કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/પટાચારા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભદ્દા કુંડલકેશા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
પટાચારા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ચંદા →


६४-पटाचारा

ટાચારા એક ઈતિહાસ પ્રસિદ્ધ રમણી છે. બૌદ્ધધર્મમાં ભિક્ષુણી બનતાં પહેલાં એનું નામ શું હતું, તે

જાણવામાં આવ્યું નથી. શ્રાવસ્તી નગરીમાં એક શેઠિયાના ઘરમાં તેનો જન્મ થયો હતો. પટાચારા જ્યારે યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે તેનાં માતપિતાએ પોતાની ન્યાતના એક ધનવાન વણિકના પુત્ર સાથે તેનું લગ્ન કરવાનો વિચાર કર્યો. પરંતુ પટાચારા તો એ પહેલાં બીજી ન્યાતના એક યુવક સાથે પ્રેમસૂત્રથી બંધાઈ ચૂકી હતી, એટલે તેણે પિતાની ઈચ્છા મુજબ એ ધનવાન વણિકપુત્ર સાથે વિવાહ કરવાની ના કહી. એ વખતમાં નાતજાતનાં બંધનો હાલના જેટલાં દૃઢ નહોતાં, તોપણ પોતાની કન્યા પોતાનીજ ન્યાતના એક તવંગર યુવાનને પરણવાને બદલે પરન્યાતના ગરીબ યુવક સાથે લગ્ન કરે એ વાત પટાચારાનાં માતાપિતાને પસંદ પડી નહિ. તેમણે પટાચારાના વિચારને અનુમતિ આપી નહિ, એટલું જ નહિ પણ એને સખ્ત ઠપકો આપ્યો.

પટાચારાએ જ્યારે જોયું કે માતપિતા મારી પોતાની ઈચ્છાનુસાર લગ્ન નહિજ થવા દે, ત્યારે તે એક દિવસ ગુપ્ત રીતે પોતાના મનપસંદ સ્વામીને લઈને પલાયન કરી ગઈ. તે દંપતી દૂર દેશાવરમાં જઈને વસ્યાં અને વિધિપૂર્વક લગ્ન કરીને સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યાં. એ દૂર દેશાવરમાં પટાચારાને બે પુત્રસંતાન જન્મ્યાં. માતપિતાનો ત્યાગ કરીને પટાચારા ચાલી આવી હતી, છતાં પણ માતપિતા ઉપરનો તેનો સ્નેહ ઓછો થયો નહોતો. ઘણા લાંબા સમય સુધી વહાલાં માબાપથી વિખૂટી રહેવાને લીધે તેને હવે દેશમાં જવાની ઈચ્છા થઈ. તેણે પતિને પોતાની ઈચ્છા જણાવી. પતિએ તેની ઈચ્છાને માન આપીને દેશમાં પાછા જવાનો સંકલ્પ કર્યો. પતિ અને બે પુત્રને લઈને પટાચારા દેશમાં આવતી હતી, એટલામાં એક દુર્ઘટના બની. પટાચારાના પ્રિય પતિને રસ્તામાં સર્પે દંશ દીધો અને રસ્તામાંજ તેનો પ્રાણ છૂટી ગયો. પટાચારાના બન્ને પુત્ર હજુ દૂધપીતાં બાળક હતાં. અભાગિની પટાચારા એ મહાકષ્ટ સહન કરીને કરુણાજનક વિલાપ કરતી કરતી પુત્રોની સાથે રસ્તો કાપવા લાગી; પરંતુ તેના ઉપર બીજી વધારે મોટી આફત આવી પડી. પોતાના નાના બાળકને એક ઝાડ તળે સુવાડીને પટાચારા કાંઈ કામ સારૂ જરા દૂર ગઈ એટલામાં એક જંગલી પક્ષી આવીને એ બાળકને લઈને ઊડી ગયું. આટલું દુઃખ પણ પૂરતું ન હોય તેમ તેના ઉપર એક વધારે વિપત્તિ આવી પડી. તેનો બીજો પુત્ર— તેના જીવનનો એક માત્ર આધાર—તે પણ નદી ઊતરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ જઈને મરણ પામ્યો.

પટાચારાના શોકનો પાર રહ્યો નહિ. એ ગાંડી થઈ ગઈ. છેલ્લી દુર્ઘટના જે સ્થળે બની હતી તે સ્થાન શ્રાવસ્તી નગરથી ઘણે દૂર નહોતું. ગમે તે પ્રકારે એક વાર શ્રાવસ્તી નગરમાં જઈને માતપિતાનાં દર્શન કરવાની તેને ઈચ્છા થઈ; પરંતુ નસીબ ચાર ડગલાં આગળજ ચાલતું હતું. શ્રાવસ્તી નગરમાં ગયા પછી પટાચારાને ખબર પડી કે તેનાં માતપિતા એક દિવસ વંટોળિયામાં ઘર તૂટી પડવાથી, ઘરની નીચે ચગદાઈ જઈને મરણ પામ્યાં છે. આ સમાચાર સાંભળતાંવારજ પટાચારાના હોશકોશ બિલકુલ ઊડી ગયા. એ ખરેખરી ઉન્માદિની થઈને આખા શહેરમાં ફરીને જોરથી પોતાના દુઃખની કહાણી ગાવા લાગી :—

उभो पुत्रा कालंकता पंथे मह्यं पति मतो ।
माता पिता च भ्राता च एकचित कस्मिन्डश्यरे ।।

એ સમયમાં ભગવાન બુદ્ધદેવ શ્રાવસ્તી નગરીમાં વાસ કરતા હતા. તેમના મહિમાની તથા તેમના નવા ધર્મની કથા ચારે તરફ પ્રસરી ગઈ હતી. શોકાતુર રમણી પટાચારા પોતાની શોકકથા કહેતી કહેતી અશ્રુધારાથી તેમનાં ચરણારવિંદ પ્રક્ષાલન કરતી બુદ્ધ ભગવાનના ચરણમાં જઈને પડી. કેવળ પટાચારાજ નહિ પણ બીજાં પણ અસંખ્ય દુઃખી સ્ત્રીપુરુષો આશ્વાસન લેવાને તથા ધર્મોપદેશદ્વારા શોકસંતપ્ત હૃદયને શીતળ કરવા માટે બુદ્ધદેવ પાસે જતાં. બુદ્ધદેવના પવિત્ર ચરિત્ર તથા મનુષ્યો ઉપરની કરુણાએ સર્વેનાં ચિત્તને તેમની તરફ આકૃષ્ટ કર્યાં હતાં.

પટાચારા જ્યારે બુદ્ધદેવની પાસે ગઈ ત્યારે દયાળુ બુદ્ધદેવે મીઠાં વચનોથી તેનો સત્કાર કર્યો અને તેને એવો અમૂલ્ય મધુર ઉપદેશ આપ્યો કે એ પોતાનું સઘળું દુઃખ એકદમ વીસરી ગઈ. એ ઉપદેશમાંનું એક વચન ‘ધમ્મપદ’ ગ્રંથમાં સમાયલું છે. ‘જન્મ અને મૃત્યુ જોયા વગર સો વર્ષ સુધી જીવવા કરતાં તેનું ખરૂં રહસ્ય સમજીને એક દિવસ પણ જીવન ધારણ કર્યું હોય તો તેનું ફળ અધિક છે.’

પટાચારા હવે સંસારત્યાગી ‘થેરી’ ભિક્ષુણી બની. જનસમાજની સેવા કરવામાં તથા તેમને ધર્મોપદેશ આપવામાં તેણે પોતાનું જીવન સમર્પણ કર્યું. સેંકડો શોકાતુર રમણીઓ પટાચારા પાસે ઉપદેશ સાંભળવા આવતી, તેના ઉપદેશ અને દિલાસાથી તેઓ થોડા સમયમાંજ પોતાનું દુઃખ વીસરી જતી અને પટાચારાનું શિષ્યત્વ ગ્રહણ કરતી. પિટક ગ્રંથ વાંચતાં જણાઈ આવે છે કે એક વખત પાંચસો સ્ત્રીઓની સભામાં પટાચારાએ એવો સરસ ધર્મોપદેશ આપ્યો હતો કે એ સ્ત્રીઓએ બુદ્ધદેવના નવા ધર્મની દીક્ષા લીધી હતી. પોતાના વ્યાખ્યાનદ્વારા એકજ સાથે આટલી મોટી સંખ્યા ઉપર આવી ગંભીર અસર કરવાનું સદ્‌ભાગ્ય માત્ર થોડાજ પુરુષ વક્તાઓને પ્રાપ્ત થયું હશે. કોઈ પણ દેશના ધર્મસમાજના ઇતિહાસમાં બૌદ્ધધર્મમાં દીક્ષા પામેલી ‘થેરી’ (સ્થવિરા અર્થાત જ્ઞાનવૃદ્ધ) ભિક્ષુણીઓના જેટલી પ્રભાવશાળી રમણીઓની કથા વાંચવામાં આવતી નથી.

‘થેરીગાથા’ નામના પુસ્તકમાં પટાચારાની સરળ પ્રાકૃત ભાષામાં રચેલી અનેક ગાથાઓનો સંગ્રહ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ભારતવર્ષની સ્ત્રીઓ કેવી સરસ રચના કરી શકતી હતી તેનું ભાન એ ગાથાઓ વાંચવાથી થાય છે. આ ગ્રંથમાં પટાચારાના જેવી બીજી પણ ૭ર ‘થેરી’ઓની રચેલી ગાથા છે.

એક વખત જેતવનના વિહારમાં ઉત્સવ શરૂ થયો. બુદ્ધદેવે આસન ઉપર બિરાજીને ભિક્ષુણીઓને યોગ્યતાનુસાર પદવી આપવા માંડી. પટાચારાનો વારો આવ્યો ત્યારે વિનયધરા ભિક્ષુણીઓમાં તેને અગ્રસ્થાન આપ્યું.

ઉત્તમ ધર્મકથાકાર તથા સંઘનાયિકા તરીકે પટાચારાની ખ્યાતિ સર્વત્ર પ્રસરી ગઈ હતી.