ઋતુગીતો/રાધાકૃષ્ણની બારમાસી/વ્રજ્જ માધા આવણાં

વિકિસ્રોતમાંથી
← કહે રાધા કાનને ઋતુગીતો
વ્રજ્જ માધા આવણાં
ઝવેરચંદ મેઘાણી
ગોકુળ આવો ગિરધારી →


વ્રજ્જ માધા આવણાં

અર્થ–ચમત્કૃતિ અથવા તો વાસ્તવિક ઋતુવર્ણન વિહોણા ઉપર લખ્યા છંદમાંથી આપણે હવે થોડે ઘણે અંશે એ બન્ને લક્ષણો ધરાવતા એક જૂના કાવ્ય પર આવીએ છીએ. એમાં શબ્દની જમાવટ સંપૂર્ણ નાદવૈભવ નિપજાવનારી હોવા છતાં અર્થની છેક જ આહુતિ નથી અપાઈ. માસે માસનાં ખાસ લક્ષણો ફૂટી ઊઠે છે અને તેમાંથી વિરહોર્મિની વધુ ખિલાવટ થાય છે. ધ્રાંગધ્રા તાબાના સરમડા અથવા પાંડરાતીરથ ગામના રહીશ ગઢવી જીવણ રોહડિયાનો રચેલો આ છંદ છે. એને બસો વર્ષ થયાં કહેવાય છે. જીવણ રોહડિયાનું રચેલું ‘અંગદ–વિષ્ટિ’ નામક છંદોબદ્ધ મહાકાવ્ય પણ પંકાય છે. અહીં ‘આષાઢ’ માસથી કાવ્ય ઊપડે છે. આષાઢથી આરંભ શા માટે ?–તે ચર્ચા પ્રવેશકમાં કરેલી છે. છંદ પણ ‘ગજગતિ’ કહેવાય છે, એટલે કે હાથીની ચાલને મળતી આ છંદની ગતિ છે. વિશેષ વિવરણ પ્રવેશકમાં જડશે. ]

[દોહા]

સુબુદ્ધિ દે [૧]મૂં સરસતી ! ગુણપત [૨]લાગાં પાય;
રાધા માધા મેહ [૩]રત, પ્રણવાં તુજ પસાય.

ધર આષાઢ ધડૂકિયો, મોરે કિયો મલાર;
રાધા માધા સંભરે, જદુપતિ જગ-ભડથાર.
ખળહળ વાદળિયાં વચે, વીયળિયાં વ્રળકંત;
રાધા માધા કંથ વણ, [૪]ખણ નવ રિયણ ખસંત.

[ હે સરસ્વતી ! મને સુબુદ્ધિ દે. હે ગણપતિ ! તમારે પાયે નમું છું. તમારી કૃપાથી હું રાધા–માધવની ઋતુઓનાં ગાન કરું છું.

ધરતી ઉપર આષાઢ માસની મેઘ–ગર્જના થાય છે. મોરલા મલાર રાગ ગાવા લાગ્યા છે. એ વખતે રાધાજીને માધવ સાંભરે છે, યદુપતિ પ્રભુ યાદ આવે છે.

ઘમસાણ બોલાવતી વાદળીઓની વચ્ચે વીજળી ઝબૂકે છે. એ વખતે ઓ માધવ ! રાધાજી એના કંથ વગર ક્ષણ પણ અળગાં નથી રહી શકતાં...........]

[ગજગતિ છંદ]

વ્રજ વહીં આવણાં જી કે વંસ વજાવણાં;
પ્યાસ બુઝાવણાં જી કે રાસ રમાવણાં.

રંગ રાસ [૫]રત ખટ માસ રમણાં! પિયા પ્યાસ બુઝાવણાં !
આષાઢ ઝરણાં ઝરે અંબર, તપે તન [૬]તરણી તણાં
વિરહણી નેણાં વહે [૭]વરણાં, [૮]ગિયણ વિરહી ગાવણાં!
[૯]આખંત રાધા, નેહ બાધા! વ્રજજ માધા આવણાં !
જી! વ્રજજ માધા આવણાં !

[ હે પ્રભુજી ! વ્રજમાં આવો અને બંસરી બજાવો ! મારી પ્યાસ બુઝાવો અને રાસ રમાડો ! છયે ઋતુના રંગને ઓપતા રાસ રમાડીને હે પિયુ, પ્યાસ છિપાવો ! આકાશથી ઓ પ્રિયતમ, આષાઢી મેઘની ધારાઓ ઝરે છે, પણ અમારાં તરુણીઓનાં અંગ તો વિરહની વેદનાથી તપી રહ્યાં છે. વિરહિણી ગોપીઓનાં નેત્રોમાંથી વારિ (અશ્રુ) વહે છે, વિરહનાં ગીત ગવાય છે. રાધાજી કહાવે છે કે ઓ માધવ ! સ્નેહથી બંધાયેલા ઓ સ્વામી ! વૃંદાવને આવો ! એ જી ! આવો! ]

શ્રાવણ

ઓધવ આકળે જી છે કે મનહર નો મળ્યે;
ગોપી ચખ ગળે જી કે શ્રાવણ સલ્લળે.

સલ્લળે જ્યમ જ્યમ મેહ શ્રાવણ, અબળ ત્યમ ત્યમ આકળે,
[૧૦]બાપયા પ્રઘળા શબદ બોલે, જિયા પિયુ વણ નીંઝળે;
મજ મોર કોકિલ શેાર મંડે, નીંદ્ર સેજે નાવણાં,
આખંત રાધા, નેહ બાધા ! વ્રજજ માધા આવણાં !
જી ! વ્રજજ માધા આવણાં !

[ હે ઓધવ ! કૃષ્ણને કહેજો કે પ્રિયતમ ન મળવાથી અકળાઉં છું. ગોપીઓનાં ચક્ષુ આંસુડે ગળે છે. અને હવે તો આ શ્રાવણ વરસવા લાગ્યો.

જેમ જેમ શ્રાવણનો મેહ વરસે છે, તેમ તેમ અમે અબળાઓ અકળાઈએ છીએ. અનેક બપૈયાઓ પિયુ પિયુ પુકારે છે, તેમ તેમ પિયુ વગર અમારો જીવ સળગી ઊઠે છે. મોરલાઓ અને કોકિલાઓ મીઠા શોર કરી રહ્યાં છે એ સાંભળી સાંભળીને સેજમાં (પથારીમાં) મને નીંદ નથી આવતી. માધવ ! રાધા કહાવે છે કે હવે તો વૃંદાવન આવો, જી આવો ! ]

ભાદરવો

ભાદ્રવ સર ભરે જી કે અત નત ઉભરે;
[૧૧]શ્રીરંગ સંભરે જી કે વિરહી વિસ્તરે.

વિસ્તરે ઉર વચ વિરહ–વેલી, શોક ગોકુળ વન સહી,
ધન્ય ધન્ય તારી પ્રીત ગિરધર ! ગોપ [૧૨]તજ કુબજા ગ્રહી;
પંથ પેખ થાકાં નયન દનદન, વચન જલમ નભાવણાં !
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જી વ્રજ્જ માધા આવણાં !

[ભાદરવાની વૃષ્ટિ વડે સરોવરો ભરાઈ ગયાં છે–અરે, છલકાઈ ગયાં છે. એવા રમ્ય સમયે મને શ્રીરંગ પ્રભુ સાંભરે છે. મારા ઉરમાં વિરહની વેલી જાણે કે પથરાય છે. ગોકુળના વનમાં શોક પ્રસર્યો છે. પરંતુ હે ગિરધારી! તારી પ્રીતિને તો ધન્ય છે, કે તેં સુંદર ગોપીઓને તજીને પણ કુરૂપ કુબજાજી ઉપર સ્નેહ ઢોળ્યો. હવે તો દિવસ પછી દિવસ માર્ગે નજર માંડી માંડીને નયનો થાકી ગયાં છે. હવે તો તારું વચન પાળજે. રાધા કહાવે છે કે હે માધવ! હવે તો વ્રજમાં આવજે !)

આસો

આસો અવધીઆ જી કે આશા વદ્ધિયા;
થે નવ નદ્ધિયા જી કે આવ્ય અવદ્ધિયા.

આવિયા આસો અવધ આવી, સરવ [૧૩]નવનધ સાંપજી
ઉતરે શરદ હેમંત આવી, પ્રભુ નાયા પિયુજી;

જળ કમળ છાયાં નંદજાયા ! ભાવનંદન [૧૪]ભામણાં !
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આલણાં !
જી ! વ્રજ્જ માધા આવણાં !

[આ તો એમ કરતાં કરતાં આસો માસની તારી અવધિ પૂરી થઈ, ને મારી આશા પણ વધવા માંડી. નવે નિધિની સંપત્તિ પાકી ગઈ છે. શરદ પણ ઊતરી, હેમન્ત ઋતુ બેઠી. તોયે પ્રિયતમ પ્રભુ ન જ આવ્યા. હે નંદના જાયા ! એ ભાવનંદન ! તમારાં વારણાં લઉં છું. આ હેમન્તમાં જળ ઉપર કમળ છવાઈ ગયાં છે. હે નંદન ! હવે તો તારો ભાવ દાખવ. હે માધવ ! વ્રજમાં આવો ! આવો ! ]

કાર્તિક

અંબર [૧૫]આડડે જી કે હોય [૧૬]પ્રબ [૧૭]હોડડે,
તોરણ [૧૮]ટોડડે જી કે [૧૯]કાતી કોડડે.

કોડડે ઘર ઘર [૨૦]પ્રબ્બ કાતી, દીપ મંદર દીજીએં,
કર મીર સીંદૂર ફોર કેસર, કુંવર ધમ્મળ કીજીએં;
હોળકા લાગી ફેર વ્રજ હર, સામ તપત સમાવણાં !
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જી ! વ્રજ્જ માધા આવણાં !

[ રે ! આ તો અંબરના સાળુ ઓઢી ઓઢીને સ્ત્રીઓ હોંશથી હોડ (સ્પર્ધા) કરી કરીને પર્વ ઊજવી રહી છે. ઘરને ટોડલે તોરણો બંધાયાં છે. એવો કોડ ભર્યો કાર્તિક માસ આવ્યો છે.

ઘેર ઘેર કોડે કોડે કાર્તિકનાં પર્વ ઉજવાય છે. મંદિરોમાં દીપક ઝળહળે છે. મસ્તક પર સિંદૂરના તિલક કરે છે. કેસરની ફોરમ છૂટે છે. આમ બીજાને તો કાર્તિક છે. ત્યારે આંહીં વ્રજમાં તો હે હરિ ! અમારે ફાગણની હોળી લાગી છે. માટે હે સ્વામી ! આ ઉત્તાપ શમાવો. આવો જી આવો ! ]

માગશર

માગસ મંદમેં જી કે આરત અંદમેં;
વામા વૃંદમેં જી કે રત રાજંદમેં.

રાજંદ માગસ મંદમેં રત, અતિ આરત અંદમેં;
[૨૧]દસ દખણ તજિયા ઉત્તર દણિયર, વમળ પ્રીતશું વંદમેં;
[૨૨]મૃગશાખ કળ ધ્રૂજતે બળવત, હેમ દળ વિહામણાં.
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જી ! વ્રજ્જ માધા આવણાં

[ આ કડીનો અર્થ સમજાતો નથી. ]

પોષ

પોસ પ્રગટ્ટિયા જી કે પવન પલટ્ટિયા;
વન [૨૩]ગહટ્ટિયા જી કે હેમ ઉલટ્ટિયા.

ઉલટે ઓતર પોસ આયા, કામ પ્રગટે કામણી,
પય ઘટે નસ વા થટે ઉપટે, [૨૪]ત્રટે છાંયા વન તણી;

જોબન્ન ઉવરત, તપે કુપ-જળ, પંડળ દળ ઓપાવણાં
આખંત રાધા, નેહ બાધા ! વ્રjજ માધા આવણાં !
જીય વ્રjજ માધા આવણાં!

[ પોષ મહિનો પ્રકટ થયો, ને પવનની દિશા પલટી. વનની ઘટા ઘટી ગઈ, હેમન્ત ઋતુ ઉલટાઈ ગઈ (ને શિશિર બેઠી.)

ઉલટાઈને પોષ આવ્યો. કામિનીને કામ પ્રકટે છે. પાણી ઘટે છે. વા (પવન) ઝપાટા ખાય છે. વનની છાંયા (પાંદડાં ખરીને) ત્રુટી જાય છે. યૌવન ઊછળે છે. કૂવાનાં પાણી ગરમ થાય છે, પુંડરીક (કમળ) ફૂલોની પાંખડીઓ ઓપાવનાર હે માધવ ! હવે આવો ! વ્રજમાં આવો ! એમ રાધા કહે છે. ]

માહ

માહ ઉમાહિયા જી કે જમના જાહિયા;
પાપ પળાહિયા જી કે નતપત નાહિયા.

નર નાર નાહે માસ માહે, પાપ જાહે પંડરા,
થર ધરમ થાહે [૨૫]ગ્રેહ ગ્રાહે, ખંત જળ નવખંડરા;
[૨૬]રીયો ન જાહે વ્રજ્જ માંહે, રાત [૨૭]ધાહે જોરણા,
આખંત રાધા, નેહ બાધા ! વ્રજજ માધા આવણાં !
જીય વ્રજ્જ માધા આવણાં !

[ માહ માસ ઊમટ્યો. (લોકો) જમનામાં (નાહવા) જાય છે,

પાપનું નિવારણ કરે છે, નિત્ય નિત્ય નહાય છે.

માહ માસમાં નર અને નારીઓ નહાય છે, પંડનાં (દેહનાં) પાપ જાય છે, ઘેર ઘેર સ્થિર ધર્મ થાય છે...........વ્રજમાં (તો હવે) રહ્યું જાતું નથી, રાત્રિ જોરથી (ખાવા) ધાય છે. માટે...............]

ફાગણ

અંબા મોરિયા જી કે કેસુ કોરિયા;
ચિત્ત ચકોરિયા જી ફાગણ ફોરિયા.

ફોરિયા ફાગણ પવન ફરફર, મહુ અંબા મોરિયા,
ઘણ રાગ ઘર ઘર ફાગ ગાવે, ઝટે [૨૮]૫વ્વન જોરિયા;
ગલ્લાલ ઝોળી, રમત હોળી, રંગ ગોપ રમાવણાં!
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણાં !
જીય વ્રજ્જ માધા આવણાં!

[આંબા મોર્યા છે; કેસૂડાં કોળ્યાં છે; ચિત્ત અમારાં ચંચળ બન્યાં છે; એવો ફાગણ ફોરી રહ્યો છે

ફાગણ ફોરી ઊઠ્યો છે; પવન ફરુકે છે; મહુડાં અને આંબા મહોર્યાં છે; ઘેર ઘેર ઘણે રાગે હોળી (વસંતોત્સવ)ના ફાગ ગવાય છે; પવન જોરથી ઝપાટા મારે છે; ઝોળીઓમાં ગુલાલ ભરીને હોળી રમાય છે. હે ગોપ લોકોને રંગે રમાડણહાર ! રાધા કહે છે કે હે સ્નેહમાં બંધાયેલા માધવ ! વ્રજમાં આવો ! ]

ચૈત્ર

તરવર પંગરે જી કે થરવર ગેહરે;
ચતરંગ ચૈતરે જી કે રત્ત વસંતરે.

વસંત દન દન ફૂલ ફળ વન, કંત ! રત ચડતી કળા,
બળવંત પાટ વસંત બેઠો, [૨૯]મધુ ગૃંજત શામળા;
મહેકંત ચંપ ગુલાખ મોગર, વેલ છાબ વળામણા,
આખંત રાધા, નેહ બાધા, વ્રજ્જ માધા આવણાં!
જીય વ્રજ્જ માધા આવણાં!

[ તરુવરો પાંગરે (કોળે) છે. વન ઘાટાં થાય છે. ચતુરંગી ચૈત્ર માસમાં વસંતની ઋતુ આવે છે.

વસંતને દિને દિને વનમાં ફૂલો અને ફળો થકી ઋતુની ચડતી કળા થાય છે. એ બળવંત (ઋતુરાજ) વસંત (પ્રકૃતિના) સિંહાસને બેઠો છે. શ્યામરંગી મધુકરો (ભમરા) ગૂંજે છે. ચંપો, ગુલાબ અને મોગરો મહેકે છે. હે વેલડીઓની છાબો વળાવનારા! રાધા કહે છે... કે આવો!]

વૈશાખ

વા વૈસાખરા જી કે અંગ [૩૦] લગ આકરા;
ચંદન ચોસરા જી કે લેપન કેસરા.

[૩૧]કેસરાં લેપન આડ્ય કીજે, સરસ ચંદન ચોસરાં, કમકમાં મંજ્જ રાજકંવરી, બ્હેક ફૂલ ગુલાબરાં,

વાહરા વંજન વધે વામા, ઝળત અંગ નહાવણાં !
આખંત રાધા, નેહ બાધા! વ્રજજ માધા આવણાં !
જીય વ્રજજ માધા આવણાં!

[ વૈશાખ માસના વાયરા અંગને અકારા લાગે છે. ચોસરા ચંદનનાં ને કેસરનાં લેપન થાય છે
કેસરનું લેપન તે કપાળે ‘આડ્ય’ પૂરતું જ કરાય છે. અને ચંદનના લેપ ચોસરા લગાવાય છે રાજકુંવરીઓ કુંકુમનાં મંજન લગાવે છે. ગુલાબનાં ફૂલેો બહેક બહેક થાય છે. વામાઓ (સ્ત્રી) પંખા વતી વાયુ ઢોળે છે. હે જલતાં અંગોને નવરાવનારા ! રાધા કહે છે કે...]
જેઠ


પાળા[૩૨]પ્રબ્બળા જી કે ઊગળ, ઉજળા;
[૩૩]તળસી વ્રત્તળા જી કે જેઠે વ્રજજળા.

જગ જેઠ જેઠેં ગ્રંભીએ જળ, વળે વાદળ ચોવળાં,
[૩૪]ગોમ વળકળ[૩૫]વોમ[૩૬]ગ્રીખમ, સુરત પ્રબ્બળ સાંવળા !

સર વાસ સૂકા માસ લૂકા, [૩૭]સઘણ ઘણ વરસાવણા!
 આખંત રાધા, નેહ બાધા, વ્રજજ માધા આવણાં!
જીય વ્રજજ માધા આવણાં!

[ જેઠ માસમાં પાણી ગરંભાઈ જાય છે, ચાર પડોવાળાં વાદળાં પાછાં વળે છે. પૃથ્વી વ્યાકુળ થાય છે. વ્યોમ (આકાશ) ગરમ થાય છે. કામ પ્રબળ બને છે. હે સાંવરા ! સરોવર સૂકાય છે. લૂ વાય

છે. હે ભરપૂર વૃષ્ટિ વરસાવનારા ! રાધા કહે છે કે...]

અધિક માસ

અદ્ક આવિયા જી કે ભામન ભાવિયા;
વ્રજ્જ વધાવિયા જી કે મંગળ ગાવિયા.

ગાવિયા મંગળ ગીત ગૃહ ગૃહ, ધરણ જગત સોહાવિયા,
ઓપાવિયા શુભ મ્હેલ ઉજવળ, ફેર ગોકુળ ફાવિયા;
રણછોડ રાધા નેહ બાધા, ભણે જીવણ ભાવણા,
આખંત રાધા, નેહ બાધા ! વ્રજ્જ માધા આવણા !
જીય વ્રજ્જ માધા આવણા !

[ અધિક માસ આવ્યો. ભામિનીને મન ભાવ્યો. વ્રજમાં (પ્રભુને) વધાવ્યા. મંગળગીતો ગાયાં.

ગૃહે ગૃહે મંગળગીતો ગાયાં. જગતમાં શોભા કરી. મહેલને તમે સોહાવ્યો. હે રણછોડ રાધા ! હે સ્નેહમાં બંધાયેલા ! જીવણ (રોહડિયો) કહે છે કે............]


🙖

  1. મને.
  2. લાગુ.
  3. ઋતુ.
  4. ક્ષણ.
  5. ખટ (છ) ઋતુ.
  6. તરુણી.
  7. વારિ (પાણી).
  8. ગીત.
  9. કહે છે.
  10. બપૈયા.
  11. પ્રભુનું નામ.
  12. તજીને.
  13. આ માસમાં નવ પ્રકારનાં નવાં ધાન્ય પાકે છે.
  14. વારણાં.
  15. ઓઢે છે.
  16. પરબ (પૂર્વ).
  17. હોડ (હરીફાઈ) કરીને.
  18. ઘરનો ટોડલો
  19. કાર્તિક.
  20. પરબ (પર્વ)
  21. દક્ષિણ દિશા તજીને સૂર્ય ઉત્તરે ગયો. એટલે કે ઉત્તરાયન થયા. (દણિયર : સૂર્ય. મૂળ ‘દિનકર’ શબ્દ પરથી અપભ્રંશ થયેલ હશે.)
  22. મૃગશીર્ષ નક્ષત્ર.
  23. ગહટ્ટવું: ઘટવું
  24. ત્રૂટે.
  25. ‘ગૃહે ગૃહે’ અથવા ‘ગેહે ગેહે’ માંથી ‘ગ્રેહ ગ્રા(ગ્રે)હે’ સુધી રૂપાન્તર થયું ગણીએ તો જ એનો અર્થ ‘ઘેરે ઘેરે’ થાય.
  26. રહ્યું ન જાય.
  27. ધાએ. (‘એ’અથવા ‘વે’ નો ‘હે’ કરી નાખેલ છેઃ જુઓ નાહે (નહાયે), જાહે (જાયે) વગેરે.)
  28. પવન : ચારણી કાવ્યમાં અક્ષરને બેવડો કરી લેવામાં આવે છે? જુઓ-વ્રજ્જ.
  29. ‘મધુપ’ હોવું જોઇએ. ‘મધુ’ એટલે તો ‘મધ’ જ થાય છે.
  30. લાગે છે.
  31. કેસર ગરમ હોવાથી કેવળ સુગંધ તેમ જ શોભા ખાતર એની ‘આડ્ય’ જ કપાળે થાય છે.
  32. ૧. પર્વ.
  33. ૨. તુલસીવ્રત (સ્ત્રીઓ કરે છે).
  34. ૩. પૃથ્વી.
  35. ૪. વ્યોમ.
  36. ૫. ગ્રીષ્મ (ગરમ).
  37. ૬. સઘન ઘનઃ ઘેરો વરસાદ.