કલ્યાણિકા/ટિપ્પણ/તલાવડી દૂધે ભરી રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ટિપ્પણ:પ્રભુનો જ સાથ કલ્યાણિકા
ટિપ્પણ: તલાવડી દૂધે ભરી રે
અરદેશર ખબરદાર
ટિપ્પણ:દિવ્ય પ્રતિબંધ →


વિશ્વરૂપી આ તલાવડી શુદ્ધ ચેતનરૂપી દૂધથી ભરેલી છે ને પુણ્યકૃત્યરૂપી મોતી વડે એની પાળ બાંધી છે. ત્યાં ઉચ્ચ પ્રદેશનો હંસ, ઈશ્વરનો અંશભૂત જીવાત્મા, આવીને દૂધ ને મોતી છોડીને લીલી શેવાળ ચરે છે, અર્થાત્ આધ્યાત્મિક તત્ત્વથી વિમુખ થઈ સંસારના બાહ્ય પદાર્થોમાં રચ્યોપચ્યો રહે છે. એ તળાવે દૂધ ને મોતીનો ચરો ચરવા ચંદા ને તારા આવે છે.

કડી ૪-૫. સૂરજ દાદાની દીકરી ઉષા પૂર્વને રોજ આ તલાવડી પર આવે છે. એમાં નાહીને પોતાના વાળે મોતી પરોવે છે ને જગત પર જાતજાતના રંગો પાથરે છે. દિનને કરનારા સૂર્યનાં કિરાણ રૂપી હંસો દશે દિશાથી ઊડતા ઊડતા આવે છે ને એના દુધ વડે પોતાના શરીરને ઉજ્જવલ બનાવે છે, ને યથેચ્છ મોતીનો ચારો ચરે છે.

કડી ૭-૮. હે ઉચ્ચ પ્રદેશના વાસી હંસલા, પ્રભુના અંશરૂપ જીવાત્મા, તારે તે જગતના વિષયોરૂપી શેવાળ ચરવાની હોય ? એમાં તો કંઈ તત્ત્વ નથી. તારાં ખરેખરાં ભક્ષ્ય-ખોરાક તો આ રસે ભર્યાં મોતી ને દૂધ છે. તું કેવળ સુધામય અર્થાત્ અમૃત તત્ત્વથી બનેલો છે, તારું તેજ અપાર્થિવ છે. માટે તું જ્ઞાન-ચેતનરૂપી દુધ ઝીલીને પુણ્યકૃત્યરૂપી મોતીનો ચારો ચરી એના દિવ્ય તેજથી દીપતો આધ્યાત્મિકતાના ઉચ્ચ પંથે ઊડ્યો જા.

-૦-