કલ્યાણિકા/ટિપ્પણ/માધુરી
← ટિપ્પણ:જગની જોગનિયાં | કલ્યાણિકા ટિપ્પણ : માધુરી અરદેશર ખબરદાર |
ટિપ્પણ:વચન → |
હે પ્રભુ, તે કેવું માધુર્ય આ જગત પર ઉતાર્યું છે ! રસની કેવી રેલ વહાવી છે ! દશે દિશાને ભરી દેતી તારી કૃપાની ધારા કેવી વરસી રહી છે ! ડોકમાં ગુલાબનાં ઝૂમખાં ઝુલાવતી હોય તેવી ગુલાબી રંગની ઉષા આકાશમાં ઘડીભર ચમકી રહે છે. તેના સૌન્દર્યનું હું પાન કરવા જાઉં છું એટલામાં તો એ સરકી જાય છે. પાછળ સોનેરી ચમરી ચમકાવતો તેજબાલ સૂર્ય પધારે છે. એના સુવર્ણ સમા કિરણોની રજ હું ખોબેખોબે ઝીલવા જાઉં છું પણ મારો ખોબો ખાલી જ રહે છે. લાલ કમળનાં બનાવેલાં તોરણો ટાંગતી સંધ્યા ઘડીભર આકાશમાં આવે છે. એના સૂરો હું અંતરમાં ઝડપી લઉં છું પણ એટલામાં કોણ જાણે એ ક્યાં અદૃશ્ય થઈ જાય છે ! અંતે લાખો ટીલીટપકીનો તારે મઢ્યો સાળુ પહેરી રાત્રિ પધારે છે. એ સાળુ હું હૈયા સરસો ચાંપું છું તો એનાં તીર ભોંકાય છે ને હજીય એ વ્રણોમાંથી-ઘામાંથી રુધિર ઝરે છે ! આ સર્વ વેદના એ તારી જ દીધેલી વિરલ ભેટ છે. એને હું હૃદયમાં સંઘરી રાખું છું ને તારી કૃપા માની આનન્દિત રહું છું.