કલ્યાણિકા/ટિપ્પણ/દ્વિરંગી જ્યોત
← ટિપ્પણ:અમૃતપાત્ર | કલ્યાણિકા ટિપ્પણ : દ્વિરંગી જ્યોત અરદેશર ખબરદાર |
ટિપ્પણ:અજવાળિયાં → |
કડી ૧ - ૨ આ માનવજીવન દોરંગી છે. એક દૃષ્ટિએ જોતાં એ દુઃખ અને વિપત્તિથી ભરેલું ભાસે છે. બીજી રીતે જોતાં એ શુદ્ધ ચૈતન્યરૂપ ઈશ્વરના અંશ સમું છે. જીવનની અમર જ્યોત અખંડ પ્રકાશે ઝગે છે, છતાં એ વેદનાથી ધ્રુજે છે, સંતાપ સહન કરે છે.
સોના સરખા દેહરૂપી કોડિયામાં પ્રેમામૃત રૂપી તેલ પૂર્યું છે, જ્ઞાનનાં કિરણોની વાટ ગૂંથીને બનાવી છે અને પછી વેદનાના - દુઃખના ભડકે તેને સળગાવી છે. એવી જાતની જીવનની અમર જ્યોત જગતમાં પ્રકાશી રહી છે. અંદર તો પ્રેમરૂપી અમૃતનો રસ છલકાઈ રહ્યો છે, પણ ઉપર દઝાડે એવી ઝાળ હોય છે. બહારથી વિપત્તિજ દેખાય છે, પણ અંદર ઊતરીને જોતાં એ પ્રેમનોજ પ્રભાવ છે એમ જણાઈ આવે છે. દિવેટ તેલ પીએ છે તો એને બળવું પડે છે, તેમ હૃદયમાં પૂરેલા પ્રેમામૃતને ચાખનારા સંતોને વિપત્તિની ઝાળે દાઝવું પડે છે. સંતનો પંથ એવો કપરો છે.
કડી ૫ આ બળવાનું ક્યાં સુધી રહેશે ? આ વિપત્તિ ક્યાં સુધી સહન પડશે ? એવા પ્રશ્નો નકામા છે. કારણ કે બળવાનું જતું રહેશે તો પ્રકાશ પણ આથમી જશે. તેજ રીતે વેદના લુપ્ત થઈ જતાં જીવન પણ નહિ ટકી શકે. બે એકબીજા સાથે એવાં સંકળાએલાં છે કે એકનો નાશ થતાં બીજાનો પણ નાશ થાય છે.