એકતારો/સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે,

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સંદેશા મગાવો સૌના સંદેશા મગાવો રે એકતારો
સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે,
ઝવેરચંદ મેઘાણી
સંપાદકજી બ્હાર થકી તાકીદ કરે છે, →સાહિત્યની બારમાસી
Ο

સખી ! કારતકે કવિતાની ઝડીઓ રે,
જાણે ખખડે ફૂટેલી બંગડીઓ રે,
કવિની પત્ની ફેંકી દેતી ખડીએ;
રઘુપતિ રામ રુદેમાં રે'જો રે. ૧.

સખી ! માગશરે મોંઘા છે કાગળ રે,
પૈસા ન મળે પ્રકાશક આગળ રે,
તો યે ચલવ્યું છે ધાકડે ધાકડ;
—રઘુપતિ રામ૦ ર.

સખી ! પોષે પસ્તીના તોલે રે,
મારાં પુસ્તકના ભાવ બોલે રે,
બૂકસેલરો કાળજાં ઠોલે;
—રઘુપતિ રામ૦ ૩.

સખી ! માઘે પોતા કેરાં પડઘમ રે,
ગજવીશું માસિક કાઢી ધમધમ રે,
જાણું જાહેરખબરોનો મર્મ;
—રઘુપતિ રામo ૪.

સખી ! ફાગણે ફાવટ ના'વી રે,
રૂપાન્તર કે ભાષાન્તરની ચાવી રે,
તરજૂમાની મોસમ આવી;
—રઘુપતિ રામ૦ પ.

સખી ! ચૈતરે ચિત્ર કઢાવો રે,
કનુભાઈ કને દોડ્યા જાઓ રે,
હવે એની એ તાણે રેખાઓ;
—રઘુપતિ રામ૦ ૬.

સખી ! દાવ બળે વૈશાખી રે,
પાઠ્યપુસ્તકની રત પાકી રે;
યુનીવર્સિટી કૈકની કાકી;
—રઘુપતિ રામ૦ ૭.

સખી ! જેઠ જનાબ બુખારી રે !
દેશો રેડીઓ ઉપર વારી રે,
અર્થઘન છે કવિતાઓ મારી;
—રઘુપતિ રામ૦ ૮.

સખી ! આષાઢમાં અનુવાદો રે,
મુવા શરદબાબુ, નથી વાંધો રે,
ભાષા–ભાવની ખીચડી રાંધો;
—રઘુપતિ રામ૦

સખી ! શ્રાવણે બાલસાહિત્યે રે,
બાંડી બોબડી ભાષાની ભીંત્યે રે,
ફેંકો લોંદા ફાવે તેવી રીત્યે;
—રઘુપતિ રામ૦ ૧૦.

સખી ! ભાદરવે ભય ટળિયા રે,
એઠા જૂઠા અહીં તહીંથી મળિયા રે,
સોશ્યાલીસ્ટ સાહિત્યના ઠળિયા
—રઘુપતિ રામ૦ ૧૧.

સખી ! આાસોનાં લક્ષણ કાળાં રે,
આંટા ખાય ઉઘરાણીઓવાળા રે,
કાઢો એક નવી ગ્રંથમાળા;
—રઘુપતિ રામ૦ ૧૨.