તિ મેળવી છે. બાલ્યકાળ અને વિદ્યાર્થી અવસ્થામાં, અપરિસીમ શ્રમશીલતા, દૃઢ એકાગ્રતા, અડગ આત્મવિશ્વાસ, વિશાળ બુદ્ધિમત્તા અને તેજસ્વિતાનો જે પરિચય ત્હેમણે આપ્યો છે, તેજ ગુણો ત્હેમના કાર્ય જીવનમાં પણ પુષ્કળ જોવામાં આવે છે. આપયત્તિ સમયે નિર્ભયતા, કર્તવ્ય પાલનમાં દૃઢપ્રતિજ્ઞા, નિરાશાના સમયમાં શાન્તિ અને સર્વ અવસ્થામાં નિરાભિમાનતા તથા સર્વ કાર્યમાં નિ:સ્વાર્થતા જોવાં હોય તો, એ બધા ગોણો વાંચકોને વિદ્યાસાગરના જીવનમાં, કાર્યજીવનના પ્રારંભથી તે જીંદગીના છેલ્લા દિવસો સૂધી, સ્પષ્ટ જણાઈ આવશે. કર્મશીલ મનુષ્યના કર્મ જીવનનો અન્ત આવતો નથી એ વાતનું વિદ્યાસાગર જીવન પ્રમાણ રૂપ છે. વિદ્યાસાગરે પાશ્ચાત્ય વિદ્વાન સિડની સ્મિથના નીચેના શબ્દો ચરિતાર્થ કર્યા છે.

“Let every man be occupied, and occupied in the highest employment of which his nature is capable, and die with the conscious that he has done his best.”

(સારાંશ કે દરએક મનુષ્યે પોતાના સ્વભાવનુસાર ઉત્તર કાર્યમાં પારોવાવું જોઈએ, અને પોતાનું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યું છે એ શ્રદ્ધા સાથે મરવું જોઇએ.)

ઈ. સ. ૧૮૪૧ ના ડિસેમ્બર માસમાં કલકત્તાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં માર્શલ સાહેબના હાથ નીચે વિદ્યાસગરે પહેલી નોકરી શરુ કરી. મધુસુદન તર્કાલંકારના મૃત્યુથી કૉલેજમાં મુખ્ય પંડિતની જગ્યા ખાલી પડી હતી. એ જગ્યા મેળવવાને ઘણા લોકો તળે ઉપર થઈ રહ્યા હતા. વિદ્યાસાગર મહાશય આ સમયે વીરસિંહ ગામમાં જનનીની પાસે લાડમાં પોતાનો ફુરસદનો વખત ગાળતા હતા. ત્હેમણે એ જગ્યાએ ઉમેદવારી કરવાનું ભાન પણ નહોતું, પણ તેમની અસાધારણ શ્રમશીલતા, મજબુત ખંત, આશ્ચર્યકારક બુદ્ધિમત્તા, સુંદર હસ્તાક્ષર, રચનાનૈપુણ્ય અને સર્વ વિષયોમાં એક સરખી રુચિ આદિ ગુણોને લીધે માર્શલ સાહેબની આંખમાં એ પહેલેથી ખુંપી ગયા હતા. એ ઉદાર દીલના સાહેબે ખાસ ખબર કહડાવીને વિદ્યાસાગરને કલકત્તે બોલાવ્યા અને પચાસ રૂપિયા મહિનાની નોકરી આપી (ઈ. સ. ૧૮૪૧) એ વખતે વિલાયતથી જે સિવિલિયના આ દેશમાં નોકરી કરવા આવતા ત્હેમને ફૉર વિલિયમ કૉલેજમાં દેશી ભાષાની પરીક્ષા આપવી પડતી. જો કોઇ સિવિલિયન સાહેબ એ પરીક્ષામાં નાપાસ પડતો તો ત્હેને નિરાશ થઈને પાછા જવું પડતું આ સાહેનોની બંગાળી ભાષાની પરીક્ષા વિદ્યાસાગર લેતા હતા એક દિવશે માર્શલ સાહેબે ત્હેમને સૂચનારૂપે મિત્રભાવે કહ્યું કે ‘આ સિવિલિયનો ઘણું ખર્ચ કરીને નોકરીની આશાએ હજારો ગાઉથી પરદેશ માવે છે. ત્હેમાં જો પાસ નથી થતા તો પછી એમની દુર્દશાનું ઠેકાણુંજ નથી. રહેતું, મારે મહેરબાની કરીને ત્હમે એમને અઘરા સવાલ ન પુછશો.

વાંચકો? આપણા ધનહીન નાયક, જ્હેમણે અડધા ભુખ્યા રહીને, દૃરિદ્રતા સાથે ઘોર સંગ્રામ કરીને વિદ્યાભ્યાસ કર્યો હતો અને હવે મહિને પચાસ રૂપિયાનાં પગારે નોકરીએ લાગ્યા હતા, ત્હેમણે અધ્યક્ષ સાહેબની સૂચનાના જવાબમાં આગ્રહ પૂર્વક કહ્યું કે “સાહેબ, મારાથી એવું કામ ન થાય. ભલે નોકરી છોડી દઈશ, પણ અન્યાય નહીં કરૂં ”

પ્રિય વાચક | આ ધર્મપરાયણ, નિર્ભયચિત્ત, બ્રાહ્મણ યુવકના ઉત્તર ઉપર વિયાર કરો, અને કહો કે તમારામાંથી કેટલા એવા નીળશે, કે જે ધર્મની ખાતર સંસારના બધા સુખને તુચ્છ ગણે? શું વિદ્યાસાગર જાણતા નહોતા. કે પિતા ઘણાજ ગરીબ છે અને મ્હને પોતાને પણ આજ સુધી પેટ ભરીને ખાવાનું મળ્યું નથી. આવી સ્થિતિમાં નોકરી જતી રહેશે તો, લક્ષ્મી ચાંલ્લો કરવાઆવી ત્ય્હારે મ્હોં ધોવા ગયા જેવું થશે પરન્તુ ના, એવી સાધારણ આપત્તિથી તો કાયર મનુષ્યોન ડરે છે, ધર્મવીરો ત્હેનો ભય નથી રાખતા. વિદ્યાસાગરે ચોખ્ખી ના કહી દીધી તેથી માર્શલ સાહેબને ખોટું લાગ્યું નહીં. ઉલટું એ સત્યપ્રિય ઉદાર વિચારના અંગ્રેજ અમલદારના મનમાં ઈશ્વરચન્દ્રની સત્ય નિષ્ઠા માટે સારો અભિપ્રાય બંધાયો. પોતાના કર્તવ્યમાં દૃઢ રહેવું એ વિદ્યાસાગરનું સિદ્ધાન્ત સૂત્ર હતું.

નોકરીમાં જોડાયા પછી એમણે અંગ્રેજી અને હિન્દીના અભ્યાસ તરફ ધ્યાન લગાડ્યું, થોડોક સમય પોતાના વિદ્વાન્ મિત્રો પાસે અભ્યાસ કર્યા પછી પગારદાર-શિક્ષકો રાખીને એમણે એ ભાષાઓમાં સારી પ્રવીણતા મેળવી. અંગ્રેજી ભાષાનો તો એમણે એવો સારો અભ્યાસ કર્યો હતો કે મહા કવિ શેક્સપિયરનાં નાટકોનાં બધા ઉત્તમ પ્રસંગો ત્હેમને કંઠાગ્ર હતા.

એ અરસામાં ફૉર્ટ વિલિયમ કૉલેજના હેટ રાઇટરની જગ્યા ખાલી પડી. માર્શલ સાહેબે એ જગ્યા ત્હેમને આપવા ધાર્યું. પણ ત્હેમણે એ જગ્યા પોતે લેતાં પોતાના એક મિત્રને છરૂ. ૮૦ ના પગારે અપાવી.

નોકર થયા પછી વિદ્યાસાગરનું પહેલું કામ પોતાના વૃદ્ધ પિતાજીને નોકરીમાંથી છોડાવવાનું હતું. ઘણા આગ્રહ પૂર્વક એમણે પિતાને વિનંતિ કરીને નિવૃત કર્યા અને એમના ખર્ચ માટે દર મહિને વીસ રૂપિયા મોકલવા લાગ્યા. બાકીનું ત્રીસ રૂપિયામાંથી કલકત્તામાં આ નવ માણસોવાળા કુટુંબનું ગુજરાન ચલાવતા હતા.

ફૉર્ટ વિલિયમ કૉલેજની સીનીયર અને જુનિઅર પરીક્ષામાં સવાલપત્રો કહાડવાનો ભાર પણ વિદ્યાસાગર ઉપરજ હતો. એ કામ પણ એમણે ઘણી સારી રીતે બજાવ્યું હતું.

ફૉર્ટ વિલિયમ કૉલેજમાં એ કામ કરતા હતા એવામાં એક દિવસ ભારત વર્ષના ગવર્નર જનરલ એ કૉલેજ જોવા ગયા, અને વિદ્યાસાગરની સાથે વાતચીત કમીને ઘણા ખુશ થયા. એ વખતે વાતચીન દરમિયાન ત્હેમણે વાઇસરોય સાહેબને કહ્યું, કે સરકાર સંસ્કૃત કૉલેજની ઉન્નતિ તરફ કાંઇ લક્ષ આપતી નથી. અહિંથી જે છોકરા પાસ થાય છે, ત્હેમને સરકાર કોઈ નોકરી આપતી નથી, ત્હેમને માટે ફક્ત એક ‘જજ-પંડિત’ની જગ્યા ખુલી હતી તે પણ બંધ કરી દીધી. એથી કૉલેજમાં દિનપ્રતિદિન વિદ્યાર્થીઓ ઘટતા જાય છે. આપ બંગાળા પ્રાન્તમાં દરએક જીલ્લામાં નિશાળો સ્થાપો અને સંસ્કૃત કૉલેજમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ત્ય્હાં શિક્ષક તરીકે નીમોતો ધણું સારૂં થાય. બુદ્ધિમાન ગવર્નર જનરલ લૉર્ડ હારડિંજ સાહેબે ત્હેમની સૂચના મુજબ ઈ. સ. ૧૮૪૫ માં બંગાળા પ્રાન્તમાં એક સો નિશાળો સ્થાપવાનો હુકમ આપ્યો અને સાથે એ પણ ફરમાવ્યું કે સંસ્કૃત કૉલેજમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ત્ય્હાં નીમવામાં આવશે. એ વિધાર્થીઓની પરીક્ષા લેવાનો ભાર માર્શલ સાહેબ અને વિદ્યાસાગર ઉપર આવ્યો. લૉર્ડ હારડિંજ સાહેબે સ્થાપેલી આ શાળાઓમાંથી કેટલીક આજ પણ હારડિંજ વિદ્યાલયના નામથી બંગાળામાં અસ્તિત્વ ધરાવે છે.

આ અરસામાં સંસ્કૃત કૉલેજમાં વ્યાકરણની પ્રથમ શ્રેણીના અધ્યાપકની જગ્યા ખાલી પડી. અધ્યક્ષોએ એ જગ્યા વિદ્યાસાગરનેજ આપવાનું ધાર્યું. પણ એ પરોપકારી નિર્લોભી મહાત્માએ એ નોકરી પોતે ન લેતાં પોતાના એક મિત્ર તારાનાથ તર્કવાસ્પતિ મહાશયને રૂ. ૯૦ ના પગારે અપાવી. જે વખતે તારાનાથજીની નોકરીના સંબધમાં એમણે ભલામણ કરી તે વખતે પંડિત તારાનાથ કલકત્તામાં નહોતા. અધ્યાપકની આવશ્યકતા પણ જલ્દી હતી. તેથી વિદ્યાસાગર રાત દિવસ પગે ચાલીને ત્રીસ ગાઉ દૂર ૫ંડિતજીને ઘેર ગયા અને ત્ય્હાંથી એમને તેડી લાવીને એ જગ્યાએ નોકર રખાવ્યા, કારણ એ હતું, કે પંડિત તારાનાથ વાચસ્પતિને નોકરી અપાવવાનું એ અગાઉ એક વખત વચન આપી ચુક્યા હતા તેથી વખત આવતાં પોતાના અંગત લાભનો કાંઈ પણ વિચાર ન કરતાં એમણે પ્રતિજ્ઞા પૂર્ણ કરી. પ્રતિજ્ઞા રક્ષણને માટે વિદ્યાસાગરે આટલો બધો પરિશ્રમ લીધો એ જાણીને તર્ક વાચસ્પતિ મહાશય, અને ત્હેમના પિતા બોલી ઉઠ્યા ‘ધન્ય ! વિદ્યાસાગર ત્હમે મનુષ્ય રૂપે દેવતા છો.’

આતો વિદ્યાસાગરની પરોપકાર વૃત્તિનું એક ન્હાનું સરખું દૃષ્ટાંત બતાવ્યું. આગળ ઉપર એમના ગુણો વાંચકોને સંપૂર્ણ રીત્યે વિદિત થશે, પરંતુ આ સમયે હમે ત્હેમની માતૃ ભક્તિનો એક નમૂનો બતાવવાની ઈચ્છા રાખીએ છીએ.

જે વખતે મહાત્મા વિદ્યાસાગર ફૉર્ટ વિલિયમ્સ કૉલેજમાં નોકરી કરતા હતા તેવામાં એક દિવસ ત્હેમને ઘેરથી ત્હેમના ન્હાના- ભાઇના લગ્નનો સંદેશો આવ્યો. કલકત્તેથી એમના ઘરનાં બીજા માણસો તો વિવાહ મ્હાલવાને વીરસિંહ ગામ ગયા હતા. પણ કામ વધારે હોવાથી કૉલેજના અધ્યક્ષે વિદ્યાસાગરને રજા ન આપી. એ દિવસે તો એ કાંઇ ન બોલ્યા, અને સ્હાંજે ઘેર આવીને ભોજન કરીને સુઈ રહ્યા ઘેર કેવી રીતે જવું એજ વિચાર એમના મનમાં ઘોળાયા કરતો હતો. માતૃભક્ત વિદ્યાસાગર માતાની આજ્ઞા પાળવાને પોતાને અસમર્થ જોઈને ઘણા દુઃખી થયા. એ જાણતા હતા, કે મ્હારી મા મ્હારા ઉપર એટલો બધો સ્નેહ રાખે છે, કે લગ્નમાં મ્હને ગેરહાજીર જોઈને એને જરૂરદુઃખ થશે. હું શા માટે દેવી તુલ્ય માતાના દુઃખનું કારણ બનું ? એણે મ્હને આટલું બધું કષ્ટ વેઠીને મ્હોટો કર્યો અને હજુ પણ શું એને દુઃખ જ દેતો રહીશ! એવું કરવાને મ્હને કોણે લાચાર કર્યો ? નોકરી એ ? ? ધિક્કાર છે એવી નોકરીને ! ! આમ વિચારમાંને વિચારમાં વ્હાંણું વાઈ ગયું. પ્રાતઃકાળનું નિત્યકર્મ જલ્દીથી પતાવી દઈને ઈશ્વરચન્દ્ર કૉલેજના અધ્યક્ષ માર્શલ સાહેબ પાસે પહોંચ્યા અને ત્હેમને કહ્યું ‘સાહેબ, મ્હારે ઘેર જવું છે. માએ મને બોલાવ્યો છે. હવે હું અહિં એક ઘડી પણ રહી શકું એમ નથી. ૨જા આપો કાંતો આ રાજીનામું મંજુર કરો.’ માર્શલ શાહેબ આ બ્રાહ્મણ યુવકની માતૃભક્તિ જોઈને મુગ્ધ થઈ ગયા અને તરત જ ત્હેમને ઘેર જવાની રજા આપી. રજા મળતાં વારજ એ ગજવામાં થોડા રૂપિઆ લઇને સીધા ઘર તરફ ચાલ્યા. ત્હેમના ઘરનો રસ્તો કલકત્તેથી બે દ્વસનો હતો. એ વખતે ગાડી તો હતી નહીં. રસ્તામાં ચોર લુંટારાનો ઘણો ભય રહેતો હતો. પરન્તુ આપણા નિર્ભય ચિત્તના મહાત્મા એ બધી અડચણોની જરાપણ પરવા કર્યા વગર ઘર તરફ ચાલ્યા. એ વખતે વરસાદની મોસમ હતી. રસ્તો ઘણોજ ખરાબ થઈ ગયો હતો. પણ વિદ્યાસાગર તો ધુનમાં ને ધુનમાં ચાલ્યાજ ગયા. વચમાં એક રાત વિસામો ખાઇને પાછું ચાલવા માંડ્યું. ચાલતા ચાલતાં મધ્યાહ્ન સમયે એક નદીના કિનારે આવી ઉભા રહ્યા. ચોમાસું હોવાથી દામોદમેર નદીમાં પુષ્કળ પુર આવ્યું હતું. તરંગનો વેગ એટલો બધો હતો કે અંદર લાકડું નાંખો તો આંખના પલકારામાં એના કકડે કકડા થઈ જાય, ટુંકામાં, ચોમાસામાં મ્હોટી નદીઓની જેવી અવસ્થા થાય છે તેવીજ અવસ્થા આ નદીની હતી. હવે શું કરવું? પાર ઉતરવાને માટે વહાણ તૈયાર નહોતું અને એજ દિવસે ઘેરથી ભાઇની જાન નીકળવાની હતી. ઘેર પહોંચવું બહુ જરૂરનું હતું. આ બધી વાતોનો વિચાર કરતા વિદ્યાસાગર નદીને કિનારે ઉભા રહ્યા. પણ થોડાજ સમયમાં કર્તવ્યનો નિશ્ચય કરીને નદીમાં કુદી પડ્યા અને પેલીપાર જવા માટે તરવા લાગ્યા. આખરે ત્હેમના સાહસે એટલા સખ્ત પૂરમાં પણ એમને સહીસલામત પાર ઉતાર્યા. સામે પાર જઈને પોતાના મામાને ત્ય્હાં મધ્યાહ્નનું નિત્યકર્મ કરીને પાછાર ઘર તરફ ચાલવા લાગ્યા. સ્હાંજ પડતાં વળી બીજી નદી આવી. પણ એવાજ સાહસથી એને પણ પાર ઉતર્યા. અહિં' ઘણું મ્હોટું મેદાન હતું, અને ચોર લુંટારાનો ભય પણ ઘણો હતો. પણ ઈશ્વરચન્દ્ર તો પોતાની ઇષ્ટ દેવીરૂપ માતાના ચરણકમળનું ધ્યાન ધરતા સીધાને સીધા ઘર તરફ ચાલ્યા. ઘર આગળ તો સંધ્યા કાળેજ જાન રવાના થઈ ગઈ હતી. પણ ત્હેમની માતા પુત્ર વિયોગથી બહુ દુ:ખી થઇને આંસુ પાડતી ઘેર બેઠી હતી. અરધી રાત થઈ ગઈ પણ માતાએ કાંઈ પણ ખાધું નહોતું. ઘરમાં બીજા બધાં સુઈ ગયાં હતાં. એવામાં એમણે પુત્રનો અવાજ સાંભળ્યો કે, “મા, મા, હું આવ્યો, બારણું ઉઘાડો” માતાએ વિજળીની ઝડપે દોડીને બારણું ઉઘાડ્યું, અને આપણા વિદ્યાસાગર માતાને ચરણે પડ્યા, પહેલાં તો મા દિકરો મળીને ખૂબ રોયાં, પછી માએ પુત્રનાં ભીનાં કપડાં બદલાવ્યાં અને બે જણાંએ સાથે બેસીને ભોજન કર્યું.

ધન્ય છે વિદ્યાસાગરની માતૃ ભક્તિને !

કેટલાક દિવસ ઘેર રહ્યા પછી વિદ્યાસાગર પાછા નોકરી ઉપર ચ્હડ્યા. અંગ્રેજી અમલદારો ઘણું ખરું એમની પાસે કવિતા રચાવતા અને ખુશ થઇને સેંકડો રૂપિય ઈનામમાં આપવા; પણ એ પોતે એ રૂપિયા પોતાના ઉપયોગમાં ન લેતાં કૉલેજના વિદ્યાર્થી અને શિષ્યવૃત્તિ આપવામાં વાપરતા. મહિને પચાસ રૂપિયા પગાર ઉપરાંત પોતે એક કોડીને અડકતા નહીં. એજ સમયમાં સંસ્કૃત કૉલેજમાના સહકારી અધ્યક્ષ-વાઇસપ્રિન્સિપાલની જગ્યા ખાલી પડી, અને એ જગ્યાએ ત્હેમની નીમણુક થઈ. સંસ્કૃત કૉલેજમાં ત્હેમણે રોજ નવા સુધારા કરવા શરૂ કર્યા. શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવવા જવાનો સમય નક્કી કર્યો અને પરીક્ષા લેવાની નવી પદ્ધતિ દાખલ કરી તેથી એ ર્વર્ષનું પરિણામ સારું આવ્યું અને કૉલેજના અધ્યક્ષ ત્હેમના ઉપર ઘણા ખુશ થયા. ત્હેમના ઘડેલા કાયદા પ્રમાણે આજ પણ સંસ્કૃત કૉલેજમાં શિક્ષણ અપાય છે.

આપણા દેશમાં પ્રાયઃ ઘણા લોકો પોતાની અને પોતાના દેશની મર્યાદાનો નાશ કરીને ઉપરીઓની મહેરબાના મેળવે છે, ભણ્યા ગણ્યા લોકોમાંથી પણ આ દોષાને અપવાદ રૂપ ઘણા થોડા મળી આવે છે. પણ વિદ્યાસાગર મહાશય, સાહેબ અમલદારોને હાથે શિરપાવ મેળાવવા માટે કોઈ દિવસ માથું નમાવતા નહીં. અંગેજોના પ્રસાદથી ફૂલીને ફુલણજી બનનારા અને સાહેબની કૃપા ઉપર જીવનારા આપણા કેટલાક દેશીઓ માફક એ આત્મસન્માનના ભોગે માન અકરામ કે પ્રતિષ્ઠાની જરાપણ પરવા કરતા નહીં. એક ઉદાહરણથી સ્પષ્ટ જણાઈ આવશે, કે એમને આત્મસન્માનનું કેટલું બધું ભાન હતું. એક દિવસ કોઈ કાસ કામને માટે વિદ્યાસાગર હિન્દુ કૉલેજના પ્રિન્સિપાન્ન કાર સાહેબ પાસે ગયા હતા. કાર સાહેબ જરા તુમાખી મિજાજના હતા અને દેશી આદમીને માટે એમને જરા સુગ હતી, તેથી વિદ્યાસાગરના આવવાની કંઈ પંઅ પરવા ન રાખતા, ટેબલ ઉપર બૂટ ચહિત લાંબા પગ રાખીને, ખુરસીમાં અઢેલીને અડધા સુતા હોય એમ બેસી રહ્યા. વિદ્યાસાગરને સાહેબના આ આચરણથી ઘણું અપમાન લાગ્યું, પણ એ વખતે તો ગમ ખાઈને પોતાનું કામ પતાવી દઈને ઘેર ચાલતા થયા. એક દિવસ એવો પ્રસંગ આવ્યો, કે મિસ્તર કારસાહેબને કોઈ કામ પ્રસંગે વિદ્યાસાગરને ઘેર જવું પડ્યું. આ વખતે વિદ્યાસાગર પણ એવીજ રીતે પોતાનું નિત્યનું ન્હાનું પંચીઉં પહેરીને પોતાની ચંપલોથી પરિશોભિત અડધાં ઉઘાડાં ચરણ કમળ, ટેબલ ઉપર ફેલાવીને, ખુરસી, ઉપર અડધા આડા થઇને પડ્યા રહ્યાં. ઓરડામાં પેઠા પછી કારસાહેબ વિદ્યાસાગરનું આ આચરણ જોઈને ઘણાં જ ગુસ્સે થયા. ત્ય્હાં સાહેબને બેસવા માટે બીજી ખુરસી પણ નહોતી, તેથી સાહેબ બહુ જલ્દીથી કામ આટોપી લઈને ઘેર જતા રહ્યા. અને પછીથી સંસ્કૃત કૉલેજના અધ્યક્ષ મિસ્ટર મયેટ સાહેબને પત્ર લખીને વિદ્યાસાગરની વર્તણૂક સબંધી ફરિયાદ કરી. મયેટસાહેબે વિદ્યાસાગર પાસે ખુલાસો માંગ્યો; ત્હેનો જવાબ ઘણો આનંદ જનક છે. ત્હેમણે લખ્યું કે, “હું એક દિવસ કારસાહેબને મળવા ગયો હતો ત્ય્હાંથીજ આગતાસ્વાગતા કરવાની આ રીત શિખી આવ્યો હતો. હું સ્હમજ્યો કે ભારતવાસીઓ અસભ્ય છે. સુધરેલા દેશોમાં કદાચ સત્કાર કરવાની આવીજ રીત હશે. તેથી પ્રસંગ આવ્યે મેં પણ એ શિક્ષણનો ઉપયોગ કરવામાં કાંઈ કંહુસાઈ કરી નથી. એમાં જો મ્હારો કાંઈ અપરાધ થયો હોય તો ત્હેના જવાબદાર કારસાહેબ પોતેજ છે.” અધ્યક્ષ મયેટસાહેબ ત્હેમનો મન યુક્તિ પૂર્ણ જવાબ વાંચીને ઘણા પ્રસન્ન થયા અને કારસાહેબને હુકમ આપ્યો કે ત્હમારે જાતે મળીને વિદ્યાસાગરતી માફી માંગવી. કારસાહેબે આ પ્રમાણે કરીને વિદ્યાસાગરને મનાવી દીધા.

હમે વિદ્યાસાગરના આ આચરણના પૂર્ણ પક્ષપાતી નથી. એમાં વિદ્યાસાગરનાં આત્મ સન્માન અને તેજસ્વિતાના ગુણો સ્પષ્ટ જણાઈ આવે છે, અને ત્હેને હમે વખાણીએ છીએ. પણ સાથે એટલું પણ કહીએ છીએ, शठं प्रति शाठ्यं कुर्यात् ની નીતિ આદર્યા વગર મીઠા શબ્દોથી સાહેબને ઉપદેશ આપીને અથવા રીતસર ઉપરી અમલદાર પાસે પોતાનો વાંધો રજૂ કરીને કારસાહેબને ઠપકો અપાવ્યો હોત તો ત્હેમનું માહાત્મ્ય વિશેષ ઝળકી ઉઠત. પણ વિદ્યાસાગર અનેક ગુણોના સાગર હોવા છતાં પણ આખરે માનવજ હતા, અને માનવને હાથે ભુલ થવાનો સદા સંભવ છે.

ત્ય્હાર પછી કેટલે વખતે કૉલેજની કાર્ય પદ્ધતિ સંબંધમાં એમને કૉલેજના સેક્રેટરી બાબુ રસમયદત્ત સાથે અણબનાવ થયો, તેથી એમણે નોકરી છોડી દીધી. નોકરીતો છોડી પણ ખર્ચ ચાલુજ રહ્યું. એમની તરફથી જે અનાથ બાળકોને ભોજન અપાતું હતું તે બરોબર મળતુંજ રહ્યું કલકત્તાના ઘરનું ખર્ચ ન્હાના ભાઈના પગારમાંથી ચાલવા લાગ્યું; અને બારમહિને રૂ. ૫૦ ઉધાર લઈને પિતાને મોકલવા લાગ્યા. જો કે દ્રવ્યના અભાવને લીધે એમને કોઈ વખત અડચણ પણ વેઠવી પડતી હતી. તોપણ ચિન્તાએ ત્હેમને કોઈ દિવસ વ્યથિત નહોતા કર્યા. દુ:ખીઓનું દુઃખ દૂર કરવાને એ સદા કમર બાંધીને તૈયાર રહેતા. મયેટ સાહેબના કહેવાથી એ અરસામાં, એમણે એક અંગ્રેજને છ મહિના સુધી બંગાળી અને હિન્દી ભણાવ્યું હતું. ભણી રહ્યા પછી સાહેબે દર મહિને રૂ. ૫૦) ના હિસાબે છ મહિનાના ૩૦૦ રૂપિયા આપવા માંડ્યા, ત્યારે પણ આવી તંગીમાં આવી પડેલા આપણા નિર્લોભી મહાત્મા વિદ્યાસાગરે એ દ્રવ્ય લેવાની સાફ ના કહી. અને કહ્યું કે ‘વાહ સાહેબ, મ્હારા મિત્ર મીસ્ટર મયેટના કહેવાથી મ્હેં આપને થોડા દિવસ ભણાવ્યું ત્હેમાં પગાર શેનો ?’ આ ઉપરથી જણાઈ આવે છે કે એમની આંખમાં કેટલી શરમ હતી.

એ નોકરી છોડ્યા પછી ઈ. સ. ૧૮૪૯ સુધી એમણે બીજું કાંઈ પણ કામ ન કર્યું. ત્હેમણે પોતાના એક [૧]*મિત્રને રૂ. ૮૦ ના પગારે હેડ રાઇટર અને રજીસ્ટ્રારની જગ્યાએ રખાવ્યા હતા તે મિત્રે હમણાં નોકરી છોડીને ડાક્ટરનો ધંધો કરવા માંડ્યો હતો, તેથી એ ખાલી પડેલી જગ્યા માર્શલ સાહેબના બહુ આગ્રહથી એમને સ્વીકારવી. પડી. ત્ય્હાર પછી થોડા સમયમાં સંસ્કૃત કૉલેજમાં સાહિત્યના અધ્યાપકની જગ્યા ખાલી પડી અને એ ત્ય્હાં નીમાયા. થોડા દિવસ પછી જ્ય્હારે કૉલેજને સેક્રેટરીનો જગ્યા ખાલી પડી ત્ય્હારે એ જગ્યા કહાડી નાંખીને પ્રિન્સિપાલની નવી જગ્યા રાખવામાં આવી. એ પદ ઉપર ઈ.સ. ૧૮૫૧માં રૂ. ૧૫૦ ના મહિને વિદ્યાસાગરની નીમણુક થઇ.

આ પદ ઉપર નીમાતાંજ એમણે પોતાની સઘળી વિદ્યા અને બુદ્ધિ કૉલેજની ઉન્નતિ કરવામાં કામે લગાડ્યાં. કૉલેજના પુસ્તકાલયમાં ઘણાં પ્રાચીન હસ્ત લિખિત પુસ્તકો પડ્યાં પડ્યાં ઉધાઈ ખાતાં હતાં. વિદ્યાસાગરે એ પુસ્તકો છપાવી દીધાં. એ સમયે સંસ્કૃત કૉલેજમાં કોઈ વિદ્યાર્થીને ફી આપવી પડતી નહોતી. એજ્યુકેશનલ કાઉન્સિલ – શિક્ષણ સમિતિને સૂચના કરીને એમણે એવો કાયદ્ ઘડાવ્યો કે સમર્થ વિદ્યાર્થીઓએ ફી આપવી પડશે. આને માટે ઘણાઓએ કટાક્ષ પણ કર્યા. અને દેખીતી રીત્યે એ ટીકા વ્યાજબી પણ હતી. પણ વિદ્યાસાગરના ઘાડા સંબંધમાં આવનાર, ત્હેમના ઉદ્દેશો વધારે સારી રીત્યે જાણનાર ત્હેમના ચરિત્ર લેખક કહે છે, કે એ બુદ્ધિમાન દૂર અંદેશ મહાત્મા જાણતા કે બેન્ટિક, મેટકાફ, ડેવિડ હેર અને બેથ્યૂન જેવા પરોપકારી અંગ્રેજો હવે ભારતવર્ષમાં નહીં આવે. એ વખતે જો બિલકૂલ ફી નહીં હોયતો અમલદારો હાલના કરતાં બમણી ફી નાંખશે. માટે પહેલીજ થી ફી દખલ કરીને એમણે એ ભવિષ્યની વિપત્તિનો ભાર ઓછો કર્યો. ગરીબ છોકરાઓતો આજ પણ સંસ્કૃત કૉલેજમાં વગર ફીએ શિક્ષણ મેળવે છે.

વાંચકોને ઉપર જણાવવામાં આવ્યું છે, કે વિદ્યાસાગર સંસ્કૃત શિક્ષણની ઉન્નતિનો હમેશાં વિચાર કર્યા કરતા હતા. ત્હેમને લાગ્યું, કે વ્યાકરણ ભણ્યા વગર સંસ્કૃત કાવ્યમાં મજાહ પડતી નથી. ઘણા લોકો સંસ્કૃત કાવ્ય ભણવાની ઈચ્છા હોવા છતાં પણ વ્યાકરણની એ ભયાનક મૂર્તિ જોઈને ડરી જાય છે, અને કાવ્યનો રસ ચાખતા નથી. એટલા માટે એ લોકોની સુગમતા સારૂ એમણે બંગાળી ભાષામાં સંસ્કૃત વ્યાકરણની ઉપક્રમણિકા લખી. આ પુસ્તક કેટલાક પ્રાન્તોની નિશાળોમાં શિખવાય છે. આ ઉપરાંત પંચતંત્ર રામાયણ, હિતોપદેશ મહાભારત વગેરે સ્હેલા સંસ્કૃત ગ્રન્થોમાંથી સંગ્રહ કરીને ત્હેમણે “ઋજુ–પાઠ” નામની ત્રણ ચોપડીઓ રચી, એ પુસ્તકો આજ સૂધી બંગાળા તથા અન્ય પ્રાન્તોમાં શિખવાય છે. આતો ત્હેમની સાહિત્ય ચર્ચાનો આભાસ માત્ર છે. એ વિષેનું વિશેષ વૃતાંત આગળ ઉપર આવશે.

જે સમયે ત્હેમનો યશ ચારે દિશામાં ધીમે ધીમે પ્રસરી રહ્યો હતો. તે સમયમાં ‘એજ્યુકેશનલ કમિટી’ ના પ્રમુખ બંગ-લલનાઓના સાચા શુભેચ્છક, મિસ્ટર ડ્રિન્કવૉટરર બેથ્યુન સાહેબ સાથે એમને મુલાકાત થઈ. એમના મિલનસાર સ્વભાવે સાહેબને પોતાના એક હિતૈષી મિત્ર બનાવ્યા. કેવળ બેથ્યુન સાહેબજ નહીં, પણ ગવર્નર જનરલ કૉર્ડ હારડિંજ, ડેલહાઊસી કેનિંગ વગેરે ઊંચા દરજ્જાના અમલદારો પણ ત્હેમની તરફ ખાસ માનની નજરે જોતા હતા, તથા કેળાવણીના વિષયમાં ત્હેમની સલાહને સર્વોપરી ગણતા હતા. વિદ્યાસાગરનો સ્વભાવ એવો સરળ અને મળતાવડો હતો, તથા એમની મુખમુદ્રા એવી મનોહર તથા ચિત્તાકર્ષક હતી, કે ત્હેમને એકવાર મળનાર પણ ત્હેમની પ્રસંસા કર્યા વગર રહેજ નહીં. પણ એમના સ્વભાવનું મહત્વ એ વાતમાં છે, કે જે સમયે ગવર્નરો અને રાજા મહારાજાઓ, ત્હેમના ચરણ કમળથી પોતાના નિવાસને પાવન થયેલું સ્હમજતા હતા. તે સમયે પણ એમના ચિત્તમાં અભિમાનનો લેશ પણ અંશ નહોતો આવ્યો. ત્હેમનો ખરો સ્નેહ દીન, અનાથો અને નિરાધાર વિધવાઓ ઉપર હતો. જ્ય્હારે કોઈ દરિદ્ર કુટુમ્બના કષ્ટની વાત ત્હેમને કાને પડતી ત્ય્હારે તરતજ પોતે એને ઘેર જઈ પહોંચતા અને તનમનધનથી એ બિચારાનું દુઃખ દૂર કરવા યત્ન કરતા. કલકત્તામાં જ્ય્હારે ઘણું કામ કરીને થાકી જતા ત્ય્હારે સાવતાલ પરગણામાં ખર્મટાંડ નામના સ્ટેશને જઈ વિશ્રામ કરતા. અને ત્ય્હાંના ગરીબોનું દુઃખ મોચન કરવામાં સદા તત્ત્પર રહેતા. એમણે હોમિયોપથિક વૈદકનો પણ થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, અને જ્ય્હારે કોઈ દરિદ્ર રોગીને ઘેર જતા ત્ય્હારે એ દવાની પેટી સાથે રાખતા. એક વખત એવું બન્યું કે ખર્મટાંડ ગામમાં એક દિવસ સ્હવારે એક ઢેડાએ આવીને એમને કહ્યું કે, ‘મહારાજ, મ્હારી બૈરીને કોલેરા થયો છે. આપ જો કાંઈ ઈલાક નહીં કરો તો મુજ ગરીબનું સત્યાનાશ વળી જશે. પરોપકારી વિદ્યાસાગર તરતજ નોકર પાસે દવાની પેટી અને બેસવાનો મુંઢો ઉપડાવીને એ ઢેડાને ઘેર ગયા, અને આખો, દિવસ ભુખ્યા રહીને ત્હેની સ્ત્રીનો ઇલાજ કર્યો. આખરે સંધ્યાકાળે રોગીને જ્ય્હારે વળતી દશા થઇ છેત્ય્હારે પોતે ઘેર આવીને સ્નાન કરીને ભોજન કર્યું. વાયકો ! કહો ત્હમારામાંથી એવા કેટલાક માણસો નીકળી આવશે, કે જે ઢેડા જેવી નીચી ગણાતી જાતિને ઘેર જઈને મળમુત્રની દુર્ગન્ધ વગેરે બધી જાતનું દુઃખ સહન કરીને રોગીની સેવા કરે ? ગવર્નર સાહેબની સભામાં બેઠક મેળવવાને માટેતો ઘણા ઉમેદવારો મળી આવશે, ૫ણ માન અપમાન, ઊંચનીચ, સુખ દુઃખ વગેરેનો કાંઈ પણ વિચાર ન કરતાં સર્વદા ગરીબો, દ્ઃખીઓનું દુઃખ નિવારણ કરવામાં તત્પર રહે એવા કેટલા થોડા નીકળી આવશે ? અઢળક ધન પ્રાપ્ત કરવાથી કે સરકારને ગમે તે પ્રકારે ખુશ કરી ખિતાબો મેળવ્યાથી ખરૂં સન્માન નથી મળતું. ખરૂં સન્માન, આંતરડીની દુવા તો એવા ઉપકારી કાર્યોથીજ મળે છે. ભારતવર્ષમાં નામના દેશ હિતૈષિઓ તો ઘાણા છે. પણ ભારતની દીન પ્રજાનું યથાર્થ હિત હૈડે ધરનાર કેટલા ગણ્યા ગાંઠ્યા છે? ! જો ખરેખરા દેશહિતૈષી હોવાનો દાવો કરતા હોતો આ પરોપકારી મહાત્મા વિદ્યાસાગરનું અનુકરણ કરો. -

દરિદ્રોને એ સર્વદા સર્વ પ્રકારે સહાયતા આપતા હોવાથી બંગાળી લોકો એમને ‘વિદ્યાસાગર’ ને બદલે ‘દયાસાગર’ કહેવા લાગ્યા હતા.

વિદ્યાસાગર પ્રિન્સિપાલ નીમાયા એટાલે સરકારે એમની પાસેથી રિપોર્ટ માંગ્યો કે કૉલેજની પૂર્ણ ઉન્નતિને માટે સરકારે શાં પગલાં લેવાં જોઈએ. તેમણે પોતાની બધી વિદ્યા તથા બુદ્ધિનો ઉપયોગ કરીને એ રિપોર્ટ કેળવણી ખાતા ઉપર મોકલ્યો એ ખાતાના અધ્યક્ષ એ રિપોર્ટ વાંચીને એટલા બધા ખુશ થયા કે ત્હેમણે વિદ્યાસાગરનો પગાર દોઢસોથી વધારીને એકદમ ત્રણસેં રૂપિયા કર્યો, અને ત્હેમની રિપોર્ટને અનુસરીને ઘણી નોર્મલ સ્કૂલો સ્થાપી, તથા ઈ. સ. ૧૮૫૫ થી મહિને રૂ. ૨૦૦ રૂપિયા બસેંનો વધારાનો પગાર કરીને ત્હેમને નદીઆ, હુગલી, વર્ધમાન અને મેદિનીપુર જીલ્લાએાના ઇન્સ્પેકટર ઑફસ્કૂલ્સ નીમ્યા. એટલે હવે વિદ્યાસાગરને દર મહિને રૂ. ૫૦૦ નો પગાર મળાવા માંડ્યો. એ વખતે સસ્કૃત કૉલેજમાં અંગ્રેજી ભણવું ફરજીઆત નહોતું. પણ એમણે પ્રિન્સિપાલ થયા પછી નિયમ કર્યો, કે પ્રત્યેક વિદ્યાર્થીએ બીજા વિષયોની પેઠે અંગ્રેજી ઉપર પણ લક્ષ આપવું પડશે. સરકારે પણ ત્હેમના એ કામને ટેકો આપ્યો. આજ વખતે સરકારે એજ્યુકેશનલ કાઉન્સિલ તોડી નાંખીને ત્હેની જગ્યાએ ડાઇરેકટર ઑફ પબ્લિક ઈન્સ્ટ્રક્શનની નવી જગ્યા કહાડી, અને એ જગ્યાએ ડબલ્યુ ગોરડન યંગ નામના એક જવાન સિવિલિયનને નીમ્યા. ઈશ્વરચન્દ્રે હાલિડે સાહેબને સમાજાવ્યું કે આપે આ જવાબદારીની જગ્યાએ કોઈ અનુભવી ગૃહસ્થને નીમ્યો હોતતો સારું થાત. એના જવાબમાં લે. ગવર્નર સાહેબે કહ્યું, કે કામ તો બધું હું જ કરીશ. યંગસાહેબ તો માત્ર નામનાજ છે. ત્હમે ઑફિસમાં જઈને એમને જરા કામકાજ શિખવી આવજો. એ હુકમ પ્રમાણે વિદ્યાસાગર, ડાઇરેકટર યંગસાહેબને કામ શિખવી આવતા હતા.

ઈ. સ. ૧ ૮૫૪ માં વિલાયતના પ્રધાન મંડળે ભારતવાસીઓની કેળાવણી માટે કેટલાક લાખ રૂપિયા ખર્ચવાની મંજુરી આપી અને લૉર્ડ મેકૉલે તથા લૉર્ડ વિલિયમ બેન્ટિકે ઈ. સ. ૧૮૩૫ માં સૂચવેલી પદ્ધતિ અનુસાર કેળવણી આપવાનો ઠરાવ થયો. આ હુકમ મુજબ વિદ્યાસાગરે બંગાળામાં અનેક નિશાળો સ્થાપી. ડાઇરેક્ટર યંગસાહેબ ત્હેની વિરુદ્ધ હતા. બેજાં બે અંગ્રેજ ઇન્સ્પેક્ટરોની સલાહ પ્રમાણે ત્હેમણે વિદ્યાસાગરને નવી શાળાઓ સ્થાપવાની મના કરી, પરન્તુ વિદ્યાસાગરે ત્હેમની વાત ન માનતા લૉર્ડ હાલિડે સાહેબને એ વાતની ખબર આપી, લેફ્ટનન્ટ ગવર્નરે એ સંબંધમાં પ્રધાન મંડળની સંમતિ માંગી અને એ લોકોએ વિદ્યાસગરની જ સલાહ પસંદ કરી . આથી બમણા ઉત્સાહથી નિશાળો સ્થાપવા લાગ્યા. ડાઇરેક્ટર સાહેબ દરેક વાતમાં ત્હેમનો વિરોધ કરવા લાગ્યા પરન્તુ ઈશ્વરચંદ્ર એવી યુક્તિથી કામ ચલાવતા હતા, કે સાહેબ બહાદૂરત્નું કાંઇ ફાવતું નહીં. લે. ગવર્નર હાલિડે સાહેબના કહેવાથી વિદ્યાસાગરે બંગાળાના ચારે જીલ્લામાં જે કન્યાશાળાઓ સ્થાપી હતી ત્હેનું બિલ ડાઇરેક્ટર સાહેબે નામંજૂર કર્યું અને સાથે સાથે એ પણ લખ્યું, કે કન્યાશાળાઓમાં પૈસા ખરચવા એ વર્તમાન શિક્ષણ નીતિની વિરુદ્ધ છે. આથી વિદ્યાસાગરને ઘણું માઠું લાગ્યું અને એમની અને ડાઇરેક્ટર સાહેબની વચ્ચેનો કલહ દૃઢ થયો.

સર ચાર્લ્સ વૂડની સૂચના મૂજબ ઈ. સ. ૧૮૫૩ માં વિશ્વવિદ્યાલય -યુનિવર્સિટીની સ્થાપનાની હીલચાલ થઈ, અને ઈ. સ. ૧૮૫૩ માં કલકત્તા યુનિવર્સિટીનો પાયો નખાયો. આ યુનિવર્સિટીના પ્રથમ સભાસદોમાં વિદ્યાસાગર પણ એક હતા. પ્રથમ વર્ષના કન્વોકેશન અધિવેશન–માં એમને ગવર્નર જનરલની પડખે બેઠક મળી હતી. અને દરેક વાતમાં ત્હેમની સલાહ લેવામાં આવી હતી, એજ વર્ષની ૨૮ મી નવેમ્બરે પરીક્ષક મંડળ નિમાયું. જેમાં સંસ્કૃત, બંગાળી અને હિન્દીના સવાલ પત્રો કહાડવાનું કામ એમને સોંપવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૫૬ માં એમ. એ. ની પરીક્ષામાં સંસ્કૃતના પરીક્ષક એ નિમાયા હતા. યુનિવર્સિટીની સ્થાપના પછી ત્હેના કેટલાએ અધિવેશનમાં સંસ્કૃત કૉલેજ કહાડી નાંખવાની સૂચના થઈ. ઘણા અંગ્રેજ અને બંગાળી સભાસદોએ એ સૂચનાને ટેકો આપ્યો, પણ એકલા વિદ્યાસાગરની દલિલોએ વિરોધીઓના મ્હોં બંધ કરી દીધો અને સંસ્કૃત કૉલેજ કાયમ રહી.

બંગાળના લેફ્ટેનન્ટ ગવર્નર હાલિડે સાહેબ સાથે એમને ઘણી દોસ્તી હોવાથી, કામકાજ સંબંધી વાતચેત કરવાને માટે એ ઘણી વખત તે ગવર્નર સાહેબને બંગલે જતા હતા, અઠવાડીઆમાં એક બે વખતતો જરૂર જવું આવવું થતું. વિદ્યાસાગરની રહેણી કરણી ઘણી સાદી હતી. એક ધોતીઉં, ખેસ, અને સપાતો એજ એમનો પોશાક હતો અને એજ પોશાકમાં એ ગવર્નર સાહેબને ઘેર પણ જતા. એક દિવસ ગવર્નર સાહેબ ત્હેમને ‘ચોગા ચપકન’ (એક જાતનું નાનું અંગરખું તથા ઝભ્ભો ) પહેરીને આવવાનો ખાસ આગ્રહ કર્યો. એ પ્રમાણે એ પોશાક પહેરીને બે ત્રણ દિવસ સૂધીતો એ ગયા, પણ ચોથે દિવસે એમણે સાફ કહી દીધું કે ‘બસ સાહેબ આજ મ્હારી આપની સાથે છેલ્લી મુલાકાત છે, હાલિડે સાહેબે આશ્ચર્ય પામીને પુછ્યું ‘ કેમ પંડિતજી, શું થયું ? ’ એમણે હસીને જવાબ દીધો કે ‘ સાહેબ, મ્હારાથી કેદીની માફક વેશ સજીને આપની પાસે નહીં અવાય. એવો પોશાક મ્હને બહુ ભારે લાગે છે.’ લે. ગવર્નર સાહેબે ત્હેમની સરળતા જોઇને કહ્યું કે, ‘કાંઈ હરકત નથી આ કપડાં પહેવામાં ત્હમને કાંઈ અગવડ પડતી હોયતો ત્હમે મરજીમાં આવે તે કપડાં પહેરીને મ્હને મળવા આવજો, વાંચકો ! કહ્રૂં સન્માન કેવળ સદ્‌ગુણોથી મળે છે, કપડાં લત્તાના ઠાઠથી નહીં.

વિદ્યાસાગર અને ત્હેમના અંગ્રેજ ડાઈરેક્ટર વચ્ચે ગેર સમજુતી વધતી જતી હોવાથી, બન્ને માં સંપ કરાવવાને હાલિડે સાહેબ હમેશાં તજવીજ કરતા હતા પણ યંગ સાહેબ ઘણા તુમાખી સ્વભાવના મનુષ્ય હતા, એટલે બન્નેનો મેળ ન મળ્યો. એક વખતે વિદ્યાસાગરે નિશાળોની પરીક્ષા લીધા પછી તે સંબંધી રિપોર્ટ લખીને ડાઇરેક્ટર સાહેબને બતાવ્યો. ત્હેમણે એ રિપોર્ટ વાંચીને કહ્યું કે ‘આ રિપોર્ટને બહુ સારી રીતે શણગારીદો, કે જેથી અમલદાર વર્ગ એ વાંચીને એમ સ્હમજે કે કેળવણી ખાતાનું કામ ઘણું સારું ચાલે છે’ આવી સૂચનાને અપમાનરૂપ ગણીને ઊંચા વિચારના વિદ્યાસાગરે જવાબ આપ્યો કે મ્હેં જે બીના એક વખત લખી છે ત્હેમાં હવે કાંઈ ફેરફાર થાય એમ નથી’ ડાઇરેક્ટર સાહેબ એમ કરવા આગ્રહ કરવા લાગ્યા, પણ વિદ્યાસાગર નાનેનાજ કહેતા ગયા. આખરે વાત બહુ વધી પડવાની અણી ઉપર આવી પડી ત્ય્હારે એ ત્ય્હાંથી ઉઠી ગયા અને ઘેર આવીને નોકરી છોડવાનો વિચાર જણાવીને ડાઇરેક્ટર સાહેબ ઉપર એક પત્ર લખ્યો, અને એ પત્રની નકલ લેફ્ટેનન્ટ ગર્વનર હાલિડે સાહેબ ઉપર મોકલી આપી. હાલિડે સાહેબે વિદ્યાસાગરને બોલાવીને એ સંકલ્પ છોડી દેવાને ઘણાએ સમજાવ્યા. પણ એ દૃઢ ચિત્તના મહાત્માએ સાફ ના કહીને કહ્યું કે ‘જે નોકરી એક વખત છોડી દીધી તે ફરીથી ગ્રહણ નહીં કરું. આજ મ્હારી છેલ્લી નોકરી છે. હવે બાકીના જીવનનો સઘળો વખત દેશના સ્ત્રી પુરૂષના જ્ઞાનની ઉન્નતિ અને વિદ્યાના પ્રચારમાં ગાળીશ, અને એ વ્રતનું જીવનના અન્તિમ દિવસે, મ્હારી ચિતાની ભસ્મમાં ઉદ્યાપન થશે.’

કેવો ઉચ્ચ અભિલાશ ! કેવું પવિત્ર વ્રત ! કોણ કહી શકશે કે વિદ્યાસાગરે આ વ્રત જીવન પર્યંત નીભાવ્યું નથી ? કોણ કહેશે, કે આ રાજસૂયયજ્ઞમાં એ વિજયી પાંડવોની માફક, ભગવાનની શુભ દૃષ્ટિ પ્રાપ્ત કરીને કૃતાર્થ નથી થયા ?

ઇ. સ. ૧૮૫૮ ના નવેમ્બર માસમાં તેમણે રાજીનામું આપ્યું. જો કે સરકારી નોકરી છોડી દેવાથી ત્હેમના જેવા ખરચાળ ગૃહસ્થને ઘણું દુ:ખ ખમવું પડ્યું, તોપણ એમણે ફરીથી નોકરીતો નજ કરી. ત્હેમના કેટલાક અંગ્રેજ મિત્રોએ પછીથી પણ નોકરી સ્વીકારવાનો ઘણોએ આગ્રહ કર્યો, પણ એમણે પોતાનો ટેક કદી ન છોડ્યો.

વ્યાવહારિક દૃષ્ટિથી જોતાં, વિદ્યાસાગરનું આ આચરણ ઘણાને ડહાપણ ભરેલું નહીં જ જણાય. કારણ કે ઉપરી અમલદાર સાથે જરા જરા મત ભેદ થતામાં હાથ નીચેના અમલદારો એમ નોકરી છોડવા તત્પર થઇ જાયતો એથી રાજ્ય પ્રબંધમાં ખલેલ પહોંચે. પણ વિદ્યાસાગર જેવા સત્યવ્રત લોકો એવા વ્યવહાર કુશળ લોકો કરતાં જુદી શ્રેણીના હોય છે. વિધાતાએ એમને કાંઈક નવિનતા ઉત્પન્ન કરવાજ મોકલ્યા હતા. તાબેદાર રહીને, હાજી હા કરીને નોકરી કરવાનો ગુણ વિધાતાએ ત્હેમને આપ્યોજ નહોતો. એવા તાબેદાર અમલદારો હિન્દુસ્થાનમાં અનેક છે. વિદ્યાસાગરને પણ એવા જ બનાવી ત્હેમની સંખ્યા વધારવી એ વિધાતાને અસંગત અને અનાવશ્યક લાગ્યું હતું.

નોકરી છોડ્યા પછી વિદ્યાસાગરે દેશ સેવા કેવી રીત્યે કરી ત્હેનો કાંઈક આભાસ દેવે વાંચકોને કરાવીશું.

  1. *આ મિત્ર તે આજકાલ જગવિખ્યાત પ્રસિદ્ધ વક્તા અને સ્વદેશ ભક્ત બાબુ સુરેન્દ્રનાથ બેનરજીના પિતા બાબુ દુર્ગાચરણ. નોકરી કરતે કરતે એ ડાક્ટરનો ધંધો શિખ્યા હતા. ત્હેમણે એ ધંધામાં ઘણીજ ખ્યાતિ મેળવી હતી. ત્હેમનું જીવન ઘણી અલૌકિક ઘટનાઓથી પરિપૂર્ણ હતું. વિદ્યાસાગર સાથે એમને જીવજાન દોસ્તી હતી.