કલ્યાણિકા/અજવાળિયાં

વિકિસ્રોતમાંથી
← દ્વિરંગી જ્યોત કલ્યાણિકા
અજવાળિયાં
અરદેશર ખબરદાર
પ્રણવશક્તિ →





અજવાળિયાં


• પદ[૧]


સંતો ! અણદીઠાં દીઠાં આજ રે,
પેખી સ્વર્ગ ને પૃથ્વીની પાજ રે :
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !– ( ધ્રુવ )

પાંપણ કેરી ધારથી રે
ઊંડો વરસી રહ્યો'તો અંધાર :
એક કિરણ પેઠું પોપચે
ને ત્યાં ચમકી રહ્યો ચમત્કાર રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !

આભનું ભૂરું પોપચું રે
જેમ ઘોર ઘને ઢંકાય ;
સપ્તરંગી ભવું ખોલતાં
ત્યાં તો લીલા અલૌકિક થાય રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !

રહેતી અંધારી ઓરડી રે
તેમાં નહોતું દેખાતું કાંઈ :
આજ ખુલી તેની બારી, ત્યાં
દીઠી અદ્‌ભૂત સૃષ્ટિ સમાઈ રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !


એક નયનમાં છે છૂપ્યાં રે
સાતે સ્વર્ગનાં જ્યોતિસ્વરૂપ :
કીકીએ પડી જગપાંદડી
ખસતાં ઊઘડે અનંતના કૂપ રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !

ધોવાયાં અંજન ધૂળનાં રે
ને ત્યાં અંજાયા દેવપ્રકાશ :
સ્નેહ ને ધર્મની સાંપડી
ત્યાં કો મોંઘી અનેરી મીઠાશ રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !

કોઈએ જોયાં, જીરવી જોગવ્યાં રે
એ નવનયનતણાં આશ્ચર્ય :
એક જ દાણે ઢાંક્યાં હતાં
તે આ સાંપડ્યાં સુરસૌંદર્ય રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !

ગંગાસ્નાન દઈ અશ્રુનું રે
કીધાં અત્મનયન રસલોલ :
એક એક કિરણે ઝૂલતો
અદ્દલ આનંદ ઝાકમઝોલ રે !
સંતો ! એવાં ઊગ્યાં અજવાળિયાં એ જી !

  1. " સાધુ ! વોહી બિધ રહેના રામસેં એ જી ! "- એ ભજનની રાહ.