કલ્યાણિકા/છુપામણાં

વિકિસ્રોતમાંથી
← તદ્રૂપતા કલ્યાણિકા
છુપામણાં
અરદેશર ખબરદાર
સત્યની શોધ →



છુપામણાં

· પદ — રાગ ભૈરવી ·

ક્યાં જઈ મુખ એનું ખોળું રે ?
મારો નાથ સંતાઈ રહ્યો ! — (ધ્રુવ)

ખૂણે ખૂણા ઘરના ખોળી વળું હું,
શોધી શોધી આંખ ચોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૧

ગામ ને ખેતરો ખુંદી રહું હું,
દિલ જેવા દરિયા યે ડહોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૨

નીચે છે લીલાના લાખો કંઈ પડદા,
ઉપર તો તારાનું ટોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૩

વનવનમાં ઢૂંઢી સાદ રે પાડું,
સૂતા રે વાયુ ઢંઢોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૪


દિશદિશની દોરી હીંચી હલાવું,
ઊંચેરાં આભ હીંચોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૫

આણી મેર આભલાં ને પેલી મેર તારા,
વચમાં ડૂલે દિલ ભોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૬

જુગના રે જુગ એનાં પગલાં હું ઢૂંઢું;
હવે તો જીવન લાગે મોળું રે :
મારો નાથ સંતાઈ રહ્યો ! ૭

સંત અદ્દલ કોઈ દિશા બતાવો :
સ્નેહને બ્રહ્માંડ નથી બહોળું રે !
મારો નાથ સંતાઈ રહ્યો ! ૮