કલ્યાણિકા/ટિપ્પણ/અજવાળિયાં
← ટિપ્પણ:દ્વિરંગી જ્યોત | કલ્યાણિકા ટિપ્પણ : અજવાળિયાં અરદેશર ખબરદાર |
ટિપ્પણ:પ્રણવશક્તિ → |
અજ્ઞાનના અંધકારમાં દટાઈ રહેલા આત્માને આજે જ્ઞાનનો પ્રકાશ મળ્યો ને અદૃશ્યનાં - પ્રભુનાં દર્શન થયાં. આજે આંખે અજવાળાં ઊગ્યાં.
કડી ૨ આકાશના ભૂરા પોપચા પર જેમ વાદળ ઢંકાઈ જાય છે પણ અંતે સાત રંગ વડે શોભતું એનું ભવું ઊઘડે છે અર્થાત્ સપ્તરંગી ઈન્દ્રધનુષ્ય પ્રગટે છે, ત્યારે આકાશમાં રંગની અનેરી લીલા છવાઈ રહે છે; તેમ અજ્ઞાનના આવરણે જીવ સાચા સ્વરૂપનું ભાન ભૂલી માયામાં ભટકે છે, પણ સત્ય જ્ઞાનનો પ્રકાશ પામતાં એ નિજસ્વરૂપનો સાચો અનુભવ મેળવે છે. આજે એવા સત્ય જ્ઞાનનો પ્રકાશ મને સાંપડ્યો છે.
કડી ૪ સાતે સ્વર્ગનાં તેજ આપણી એક જ આંખમાં છુપાએલાં છે. પણ એ આંખ પર જગતની - માયાની પાંદડીનું આવરણ આવી પડ્યું છે. એ ખસી જતાં એ અનંત પ્રકાશની પ્રાપ્તિ સહેજે થાય છે.
કડી ૬ - ૭ એ નવદૃષ્ટિનાં - જ્ઞાનમય ચક્ષુનાં - અદ્ભૂત તેજ કોઈકે જોયાં ને એને જેરવ્યાં. પ્રભુનું સૌંદર્ય એક જ દાણા વડે - કેવળ માયાના આવરણે - ઢંકાઈ રહ્યું હતું. એ આવરણ જતું રહેતાં ઈશ્વરની સુંદરતા સહેજે સાંપડી ગઈ. ગંગાસ્નાન વડે જેમ પાપો ધોવાઈ જાય છે, તેમ આત્માની આંખ દુઃખાનુભવથી આવતાં અશ્રુઓનું સ્નાન કરીને નિર્મળ બની છે, અને હવે જ્ઞાનના એકે એક કિરણે ભરપૂર આનંદ મળી રહ્યો છે.