કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/વડ્‌ઢમાતા

વિકિસ્રોતમાંથી
← ચાલા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
વડ્‌ઢમાતા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ઉપચાલા →


७२–वड्ढमाता

એક ગુર્જર ભગિની હતી. એનો જન્મ નર્મદા નદીના પવિત્ર તટ ઉપર ભરૂચ (ભૃગુકચ્છ) નગરમાં એક ક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તેને વડ્‌ઢ અથવા વર્ધક નામનો એક પુત્ર હતો અને એના નામ ઉપરથી એ પણ વડ્‌ઢમાતા તરીકે ઓળખાય છે. એક ભિક્ષુણીનો ધર્મોપદેશ સાંભળીને તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને પોતાના એકના એક પ્રિય પુત્રને કોઈ સંબંધીને સોંપીને તેણે ભિક્ષુણી–વ્રત ગ્રહણ કર્યું. તેનો પુત્ર વર્ધક મોટો થયા પછી માતાનાં દર્શન કરવા સારૂં એક વખત ભિક્ષુણીઓના આશ્રમમાં ગયો. માતાએ ત્યાં આવવા સારૂ ઠપકો આપીને નીચે પ્રમાણે ઉપદેશ આપ્યો: “હે બેટા વર્ધક ! આ ભવરૂપી ઘાડા જંગલમાં તું ફાંફાં મારતો ફર્યા ન કરીશ. બેટા, ફરી ફરીને જન્મમરણ પામવાને લીધે જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે તું વહોરી ન લઈશ. ખરા સુખી તો એજ લોકો છે કે, જેમણે જ્ઞાન વડે બધા સંશય દૂર કર્યા છે; જેઓ શાંત, સંયમી અને આસક્તિ રહિત થઈને આ જગતમાં વાસ કરે છે. ઋષિઓ સદા એજ માર્ગે જાય છે, માટે તું પણ એજ માર્ગ ગ્રહણ કર ને ધર્મમાં ચિત્તને પરોવ.”

માતાના ઉપદેશથી સંસાર ઉપરથી સઘળી આસક્તિ કાઢી નાખીને પુત્ર વર્ધક પણ વિહારમાં ગયો અને ત્યાં આગળ એકાંતમાં એકાગ્રચિત્તે ધર્મનું ચિંત્વન કર્યાથી અર્હંત્‌પદને પામ્યો.

માતાપુત્રનો વાદવિવાદ થેરી વડ્‌ઢમાતાએ ૨૦૪ થી ૨૧૨ સુધીના શ્લોક દ્વારા થેરીગાથામાં વર્ણવ્યો છે.