કલ્યાણિકા/પ્રભુની પ્રીત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← દેવનો મોક્ષ કલ્યાણિકા
પ્રભુની પ્રીત
અરદેશર ખબરદાર
મનબંધન →
. પદ - રાગ આસાવરી .પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ,
એ તો શિરસટ્ટાનો ખેલ !-(ધ્રુવ)

પ્રભુનો પંથ રહ્યો પાવકનો,
જગત જળે ભર ભડકે;
રજનીભર અંગારા વરસે,
દિવસ તપાવે તડકે !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૧

અંધારાંના સાગર વીંટે,
વીંટે વાદળ ઘેરાં;
વીજ કડાકે ભડકા મારે,
કંપે આભ અનેરાં :
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૨

આ તો પ્રીતતણું મંદિર છે,
રંગભવન નથી કાંઈ,
શિર કાપી ઉંબરમાં મૂકે,
તેજ પ્રવેશે માંહીં !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૩

જપ તપ વ્રત ને પૂજા એ સૌ
કર્મતણી છે બેડી;
પ્રીતતણો છે પંથ નિરાળો,
જવું રુધિર નિજ રેડી !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૪

દુખના મેઘ મહા વરસે કે
આભ પડે શિર તૂટી :
સાચા શૂરા નિજ જીવન એ
પ્રીતતરસે રહે ઘૂંટી !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૫

કાયા જીતે, માયા જીતે,
જીતે જીવન શૂરો :
પ્રીતમંદિરે પ્રભુને જીતે
અદ્દલ વિરલપદ પૂરો !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ₀ ૬

-૦-