કંકાવટી/બંગાળનું વ્રતસાહિત્ય

વિકિસ્રોતમાંથી
← કંઠસ્થ વ્રતસાહિત્ય[‘કંકાવટી’ (1)નો પ્રવેશક] કંકાવટી
બંગાળનું વ્રતસાહિત્ય
ઝવેરચંદ મેઘાણી
‘કંકાવટી’ (2)નો પ્રવેશક →


બંગાળનું વ્રતસાહિત્ય

અવનીન્દ્ર ઠાકુરને થયેલ દર્શન

આપણા દેશમાં (બંગાળમાં) બે જાતનાં વ્રતો પ્રચલિત દેખાય છેઃ

(1) શાસ્ત્રીય વ્રત, (2) મેયેલી વ્રત. આ “મેયેલી વ્રતના બે વિભાગ છે : (1) કુમારી- -વત જે પાંચ-છથી આઠ-નવ વર્ષની કુમારિકાઓ કરે છે; અને (2) નારી-વ્રત, જે વિવાહીત સ્ત્રીઓ કરે છે. આમાંથી શાસ્ત્રીય અથવા પૌરાણિક વ્રતો હિન્દુ ધર્મની સાથોસાથ આ દેશમાં પ્રચાર પામ્યાં છે, અને આ બન્નેથી નિરાળાં મેયેલી વ્રતો, તેમાં રહેલાં અનુષ્ઠાનો ઝીણવટથી તપાસતાં પુરાણોની પૂર્વેના સમયમાં માલૂમ પડે છે. એની અંદર હિન્દુ પૂર્વેના તેમજ હિન્દુ ધર્મન, બન્નેના સેળભેળનો ઈતિહાસ સ્પષ્ટ નિહાળી શકાય છે.

શાસ્ત્રીય વ્રત : એમાં સહુથી પ્રથમ તો સામાન્ય વિધિ જેવી કે આચમન, સ્વસ્તિ, વચન-સંકલ્પ ઈત્યાદિ આવે; પછી બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાય ને કથાનું શ્રવણ થાય. આ થઈ પૌરાણિક વ્રતની રચના.

નારીવ્રત: શાસ્ત્રીય વ્રતો અને કુમારિકા-વ્રતોની મિલાવટ કરીને રચેલાં આ વ્રતો. છે. એમાંથી વેદવિધિઓની ગંભીરતા તેમજ સજીવતાયે ચાલી ગઈ છે, લોકવ્રતોની સરળતા પણ લગભગ નાશ પામી છે, પૂજારી બ્રાહ્મણ અને સામાન્ય ક્રિયાકાંડના જટિલ અનુષ્ઠાન- ન્યાસ-મુદ્રા-તંત્રમંત્રનું જ મહત્ત્વ સ્થપાઈ ગયું છે.

કુમારિકા-વત

શુદ્ધ અસલી સ્વરૂપે તો આ વ્રતો જ રહ્યાં દેખાય છે. એમાં રંગોળી, કન્યાની જે મનકામના હોય તે મુજબની જ ચિત્રાકૃત્રિ, એના ઉપર ફૂલ ધરવું અને જો કોઈ વ્રતકથા હોય તો તે સાંભળવી, બસ એટલું જ છે. એમાં પૂજારી અને તંત્રમંત્રને સ્થાન જ નથી.

શાસ્ત્રીય વ્રતો ન તો પ્રાચીન રીતરિવાજોની ચર્ચામાં કામ લાગે, ને લોકસાહિત્યમાં લઈ શકાય, કે ન તો લૌકિક ધર્માચારનું સંશોધન કરવામાં મદદરૂપ થાય. લોક-સમુદાયની સાથે એને સાચો સંબંધ જ નથી. લોકોની રહેણીકરણી અથવા વિચારણાની છાપ જ તે વ્રતો ઉપર નથી. સાચાં મેલી વ્રતોમાં - તેનાં જોડકણાંમાં તેમ જ તેની રંગોળીમાં તો એક , હદયની, વિચારણાની ને જીવનની સ્પષ્ટ છાપ દેખાય છે જેવી રીતે વેદના અંદર આર્ય જાતિનું ચિંતન, એનો ઉદ્યમ ને એનો ઉલ્લાસ ખીલી નીકળતાં દેખાય , વેદના સૂક્તો અને આ મેયેલી વ્રતોનું સાહિત્ય, બન્નેની અંદર લોકસમાં આશાઓ આશંકાઓ, ચેષ્ટાઓ અને મનોકામનાઓ વ્યક્ત થાય છે અને તેથી જ બને. વચ્ચે એક સુંદર મેળ છે. નદી, સૂર્ય ઈત્યાદિ અનેક દેવતાઓ છે. તેઓને સંબોધીને આ Bયેલી વતોમાં પણ જોડકણાં બોલાયાં છે. દષ્ટાંત તરીકે, વેદયુગમાં ઉષાનું આહવાન કરતાં ઋષિએ ગાયું કે

સૂર્યની માતા, શુભ્રવણી, દિપ્તીમય ઉષા આવે છે.

અને સૂર્યને સંબોધીને લલકાર્યું કે

એના અક્ષો એને આખા જગતથી ઊંચે ઠેરવી રહ્યો છે.

વળી સમસ્ત નદીઓને સંબોધીને વેદ-કવિ ગાય છે કે

નિરનિરાળાં નીર એકત્ર મળે, અન્ય જલી પણ તેઓની સાથે આવીને ભળે, ને એ સર્વે મળી સમુદ્રના વડવાનલને પ્રસન્ન કરે.

હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રચલિત જે કૃત્રિમ, કવિત્વહીન અને આડમ્બરી સૂર્યસ્તવન છે તેની સાથે ઉપરની વેદની કવિત્વભરી વાણીને સરખાવીએઃ

નમ: નમઃ દિવાકર ભક્તિર કારન
ભક્તિરૂપે નાઉ પ્રભુ જગત-ચારન
ભક્તિરૂપે પ્રતાપ કહિલે, તૂયાપાય
મનોવાંછા સિદ્ધ કરેન પ્રભુ દેવતાય

આમાં વેદગાથાનો સૂર્ય અને શાસ્ત્રીય વ્રતોનો સૂર્યઃ બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. હવે શુદ્ધ મેયેલી વ્રતનાં જોડકણાંની અંદર સૂર્યને, ઉષાને અને નદનદીઓને કેવા ભાવે લોકોએ વર્ણવ્યાં તે જોઈએ :

સાત સમુકે વાતસ ખેલે,
કોન સમુદ્ર તેઉ તુલે.

[સાત સમુકે વાયુ ખેલે
કયો સમદર છોળ ઉછાળે !]

*

ઊરૂ રૂ દેખા જાય બડ બાડી.
એ જે દેખા જાય સૂર્યોર માર બાડી.
સૂર્યેર મા લો! કિ કર દુવારે બસિયા,
તોમાર સૂર્ય આસ્તન જોડ ઘોડાતે ચડિયા.

[ઓ પેલા દેખાય મોટા મોય મહેલ,
એ તો બહેન સૂરજની માતાના મહેલ.
સૂરજની મા! સૂરજની મા! બારે બેસીને તે શું કરે રે,
ઘોડલાંની જોડ, ઘોડલાંની જોડ,
આવે ચડીને તારો બેટડો રે.]

ત્યાર પછી વસન્તઋતુની ચંદ્રકલાની સાથે સૂર્યના પ્રણયનું એક રૂપક જોઈએ:

ચંદ્રકલા માધવેર કન્યા, મોલિયા દિછેન કેશ,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન નાના દેશ.
ચંદ્રકલા માધવેર કન્યા મેલિયા દિછેન સાડી,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન બાડી બાડી.
ચંદ્રકલા માધવેર કન્યા ગોલ ખાડુઆ પાય,
તાઈ દેખિયા સૂર્ય ઠાકુર બિઆ કરતે ચાય,

[માધવની કન્યા ચંદ્રકળા મોકળા મલે કેશ,
એ દેખીને સૂરજ રાણો ભમે દેશે દેશ.
માધવની કન્યા ચંદ્રકળા પાલવ મેલે છૂટો,
એ દેખીને સૂરજ રાણો ઘરઘર હી? જોતો.
માધવની કન્યા ચંદ્રકળા પહેરે રૂપા-કાંબી,
એ દેખીને સૂરજરાણે વિવાની રઢ માંડી.]

હવે, વેદનાં સૂક્તોનો અંગ્રેજી ભાષામાં સુંદર તરજૂમો થયો છે. અને આ વ્રતનું જોડકણું તો બાપડું ચાલુ બંગાળી ભાષામાં છે, તેથી કરીને વેદનું સૂક્ત લાગે છે જરા ગંભીર, ને વ્રતનું જોડકણું લાગે છે છોકરાની રમત જેવું! પણ જો એનોયે અંગ્રેજી તરજૂમો કરીએ તો એ બન્નેમાં એક જ વસ્તુ દેખાશેઃ

Young Moon, daughter of the spring, has untied tresses, and the sun goes seeking her through many lands. Spring's daughter the young Moon has unfolded her silver robe and the sun peeps into many houses seeking her. The Slender Moon, the Spring's lovely maiden is wearing the silver anklet, seeing which the Sun seeks her union in marriage

પ્રાચીનતા

પરંતુ તે પરથી કાંઈ એમ ન કહી શકાય કે પુરાણોને તોડીને શાસ્ત્રીય વ્રતો બનાવ્યા છે, તેમ વેદોને છૂંદીને આ મેયેલી વ્રતો' સરજ્યાં છે, કેમ કે તમામ પ્રાચીન જાતિઓના ઈતિહાસમાં જોઈ શકાય છે કે, શું મિસરમાં, શું મેક્સિકોમાં કે શું ભારતવર્ષમાં, અસલનો માનવી વાયુ. સૂર્ય અને ચંદ્રમા વગેરેની ઉપાસના કરતો હતો. બન્યું છે એવું કે એક તરફથી ભારતવર્ષમાં પ્રવાસી રૂપે આવેલા આર્યોની વ્રતવિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ ભારતવર્ષના અસલ નિવાસીઓનાં વ્રતો ચાલતાં હતાં, એક તપોવનની છાયાનો આ લીધો હતો અને બીજા નદીતટ પરનાં નાનાં ગામડાંના શાન્ત ઝૂંપડામાં રહેતાં, આ પતા પ્રવાસી અને નિવાસી બંને પ્રજાદળની અંદર રહેતી હતી. હિન્દુ જાતિ કે જેણે સમસ્ત દેવતા, અંદર વેદના દેવતાઓને જ વિરાટ દેખ્યા, અને જેમણે ભારતવર્ષની અસલ નિવાસી પ્રજ હૃદય પર તેઓની સમસ્ત રહેણીકરણી ને વિચારણાની સ્વતંત્ર રૃર્તિ દબાવી દઈને પોતાના જ આચારવિચારો છાપી દેવાનો આગ્રહ ધરાવ્યો હતો. વેદ ને પુરાણ, અને પુરાણોથી પુરાણાં જે આ લોક-વ્રતો, એ બન્ને બે મહાન પ્રજાઓના પ્રાણની મહકથાઓ છે.

પૃથ્વીનું મમત્વ

આર્યો અને આર્યોના પૂર્વગામીઓ' એ બન્નેનો સંબંધ પોતાની જન્મભૂમિ આ પૃથ્વીની જ સાથેનો હોવાથી બન્ને પ્રજાની મનોકામનાઓ પણ ઘણુંખરું આ પૃથ્વીની જ સાથે જોડાયેલી છે, એટલે કે ધન, ધાન્ય, સૌભાગ્ય, લાંબું આયુષ્ય - એવી તમામ ધરતીની વસ્તુઓ સાથે જ તેઓનો આત્મા જડાયેલો દેખાય છે. આ વાત તેઓનાં વ્રતોમાં છુપાયેલી છે. ઉદાહરણ તરીકે વેદના સૂક્તો વાટે પુરુષોએ ચાહના પ્રગટ કરી કે

'ઈન્દ્ર અમને સહાય આપો ! એ અમને વિજય અપાવો ! શત્રુઓ દૂર નાસી જાઓ !' ઈત્યાદિ.

અને બંગાળી વ્રતો વાટે નારીજાતિના પ્રમાણે યાચના કરી કેઃ

રને રને એવો હવે
જને જને સુય હવા
આકાલે લક્ષ્મી હવ
સમયે પુત્રવતી હવ

હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રગટ થયેલ પરલોક-ફળની વાંછના જુઓ:

વસુમાતા દેવી ગો! કરી નમસ્કાર
પૃથિવીતે જન્મ જેન ના હય આવાર!

પૃથ્વીની વસ્તુઓ પરના આ ઘોર વૈરાગ્યની અંદર જે અસ્વાભાવિક પ્રાર્થના અને કલ્પના છે, તે નથી વેદની, વા તો નથી વ્રતોની. વેદનાં સૂક્તો અને વ્રતોનાં જોડકણાં બને આપણી રૂપકથા માંહેલા ગરૂડપંખી અને ગરૂડપખણી સાથે સરખાવી શકાય. બને પૃથ્વી પરનાં છે, છતાં વેદનાં સૂક્તો ઉન્મુક્ત ને સ્વતંત્ર છે; અરણ્યની નીલિમા પર આસમાનમાંથી વરસતા નર-પંખીના ગાન સરખાં છે; વિશાળ પૃથ્વીના વિહારી એ પુરુષકંઠના લલકાર સમાં છે, જ્યારે વ્રતોનાં જોડકણાં, જાણે કે માળામાં બેસીને લીલી ઘટાના અંતરાલમાંથી ગાતી પંખણી માદાના મધુર કિલકિલાટ સરીખાં છે. છતાં બને ગાન આ ધરતીના જ સૂરમાં બંધાયેલાં છે.

વિધિની રહસ્યમયતા

શાસ્ત્રીય વ્રતોમાં, દરેકને લગતી મનકામના ભલે ભિન્ન ભિન્ન હોય, છતાં તેની કિયા વા વિધિ બ્રાહ્મણ એક જ તરેહની કરાવે: એક જ મંત્ર! માત્ર તેમાં દેવ કે દેવીનાં નામ બદલાય; અને અન્ય વિધિઓ પણ એક જ સરખી. સાચાં લોકવ્રતોમાં એમ નથી. ત્યાં તો જે મનકામના હોય, તેની સાથે બંધબેસતી ક્રિયામાં જ અંતરેચ્છા પ્રગટ થાય. દ્રશ્ચંતઃ વૈશાખ માસમાં સરોવરો સુકાઈ ન જાય, ગરમીમાં વૃક્ષો મરી ન જાય, તેવી પ્રાર્થનાને પ્રકટ કરવા માટે પૂર્તિપુકુર વ્રતની અંદર, સરોવરની રચના કરવી જોઈએ, તેમાં બીલી-વૃક્ષની ડાળખી ચોડવી જોઈએ, સરોવરમાં છલોછલ પાણી ભરવું જોઈએ ને તે પછી પેલી ડાળીને ફૂલમાળા આરોપવી પડે તથા સરોવરની ચોપાસ ફૂલોના શણગાર કરવા પડે. એ જ રીતે તમામ વ્રતોની વિધિમાં કન્યાઓની વાંછનાને અનુરૂપ રચના થાય છે.

દટાયેલો ઈતિહાસ

આ વ્રતો તો માનવીની સાધારણ સંપત્તિ છે. અમુક ધર્મ કે અમુક જ જાતિના વાડાઓમાં એ બંધાયેલી નથી. તુઓના પરિવર્તનની સાથોસાથ માનવદશામાં જે પલટો આવે છે, એ પલટાની સ્થિતિને વટાવી જવાની ઈચ્છામાં જ આ વ્રતક્રિયા ઉત્પન્ન થાય છે. નિરનિરાળી વિધિ માટે માનવી મનકામના સફળ કરવા માગે છે, એનું નામ જ વ્રત. પુરાણ એટલા જ પુરાતન બલકે તેથીયે પુરાતન માનવીનું રચેલું એ વિધાન છે.

આટલા બધા પ્રાચીન કાળની આ સંપત્તિ બંગાળીઓને ઘેરઘેર આજ પર્યત શી રીતે ચાલુ રહી ગઈ? ઉત્તર એ છે કે આપણાં સમાજનો બહિરંશ છો ને ચાહે તેટલો બદલી ગયો, પણ આપણું અંતઃપુર તો તેની સાથે નથી જ પલટાયું. એ તો ગઈ કાલે, પરમ દિવસે, બલકે તેથીયે અને તેનાથી પૂર્વે જે હતું તેનું તે જ આજે પણ છે. એટલે જ આ નારીવ્રતો ત્યાં જળવાઈ રહ્યાં. માનવી મરી જાય, પ્રજાએ પ્રજાનો લોપ થઈ જાય, છતાં તે પ્રજાના આચાર અને વિચારનો પ્રવાહ તો તેઓની પાછળ પણ વહેતો જ રહેવાનો. અમેરિકાના અસલ આદિવાસીઓની એવી દુર્દશા ખ્રિસ્તીઓએ કરી કે તેઓને પૃથ્વી પર રહેવાની જગ્યા જ ન રહી, તેમ છતાં તેઓનું શિલ્પ, તેઓનાં મંદિરો, મઠો અને તેઓનાં ઘરબાર, કંઈક માટીની અંદર, કંઈક માટીના પડને માથે અરણ્યોમાં, અને વળી કેટલાંક લોકસ્મૃતિની અંદર અંતઃપુરમાં સચવાઈ રહ્યાં: મરનારાઓને મુખેથી જ મરનારાઓનો ઈતિહાસ બોલાવવાને માટે! બંગાળનાં આ વ્રતો પણ તે જ પ્રમાણે આપણી પુત્રીઓ દ્વારા કોઈ વાર રંગોળીના શિલ્પ વાટે, કોઈવાર કવિતા અને નાટક વાટે, કોઈ વાર કલા અને સાહિત્ય વાટે, ને કોઈ વાર વળી ધર્મની ક્રિયા વાટે સંઘરાઈ રહેલાં, પેલી પ્રાચીન જાતિના જીવનના ઈતિહાસ સરીખાં છે. વ્રતોની અંદર એ પ્રાચીન કાળની નાટ્યકલા, નૃત્યકલા, ચિત્રકલા, સંગીતકલા, ઉપાખ્યાન પર્વતની સામગ્રી સાંપડી રહી છે. અને તેથી આ વ્રતો તુચ્છકારવા જેવો નથી.

જંગલી નથી

અને જેની અંદરથી સભ્ય જાતિનાં આવાં સુલક્ષણો મળી આવે છે. એ વ્રતોને આપણે કોઈ જંગલી પ્રજાની અંધશ્રદ્ધાનું પ્રદર્શન કહીને જ કેમ પતાવી શકીએ ? આ જેઓઝ જંગલી વાતો કરનારા અને નિરુદ્યમી લૂંટારાઓ એવે નામે ઓળખે છે, તેઓનું તો આ વતોની અંદરથી અને શિલ્પચિત્રના ઈતિહાસમાંથી આપણને તદ્દન ઊલટું જ ઓળખાણ થાય છે. જેમ કે વાસ્તુવિદ્યા એ મયશાસ્ત્ર છે. હવે, મય તો દાનવ હતો! વળી આર્યો તો જ્યારે યુદ્ધવિજયની મન કામના ઇંદ્રના હોમહવન વાટે કરતા હતા, ત્યારે બીજી બાજ આ જંગલી વ્રતો કરનારાઓ તો અસ્ત્રશસ્ત્રો અને ગઢકિલ્લા બાંધી રહ્યા હતા . ઈનને ખુશ કરવા નહોતા બેસી રહ્યા. તેમજ તેઓની કન્યાઓ પણ કેવાં વ્રતો કરતી ! ‘રને રને એવો હવ !': જેની પુત્રીઓ આવી પ્રાર્થનાઓ કરી શકે તેને ભલે તમે જંગલી કહો, પણ તેથી તેઓની સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિથી ઊતરતી હતી એમ ન કહી શકાય. રણચંડીઓની જે મૂર્તિ આ વ્રતનાં જોડકણાંની અંદર ખડી થાય છે, અબલાઓના હૃદયનો જે એક સંયમવંત સુંદર આદર્શ મૂર્તિમંત થાય છે, તે આદર્શ અને તે મૂર્તિની સરજનહાર પ્રજા જંન્ગલી કેમ હોઈ શકે ?

[ત્યાર પછી આ કલાકાર વિદ્વાન હિન્દુ ધર્મની અનુદારતા ઉપર ઊતરે છે. આ અસલી પ્રજાનાં વ્રતો કે જેને અનુસરતાં વ્રતો બોહિમિયામાં. ગ્રીસમાં ને મિસરમાં પણ ચાલુ છે તેને પણ હિન્દુ ધર્મની માલિકીનાં બનાવી લેવાની અને પોતાના સ્વાર્થ કારણે અનેક તિથિમાહાભ્યનાં કલ્પિત વ્રતો ઘડી કાઢવાની બ્રાહ્મણની યુક્તિપ્રયુક્તિઓ ઉઘાડી પાડે છે અને બતાવે છે કે એ બ્રાહ્મણરચિત દધિસંક્રાન્તિ, ગુપ્તધન, ધૂમસંકાન્તિ, દાડિમસંક્રાન્તિ, બ્રાહ્મણાદર ઈત્યાદિ રસહીન કૃત્રિમ વ્રતોથી નિરાળાં આ લોકવ્રતોમાં તો શાસ્ત્રને કે બ્રાહ્મણને સ્થાન જ નથી. તેમાં તો ઋતુઓના ઉત્સવ છે. પછી તો એની કલમ કાવ્ય વાવે છે.]

જીવનયાત્રાની છબી

વ્રતોનાં જોડકણાં પૂર્વ બંગાળનાંયે જુદાં, પશ્ચિમ બંગાળનાંયે જુદાં, છતાં તે વાંચીએ છીએ ત્યારે ગામડાંની, કુદરતી જીવનયાત્રાની એવી એક સ્વચ્છ છબી આપણાં અંતરમાં જાગી ઊઠે છે કે જે કોઈ પણ શાસ્ત્રીય વ્રતમાં આપણને નહિ જડે. દૃષ્ટાંત લો: પોષ માસમાં આ દેશમાં ઠંડી સખત પડે છે, અને આ વ્રત સવારનું છે. તેથી અનાયાસે કલ્પના કરી શકીએ છીએ કે અનેક યુગો પૂર્વેના બંગાળના કોઈ એક ગામડા ઉપર રાત્રિનો શ્યામ પડદો આસ્તે સરી પડ્યો હશે; ગામની ઉપર ઝઝુંબેલા મોટાં વૃક્ષોને માથે હજુ કોઈ પાતળી ચાદર સરીખી ઝાકળ પથરાયેલી હશે; પ્રભાત ઝાકળબિન્દુઓથી જરી જરી ભીંજાયેલું હશે; ગામની વાડે વાડે, અને ઘરોને છાપરે છાપરે, સિમ-વૃક્ષનાં લીલાં લીલાં પાંદડા ઝૂલતાં હશે; ખેતરે ખેતરે રાઈ અને સરસવનાં ફૂલ, દૂધ અને હળદરનાં ફીણ સરીખાં ઊજળી રહ્યાં હો; તે વખતે રામપાતરમાં રીંગણાનું પાંદડું રોપી, માટી ભરી, કુમારિકાઓ ટોળે વળીને તોષલા વ્રત' ઊજવવા ખેતરો તરફ ચાલી નીકળી અને ત્યાં જંગલી ફ્લો વડે હતનો આ રીતે આદર થયો હશે; પ્રથમ તોપલા (સંતોષ દેનારી, ધાન્ય દેનારી) દેવીનું આવાહન કરે છે:

તૂષ તૂષલી, તૂમિ કે
તોમાર પૂજા કરે જે
ધને ધાન્ય બાડન્ત
સુખે થાકે આદિ અંત

[તોલા દેવી, કોણ છો તમે ?
તમારી પૂજા જે કરે
ધને ધાને અભરે ભરાય
જીવતાં સુધી સુખી થાય.]

પછી વ્રત-સામગ્રી વર્ણવાય છે:

ગાઈયેર ગોબર, સરપેર ફૂલ
આસન પિડિ, એલો ચૂલ
પૂજા કરિ મનેર સુખે
સ્વર્ગ હતે દેવી દેખે

[ગાયનું છાણ, સરસવનાં ફૂલ
બાજઠ બેસી, છૂટે કેશ
પૂજા કરીએ મનને સુખે.
સ્વર્ગેથી જગદમ્બા દેખે.]

'બાજઠ બેસી છૂટે કેશ: મેક્સિકોની રમણીઓ છૂટે કેશે” જે વ્રત કરે છે તેની આ પ્રતિછબી મળે છે. પછી કન્યાઓ પોતાની મનવાંછના જણાવે છે:

કોદલ-કાટા ગન પા'વ
ગહાલ-આલો ગુરુ પા'વ
દરબાર-આલો બેટા પા'વ,
સભા-આલો જામાઈ પાવ
મેજ-આલો ઝિ પા'વ
આડિ-માપા સિરૂર પાવ

[કોદાળીએ ખોદાય એટલું ધન દેજો !
ગમાણ-દીવો ગોધલો દેજો !
દરબાર દીવો દીકરો દેજો !
સભા-દીવો જમાઈ દેજો!
મેજ-દીવો દીકરી દેજો !
માણું પાલી હિંગળો દેજો!]

ઊંચા કુળમાં અવતાર દેજો !
ઘર દે નગરમાં
ને મૃત્યુ દેજો સાગરમાં !

પછી તો પોષ માસની સંક્રાંતિને દિવસે સૂર્યોદય પહેલાં કન્યાઓ વ્રત વધારી. એક કોડિયામાં ઘીનો દીવો પેટાવી, કોડિયાં મરતક મેલી, હારબંધ નદીમાં સ્નાન હા તોષલાદેવીને ડબાવવા જાય છે. પગ તળે ઠંડી માટી છે. ઠંડી વાળ્યું સૂચવે છે. અને નદી. શીતળ નીરનો સ્પર્શ થતાં કાયા કપે છે. આવાં શીતળ જળ, સ્થળ અને આકાશની ગર કન્યાઓ નદીતીરે જતાં જતાં પડઘો પાડે છે:

મા’ મહિનાનાં શીતળ પાણી
છલ છલ રે સોહાગણ રાણી
શીતળ નીરે નાયાં.
ગંગામાં જઈ નાયાં.

એ પછી, થર! થર!ઠડીની અંદર, સૂર્ય અને પૃથ્વીના મિલનની જાણે જરા આકાંક્ષા જાગી -

કડ કડ ટાઢે સૂરજ જાગે
સૂરજરાણો લગન માગે.

એ પછી ગંગાતીરે પાણીના કલકલ ધ્વનિ અને પંખીઓના કિલકિલાટ રૂપે જાણે કે સૂર્યદેવનાં વાજાં વાગી રહ્યાં છે.

રમ ઝમ. કલ કલ! ઢમ ઢમ થાય
સૂરજરાણાના વિવા થાય.

હજુ વૃક્ષવેલડીનાં ઝાકળભીનાં પાંદડા પોઢેલાં છે; એ વેળા. વરરાજાને વેશે સર્પરાણા ચાલ્યા આવે છે; જરાક ઝગ ! ઝગ ! થતા સોનેરી અજવાળા પરથી એ આગમનને સચન થાય છે ને કન્યા ગાય છે:

રીંગણાનાં પાંદડાં ઢોલક બજાવે
કાને કુંડળ ને સૂરજરાણો આવે.

આ વખતે નદીમાં ડુબાવેલી તોપલા દેવીની બાકીની માટી અને સૂર્ય: એ બંને વસ્તુઓનો ધાન્ય ઉગાડવામાં મુખ્ય મદદગાર તરીકે આભાર માનીએ કુમારિકાઓ પાણીમાં રેતી છાંટવાની રમત રમે છે.

તે પછી સૂર્યોદયનાં દર્શન કરી, સ્નાન કરી, વ્રતને અંતે નદીતીરે ઊભાં રહી સૂર્યોદયના દર્શન કરે છે:

સૂરજરાણા ચડિયા છે વડી ગંગાને ઘાટ
કોના હાથમાં તેલ રૂમાલ આપ સૂરજને હાથ

સૂરજરાણા ચડિયા છે વચલી ગંગાને ઘાટ
કોના હાથમાં કંકણ સિંદૂર, આપો સૂરજને હાથ
સૂરજરાણા ચડિયા છે નાની ગંગાને ઘાટ.

સૂરજ ચડિયા સેજે
ત્રાંબાવરણે તેજે.

એ રીતે સૂર્ય પૃથ્વીનાં લગ્નની છેલ્લી રમ્યતા પણ કલ્પી લેવાય છે.

તોષલા વ્રતની આ તમામ વિધિ: શિયાળાના સવારનાં આ વિવિધ દશ્યો: એ તાજી નાહેલી કન્યાઓના મુખ પરનો સિંદૂર અને ત્રાંબાવરણાં વસ્ત્રાભૂષણોથી વિભૂષિત એ સૂર્યઃ એ તમામનું વર્ણન આપણને એવા કોઈ ભૂતકાળમાં ખેંચી જાય છે કે જ્યાં માનવીની તથા સચરાચર વિશ્વની વચ્ચે સરસ નિગૂઢ એક સંબંધ જામી પડ્યો હતો, અને જ્યાં શાસ્ત્રીય વ્રતોના તેમ જ આચાર અનુષ્ઠાનના ભાર નીચે ચગદાઈને માનવી ચોગરદમથી આનંદહીન અને પ્રાણવિહીન નહોતો થઈ પડ્યો.

ભાદૂલી વ્રત

એ ભાદ્રપદ માસની અંદર પ્રવાસે ગયેલાં સ્વજનોને નદીઓના તથા સમુદ્રનાં તોફાનોમાં નિર્વિબે પાછા પહોંચાડવાની યાચનાથી ભરેલું આ વ્રત છે. જોડકણાંમાંથી પણ એક દય-નાટિકા ગોઠવી કાઢી શકાય છે. પ્રથમ ક્રિયાનો આદર થાય છે. ભાદરવા માસની. ભરપુર નદી અને એક કાંખમાં ગાગર લઈને જાણે કે બે કન્યાઓ પાણી ચાલે છે એક નાની કુમારિકા એક ઘૂંઘટવાળી નાની વહુ અને બીજી સહિયરો : એક પછી એક નદીના પાણીમાં ફૂલ નાખીને બોલે -

કન્યા

નદિ! નદિ! કોથા જાઉં ?
બાપ ભાઈયેર વાર્તા દાઉ?

નિદી રે નદી તું કયાં જાય?
ક્યાં છે મારા બાપ ને ભાઈ ?]

નાની વહુ

નદિ ! નદિ ! કોથા જાઉ ?
સ્વામી શસુરેર વાર્તા દાઉ.

નદી નદી કયાં જાય છે ?
સ્વામી સસરાના ખબર દે..

એવે વરસાદનું એક ઝાપટું વરસ્યું. બધી કન્યાઓ ચોમેર ફૂલ છાંટીને

નદિર જલ વૃષ્ટિર જલ, જે જલ હઉ,
અમાર બાપ-ભાઈપેર સંવાદ કઉં,

[નદીનાં નીર, વાદળીનાં નીર. જે નીર હો !
ભાઈના ને બાપના વાવડ કહો !]

વૃષ્ટિને અંતે ઘનઘેરા આકાશની અંદર સફેદ બગલાનું એક વૃંદ ઊડતું ઊડતું ચાલ્યું ગયું. એક કાગડાનું ટોળું પણ કા ! કા! કરતું ઝાડ પરથી ઊડીને ગામ ભણી ગયું. તે આકાશ કંઈક સ્વચ્છ થયું. કન્યા બોલે છે:

કાગા રે! બગા રે ! કા'ર કપાલે ખાઉં?
અમારા બાપ ભાઈ જે ગેઈન વાનિજ્યે
કોથાય દેખલે નાઉ.

[કાગા ભાઈ! બગા ભાઈ !
કયાં ઊડ્યા કયાં બેઠા !
ભાઈ-બાપે ગ્યા છે વેપારે !
કચય ન એને દીઠા !]

ત્યાં તો વાદળાં ભેદીને સૂર્ય ભરચક નદીના હૈયા ઉપર ઝલક ઝલક કિરણો પાથરી જાણે પાણી સાથે મિલાવી દીધાં. કન્યા ગાય છે:

ચડા ! ચડા! ચેયે થેકો
આમાર બાપ ભાઈ કે દેખે હસો

[ચડા ! રે ચડા! જોતો રે'જે
ભાઈ-બાપાને ભાળી હંસજે!]

કોઈ ગામની એક હોડી તણાતી ચાલી જાય છે તેને જોઈને -

ભેલા ! ભલા! સમુદ્ર થેકો.
આમાર બાપ-ભાઈને મને રખો.

[હોડી ! હોડી ! દરિયે રેજે!
ભાઈ-બાપાને જાળવજે !]

પછી વ્રતવિધિનો બીજો પ્રવેશ મંડાય છે. અરણ્યની ગીચ ઝાડીઓ ને પહાડોઃ અંધારી રાતઃ અને છેટેથી પ્રાણીઓની તેમ જ દરિયાની ગર્જના સંભળાય છે. ભયભીત સ્વરે કન્યાઓ બોલે છે:

ભેલા !જંગલના નાર! જંગલના વાઘઃ
પછી સર્વે રડતી રડતી .-

ક્યાં રે હશે મારા ભાઈ ને બાપ !
ક્યાં રે હશે મારા સસરા ને યામ!

વનદેવી જાણે આશ્વાસન આપે છે. ઉદયગિરિના શૃંગ પર સૂર્યોદયની પ્રભા દેખાય છે. ઉદયગિરિને ફૂલ ચડાવવીને કન્યાઓ આરાધ છે .

ઉદયગિરિ રે ઉદયગિરિ
સોનાની તારી પાઘલડી.
આટલી પૂજા જાણજે
ભાઈ-બાપને ઘેરે આણજે!

એવે સૂર્યોદયનાં અજવાળાં વચ્ચે, મસ્તક પર બે છત્ર ધરીને શરદ અને વર્ષારૂપી બે નૌકામાં પગ રાખી, સમુદ્ર પર ભાદૂલી દેવી પ્રકટ થાય છે અને કન્યાઓ સાગરનું ગાન ઉપાડે છે:

સાત સમુદ્ર વાયુ ખેલે, કયે સમ છોળ ઉછાળે !
સાગરને વીંટીને બધી કન્યાઓ બોલે છે:

દરિયા દરિયા પાય પડે
તુજ સું મારે બેનપણું:
ભાઈ બાપ ગ્યા છે વેપાર
સ્વામી ગ્યા છે. વેપારે.

ત્યાં તો જાણે આકાશવાણી થાય છે -

આજ જ પાછા આવશે!,
આજ જ પાછા આવશે !

એમ એક પછી એક દશ્ય ગવાતું આવે છે, ને છેલ્લે સ્વજનોની સફર પૂરી થતી કલ્પાઈ છે, ઘેરે જાણે કલ્લોલ થઈ રહ્યો છે વગેરે.

ધાન્યોત્પાદનનો આનંદ

એ રીતે આપણે જોયું કે વર્ષાઋતુ દેશને જળમાં ભીંજવી વિદાય લે છે, અને શરદ ચાલી આવે છે - તેના ઉત્સવ સમું આ ભાદૂલી વ્રત છે. એવું જ શસપાતા વ્રત: એમાં માનવી વિપુલ ધાન્યની વાંછના કરે છે. પણ એ વાંછના સફળ કરવા માટે પ્રમાદી બનીને કોઈ દેવતાની પાસે હાથ જોડી દો! દો!' કરવાનું નથી, પણ એ વ્રતની વિધિમાં જ સાચેસાચ મોલ ઉગાડવાનો અને પાક પકવવાનો જે આનંદ હોય છે. તે આનંદને નાચગાન અને વિધવિધ ચેષ્ટાઓ કરવાની વિધિ છે.

એક જ વાક્યમાં કહું તો આ વ્રતો ગાન માટે, ચિત્ર વાટે ને નૃત્ય-અભિનય વાટે વ્યક્ત થતી માનવકામનાઓ છે.