કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ભદ્રા કાપિલા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઉબ્બિરિ કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ભદ્રા કાપિલા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સોમા (બીજી) →


५२–भद्रा कापिला

ગૌતમબુદ્ધના સમયમાં સાગલ નામના ગામમાં કૌશિક બ્રાહ્મણના કુટુંબમાં તેનો જન્મ થયો હતો. એ બ્રાહ્મણની અવસ્થા બહુ સમૃદ્ધિવાળી હતી, એટલે ભદ્રાનો બાલ્યકાળ ઘણા સુખ અને વૈભવમાં ગયો. યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં તેનું લગ્ન મગધ દેશમાં તીર્થ ગણાતા બ્રાહ્મણી નામના એક ધનવાન યુવક સાથે થયું. એ યુવકનાં બે નામ હતાં — કાશ્યપ અને પિપ્પલી. કપિલની પુત્રી હોવાથી કપિલા–કાપિલાનિ એવા નામથી ભદ્રા પ્રસિદ્ધ થઈ છે. મહાકાશ્યપ અને ભદ્રાનો એકબીજા પ્રત્યેનો અત્યંત પ્રેમ હતો. એમનો સંસાર ઉત્તમ પ્રકારે ચાલતો; કેમકે રૂપ, વય, સદ્‌ગુણ બધામાં બન્ને એકબીજાની સમાન હતાં. આથી કરીને એમની પ્રેમગાંઠ ઘણી જ મજબૂત બંધાઈ હતી. એમનો અસાધારણ પ્રેમ આખા ગામને માટે આદર્શરૂપ થઈ પડ્યો હતો. જ્ઞાનપ્રાપ્તિમાં અને લોકસેવામાં એમનો સમય વ્યતીત થઈ રહ્યો હતો.

એવામાં ગૌતમબુદ્ધે ધર્મપ્રચારનું કાર્ય આરંભ્યું. અનેક તરુણો ગૃહસ્થાશ્રમના મોહને તિલાંજલિ આપીને બુદ્ધદેવને શરણે આવ્યા અને ધર્મપ્રચારના પવિત્ર કાર્યમાં જોડાયા. એ ધાર્મિક આંદોલનના સમયમાં ભદ્રાના પતિએ પણ પતિવ્રતા સ્નેહમૂર્તિ પત્નીના પ્રેમપાશને તોડીને ગૃહત્યાગ કર્યો અને ગૌતમનો શિષ્ય બન્યો. જતી વખતે પોતાની બધી મિલકત પ્રિયતમા ભદ્રાને સોંપી. ભદ્રાએ એ અઢળક સંપત્તિ લઈને મોજશોખમાં જીવન વ્યતીત કરવાનું ઉચિત ન ધાર્યું. પોતાના પતિએ સર્વસંગ પરિત્યાગ કરીને પ્રવજ્યા લીધી, એટલે એણે પણ બધી સંપત્તિ સગાંસંબંધીઓને વહેંચી આપી અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને પતિનું અનુસરણ કર્યું. ભર યુવાવસ્થામાં સંસારનાં સુખને લાત મારીને ભદ્રા ભિક્ષુણી બનવા તૈયાર થઈ.

ભગવાન બુદ્ધે ભિક્ષુસંઘની તો સ્થાપના કરી હતી; પણ ભિક્ષુણીસંઘ ત્યાં લગી સ્થપાયો નહોતો, કાશ્યપ તો સંઘમાં દાખલ થયો પણ ભદ્રાએ તો પાંચ વર્ષ સુધી ભિક્ષુણીઓની પાસે રહીને ધર્મનું શિક્ષણ મેળવ્યું.

પાંચ વર્ષ પછી મહાપ્રજાપતિ ગૌતમીએ ભિક્ષુણીસંઘની નિયમપૂર્વક સ્થાપના કરી. એ ખબર સાંભળીને ભદ્રા પ્રસન્ન થઈ અને ભિક્ષુણીસંઘમાં તેણે પ્રવેશ કર્યો. પ્રવજ્યા લીધા પછી ઉ૫સંપદા પ્રાપ્ત કરી અને પછી ઉત્તરોત્તર અધિકાર પ્રાપ્ત કરીને એ અર્હંત્‌પદને પામી. એ સ્થિતિએ પહોંચ્યા પછી પૂર્વજન્મોનું તેને સ્મરણ થયું.

પેલી તરફ મહાકાશ્યપ પણ બુદ્ધસંઘમાં બહુ પ્રસિદ્ધિને પામ્યો. સંઘમાં જે બંધનો ઢીલાં પડી ગયાં હતાં, તેને દૃઢ કરવાનું કામ એને હાથેજ થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી મહાકાશ્યપેજ પાંચસો ભિક્ષુઓની મહાસભા ભરીને બૌદ્ધશાસનમાં સુધારો કરીને એને એક ગ્રંથાકારમાં ગોઠવ્યા હતા. મહાકાશ્યપ જેવી રીતે ભિક્ષુસંઘના આગેવાન બન્યા, તેવીજ રીતે ભદ્રા ભિક્ષુણીસંઘમાં સૌથી ઊંંચે સ્થાને પહોંચી. ધર્મની કથા કહેવામાં પણ તેણે કુશળતા અને પ્રસિદ્ધિ મેળવી.

એક દિવસ જેતવનમાં બુદ્ધદેવે ભિક્ષુણીઓને તેમની યોગ્યતા પ્રમાણે પદવી આપવાનો સમારંભ કર્યો ત્યારે એમણે ભદ્રાને પૂર્વજન્મની સ્મૃતિવાળી ભિક્ષુણીઓમાં અગ્રસ્થાન આપ્યું. એ પ્રમાણે ભદ્રાની અનેક જન્મની અભિલાષા પૂર્ણ થઈ.

થેરી ગાથામાં ૬૩ થી ૬૬ સુધીના શ્લોક તેના રચેલા છે. એ ઉપરથી ભદ્રાનો પતિ પ્રત્યેનો પ્રેમ અને તેની ધાર્મિક વૃત્તિઓનો પરિચય મળે છે. પોતાના પતિને એ ‘બુદ્ધિના પુત્ર અને વારસ’ તરીકે સંબોધે છે, ત્રણે વિદ્યાના અધિપતિ હોવાથી એને સાચા બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. પોતાનો પરિચય આપતાં એ કહે છે કે, “કાશ્યપની પેઠે મેં પણ ત્રણે વિદ્યા પ્રાપ્ત કરી છે; મૃત્યુ ઉપર જય મેળવ્યો છે. સેના સહિત મારનો પરાભવ કર્યો છે; એટલે મારો આ છેવટનો જન્મ છે. જગતમાં સંકટો ઘણા છે એ વાત સમજીને અમે બંનેએ પ્રવ્રજ્યા લીધી અને ત્યાર પછી ક્ષીણાસવ (અર્હંત્) બનીને, ઇંદ્રિયોનું દમન કરીને શાંત બનીને અમે નિવૃત્ત થયાં છીએ.”

ભદ્રા મહાભાગ્યશાળી સ્ત્રી હતી. પતિની સાથે સંન્યસ્ત લેવું, એના બધા કાર્યમાં સ્વતંત્રપણે મદદ કરવી અને સાથે જ અર્હંત્‌પદ તથા નિર્વાણ પ્રાપ્ત કરવું એ ઉત્તમ પ્રકારનો સહચાર સાધીને એણે સહધર્મિણી અને સહચારિણીપદ સાર્થક કર્યું હતું.

c