ઋતુગીતો/લોકગીતોમાં ઋતુગીતો/આણાં મેલજો

વિકિસ્રોતમાંથી
← (૧૧) માડીજાયાને આશિષ ઋતુગીતો
આણાં મેલજો
ઝવેરચંદ મેઘાણી
(૧૩) માડીજાઇને આણાં →






આણાં મેલજો

[બહેન પોતાના ભાઈને ઋતુએ ઋતુએ કહેવરાવે છે કે “ભાઈ: મને તેડવા આવ. હું તારે ઘેર આવીને બધાં કામ કરી દઈશ !” ભાઈ તો જુદાં જુદાં બહાનાં કાઢી બહેનને તેડાવવાની ના મોકલે છે. ]

ઉનાળે આણાં મેલજો રે વીરડા !
ઉનાળે કાંતું કાંતણાં.

કાંતશે મારા ઘરડાની નાર મારી બેનડી !
તમે તે રે’જો સાસરે.

વરસાળે આણાં મેલજો રે વીરડા !
વરસાળે ખોદું [૧]જૂઠડાં.

ખોદશે મારા ઘરડાની નાર મારી બેનડી !
તમે તમારે સાસરે.

શિયાળે આણાં મેલજો રે વીરડા !
શિયાળે સાંધું સાંધણાં.

સાંધશે મારા ઘરડાની નાર મારી બેનડી!
તમે તમારે સાસરે.

પિયરનાં [૨]ઝાડખાં દેખાડો મારા વીરડા !
એણી ઝાડખડે હીંચતાં !

[૩]અતર રે દખણની [૪]વાવળ રે આવી
વાવળે રોળાઈ ગ્યાં ઝાડખાં !

પિયરની વાટડી દેખાડો મારા વીરડા !
એણી વાટડીએ હીંડતાં
એણી વાટડીએ બેસતાં !

અતર દખણના મેહૂલા રે આવ્યા,
મેહૂલે રેળાઈ ગી’ વાટડી !
પાણીડે રોળાઈ ગી’ વાટડી !

મરું[૫] તો સરજું ઉડણ ચરકલી,
જાઈ બેસું રે વીરાને ઓશીસે !
જાઈ બેસું રે વીરાને ટોડલે !

મરું તો સરજું કૂવાનો પથરો,
માથે ધોવે રે વીરડો ધોતિયાં !

[હે વીરા ! તમે મને ઉનાળે તેડવા મોકલો હું ઉનાળામાં આવીને તમારું સૂતર કાંતી દઈશ. (ખેડુ લોકોને ઉનાળે ખેતરનું કામ ઓછું હોવાથી લાંબા દિવસોમાં લૂગડાં માટે સ્ત્રીઓ સૂતર કાંતી કાઢે છે.)

હે મારી બહેન! એ તો મારા ઘરની સ્ત્રી કાંતી લેશે. તું તારે સાસરે જ રહેજે ! આંહી તારી જરૂર નથી.

હે ભાઈ! વરસાદની ઋતુમાં મને તેડવા મોકલ. હું તારા ખેતરના વાવેતરમાંથી ઘાસ નીંદી કાઢીશ.

હે બહેન ! એ તો મારા ઘરની સ્ત્રી કરશે. તું તારે સાસરે જ રહેજે.

હે ભાઈ! મને શિયાળામાં તમારે ઘેર તેડાવી લો ! હું તમારાં ગોદડાં, લૂગડાં આદિ સાંધી દઈશ. (ઠંડી હોવાથી એની જરૂર પડે.)

હે બેન ! એ તો મારા ઘરની સ્ત્રી સાંધશે. તું ત્યારે ત્યાં જ રહેજે !

હે વીરા ! મને પિયરનાં ઝાડ તો જોવા દો ! હું નાની હતી. ત્યારે એ પાદરને ઝાડે હીંચકા ખાતી. એથી એ મને બહુ સાંભરે છે.

હે બહેન! ઉત્તર દક્ષિણનાં વાવાઝોડાં આવ્યાં તેને લીધે આપણા ગામનાં પાદરનાં બધાં ઝાડ ઉખડી ગયાં છે. . .

હે ભાઈ! મને પિયરના કેડા (રસ્તા) તો દેખાડો! મને એ રસ્તા બહુ સાંભરે છે. કેમકે એ રસ્તે અમે સીમમાં જતાં, હાલતાં ચાલતાં અને બેસી વિસામો લેતાં. હે બહેન ! ઉત્તર દક્ષિણનો વરસાદ જોરથી વરસ્યો એને લીધે રસ્તા બધા ખોદાઈ ગયા છે.

( પિયર જવાનો એક પણ ઈલાજ ન રહેવાથી, ભાઈનું કપટ ન સમજનાર ભોળી બહેન ઝંખતી રહી કે —)

જો હું ઝટ મરી જાઉં અને ચકલીનો અવતાર પામું, તો ઊડીને ભાઈના ઘરને ટોડલે જઈ બેસું ! અરે, છેક ભાઈ સૂતા હોય ત્યાં એને ઓશીકે જઈ બેસું !

હું મરીને કૂવાનો પત્થર બની શકું, તો ય સારું, કે જેથી ભાઈ આવીને મારા ઉપર પોતાનાં ધોતીઆં ધુએ. ]

  1. ૧. ડાભનું ઘાસ
  2. ૧. ઝાડવાં
  3. ૨. ઉત્તર દક્ષિણની.
  4. ૩. વાવાઝોડું.
  5. ૪ સરખાવો ગુર્જર ગીતની [રઢિયાળી રાત ભા. ૩ મહેમાન] પંક્તિઓ :

    જો રે સરજી હોત ચરકલડી
    મારા વીરને ભાલે બેસી જાત જો !
    જો રે સરજી હોત વાદળડી
    મારા વીરને છાંયો કરતી જાત જો!