કોયલ બહેની

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
સખીઓને
કોયલ બહેની
(શે'રનો સુબો ક્યારે આવશે રે : એઢાળ)


<poem>

વાગે વધાઈ વસન્તની રે, ફૂલડે ઊડે એની ફોર રે, કોયલ બહેની ! એક 'કુહૂ' કર આજનું રે.

મ્હૉરી લતા કંઈ માંડવે રે, મીઠો આંબલિયાનો મ્હોર રે, કોયલ બહેની ! એક૦


વન વન વેણ વિહંગનાં રે, ઘર ઘર ગાજતાં ગાન રે, કોયલ બહેની ! એક૦

સૂનાં લાગે સહુ એ સખિ ! રે, પંચમ વિણ નહિ પ્રાણ રે, કોયલ બહેની ! એક૦

આજ કળી ઉઘડી રહે રે, ઉઘડે અણબોલ ઉર રે, કોયલ બહેની ! એક૦

અંતર એમ ઉઘાડજે રે, સંતાડ્યા છેડજે સૂર રે, કોયલ બહેની ! એક૦

આજ રહે ક્યમ રૂસણાં રે, આજ થવાં શાં ઉદાસ રે, કોયલ બહેની ! એક૦

ઊભી સખી આવી આંગણે રે, પ્રેમનો કરજે પ્રકાશ રે, કોયલ બહેની ! એક૦

કાલ્ય વસન્ત વહી જશે રે, આભમાં ઉડશે આગ રે, કોયલ બહેની ! એક૦

આવશે મેઘ અષાઢનો રે, વીજળી પામશે વાજ રે, કોયલ બહેની ! એક૦

દાદુરનાદ ડરાવશે રે, ઝિલ્લી તણા ઝણકાર રે, કોયલ બહેની ! એક૦

માન ત્યારે મન રાખજે રે, અવર તણે શિકાર રે, કોયલ બહેની ! એક૦

આજ રાણી તું તો રાગની રે સૌરભનો શણગાર રે, કોયલ બહેની ! એક૦

વેદઋચા તું વસંતની રે, ધીમી સુધા કેરી ધાર રે, કોયલ બહેની ! એક 'કુહૂ' કર આજનું રે.