કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ભામતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભારતી કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ભામતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત


९३–भामती

શ્રીમન્ શંકરાચાર્ય સ્વામીના ભાષ્ય ઉપર ટીકા કરનાર વિદ્વાન વાચસ્પતિ મિશ્રની પ્રિય પત્ની હતી. એ ઘણી વિદુષી, પતિવ્રતા, લજ્જાવતી, વિનયી, નમ્ર અને બુદ્ધિશાળી હતી. વાચસ્પતિ મહાશયની પેઠે એ પણ ધર્મપરાયણા હતી. પતિને શાસ્ત્રચર્ચામાં મદદ કરવી એને ભામતી પોતાનું મુખ્ય કર્તવ્ય ગણતી હતી.

વિદ્યાનુરાગી લેખકો અને કવિઓ પોતાના કામમાં એવા લીન થઈ જાય છે કે, એમને રાતદહાડાનું ભાન રહેતું નથી. આધુનિક સમયમાં પણ એવા એકાગ્ર ચિત્તવાળા લેખકો અને શેાધકોનાં દૃષ્ટાંતો આપણે પાશ્ચાત્ય દેશોમાં ઘણાં જોઈએ છીએ. વાચસ્પતિ પણ એવાજ એક વિદ્વાન હતા. ભાષ્ય ઉપર ટીકા કરવાના કામમાં એ બિલકુલ તલ્લીન થઈ જતા હતા. એટલે સુધી કે જ્યારે એમને ભોજનને માટે સંભારવામાં આવતું, ત્યારેજ એ ભોજન કરતા અને ભોજન કરી ચૂક્યા પછી પાછા એના એ કામમાં લીન થઈ જતા.

જે સમયે ભામતી પરણીને સાસરે આવી, તે સમયે પણ વાચસ્પતિ મિશ્રની આવીજ દશા હતી. એ વખતે એ શાંકરભાષ્ય ઉપર ટીકા રચી રહ્યા હતા. ભાષ્યના અર્થનો વિચાર કરવામાં, તેને બીજા ગ્રંથો સાથે સરખાવવામાં તથા ભાષ્યનો અર્થ સુસ્પષ્ટ કરીને લખી કાઢવામાં તેમનું એટલું બધું ધ્યાન રહેતું કે ઘરસંસારનું એમને કાંઈ પણ ભાન નહોતું. એ વખતે મિશ્રજી યુવાન હતા અને મિશ્રાણી ભામતી પણ યુવાવસ્થામાં પ્રવેશ કરી ચૂકી હતી; પરંતુ કામલાલસા એ કોઈ દિવસ તેમના ચિત્તને ટીકા રચવાના કાર્યમાંથી આકર્ષિત કર્યું નહોતું. બન્ને જણાં સાથે રહેતાં હતાં, શયનગૃહમાં બેસીને પણ વાચસ્પતિ મહારાજ ટીકા કરવાનું કાર્ય કરતા અને ભામતી તેમને માટે બધી સામગ્રી તૈયાર કરી આપતી. આ પ્રમાણે પુસ્તકો રચવામાં બન્નેની યુવાવસ્થા તો વીતી ગઈ અને પ્રૌઢાવસ્થા આવી પહોંચી, પણ પતિને વાંચવાલખવામાં વિઘ્ન આવે એમ ધારીને ભામતીએ સાંસારિક સુખની કદી પણ અભિલાષા કરી નહિ.

ભાષ્ય પૂરું થવા આવ્યું એ અરસામાં એક વખત આખી રાતનો ઉજાગરો કરવાથી ભામતીને જરાક ઊંઘ આવી ગઈ અને વાચસ્પતિ મહારાજ જે દીવાના અજવાળામાં બેસીને ટીકા લખી રહ્યા હતા તે દીવામાં તેલ ન રહ્યાથી દીવો હોલવાઈ ગયો. તરત એમણે મોં ઊંચું કર્યું તો નિદ્રાવશ ભામતી ઉપર તેમની દૃષ્ટિ પડી. પત્નીને સૂતેલી જોઈને પહેલાં તો આશ્ચર્ય પામ્યા. પણ પછીથી પ્રેમભાવથી બોલી ઊઠ્યા: “સુંદરિ ! તને ધન્ય છે ! તેં આખરે મને જીતી લીધો. તારી મદદથીજ હું આ કામ સમાપ્ત કરી શક્યો છું. તેં મને આ ટીકા રચવામાં જે મદદ આપી છે, તથા મારે માટે જે અસાધ્ય પરિશ્રમ ઉઠાવ્યો છે, તેથી પ્રસન્ન થઈને હું આ ટીકાનું નામ ભામતીટીકા રાખું છું.”

આટલું કહીને વાચસ્પતિએ પોતાની ટીકાનું નામ ભામતીટીકા પાડ્યું તથા પત્નીનો ઘણોજ આભાર માન્યો.

એકદમ નિદ્રા આવી જવાથી ભામતી ધણી શરમાઈ ગઈ અને હાથ જોડીને પતિને કહેવા લાગી: “પ્રાણનાથ ! મને નિદ્રા આવી જવાથી આપના કામમાં વિઘ્ન ૫ડ્યું છે, એ મારો દોષ છે. મને એને માટે ઘણો પશ્ચાત્તાપ થાય છે. તમારી સાથે જ્ઞાનચર્ચા કરવામાંજ મારી સર્વ ઇચ્છાઓ તૃપ્ત થઈ છે. હવે સાંસારિક સુખભોગની મને ઇચ્છાઓ નથી. આપને લીધે મને જે લાભ મળ્યો છે તેને માટે હું આપની ઘણીજ ઉપકૃત છું.”

વાચસ્પતિ બોલ્યા: “ધન્ય છે તને સતિ ! તેં મારા દોષ તરફ જરા પણ લક્ષ્ય આપ્યું નથી. છતે પતિએ તારૂં યૌવનનિરર્થક ગયું તેને માટે તું મારી નિંદા કરતી નથી; બલ્કે ઊલટો મારો ઉપકાર માને છે. ધન્ય છે તારા શાણપણને ! તારા જેવી પતિવ્રતા અને પતિને પ્રસન્ન રાખનારી સ્ત્રીઓ ઘણા થોડા મનુષ્યોના ભાગ્યમાં હોય છે.”

ભામતીએ હાથ જોડીને કહ્યું: “સ્વામીનાથ ! આપ આવાં વચનો કહીને મને શરમાવશો નહિ. પતિની સેવા કરવી એ તો સ્ત્રીઓનો મુખ્ય ધર્મ જ છે, મેં એમાં અધિક શું કર્યું છે કે આપ આટલી બધી પ્રશંસા કરો છો ? મેં જે કાંઈ કર્યું છે તે પોતાનો ધર્મ ગણીને કર્યું છે, વખાણ કરાવવા સારૂ નથી કર્યું. મહારાજ ! તમે તો જ્ઞાની છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહ્યું છે તે તમે જાણો છો કે, ‘દેવપૂજા, વ્રત, દાન, ઉપવાસ, જપ, તીર્થસ્નાન, યજ્ઞ, આખી પૃથ્વીની પ્રદક્ષિણા, બ્રાહ્મણ અને અતિથિસત્કાર એ બધી વાતો પતિસેવાના સોળમાં ભાગની પણ બરોબર નથી’ વળી કહ્યું છે કે, ‘પતિવ્રતા સ્ત્રીએ પતિને દેવતુલ્ય ગણીને સદા તેનાં હિતકારી કાર્યો કરવાં જોઈએ; કારણકે પતિજ તેનો મિત્ર છે, પતિની સેવાથી જ સ્ત્રીનો જન્મ સફળ થાય છે.’ વળી સ્કંદપુરાણમાં લખ્યું છે કે, ‘તીર્થસ્થાન કરવાની ઈચ્છાવાળી સ્ત્રીઓએ પતિનું ચરણામૃત પીવું જોઈએ. કારણ કે સ્ત્રીને માટે પતિ એજ ભગવાન, વિષ્ણુ અને મહાદેવથી પણ અધિક શ્રેષ્ઠ છે.’ હે સ્વામીનાથ ! આપ તો મહાવિદ્વાન અને શાસ્ત્રના પારંગત છો. આપને હું વધારે શું કહું ? સંસારમાં સ્ત્રીને માટે પતિસેવા કરતાં અધિક સુખ બીજા કશામાં નથી અને એ પતિસેવાજ મેં બજાવી છે, એટલે કાંઈ અધિક કર્યું નથી.”

પત્નીનાં આવાં મધુર વચનો સાંભળીને વાચસ્પતિ મહારાજે ઘણા પ્રસન્ન થઈ જઈને કહ્યું: “પ્રિયે ! તારૂં કહેવું વાજબી છે, વાસ્તવમાં પતિજ સ્ત્રીનું સર્વસ્વ છે, પણ એવું જ્ઞાન ઘણું થોડી સ્ત્રીઓને હોય છે.”

ધન્ય છે ભામતીની પનિભક્તિને ! પતિના સહવાસથી એને પણ વિદ્યાનું વ્યસન લાગી ગયું હતું. એમ કહેવાય છે કે એણે કલ્પતરુ નામક ગ્રંથ ઉ૫ર ટીકા લખી છે.