લખાણ પર જાઓ

કલાપી/લાઠીના કુમાર

વિકિસ્રોતમાંથી
કલાપી
લાઠીના કુમાર
નવલરામ ત્રિવેદી
રાજકુમાર કૉલેજમાં →






પ્રકરણ પહેલું
લાઠીના કુમાર

કાઠિયાવાડમાં અનેક રાજ્યો છે, અને તેના અનેક રાજાઓ અત્યારસુધીમાં થઈ ગયા છે; પણ તેના એક નાના રાજ્યના એક ઠાકોરે જેવું સ્થાન ગુજરાતના સુશિક્ષિત વર્ગના હૃદયમાં છેલ્લાં ચાલીસ વર્ષથી જમાવ્યું છે તેવું સ્થાન તેના કરતાં વધારે મોટા રાજ્યના સ્વામીઓ પણ મેળવી શક્યા નથી. તેનું નામ છે ઠાકોરશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉર્ફે કલાપી.

કાઠિયાવાડનાં રાજ્યો હિંદનાં બીજાં રાજ્યોની સરખામણીમાં ઘણાં નાનાં છે. તેનો ખ્યાલ આ ઉપરથી જ આવી શકશે કે આખા કાઠિયાવાડની વસ્તી વડોદરા રાજ્યના કરતાં ઓછી છે, અને મ્હૈસૂર રાજ્યના કરતાં અરધી છે. કાઠિયાવાડનાં આ નાનાં રાજ્યોમાં પ્રથમ અને બીજા વર્ગનાં રાજ્યોના હાથમાં દીવાની ફોજદારી અધિકાર લગભગ સંપૂર્ણ છે; ત્યારે તેથી ઊતરતા દરજ્જાના રાજાઓના અધિકાર ઓછા છે અને તેમની હકુમતનો પ્રદેશ પણ અત્યંત સંકુચિત હોય છે. આવું એક નાનું રાજ્ય લાઠી છે. તેની હાલની વસ્તી નવહજાર અને ચારસો માણસોની છે અને વાર્ષિક આમદાની એક લાખ અને સિત્તેર હજારની છે;[] અને હાલાર પ્રાન્તનું તે ચોથા વર્ગનું રાજ્ય ગણાય છે. પણ, લાઠી નાનું રાજ્ય હોવા છતાં કલાપીના જન્મ અને જીવન સ્થાન તરીકે જેમ તે મહાન છે, તે જ પ્રમાણે તેનો ભૂતકાલ પણ ગૌરવશાલી છે.

હાલમાં ગોહિલોનું મોટું સંસ્થાન ભાવનગર છે. તે ઉપરાંત પાલીતાણા, લાઠી, વળા, મોણપુર, જવાસા, લીમડા વગેરે સંસ્થાનો ગોહિલોનાં છે. આ સર્વ ગાહિલ રાજકુળના આદિપુરુષ સેજકજી હતા, અને સેજકજી હિંદના પ્રસિદ્ધ ઉદ્ધારક શાલિવાહનના વંશના હતા એમ કહેવાય છે; એટલે ગોહિલો પોતાને શાલિવાહનના વંશજો કહેવડાવે છે.

રાસમાળાના કર્તા ગોહિલ શબ્દની વ્યુત્પત્તિ ગો ( શક્તિ ) +ઈલા ( પૃથ્વી ) એ પ્રમાણે કરે છે. એટલે ગોહિલો પૃથ્વીનું બળ છે. ત્યારે ભાવનગરના ઇતિહાસના લેખક સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ ‘ગેાહિલ’ શબ્દ મૂળ ગૂહ ( ઢાંકવું ) +ઈલ ( વાળા ) એમ બતાવી, તેનો અર્થ રક્ષણ કરનાર એવો કરે છે.

ગોહિલોના આદિપુરુષ સેજકજી ઈ. સ. ૧૨૯૪માં મારવાડમાંથી કાઠિયાવાડમાં આવ્યા. જૂનાગઢના રા' સાથે લગ્ન સંબંધ જોડાવાથી અને સૌરાષ્ટ્રના રક્ષણનું કામ ઉપાડી લેવાથી સેજકજીને રા'એ ત્રણ ચોવીશીનું રાજ્ય કાઢી આપ્યું. આ સેજકજીના ત્રીજા પુત્ર સારંગજીના વંશમાં ચોવીશમી પેઢીએ આ જીવનચરિત્રના નાયક સુરસિંહજીનો જન્મ થયો હતો.

લાઠીનું રાજ્ય સ્થાપનાર દુદોજી હતા. તેમના નાનાભાઈ હમીરજી ગોહિલનું નામ ગુજરાતના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. ગુજરાતના સુબા ઝફરખાને સોમનાથ પાટણ લુટ્યું ત્યારે મહાદેવના મંદિરનું રક્ષણ કરતાં વીર હમીરજી ગોહિલ મૃત્યુ પામ્યા હતા. કીર્તિસ્તંભ સમો હમીરજીનો પાળિયો આજે પણ સોમનાથના જૂના મંદિર પાસે ઉભો છે. પોતાના આ પ્રતાપી પૂર્વજ તરફ કલાપીને ઘણું આકર્ષણ હતું અને તેના વિશે તેમણે એક મહાકાવ્ય પણ રચ્યું છે.  કલાપીના પિતા તખ્તસિંહજી મહા શૂરવીર રાજા લાખાજીના બીજા પુત્ર હતા. તેમણે લાઠીની આસપાસ રંજાડ કરી રહેલા કાઠીઓને પોતાના બાહુબળથી હંફાવ્યા હતા, તેથી કહેવત પડી છે કે: ‘ચારે કોર કાઠી, ને વચ્ચે લાખાની લાઠી’. લાખાજીની પછી તેમના મોટા પુત્ર દાજીરાજ ઊર્ફે અમરસિંહ ગાદીએ આવ્યા, પણ તે થોડા સમયમાં સ્વર્ગવાસી થયા. તેમની પાછળ માત્ર એક કુંવરી જ હતાં, જેમને વઢવાણના ટૂંક મુદત રાજ્ય ભોગવ્યા છતાં અપૂર્વ શક્તિશાલી રાજ્યકર્તા તરીકેની નામના મેળવી જનાર દાજીરાજની સાથે પરણાવ્યાં હતાં. એટલે લાઠીની ગાદી અમરસિંહ પછી તેમના નાના ભાઈ તખ્તસિંહજીને મળી. તખ્તસિંહજીને ત્રણ કુમારો હતા: ભાવસિંહજી, સુરસિંહજી અને વિજયસિંહજી. તેમાંથી ભાવસિંહજી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમ્યાન મૃત્યુ પામવાથી સુરસિંહજી રાજ્યના વારસ થયા. તખ્તસિંહજી પણ કલાપીને નાના મૂકી મરણ પામ્યા એટલે એજન્સી તરફથી રાજ્ય ઉપર મેનેજમેંટ થયું હતું. થોડા સમયમાં કલાપીનાં માતુશ્રી રાયબા જે ગોંડળ ભાયાત ગણોદ દરબારનાં કુંવરી હતાં તે પણ સ્વર્ગવાસી થયાં. આ પ્રમાણે કલાપીએ નાની વયમાં જ માબાપનું સુખ ખોયું. કલાપીની સંભાળ લેવાનું કામ હવે એજન્સી તરફથી નિમાયેલા મેનેજરો અને તેમના ખાનગી શિક્ષક ત્રિભોવન જગજીવન જાનીના હાથમાં આવ્યું.

લાઠીના મેનેજર તરીકે એજન્સીએ પ્રથમ બહેરામજી કડાકા નામના પારસી અમલદારને નીમ્યા હતા. આ સમયે તે ઝીંઝુવાડાના મેનેજર તરીકે હતા, પણ ત્યાં તેમને મધુપ્રમેહ થયો અને તેમાંથી કેન્સર થયું એટલે સારવાર માટે રાજકોટ રજા ઉપર આવ્યા હતા. બહેરામજીને વાઢકાપ કરાવવી પડી અને તેથી લાંબો વખત ઇસ્પિતાલમાં રહેવું પડ્યું, એટલે કામચલાઉ પોલિટિકલ એજન્ટ કર્નલ વૉટ્સને આશારામ દલીચંદ શાહની લાઠીના કામચલાઉ મેનેજર તરીકે નિમણુક કરી. આશારામે લાઠીના મેનેજર તરીકેનો હોદ્દો ઈ. સ. ૧૮૮૬ ના જુલાઈ માસમાં સંભાળી લીધો, અને તે જગ્યા પર ઈ. સ. ૧૮૯૨ ના અંત સુધી તે રહ્યા.

આશારામ શાહનું નામ ‘ગુજરાતી કહેવત સંગ્રહ’ ના લેખક તરીકે જાણીતું છે, તે કરતાં અમદાવાદના પ્રસિદ્ધ એડવોકેટ શ્રી. મૂળચંદભાઈ અને મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સ્વ. લલ્લુભાઈના પિતા તરીકે તેમને કદાચ વધારે ગુજરાતીઓ ઓળખતા હશે.

આશારામ સ્વામિનારાયણ સંપ્રદાયના હતા, અને લાઠીમાં મેનેજર તરીકે નિમાયા તે પહેલાં કાઠિયાવાડના કેળવણી ખાતામાં ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા હતા. સર પ્રભાશંકર પટ્ટણી, બેરિસ્ટર દલપતરામ ભગવાનજી શુકલ, મોરબીના ઠાકોર વાઘજી વગેરે નામાંકિત ગુજરાતીઓ પોતાને આશારામના શિષ્યો કહેવડાવવામાં ગર્વ લેતા. એટલે આવા કુશળ કેળવણીકારના હાથમાં લાઠીનો કારભાર આવ્યો તે બાળ કલાપીનું સદ્‌ભાગ્ય ગણાય.

કલાપીએ પિતા અને માતાનું સુખ નાનપણમાં ખોયું હતું, અને તેમને અપરમાતાઓ હતી; એટલે દેશી રજવાડાઓમાં જે રાજખટપટ હોય છે તેનો પરિચય કલાપીને નાનપણથી જ થયો હશે. આ કારણોથી તેમના સ્વભાવમાં જે વૈરાગ્યવૃત્તિ હતી તેને નાનપણથી જ પોષણ મળ્યું હશે એમ લાગે છે. કલાપીનો સ્વભાવ નાનપણથી જ વૈરાગ્યવૃત્તિવાળો હતો.

“કલાપીના સંવાદો છે તેમાં એમના જીવનનું પ્રતિબિંબ છે. એમની માતા એ મોટા થયા ત્યારે કહેતાં: ‘નાનો હતો ત્યારે તું આવો હતો, આમ કરતો, આમ બોલતો’ વગેરે. અને આ બધું સાંભળીને તથા બીજી બોધપ્રદ વાતો જે તેમણે નાનપણમાં સાંભળેલી એ બધાના પરિણામરૂપે તેમણે પોતાના સ્વતંત્ર સિદ્ધાન્તો એ સંવાદોમાં ચર્ચ્યા છે.”[] આ દૃષ્ટિથી કલાપીના ‘મેનાવતી અને ગોપીચંદ’ ના સંવાદમાં ગોપીચંદના બાલ્યકાળનું વર્ણન છે તે જોવા જેવું છે.

“તું યોગભ્રષ્ટ થયેલો કોઈ યોગી છે... ગોપીચંદ, તું જન્મ્યો ત્યારે સ્તનપાન કરતો નહોતો; અમે બધાં ગભરાયાં. જોશીએ કહ્યું કે ‘કાંઈ ચિંતા નહિ, બીજાં કોઈ બાળકને ધવરાવો એટલે કુમાર ધાવશે.’ અમે એમ કર્યું અને તું ધાવવા લાગ્યો. બાળકનો સ્વભાવ તો એક સ્તન પોતાના હાથથી ઢાંકીને બીજાને ધાવવાનો. તેમાં તારી આ રીતિથી સૌને કૌતુક થયું. તું મોટો થયો ત્યારે પણ અન્યને ખવરાવીને ખાતો, અન્યને રમકડાં આપીને રમતો. સૌ કહેતાં કે તું ચક્રવર્તી રાજા થશે. તું પછી ભણવા બેઠો ત્યારે ઘણી વખત તારા ગુરૂઓ તને શિક્ષા કરતા અને મને કહેતા કે તું ભણવાનું ભણતો નથી, અને બીજું જ કાંઈ વાંચ્યા કરે છે. તું ઘણી વખત મોટા માણસો પણ સમજી શકે નહિ તેવું સમજી શકતો, છતાં બાળકો સમજી શકે તેવું કેટલુંક સમજી શકતો નહિ. મેં પણ તને ઘણીવાર પુસ્તક હાથમાં લઈને કોઈ વિચારમાં મગ્ન થઈ બેઠેલો જોયો છે.

“હું તને પૂછતી કે તું શું કરે છે ? ઉંઘમાંથી ઉઠતો હોય એમ તું કહેતો કે ‘મને સ્વપ્ન આવે છે.’ તું સ્વપ્નામાં યોગીઓની જમાતો અને જંગલો જોયા કરતો. કોઈ વખત વળી તું અપ્સરાઓ વગેરે દિવ્ય મહેલો અને બગીચા આનંદથી આકાશમાં આંખ ખોડી રાખી નિહાળતો; પૃથ્વી પર ન હોય એવા પદાર્થોમાં તને આમ જાગતાં અને નિદ્રામાં સ્વપ્ન થયાં કરતાં. તું તો હસી હસીને એ બધું મને કહેતો પણ મને ગુરૂનાં વચનો યાદ આવ્યા કરતાં અને ઘણીવાર રડી પડતી. તને ચિંતા, ફિકર કોઈપણ કાર્યનો બોજો, બિલકુલ ગમે નહિ એવો તારો વિલાસી સ્વભાવ જોઇને મને બહુ દુઃખ થતું અને તને સુધારવા બહુ બહુ રીતે યત્ન કરતી, પણ બધું ફોકટ.”[] આ ગોપીચંદનું વર્ણન કલાપીના પાછળના સમયના સ્વભાવની જે હકીકતો આપણે જાણીએ છીએ તે પરથી કલાપીના જે બાળસ્વભાવનું વર્ણન હોય એમ માનવામાં કાંઈ હરકત લાગતી નથી. કલાપીએ મેથ્યુ આર્નોલ્ડના કાવ્ય To a Gipsy Child નું ભાષાન્તર ‘સમુદ્રથી છંટાતું બાળક’ એ નામથી કર્યું છે તેમાં જે બાળકનું વર્ણન આવે છે તે આ યોગભ્રષ્ટ આત્માના સ્વભાવ સાથે એવું મળતું આવે છે કે આ કાવ્યનું ભાષાન્તર પણ કલાપીએ પોતાની બાલ્યાવસ્થાનું જ તેમાં સામ્ય જોવાથી કર્યું હશે એમ લાગે છે.

કલાપીના સ્વભાવ વિશેની આ માન્યતાને તેના પોતાના પત્રોમાંથી એવો ટેકો મળે છે, કે આ અનુમાન વિશે કાંઈ શંકા રહેતી નથી.

‘મને મારી પોતાની ખાતર રાજ્ય કરવા પાછું આવવાનું મન થશે, એમ હું ધારી શકતો નથી. કોઈ દુઃખથી, કોઈ ક્ષણના વિચારથી હું રાજ્ય છોડી જતો હોત તો એ ધાસ્તી રહેત; પણ એમ નથી. મને કાંઈ વિચાર કરવાની શક્તિ ન હતી ત્યારની આ ઈચ્છા છે, અને અનેક ઇચ્છાઓ, વિચારો ફરી ગયા છતાં તે તેવી ને તેવી જ રહી છે, વધતી ગઈ છે. એટલે આ ધારણા એક તોર જેવી નથી.’[]

કલાપીનો જન્મ ઈ. સ. ૧૮૭૪ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે થયો હતો. કલાપી પોતાનો જન્મદિવસ દેશી તીથિ પ્રમાણે ગણતા હતા, અને તે માઘ સુદિ નવમી, સંવત્ ૧૯૩૦. ઠાકોર સાહેબ તખ્તસિંહજીના અવસાન પછી આશારામ ઇ. સ. ૧૮૮૬માં મેનેજર નિમાયા, એટલે કલાપીનું વય પિતાના મૃત્યુ સમયે બાર વર્ષનું હશે. શ્રી. મૂળચંદ આશારામે લખ્યું છે કે તેમના પિતા મેનેજર નિમાયા તે પછી થોડા સમયે કલાપીનાં માતુશ્રીનું પણું અવસાન થયું. આ ઉપરથી કાંઈક માહિતી મળે છે, પણ તે બરાબર નથી. પરંતુ કલાપીએ પોતે જ લખ્યું છે: ‘મ્હારાં મા ગુજરી ગયાં ત્યારે હું ચૌદ વર્ષનો હતો, ત્યાંસુધી તો અલમસ્ત હતો. તે ઉપરથી મને આ વિચાર આવે છે. મારા બાળક મિત્રો બાળક મનથી રાજ્યના, સત્તાના વિચાર કરતા, ત્યારે હું મારા જંગલના વિચારો કરતો. એ વિચાર ગાંડા છે, ન બની શકે તેવા છે, એવું મને ત્યારથી તે આજ સુધી કદી લાગ્યું નથી. હું પરણ્યો...લગ્નના સુખમાં પણ મને એ વિચાર નહોતો આવતો એવું બન્યું નથી, પરંતુ એ વિચાર બહાર મુકીશ તો સૌ મને ગાંડો કહેશે અને થવાનું કાંઈ નથી એમ ત્યારે મને લાગતું. થોડા સમય પછી હું મુસાફરીએ ગયો ત્યાં પ્રથમ એ વિચાર મેં બહાર મૂક્યો–લીંબડી ઠાકોર સાહેબ પાસે'.[]

આ સર્વ ઉપરથી કલાપીના ચારિત્ર્યનું મુખ્ય લક્ષણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. રાજા થવા માટે જન્મેલા આ રાજકુમારના હૃદયમાં નાનપણથી જ વૈરાગ્ય તરફ સ્વાભાવિક અને અસાધારણ આકર્ષણ હતું. પ્રકૃતિ અને માનવપ્રેમ માટે તેમનું હૃદય સતત તલસતું હતું, અને તેથી તેમણે ટૂંકી જિંદગીમાં પણ ઠીક ઠીક પ્રમાણમાં પ્રવાસ કર્યો હતો અને અનેક મિત્રો કર્યા હતા.

ચૌદમે વર્ષે માતાનું મૃત્યુ થયું અને પંદરમે વર્ષે તે બે પત્નીઓને વર્યા અને માતાનો ‘અલમસ્ત’ પ્રેમી દાંપત્ય પ્રેમમાં પણ અનેરી ઝલક દાખવી ગયેલ છે. વળી શોભના સાથેના પ્રણયની કથામાં રોમાંચક તત્ત્વ પણ છે. આ બધું છતાં પણ, અને કવિ તથા રાજવી તરીકે જગતની સમક્ષ પ્રકાશવા છતાં, કલાપી એક મુમુક્ષુ હતા એમ કહીએ તો જ તેમના ચારિત્ર્યનું સાચું મૂલ્યાંકન કર્યું ગણાય.

  1. ૧ ‘હૃદય ત્રિપુટી અને બીજાં કાવ્યો’નો પ્રવેશક. (ક. મા. મુનશી)
    પૃ. ૧૨ (ઈ. સ. ૧૯૩૯)
  2. ૧ ભાનુશંકર ઉદયશંકર ઓઝા. ‘કૌમુદી’-કલાપી અંક પૃષ્ટ ૬૩.
  3. ૧ ‘કાશ્મીરનો પ્રવાસ, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગના ધર્મવિચારો.’ પૃ. ૧૨૪–૧૨૫.
    પ્રકાશક: સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  4. ૧. ‘શ્રી કલાપીની પત્રધારા.’
    સ્વ. ગોવર્ધનરામ ઉપરનો પત્ર, પૃ. ૪૨૩
  5. ૧. ‘શ્રી કલાપીની પત્રધારા.’
    તાત્યા સાહેબને પત્ર પૃ. ૪૫૩–૫૪