કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/અંબપાલી ગણિકા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પુણ્ણિકા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
અંબપાલી ગણિકા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રોહિણી →


७६–अंबपाली गणिका

બુદ્ધ ભગવાન એક વખતે વૈશાલી નગરમાં અંબપાલી ગણિકાના આમ્રવનમાં વિશ્રામ કરતા હતા. અંબપાલીને તેમનાં દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી એ બગીચામાં ગઈ. તેનાં વસ્ત્રાભૂષણ સામાન્ય હતાં છતાં પણ તેનું સૌંદર્ય ઘણું મનોહર લાગતું હતું તેને આવતી જોઈને બુદ્ધ ભગવાન પણ ક્ષણવાર તેના સામું એકીટશે જોઈ રહ્યા. તેના સૌંદર્યને માટે મનમાં ને મનમાં પોતે બોલવા લાગ્યા: “આ સ્ત્રી કેવી પરમ સુંદરી છે ! મોટા મોટા રાજાઓ પણ તેના રૂપ અને લાવણ્ય ઉપર મોહિત થઈ જઈને તેને વશ થઈ જાય છે, તો પણ એ કેવી ધૈર્યવાળી અને શાંત છે. તેના સ્વભાવમાં ચંચળતા જણાતી નથી. જગતમાં એવી સ્ત્રીઓ દુર્લભ હોય છે.” અંબપાલી આવીને બુદ્ધદેવની પાસે બેઠી. બુદ્ધદેવે તેને ધર્મોપદેશ આપીને તેના ચિત્તમાં રહેલી જરા સરખી ચંચળતા પણ એકદમ દૂર કરી નાખી. તેના હૃદયમાંની વાસનાઓનું તેમણે મૂળમાંથીજ ઉચ્છેદન કરી નાખ્યું. તેનું હૃદય પીગળી ગયું. ધર્મ ઉપર તેનો દૃઢ વિશ્વાસ થયો. બુદ્ધદેવને શરણે આવીને એ ગણિકાએ કહ્યું: “હે પ્રભો ! કાલે આપ શિષ્યમંડળી સાથે મારે ઘેર ભિક્ષા કરવા પધારશો તો હું ઘણીજ ઉપકૃત થઈશ.” બુદ્ધદેવે મૌનભાવે સંમતિ દર્શાવી.

એટલામાં એ નગરના કેટલાક ધનવાન યુવકો સુંદર રથમાં આમ્રવનમાં આવી પહોંચ્યા. એ લોકો રંગબેરંગી વસ્ત્ર અને કિંમતી અલંકારોથી ભૂષિત હતા. બુદ્ધદેવે પોતાના ભિક્ષુશિષ્યોને એ યુવકો બતાવીને કહ્યું: “જુઓ, આ લોકો કેવા ઠાઠથી આવ્યા છે ! જાણે કે દેવતાઓ ભૂમિ ઉપર ક્રીડા કરવા આવ્યા હોય એવા લાગે છે.” તેમણે આવીને બુદ્ધદેવને પ્રણામ કર્યા તથા પોતાને ત્યાં ભોજન કરવા પધારવાનું નિમંત્રણ કર્યું; પરંતુ બુદ્ધદેવ પહેલેથીજ ગણિકાનું આમંત્રણ સ્વીકારી ચૂક્યા હતા, એટલે તેમને એ ધનિક શેઠિયાઓને ના કહેવી પડી. એ શેઠિયાઓની એવી ઈચ્છા હતી કે, બુદ્ધદેવ ગણિકાનું આમંત્રણ પાછું ઠેલે. તેમણે એટલા સારૂ ઘણી દલીલ કરી અને દલીલથી ન ફાવ્યા ત્યારે નમ્રતાપૂર્વક ઘણાજ કાલાવાલા કર્યા; ભેટની પણ ઘણી લાલચ બતાવી, પણ બુદ્ધદેવ કાંઈ આજકાલના લોભી આચાર્યો જેવા થોડા હતા કે, એવી લાલચોથી ધનવાનનું માન રાખીને ગરીબ ભક્તનો અનાદર કરે ? રાજ્યવૈભવને તો એ પહેલીથીજ લાત મારી ચૂક્યા હતા. હવે એમને ધનની શી પરવા હતી ? તેમણે એ યુવકોને સ્પષ્ટ રીતે કહી દીધું કે, “તમે મને આખું વૈશાલી નગર અર્પણ કરી દો, તો પણ હું અંબપાલી ગણિકાના નિમંત્રણનો અસ્વીકાર કરી શકું એમ નથી.” એ ધનવાન યુવકો બુદ્ધદેવની વિરુદ્ધ બબડતા ઘેર ગયા.

બીજે દિવસે બુદ્ધદેવ પ્રાતઃકાળમાં નિત્યનિયમથી પરવારીને ત્રણ વસ્ત્ર પહેરીને, શિષ્યો સાથે અંબપાલીને ઘેર પધાર્યા.

અંબપાલીએ ગણિકાના ધંધામાં અઢળક ધન પેદા કર્યું હતું. તેનું ઘર એક રાજાના મહેલ જેવું ભવ્ય હતું. ઘરની આસપાસ સુંદર બગીચો લાગ્યો હતો. આજ બુદ્ધદેવના સત્કારાર્થે તેણે ઘરને શણગારવામાં કાંઈ મણા રાખી નહોતી. જાતજાતનાં ભોજનો તેમને સારૂ તૈયાર કર્યા હતાં એ સ્વાદિષ્ટ ભોજનથી તેણે બુદ્ધદેવને તૃપ્ત કર્યા. ભોજન કરી રહ્યા પછી હાથ જોડીને ભગવાન બુદ્ધને નિવેદન કર્યું કે, “મહારાજ ! મારા આ બાગબગીચા, મહેલ તથા અલંકાર એ બધું હું આપને તથા આપના સંઘને સમર્પણ કરૂં છું. આ ક્ષુદ્ર ઉપહારનો સ્વીકાર કરીને મારો અભિલાષ પૂર્ણ કરો.” બુદ્ધદેવે તેણે પ્રીતિપૂર્વક આપેલા ઉપહારનો સ્વીકાર કર્યો તથા તેને ઘણો ઉત્તમ ધર્મોપદેશ આપીને પોતાની શિષ્યા તરીકે દીક્ષિત કરી.

બુદ્ધદેવ એ નગરીમાંથી બીજે સ્થળે પધાર્યા પણ અંબપાલી ગણિકા નવજીવન પ્રાપ્ત કરીને જનસમાજની સેવા કરવામાં તથા ધર્મનું ચિંત્વન કરવામાં પ્રવૃત્ત થઈ.