ઋતુગીતો/લોકગીતોમાં ઋતુગીતો/માડીજાયાને આશિષ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← (૧૦) મેઘ–સેના ઋતુગીતો
માડીજાયાને આશિષ
ઝવેરચંદ મેઘાણી
(૧૨) આણાં મેલજો →
લોકગીતોમાં ઋતુ–ગીતો


ચારણી કવિઓનાં રચેલાં ઋતુ–કાવ્યોથી જુદા પડતાં આ વિભાગમાં કોઈ અનભિજ્ઞાત લોકકવિનાં રચેલાં અને કેવળ કંઠપરંપરાથી ઊતરતાં ગીતો આવે છે. એના વિભાગો આ રીતે પાડી શકાય.

૧. સ્ત્રીજનોના રાસડા અથવા ગીતો.

૨. બારમાસી વગેરેના દોહા.

આ પૈકી પહેલા વિભાગમાં આવી શકે તેવા ગુર્જર સ્ત્રીઓના ‘રાસડા’ રઢિયાળી રાત ભાગ ૩ માં ‘ઋતુ-ગીતો’ના વિભાગની અંદર સંધરાઈ ગયા છે. તેની પુનરુક્તિ અત્રે કરવામાં નથી આવતી. પરંતુ, મોટી મારવાડ અને ગુજરાત વચ્ચેના પાલનપૂર નજીકના પ્રદેશમાં મારવાડી સ્ત્રીઓ લગભગ ગુજરાતી ભાષામાં જે ઋતુ-ગીતો ગાય છે, તે અત્રે ઉતારવામાં આવે છે.

એક વાત ખાસ ધ્યાન ખેંચે છે. આપણાં ઋતુ-ગીતો માંહેનું એક પણ ગીત ભાઈ બહેનના વિરહ-ભાવોને નથી ઝીલતું. એ સુંદર તત્ત્વ આ ગુર્જર–મારૂ ગીતોમાંનાં અનેકનો વિષય બનેલું છે. આપણા ઋતુ–ગીતો વિના અપવાદે સ્ત્રી–પુરુષના જ વિજોગ વર્ણવે છે.

🙔

માડીજાયાને આશિષ


[મારવાડનાં ખેતરોમાં કામ કરતી સ્ત્રીઓ, ઓચિંતો વરસાદ આવતાં, ટેકરી ઉપર ટોળે વળી ઊભી રહી, આવાં ગીતો ગાતી ગાતી પોતાના પિયરવાસી ભાઈને બરકતની દુવા મોકલે છે. ]

🙟

કાળુડી કાળુડી હો બાંધવ મારા! કાજળિયારી રેખ,
ધોળી ને ધારાંરો બાંધવ મારા ! મે વરસે.

વ્રસજે વ્રસજે હો મેહૂડા ! બાવાજી રે દેશ,
[૧] જઠે ને [૨]માડીરો જાયો હળ ખેડે.

વાવજો વાવજો હો બાંધવ મારા ! ડોડાળી જુવાર,
ધોરે ને વવાડો નાના કણરી બાજરી !

જોતો રે જોતો રે બાંધવ મારા ! હરિયા રે મૂંગ,
મારગે ને વવાડો ડોડા એળચી !નીદણો નીદણો હો [૩]ભાભજ મારી ! ડોડાળી જુવાર,
ધોરે ને નિદાવો નાના કણરી બાજરી !

[૪] વૂઠા વૂઠા હો બાંધવ મારા ! આષાઢા હે મેઘ,
ભરિયા હે [૫]નાડાં ને વળી નાડડી

[૬]ભીને ભીને હો બાંધવ મારા ! બાજરીયો રે બીજ;
નાઈ ને ભીને રે સાવ [૭] સ્ત્રોવની.

ભીને ભીને હો બાંધવ મારા ! પાઘડિયારા પેચ,
ભાભજરો ભીને રે ચૂડો વળી ચૂંદડી.

ભીને ભીને હો બાંધવ મારા ! રેશમીઆરી [૮] ડોર,
[૯]ગીગો ને ભીને રે [૧૦]થારો પારણે.

નીપજે નીપજે હો બાંધવ મારા ! ડોડાળી જુવાર,
થારે ને [૧૧]વાયોડાં સાચાં મોતી નીપજે !

[બહેન વાદળીને વરસતી નિહાળી કહે છેઃ હે મારા વીરા ! કાળી કાળી વાદળીઓની કાજળ જેવી રેખાઓ ફૂટી રહી છે, અને એમાં ધોળા રંગની ધારાઓ–વરસાદ વરસે છે.

હે મેહુલા ! તું મારા બાપાજીને દેશ જઈ વરસજે, કે જ્યાં મારી માડીનો જાયો ભાઈ હળ ખેડતો હોય.

હે મારા વીરા ! મોટા દાણાની જુવાર વાવજે, અને વાડીના ધોરીઆ ઉપર ઝીણા કણની બાજરી વાવજો. (કેમકે ધોરીઆની ભોંય વધુ રસાળ હોય છે.)

હે મારા વીરા ! લીલા મગની વાવણી કરવા માટે હળ (દંતાળ) જોડજો અને માર્ગ ઉપર મોટે દાણે એલચી વાવજો !

હે મારી ભાભી ! તું જુવારના વાવેતરમાંથી ઘાસ નીંદજે અને ધોરીઆ પર ઉગેલી બાજરીમાંથી પણ નીંદણ કરજે !

હે મારા વીરા ! આષાઢના મેહ વરસ્યા. અને નદીનાળાં ભરાઈ ગયાં.

હે મારા વીરા ! બાજરીનાં બીજ ભીંજાતાં હશે અને સોનાવરણી નાઈ ભીંજાતી હશે.

હે મારા વીરા ! તારા માથાની પાઘડીના પેચ ભીંજાતા હશે અને ભાભીનો ચૂડલો તથા ચૂંદડી ભીંજાતાં હશે.

હે મારા વીરા ! ખેતરમાં ઝાડની ડાળીએ લટકાવેલા પારણાની રેશમી દોરી ભીંજાતી હશે અને પારણામાં પોઢતો નાનો ભાણો પણ ભીંજાતો હશે.

હે મારા વીરા ! તારે મોટે દાણે અઢળક જુવાર નીપજજો ! ને તે વાવેલા દાણા સાચાં મોતીસમાં પાકજો ! એ મારી આશિષ છે.]

 1. ૧. જ્યાં
 2. ૨. માએ જન્મેલો (ભાઈ)
 3. ૧. ભાભી.
 4. ૨. વરસ્યા.
 5. ૩. નાળાં ને નદી.
 6. ૪. ભીંજાય.
 7. ૫. સોના . (સુવર્ણ)ની
 8. ૬. દોરી.
 9. ૬. દીકરો.
 10. ૮. તારો.
 11. ૯. વાવેલાં.