ઋતુગીતો/મિત્રવિરહના મરશિયા/સંભરિયા

વિકિસ્રોતમાંથી
← (૬) સકજ સાંગણ સંભરે ઋતુગીતો
સંભરિયા
ઝવેરચંદ મેઘાણી
(૯) ઋતુશોભા →


સંભરિયા

[અત્યાર સુધીના લગભગ બધા મળતા આવતા છંદોની એકતાનતામાં દોમળિયા નામનું આ વૃત્ત વિવિધતા આણે છે. નાદને હિસાબે આ કાવ્ય અન્ય સર્વથી ચડે છે. શબ્દ–ગૂંથણી શુદ્ધ ડીંગળી છે, અને એટલી બધી સહજ રીતે આવી ગઈ છે, કે પ્રયાસની તાણ તૂંસ દેખાતી નથી. તોપ–ગોળાની ગતિએ શબ્દો વાયુમાં હિલ્લોલ લેતા ચાલે છે; પરંતુ કમભાગે આની બાર કડીઓમાંની ફક્ત ચાર જ, કે જે ધ્રાંગધ્રા પંથકના બે મોતીસર ભાઈઓને કંઠે હતી, તે ભાવનગર કવિ શ્રી. પીંગળશીભાઈને ઘેર તેઓને ભેટો થઈ જતાં પ્રાપ્ત થઈ. બાકીની આઠ તેઓના ચોપડામાં છે. પ્રયાસ કરવા છતાં હજુ તે હાથ લાગી નથી. કોઈ મામૈયા નામના મોતીસરે એના આશ્રયદાતા ચારણ અજુભાઈ નથુભાઈની સ્મૃતિમાં આ મરશિયા રચ્યા છે. કવિ કે દાતાનાં ગામની જાણ નથી. મોતીસર નામની એક જાચક કોમ છે. એની ઉત્પત્તિ વગેરે માટે પ્રવેશકમાં જોવું.]

રાગ ઝકોળા સાત રસ
તાલ ઠણંકા તાલ,.
કાવા પાવા કેસરા;
ઘર આવા અજમાલ !

[રંગ રાગની રેલમછેલ બોલે છે. સાતે રસ લેવાય છે. નાચ ગાનના તાલ ઠમકાર ચાલે છે. એવા દિવસોમાં કેસરીઆ કાવા પિવડાવવા માટે હે અજુભાઈ ! તમે ઘેર આવો !

વધ વધ ખટ ૨ત વ્રણ્ણવાં,
અવધ કરે દન આજ,
સેલ [૧]તણી પર સરળકે,
રંગભીનો નથરાજ,

[આજના દિવસની અવધિ કરીને હું એક પછી એક છ ઋતુ વર્ણવું છું. આ વખતે મને રંગભીનો નથુભાઈ (અજુભાઈને પિતા) સ્હેલ કરાવે છે.

બાપૈયા સુખ બોલિયા,
પિયુ ! પિયુ ! પરવેશ,
અણ રત તું અજમાલરો,
સાંભરિયો અલણેશ.

[બપૈયા મુખથી પિયુ ! પિયુ ! બોલ્યા. એવી ઋતુમાં અજુભાઈનો પુત્ર આલોભાઈ યાદ આવ્યો.]

આષાઢ

ગરદે માર ઝીંગોરિયા.
મ્હેલ થરક્કે માઢ;
[૨]વરખારી રત [૩]વ્રણ્ણવાં
આયો ઘઘૂંબ અષાઢ.

[ગિરિ પર મોરલા ઝીંગોર્યાં. મહેલ ને મેડી થડકારા (પડછંદા) દેવા લાગ્યા. હું વર્ષાની ઋતુ વર્ણવું છું. ઘઘુંબીને અષાઢ આવ્યો.]

:છંદ-દોમળિયાઃ

આષાઢ ઘઘૂંબીય લૂંબીય અમ્બર
વદ્દળ બેવળ ચોવળિયં,
મહોલાર [૪]મહેલીય[૫]લાડગેહેલીયં,
નીલ છલે ન ઝલે નળિયં;

[૬]અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર
અંબ નયાં સર ઉભરિયાં,

અજમાલ નથુ તણુ કુંવર આલણ
સોય તણી રત સંભરિયા;

જીય ! સોય તણી રત સંભરિયા ,
મુને સોય તણી રતે સંભરિયા.

[આષાઢ ઘધુંબ્યો . આસમાન લુંબઝુંબ થઈ રહ્યું. વાદળાં બેથરાં ને ચારથરાં બંધાયાં. મહેલ મેડીઓ લાડ–ઘેલાં બન્યાં. નીર નળિયાંમાં ન ઝીલી શકાય તેટલાં બધાં છલક્યાં. ધરતી પર ઇંદ્ર ગાજવીજ કરવા લાગ્યો. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં. એવી ઋતુમાં મને નથુભાઈનો કુંવર અજુભાઈ સાંભરી આવ્યો.]

શ્રાવણ

નવ ખંડ નીલાણીય પાવન પાણીય
 વાણીએ દાદૂર મોર વળે,
શવદાસ ચડાવણ પૂંજાય શંકર
 શ્રાવણ માસ જળે સલળે;
પ્રષનાર કરે નત નાવણ પૂજાય
 શંકરરાં વ્રત સદ્ધરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ
 સોય તણી રત સંભરિયા.

[નવે ખંડ લીલા થઈ ગયા. પૃથ્વી પાણી વડે વિશુદ્ધ થઈ ગઈ છે. દેડકાં ને મોરલાને ફરી વાર વાચા ફૂટી છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવી રહ્યા છે. શ્રાવણ માસ જળ ભરપૂર બન્યો છે. પુરુષો ને નારીઓ નિત્ય પૂજા માટે ન્હાવણ કરે છે. શંકરનાં વ્રત સુધરે છે. એ ઋતુમા...]

ભાદરવો

રંગ ભાદ્રવ શામ ઘટા રંગ રાતોય,
 રંગ નીલમ્બર શ્વેત રજે,
ફળ ફૂલ અપ્રબ્બળ કમ્મળ ફેલીય,
 વેલીય નેક અનેક વજે.

[૭]પરિયાં દન સોળ કિલોળમેં [૮]પોખત,
[૯]કાગ–રખી મુખ [૧૦]ધ્રમ્મ કિયા;

અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા.

[ભાદરવા મહિનામાં કાળા રંગની ઘન ઘટા બની. અંબર (આકાશ) રાતા, નીલ અને શ્વેત રંગો ધારણ કરવા માંડ્યું. ફળફૂલનો અઢળક ફાલ ઊતર્યો. અનેક વેલીઓ શોભવા લાગી. માસના છેલ્લા સોળ દિવસ સુધી પૂર્વજોને શ્રાદ્ધ નાખીને કિલ્લોલ સાથે પોષવામાં આવે છે. કાગ–ઋષિઓ (કાગડા)ને મોંએ અન્ન આપી લોકો ધર્મ કરે છે. એ ઋતુમાં...]

આસો

અન્ન સાત પકાયાય, આસો ય આયાય,
નીર ઠેરાયાય નીતરિયાં,

જળ ઉપર કમ્મળ રૂપ ખીલે જ્યમ,
પાવશ દેહ પણાતરિયાં;

મછ છીપ તણી રત જામત મોતીએ,
ઠીક ઝળુમળ નંગ થિયા;

અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા

.

[સાત જાતનાં અન્ન પાક્યાં. આસો માસ આવ્યો. મેનાં પાણી થંભીને નીતરી ગયાં. જળ ઉપર કમળો ખીલ્યાં....આ ઋતુમાં છીપોની અંદર મોતી જામ્યાં. ઝળહળતાં સરસ નંગ (મોતી) પાક્યાં.એ ઋતુમાં......]

  1. ૧. તેની ઉપર.
  2. ૨. વર્ષાની.
  3. ૩. વર્ણવું.
  4. ૧. આ કાવ્યમાં ‘ઘધુંબીય’ ‘લુંબીચ’, ‘ગેહેલીય’ વગેરે શબ્દોને અંતે -‘ય’ આવે છે તે અક્ષર કેવળ અનુપ્રાસ આણવા માટે જ લગાડાય છે, અર્થશૂન્ય છે.
  5. ૨. લાડઘેલી ચારણી સાહિત્યમાં ‘ઘ’ ને બદલે ‘ગ’ ને ઉપયોગ વિશિષ્ટ નાદ–વૈભવ નિપજાવવા માટે થાય છે : દૃષ્ટાંત
    પાછા પેસે ના, ગજ દંતૂશળ ગેલીઆ !
    [ હે (ઘેલીઆ) ઘેલાશા ! હાથીના દંતૂશળ પાછા ન પેસે.]
  6. ૩. ઇંદ્ર,
  7. ૧ પિતૃઓ.
  8. ૨.પોષે છે.
  9. ૩. કાગડા ઋષિઓના અવતાર મનાતા લાગે છે.
  10. ૪. ધર્મ.