એક પુસ્તકની જાદુઈ અસર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

નિરાનિષાહારી ભોજનગૃહમાં એક દિવસે હું જે ટેબલે બેઠો હતો ત્યાંથી દૂરના ટેબલે એક નવજુવાન જમતા હતા. તેમણે મને મળવાની ઇચ્છાથી પોતાનું કાર્ડ મોકલ્યું. મેં તેમને મારા ટેબલ ઉપર આવવા નોતર્યા. તે આવ્યા. મિ. પોલાકની નિખાલસતાથી હું તેમના તરફ ખેંચાયો.

હું નાતાલ જવા ઊપડ્યો (ત્યારે) પોલાક મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને “આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે”, એમ કહી એમણે રસ્કિનનું ‘અનટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું.

આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગમાંથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.

આ પહેલાં રસ્કિનનું એક પણ પુસ્તક મેં વાંચ્યું નહોતું. વિદ્યાભ્યાસના કાળમાં પાઠ્યપુસ્તકો બહાર મારું વાચન નહીં જેવું જ ગણાય. કર્મભૂમિમાં પ્રવેશ કર્યા પછી સમય ઘણો થોડો બચે. એટલે આજ લગી પણ એમ જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકશાન નથી થયુ એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય’ ના નામે છપાયેલું છે.

મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઉંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથમાં જોયું, ને તેથી તેને મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો.

‘સર્વોદય’ના સિદ્ઘાંતો હું આમ સમજ્યોઃ

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલું છે. ૨. વકીલ તેમ જ વાળંદ બન્નેની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે. ૩. સાદું જીવન મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

સવાર થયું ને હૂં તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડ્યો. મેં સૂચવ્યું કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ નું કામ કરે.

તુરત ડરબનની નજીક કોઈ પણ સ્ટેશન પાસેની જમીનના ટુકડાને સારુ મેં છાપામાં જાહેરખબર મૂકી. જવાબમાં ફિનિક્સની જમીનનું કહેણ આવ્યું. સાત દિવસની અંદર ૨૦ એકર જમીન લીધી. તેમાં એક નાનકડો પાણીનો ઝરો હતો. કેટલાંક નારંગીના અને કેરીના ઝાડ હતાં. જોડે જ ૮૦ એકરનો બીજો એક કડકો હતો. તેમાં વિશેષ ફળઝાડ ને એક ઝૂંપડું હતું. એ પણ થોડા દિવસ બાદ ખરીદ્યો. બેઉના મળીને ૧,૦૦૦ પાઉન્ડ આપ્યા.

પારસી રુસ્તમજી મારાં આવાં બધાં સાહસોના ભાગીદાર હોય જ. તેમને મારી આ યોજના ગમી. એક મોટા ગોડાઉનનાં પતરાં વગેરે તેમની પાસે પડ્યાં હતાં તે તેમણે મફત આપ્યાં. તે વડે બાંધકામ શરૂ કર્યું. એક માસમાં મકાન તૈયાર થયું. એટલે એક અઠવાડિયામાં ઘણોખરો સામાન ગાડાવાટે ફિનિક્સ લઈ ગયા. ડરબન અને ફિનિક્સ વચ્ચે તેર માઈલનું અંતર હતું. આમ ૧૯૦૪ની સાલમાં ફિનિક્સની સ્થાપના થઈ.

ફિનિક્સની સ્થાપના વખતે મારી કલ્પના એ હતી કે હૂં પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ. ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો જે સેવા થઈ શકશે તે કરીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો.