કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/અભિરૂપનંદા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મેત્તિકા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
અભિરૂપનંદા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુમુત્તિકા (સુમંગળની માતા) →


३६–अभिरूप नंदा

બુદ્ધ ભગવાનના સમયમાં કપિલવસ્તુ નગરીમાં, શાક્યવંશી ક્ષેમકની માનીતી પત્નીના ગર્ભમાં તેનો જન્મ થયો હતો. તેના અસાધારણ લાવાણ્ય અને સૌંદર્યને લીધે તે અભિરૂપ નંદા નામથી પ્રસિદ્ધ થઈ હતી. શાક્ય વંશના એક કુમાર ચારભૂત સાથે તેનું લગ્ન થયું હતું, પણ દૈવયોગથી લગ્નને દિવસે જ તેના પતિનું મૃત્યુ થયું અને નંદા વૈધવ્યને પ્રાપ્ત થઈ. વિધવા થયા પછી તેનાં માતાપિતાએ તેની ઈચ્છા વિરુદ્ધ તેને સંસારનો ત્યાગ કરવાની ફરજ પાડી; પરંતુ પરિવ્રાજિકા બન્યા છતાં પણ નંદાનું સૌંદર્ય માટેનું અભિમાન નાશ પામ્યું નહોતું. એને રાતદિવસ બીક રહેતી કે બુદ્ધ ભગવાન જો પોતાનું આ અભિમાન જાણી જશે તો અવશ્ય ઠપકો આપશે. એ ઠપકાના ભયથી એ કદી બુદ્ધ ભગવાનની સમીપમાં જતી નહિ. બુદ્ધ ભગવાનને દિવ્ય જ્ઞાન દ્વારા તેના અંતરની વાતની ખબર પડી ગઈ. તેથી તેમણે એક દિવસે બધી ભિક્ષુણીઓને ઉપદેશ લેવા સારૂ બોલાવવાને મહાપ્રજાપતિને આદેશ કર્યો; પરંતુ નંદા શરમને લીધે બુદ્ધદેવની આગળ ઉપસ્થિત થઈ નહિ. તેણે પોતાના પ્રતિનિધિ તરીકે એક બીજી સ્ત્રીને મોકલી. પરંતુ બુદ્ધ ભગવાને જણાવ્યું કે, “આજે પ્રત્યેક ભિક્ષુણીએ જાતેજ આવવું પડશે.” એ આજ્ઞા સાંભળીને નંદાને આવવાની ફરજ પડી. બુદ્ધ ભગવાને એના દેખતાં એક અત્યંત સુંદર રમણીને વૃદ્ધ બનાવી દીધી. એ ચમત્કાર જોઈને નંદાને પોતાના રૂપ ઉપર જે અભિમાન હતું તે એકદમ નષ્ટ થઈ ગયું. તેને અત્યંત પશ્ચાત્તાપ થયો. બુદ્ધ ભગવાને એને એ સમયે અમૂલ્ય ઉપદેશ આપ્યો. એ ઉપદેશને પ્રતાપે તેને અંતર્જ્ઞાન પ્રાપ્ત થયું અને તે અર્હત્‌પદને પામી ગઈ. નંદાએ પોતાનું ચરિત ગાથામાં વર્ણવ્યું છે.