લખાણ પર જાઓ

કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/અમૃતપ્રભા

વિકિસ્રોતમાંથી
← ચંદ્રવતી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
અમૃતપ્રભા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
વાક્‌પુષ્ટા →


८९–अमृतप्रभा

પ્રાગજ્યોતિષપુરના વૈષ્ણવ રાજાની એ કન્યા હતી. એના લગ્ન સમયે પિતાએ સ્વયંવર રચ્યો હતો. અમૃતપ્રભાએ કંદહારના રાજાના પુત્ર મેઘવાહનને વરમાળા પહેરાવી. મેઘવાહન દિવ્ય લક્ષણયુક્ત રાજપુત્ર હતો. એ કાશ્મીરના રાજસિંહાસન ઉપર સંધિમાન રાજાના વાનપ્રસ્થ થયા પછી પ્રજાની પસંદગીથી બેઠો હતો. પ્રજા એના ઉપર ઘણી પ્રસન્ન હતી. રાજા જીવદયાનો મહાન પોષક હતો. રાજ્યાભિષેકને દિવસે એણે ઢંઢેરો પીટાવ્યો હતો કે, “આજથી કોઈ પણ મનુષ્ય કોઈ જાતના પ્રાણીની હિંસા કરવા નહિ પામે” પોતાના એ ઠરાવને અમલમાં લાવવા સારૂ એણે પ્રાણીઓનો વધ કરીને ગુજરાન ચલાવનારા કસાઈ વગેરે લોકોને રાજના ખજાનામાંથી પૂંજીની મદદ અપાવીને ઉપયોગી નિર્દોષ ધંધાઓમાં લગાડી દીધા હતા. એ રાજાના રાજ્યમાં યજ્ઞોમાં પણ ઘીનો હોમ થતો હતો અને બલિદાનમાં પશુને બલે કણકનું પશુ બનાવવામાં આવતું હતું. એ રાજાએ મેઘવન નામનો એક અગ્રહાર બંધાવ્યો હતો.

રાણી અમૃતપ્રભા યોગ્ય પતિની સુયોગ્ય સહધર્મિણી હતી. એ પણ પુણ્યવાન અને ધર્મપરાયણ હતી. ભિક્ષુઓના આરામને સારૂ એણે અમૃતભવન નામનો ઊંચો વિહાર બંધાવ્યો હતો અને પોતાના પિતાના ગુરુ ‘લો’ નામના સાધુની આજ્ઞાથી ‘લો સ્તુન્વા’ નામનો એક સ્તુપ બંધાવ્યો હતો.

અમૃતપ્રભાના દૃષ્ટાંતથી પ્રેરાઈ રાજા મેઘવાહનની બીજી રાણી યૂકદેવીએ પણ પોતાના નામથી એક વિશાળ વિહાર બંધાવ્યો, જે વિહારના અરધા ભાગમાં વિદ્વાન અને સદાચારી સાધુઓ નિવાસ કરતા હતા અને અરધા ભાગોમાં સ્ત્રી, પુત્ર અને પશુસહિત ગૃહસ્થ લોકો રહેતા હતા. રાજાની બીજી એક રાણી ઇંદ્રદેવીએ પણ એક વિહાર અને ચતુઃશાલ સ્તૂપ બંધાવ્યા હતા.