એડિનબરો
એડિનબરો કરસનદાસ મૂળજી |
લેખક: કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧), ગ્રંથઃ 'ઇંગ્લાંડમાં પ્રવાસ' (૧૮૬૬, ૩૬૦ પાનાં, ભરપુર સચિત્ર) |
સેંટહિલન્સથી સમી સાંજના નિકળેલો મોડી રાતના એડીનબરોમાં જઈ પહોંચ્યો. જે હોટેલમાં મેં ઉતારો કર્યો તે હોટેલ સુંદર હતું અને એડિનબરોના સઉથી સરસ મોહલ્લામાં હતું. સવારના ઉઠીને બારીનો પડદો ઉઘાડી જોઉં છઉં તો આઃ હા ! કેવો સુંદર દેખાવ મારી નજરે પડ્યો ! એક તો એડિનબરોનું શેહેર આખા યુનાઇટેડ કિંગડમમાં ખુબસુરત અને સોહામણું કહેવાય છે અને જે મોહલ્લામાં હું ઉતર્યો હતો તે મોહલ્લો સઉથી સરસ ગણાય છે. એટલા માટે મારી આંખને જે આનંદ ઉપજ્યો તેમાં પુછવું શું ?
આ મોહલ્લો "પ્રિન્સેસ સ્ટ્રીટ" નામે ઓળખાય છે. કપડાં પેહેરી કરી તથા નાસ્તો કરી કારવી નીચે ઉતર્યો ત્યારે આ મોહલ્લાનો દેખાવ ખરેખર ખુબસુરત લાગ્યો. રસ્તો ઘણો પોહોળો અને ઘણો સ્વચ્છ એટલુંજ નહી પણ અમારાં મકાનની સાથે રસ્તાની કોરતરફ ઉંડાણમાં એક સુંદર બગીચો અને તેમાં એક સુંદર મિનારો. એ ઉંચો મિનારો કોનો હશે ? સર વૉલટર-સ્કૉટ જેની કવિતા ઈંગ્રેજી વિદ્યાર્થીઓ મોટા પ્રેમથી અને રસથી વાંચે છે અને જે ઇ. સ. ૧૮૩૨માં મરણ પામ્યો તે પ્રખ્યાત કવિની યાદગારી માટે આવો સુંદર મિનારો બાંધ્યો છે. સામે બે સુંદર ઈમારતો છે. એક ન્યારાનલ ગ્યોલરી ને બીજી રૉયલ ઇન્સ્ટીટ્યુટ. એની પછવાડે એક ઊંચા ટેકડા ઉપર એડિબરોનો કિલ્લો બિરાજે છે. આ બધો દેખાવ જોઈને હું બહુજ પ્રસન્ન થયો તથા આનંદ પામ્યો.
પેહેલવેહેલો હું કિલ્લો જોવાને તથા તે ઉપર ચઢીને શેહેરનો દેખાવ જોવાને ગયો. કિલ્લા ઉપર સિપાઇઓની ગાર્ડ હતી. તેઓનો પોશાક હાઈલંડર હતો. એટલે સ્કૉટલેંડનો કેટલો એક પાહાડી ભાગ "હાઈલાંડ" નામથી ઓળખાય છે તે તરફના રહેવાસીઓનો આ પોશાક કેહેવાય છે. આ પોશાકમાં પગના મોજાની ઉપરથી તે ગુઠણ સુધીનો ભાગ ઉઘાડો રહે છે. મહારાણી વિક્ટોરિયાને આ પોશાક પસંદ હોય તેમ લાગે છે; કેમકે બે નાહાના રાજપુત્ર ઘણુંકરીને આવો પોશાક પહેરે છે. કિલ્લાની ઉપર ચહડીને જોયું તો શેહેરનો ઘણો ખરો ભાગ સારી પેઠે દેખાયો. સવારનું પોહોર હતું એટલે દેખાવ ઘણો સુંદર અને રમણ્ય લાગતો હતો.
આ કિલ્લો જોઈ આવ્યા પછી જે ગૃહસ્થની ઉપર ઓળખાણપત્ર હું લાવ્યો હતો તે ગૃહસ્થને મળવા ગયો. તે મને જોઈ બહુ ખુશી થયો.
તેણે મને સ્કૉટલેંડનું ફીચર્સ દેખાડ્યું. ત્યારપછી ત્યાના પ્રખ્યાત ડાક્ટર ગથીને મળવા તે મને લઈ ગયો. આ ગૃહસ્થ જે ૧૮૬૫માં મરણ પામ્યો તે વિલાયતમાં ઘણો પ્રસિદ્ધ હતો. અગત્ય કરીને એડિનબરોના લોકો તેની પરોપકાર બુદ્ધિ માટે તથા ઈશ્વરજ્ઞાન ને નીતિમાર્ગ સંબંધી તેનાં ભાષણ માટે તેની ઉપર મોહી પડ્યા હતા.
રવીવાર હતો તે છતાં તેણે મારી મુલાકાત લીધી. તે મને નામથી ઓલખતો હતો અને હું વિલાયત આવ્યો છઉં તેની પણ તેને ખબર હતી. તે મોટી ખુશીથી મને મળ્યો અને મારી સાથે આપણા દેશ સંબંધી કેટલીએક વાતચિત કરી. તેણે મને કહ્યું કે તમે દસબાર દહાડા આ શહેરમાં રહો તો ઠીક. પણ ત્રણ દિવસ કરતાં વધારે મારે ખોટી થવાય તેમ નહોતું. તે દહાડે એ ગૃહસ્થ ભાષણ કરનાર હતો માટે મને કહ્યું કે તમે જરૂર આવજો. હું એનું ભાષણ સાંભળવાને બપોરે ગયો. દેવળ તમામ ભરાઈ ગયું હતું. જે દહાડે એનું ભાષણ હોય તે દહાડે લોકો એટલા ઉલટે કે તે સાંભળવાની અગાઉથી ચિઠ્ઠી મેળવી રાખે. આવા પુરૂષનું ભાષણ સાંભળવાની મને જોગવાઈ મળી એ હું મારૂં ભાયગ સમજ્યો.
આઃ હા ! ભાષણ તે ખરેખર ભાષણજ હતું. ત જે કાંઈ બોલતો હતો તે ચોખ્ખું અને અસરકારક હતું. તે જે કાંઈ બોલતો તે તેનાં અંતઃકરણમાંથી અંતઃકરણના ઉભરા કાહાડીને બોલતો હતો. સાંભળનારનાં રૂંવેરૂવાં ઉભાં થતાં એટલું જ નહીં પણ કેટલાએકોની આંખોમાંથી આંસુની ધારા પડતી મેં જોઈ અને મારું દિલ પણ મીણ જેવું થઈ ગયું. આ સંસાર મિથ્યા છે ને મનુષ્ય માત્રે ઈશ્વર ઉપર પ્રીતિ અને ભક્તિ રાખવી જરૂર છે એમ સર્વના મનમાં રામબાણની પેઠે ઠસી ગયું.
સ્કૉટલેંડમાં રવીવારનો દહાડો ઇંગ્લંડ કરતાં વધારે પાળે છે. એ દહાડે રેલવેની ગાડી પણ ચાલતી નથી ને ભાડુતી ગાડી ઘણી મળવી કઠણ. તેથી એ ભાષણ સાંભળ્યા પછી હું મારાં મકાનની સામેના બગીચામાં બે કલાક ફર્યો. વૉલટર-સ્કૉટનો મિનારો - સ્કૉટ-મૉન્યુમેંટ નામથી ઓળખાય છે તે નિરખી નિરખીને જોયો. તેનું બાંધકામ ઘણું જ તોફે છે. એ મિનારાને ઠેઠ મથાલે ચહડીને જોતાં તો ચોમેર દેખાવ ઘણો જ ખૂબસુરત લાગ્યો. તે ૨૦૦ ફૂટ ઊંચો છે ને તે બાંધવાનો ખરચ ૧‖ લાખ રૂપિયાનો થયો છે. પછી મિનારા ઉપર જે લેખ હતો તે વાંચ્યો. આ સુંદર બાગમાં હું થોડીક વાર ફર્યો ને થોડીકવાર બેઠો અને તેમ કરતાં સાંજ પડી.
વળતે દહાડે "હોલીરૂડ" નામનો જૂના વખતનો રાજમહેલ જોવાને હું ગયો. મહેલની બહાર એક ઘણોજ સુંદર ફુવારો પણ છે. જૂના વખતનો કેટલોએક પાદશાહી સામાન આ મહેલમાં જોવાજોગ છે. આ મહેલના કેટલાએક ઓરડા મેરી નામની સ્કૉટલેંડની રાણીના વખતમાં જેવા હતા તેવાજ હમણાંસુધી રેહેવા દીધાછે. મેરી રાણીનો સુવાનો ઓરડો જેવી હાલતમાં તેના છપરપલંગ તથા સામાન સુધા હતો તેવી જ હાલતમાં અહીં તમે જોશો.
આ મેહેલની પડોસમાં "આરથર-સીટ" નામની ઉંચી ને સુંદર ટેકડી છે. તે આશરે ૮૦૦ ફૂટ ઉંચી છે. તે ઉપર ચહડીને જોયાથી આસપાસનો દેખાવ ઘણો રમણ્ય અને સુંદર લાગેછે. હું એક ટેકડી ઉપર ચહડ્યો હતો અને ચોતરફ જે દ્ખાવ નજરે પડ્યો તેથી બહુ આનંદ પામ્યો હતો. એ ટેકડી તરફ જતાં એક ઘણોજ સુંદર રસ્તો આવેછે. તે "કુવીન્સ દ્રાઈવ" નામથી ઓળખાય છે.
ત્યાંથી નીકળીને યુનિવરસિટીને રસ્તેથી ગાડી લેવડાવી. યુનિવરસિટી બંધ હતી પણ માંહેલીકોર જઈને તેનું મ્યૂઝિયમ જોયું. મ્યૂઝિયમમાં "સ્ટફ" કરેલાં જનાવરોનો મોટો સંગ્રહ જોયો. બ્રિટિશ મ્યૂઝિયમ આગળ તો તે કંઈજ નહી; તે છતાં તેમાં કિંમતી સંગ્રહ હતો. આસરે હજાર જનાવરો હશે. તે ઉપરાંત ધાતુ તથા પથ્થરોનો સંગ્રહ હતો તે જુદો. તેની પાસે પુસ્તકશાળા જોઈ. તેમાં એક લાખ પુસ્તકો છે. વિદ્યાર્થીઓના અભ્યાસના ઓરડા જોયા. આ યુનિવરસિટીમાં આસરે ૮૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરેછે.
એડિનબરોનું જિનું શહેર મેં જોયું. જૂના શહેરનો ભાગ નવા શહેરથી જુદો પડી ગયોછે. જુનું તે જુનું; માટે દેખાવમાં સારૂ ક્યાંથી હોય ? નવાં શેહેરમાં ઘણી રચનાથી - મોહોલ્લાઓ તથા ચોક રાખીને પોરબંદર જેવા સફેત પથ્થરનાં ઘર બાંધ્યાંછે. પારિસથી ઊતરતો દેખાવ આ ઈમારતોનો છે. પણ ઇંગ્લંડ તથા સ્કૉટલેંડમાં આવું ખુબસુરત શેહેર બીજું એકે નથી. તેનાં ઘરો તથા રસ્તાની રચના સાથે કુદરતી રચના મળી ગઈછે. એડિનબરોની વસ્તી આશરે સવાબે લાખની છે. એડિનબરોમાં ત્રણ દહાડા રહી ગ્લાસગો તરફ જવાને હું નીકળ્યો.