કલ્યાણિકા/ટિપ્પણ/અમૃતપાત્ર
← ટિપ્પણ:નવપ્રકાશ | કલ્યાણિકા ટિપ્પણ : અમૃતપાત્ર અરદેશર ખબરદાર |
ટિપ્પણ:દ્વિરંગી જ્યોત → |
હે જીવ, તું શુદ્ધ ચૈતન્યરૂપ છે. આ દુઃખાદિથી ભરેલા માયામય જગતમાં ફસાઈ અજ્ઞાનમાં સપડાઈ રહ્યો છે તે છોડી દઈ તારા સાચા સ્વરૂપનો ખ્યાલ કર.
કડી ૨ - ૩ - ૪ તારું હૃદય એ ઈશ્વરનું મંદિર છે. તારે પાંચે ઈન્દ્રિયો એ ત્યાં જવા સારુ પાંચ બારીઓ છે. અને એ ઈન્દ્રિયો વડે ગ્રહણ થતા શબ્દ રસ રૂપ ગંધ સ્પર્શ વગેરેના વિષયો એ સંસારની લીલાઓ છે. દેવને દૂધ દહીં મધ આદિ પંચામૃત ધરાવાય છે તેમ એ પાંચે ઈન્દ્રિયો વડે થતું જ્ઞાન તું તારા હૃદયમાં ધારણ કરી તું ઈશ્વર પધારે ત્યારે તેને ચરણે ધરાવજે. કારણ કે જ્યારે એની સ્વારી આવશે ત્યારે બીજું તું શું એને સમર્પણ કરી શકશે ? અર્થાત્ સુખોપભોગના સર્વ વિષયો તું ઈશ્વર ચરણે ધરી દે. તને પ્રાપ્ત થએલું માનવજીવન એ કંઈ પાપના પરિણામરૂપ નથી, તેમજ નથી એ ફૂલની પથારી જેવું એશઆરામ કરવાનું સાધન માત્ર. પણ પુણ્યનું અમૃત ભેગું કરી ઈશ્વરને ચરણે મૂકવા માટેનું એ સાધન છે.
કડી ૫ દરેક તીર્થમાં નારાયણ-પ્રભુ-વસે છે. દરેક સ્થળે પ્રભુનો વાસ છે એમ માની તારા ભમતા મનને સ્થિર કર.