કલ્યાણિકા/ટિપ્પણ/નવપ્રકાશ
← ટિપ્પણ:કલ્યાણ | કલ્યાણિકા ટિપ્પણ : નવપ્રકાશ અરદેશર ખબરદાર |
ટિપ્પણ:અમૃતપાત્ર → |
ઈશ્વરના સ્વરૂપનું દર્શન બરાબર થતું નથી. પણ જાણે એક ચમકાર આવીને જતો રહેતો હોય એમ કોઈક વાર એનો પ્રકાશ હૃદયને સ્પર્શીને જતો રહે છે.
કડી ૨ હું રાત ને દિવસ સૂઈ રહ્યો. અજ્ઞાનના અંધારામાં પડી રહ્યો. સાચા સ્વરૂપનું મને દર્શન ન થયું. પણ વાદળાંઓ પરસ્પર અથડાઈને પોતાને થતું વેદન-દુઃખ-ગર્જના કરી પોકારી ઊઠે છે, ત્યારે વીજળીનો ઝબકાર થાય છે, તેમ સંસારના દુઃખાનુભવે મારું હૃદય કોઈક વાર આર્દ્ર બને છે ત્યારે ઈશ્વરના સ્વરૂપ જેવો ઝબકાર મારા હૃદયને ઘડીભર અજવાળી જાય છે.
કડી ૪ જેમ વીજળીને પકડીને ભૂમિમાં ઉતારવા તાર રખાય છે, તેમ એવા ઘડીમાં ઊડી જનારા એ ઝબકારની પાંખો બાંધવા માટે મને કોઈ પ્રેમનો તાર લાવી આપો ! જરા દર્શન દઈ અદૃશ્ય થઈ જતા ઈશ્વરને સદા માટે બાંધી રાખવા મને કોઈ પ્રેમમાર્ગનું જ્ઞાન આપો. પછી ક્ષણભર ઝબકાર કરી એ ઊડી જનારાને હું મારા હૃદયમાં બાંધી રાખીશ. પછી એ ઝબકારો કરી ક્યાં ઊડી જવાનો હતો ?