લખાણ પર જાઓ

ખાખનાં પોયણાં/અકસ્માત

વિકિસ્રોતમાંથી
← રામ–લક્ષ્મણની જોડી ખાખનાં પોયણાં
અકસ્માત
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
ખાખનાં પોયણાં →






૨૪
અકસ્માત

દિવસો થયા બારે મેઘ ધરતીને માથે તૂટી પડ્યા હતા. મંડળમાં વાદળોનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું, અને યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની જેમ સૂરજદેવ પોતાનો પરાજય સ્વીકારીને મોં છુપાવી ગયા હતા. સૂરજને પરાજીત કરતા વાદળો ટોળે ટોળામાં નભોમંડળમાં સ્વચ્છંદે ઘૂમતા અને ગડગડાટ કરતા, વિજળી ચમકાવતા, નભોમંડળને જ નહિ પણ ધરતીને ધ્રુજાવતા હતા. અસિમ ધારાઓ વણથંભી વહાવી રહ્યા હતા. જાણે કોઈ યુદ્ધખોર નભોમંડળમાં સૂરજ દેવતાને પરાજીત કરીને ધરતી સામે સંગ્રામ માંડી બેઠો હતો. ધરતી પરના માનવો ચિંતાતુર બની ગયા હતા. હરિયાળાં ખેતરોને માથે જાણે ક્રૂર કાળનો ૫ંજો ફરી વળ્યો હોય એમ પાણીમાં ગરક થઈ જતા બધો પાક પાયમાલ થયો હતો. ગામમાં પાણી ભરાયા હતાં. તળાવો છલકાઈ ગયાં હતાં. અને નહેરો પણ ઉભરાઈ જતાં તેના પાણી ગામમાં ધસી આવ્યાં હતાં.

છતાં હજી મેઘરાજાની વૈર તૃપ્તિ થઈ હોય એમ લાગતું ન હતું, હજી પણ મુશળધાર વરસી રહ્યો હતો. દિવસો થયા લોકો પોતાના આવાસમાં ભરાઈ બેઠા હતા. ઢોરો માટે ઘાસચારો ય લાવવાની પણ મુશ્કેલી ઉભી થઈ હતી. ગમાણમાં બાંધેલા ઢોર છોડી શકાતા ન હતા.

ચિંતાતુર ખેડૂતો મનમાં બળાપો કરતા હતા. ખેતીને વિષે કોઈકે સાચું કહ્યું છે કે પાકે તો ખેતી નહિ તો ફજેતી, અને આકાશી જુગાર પર ટકી રહેલી ખેતીને માટે ફજેતીના વર્ષો ખેડુતોના નસીબે લખાયેલાં જ હતાં. હજી બે વર્ષ પહેલાં જ અનાવૃષ્ટિએ હાહાકાર મચાવી દીધો હતો. પશુઓને જીવાડવા લોકો ઘર ગામ છોડીને બહાર નીકળી પડ્યા હતા. ગામે ગામથી પશુધન ઘાસચારાની શોધમાં દૂર દૂર, ગીરના જંગલ સુધી જવાને નીકળ્યું હતું. ખેતરો વેરાન દીસતા હતા. ગરમ પવનની લહેર સતત વરસતી હતી, તૃષાતુર ધરતીના હૈયામાં ચીરાડો પડી હતી, પણ મેઘરાજા ધરતીનો પાલવ પકડીને પ્રેમકેલી રચવા તૈયાર ન હતો. ધરતી સાથે જાણે એણે રૂસણાં લીધાં હતાં, અને ધરતીના માનવો ક્ષુધાથી પીડાતા મૃત્યુને શરણે જતા હતા.

ધરતી પૂછતી પોતાના પ્રિયતમ મેઘને, ભલા વિયોગની લાંબી વાટ તો મેં પ્રેમપૂર્વક તારી પ્રતીક્ષા કરતાં કરતાં પૂરી કરી, જેઠના તોરણો બંધાયા અને હમણાં પિયુ આવશે તે મારા શુષ્ક બનેલા મનને, પ્રેમ ધારાથી તૃપ્ત કરીને મારા મનડાને ડોલાવશે એવી આશાઓમાં દિવસો ગણતી હતી, પણ જેઠના તોરણો સૂકાયાં, અષાઢ આવ્યો. વિરહ ઘેલી વનિતા જેમ પોતાના પરદેશ ગયેલા પિયુની રાહ જોતી આંગણાના ટોડલે હાથ મૂકીને દૂર દૂર સુધી દૃષ્ટિ દોડાવતી ઊભી રહી અને હમણાં પોતાનો પિયુ આવશે ને પોતે તેની વિશાળ ભૂજાઓમાં સમાઈ જશે એવા સ્વપ્નામાં મહાલતી પ્રિયા, વિજોગણ બનીને પોતે વિરહમાં આંસુ સારતી રહે પણ પરદેશ ગયેલો પિયુ પાછો ન ફરે અને વિજોગણ વિરહમાં ઝુરતી આંસુ સારે એમ, હું પણ તારા વિજોગમાં બહાવરી બનીને ભટકું છું.

પણ મેઘ નમેરો થયો હતો. ધરતીનો કંઠ સૂકાતો હતો. એની વિશાળ છાતીમાં મોટી મોટી ચીરાડો પડી ગઈ હતી. એનું જીવન કરમાઈ ગયું હતું, છતાં મેઘને જાણે તેની પરવા જ ન હોય એમ, એના આગમનના કોઈ એંધાણ જણાતા ન હતા.

અનાવૃષ્ટિનો એ કાળ માનવોએ જેમ તેમ પૂરો કર્યો. ફરીને નભો મંડળમાં કાળા વાદળો ઘટાટોપ જામવા માંડ્યા, ધરતીએ ફરીને મેઘરાજા સામે આશાભરી દૃષ્ટિ નાંખી અને આ વર્ષે મેઘરાજા ધરતીની પ્રિતનો પાલવ ભરી રહ્યા, ખેડુતના વેરાન ખેતરો ફરીને હરિયાળા બન્યા ! કરમાયેલી ધરતીની મુખમુદ્રા પુનઃ પ્રફુલ્લિત બની. નિરાશ થયેલા માનવોના જીવનમાં આશાની ઉષ્મા પ્રગટી.

એ વર્ષ સોળ આની પૂરવાર થયું. ધરતી સાથે મેઘરાજા મન ભરીને ખેલતા હતા. ધરતી પણ હરિયાળી સાડી ઓઢીને મલક મલક થતી હતી. ગયા વર્ષનો બદલો આ વર્ષે ખેડૂતને મળી ગયો હતો.

પણ આ વર્ષે પુનઃ મેઘરાજા જાણે રિસાયા હોય એમ પ્રારંભમાં તો હાથતાળી દેતા હતા, વાદળો થતાં થોડીક વીજ પણ ચમકતી. થોડોક ગડગડાટ પણ થતો, થોડાંક છાંટણા પણ કરતો. આમ લોક હૈયે આશા પ્રકટાવતો પણ ફરી પાછો અદૃશ્ય થઈ જતો.

ધરતીને કહેતો હતો ‘આવું છું, હમણાં આવું છું’ ને એવો તો સંતાઈ જતો કે ધરતી બિચારી દિવસો થયા તેને ઢૂંઢીને હતાશ થઈ જતી, પણ એની હતાશા લાંબો સમય ટકતી નહિ. ક્યાંયથી પાછા વાદળો આભની અટારીએ જમા થઈ જતાં અને ધરતીના શુષ્ક દેહને થોડાંક અમી છાંટણાં દ્વારા તૃપ્ત કરતા.

આમ ધરતી અને મેઘ સંતાકુકડીની રમત રમતા હતા. ત્યારે ખેતરોમાં વાવેતર કરીને બેઠેલો ખેડૂતોના હૈયામાં ઘેરી નિરાશા ઉભરાતી હતી. આ વર્ષ પાછું બગડશે કે શું? એવી ચિંંતા ખેડૂતોની આંખમાં વંચાતી હતી, પણ મેઘરાજાની સવારી આવી પહોંચી, ધરતીએ એને વધામણાં દીધા. ખેડૂતોએ હૈયાનો આનંદ વ્યક્ત કર્યો અને ખેતરોમાં પાક લચી રહ્યો. માનવ માત્રના અંતરમાં આનંદ વ્યાપી રહ્યો. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સારા પાકની આશા સૌના મનમાં ઉમંગ પેદા કરતી હતી.

પણ મેઘરાજા, ધરતી સાથે કેલી કરતાં તૃપ્તિ અનુભવતાં ન હતાં. તેમણે અનરાધાર ધારે ધરતીને ભીંજવી નાંખવા માંડી, દિવસો વિતવા છતાં તેઓ હજી તૃપ્તિ અનુભવતા ન હોય એમ થોભતા ન હતા...

લોકો પ્રાર્થના કરવા લાગ્યા. ટૂચકા કરવા લાગ્યા. ગમે તેમ કરીને મેઘરાજાને હવે શાંત થઈ જવા કરગરવા લાગ્યા, પણ ધરતી સાથે રમણે ચઢેલા મેઘરાજાને એવી વિનંતીઓ, આરજુઓ અને પ્રાર્થનાની પરવા ન હતી. મન મૂકીને વરસતો હતો.

હતાશા પાછી ઘેરી વળી. ગામમાં પાણી ભરાયા, ને કાચા માટીના ઝૂપડાં ધરાશયી થવા માંડ્યાં. ઉપર આભમાંથી વરસતો વરસાદ અને ધરતી પર ભરાયેલા પાણી વચ્ચે ઝૂંપડામાં રહેનારાઓ નિરાધાર થઈ પડ્યા, કોણ કોને સહાય કરે? કાલે કોનું ઝૂંપડું સલામત હશે એ જ નક્કી ન હતું, પાક તો હવે સાફ થઈ ગયો હતો, હવે તો માનવી જીવ પર આવી ગયો હતો. કાચા માટીના ઝૂં૫ડાઓ છોડીને માણસો જ્યાં મળે ત્યાં આશરો લેવા દોડી જતા હતા.

ગામમાં પાણી ઉભરાતા હતા, તળાવો ફાટતાં એના પાણી પણ ગામમાં ધસી આવતાં. મકાનોમાં પાણી ઘૂસી જશે એવો ભય પણ પેદા થવા પામ્યો હતો.

મંગળા એકલી એકલી મૂંઝાતી હતી. પ્રસાદ તો વીજળીના ઝાટકા થતાં જ રાડ પાડીને મંગળાની સોડમાં લપાઈ જતો ને રડતો રડતો કહેતો, ‘મંગળા મને બીક લાગે છે.’ મંગળા એને પોતાની સોડમાં લેતી, ખોળામાં લક્ષ્મણને પણ સાચવી લેતી અને પ્રસાદનો ભય દૂર કરવા તેને કહેતી, ‘એમાં રડે છે શાનો રામ? આ તો વરસાદની ગર્જના છે’ અને પછી તેને ભગવાન રામચંદ્રની વાત કરીને તેનામાં હિંમતનો સંચાર કરવા મથતી.

પોતાના નાનકડા હાથની કોણી ગોઠવી, બે હથેલીમાં માથું નાંખીને પ્રસાદ મંગળાની વાત ધ્યાનપૂર્વક સાંભળતો હતો.

મંગળા કહેતી, ‘ભગવાન રામ તારા જેટલા હતા ને ત્યારે પોતાના બંધુ લક્ષ્મણ સાથે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે વનમાં ગયા હતા. વિશ્વામિત્રના યજ્ઞમાં રાક્ષસો ભંંગાણ પાડતા હતા, ડરાવતા હતા, એટલે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને પોતાના યજ્ઞની ચોકી કરવા લઈ ગયા હતા.’

‘તે એટલા નાના છોકરાં આવડા મોટા ઋષિના યજ્ઞની ચોકી શી રીતે કરવાના હતા? રાક્ષસ તો રામ–લક્ષ્મણને એક જ કોળિયે હડપ કરી નાખત.’ પ્રસાદનું બાળમાનસ શંકાશીલ બન્યું હતું. તેણે પૂછ્યું.

‘હં, પણ વિશ્વામિત્રે તેમને ધનુર્વિદ્યા શીખવી હતી, ને એટલે બાણ વિદ્યાથી તે રાક્ષસોને મારી નાંખતા અને યજ્ઞનું કામ ચાલુ રહેતું હતું.’

‘હં પછી શું થયું ?’ પ્રસાદના મનની શંકાનું સમાધાન થતાં તેણે મંગળાને પ્રશ્ન કર્યો.

મંગળાએ તેના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, નાના હોય કે મોટા હોય, પણ જો તેના મનમાં ભય જેવું કાંઈ જ ન હોય તો, એને કોઈનો ડર લાગતો નથી. રામ અને લક્ષ્મણ પણ એવા નિર્ભય હતા. એટલે વિશ્વામિત્રના યજ્ઞમાં ભંગાણ પડાવવા જ્યારે ભયંકર ગર્જના કરતાં રાક્ષસો આવતા ત્યારે રામ લક્ષ્મણ જરા પણ ભય પામ્યા વિના બાણ છોડતા અને રાક્ષસો વિંંધાઈ જતા હતા એટલે તારે પણ મારા રામ, નિર્ભય થવું જોઈએ. કોઈનાથી પણ ડરવાની શી જરૂર છે? ભગવાન રામ જેમ રાક્ષસો સામે નિર્ભયતાથી લડતા હતા તેમ, તું પણ મોટો થઈશ ત્યારે ઘણા ઘણા રાક્ષસો સામે તારે લડવું પડશે.

‘હું લડીશ મંગળા.’ પ્રસાદ ઉત્સાહીત બનીને બોલી ઊઠ્યો ને મંગળાને પોતે કઈ રીતે લડશે તે બતાવવા માંડ્યો. કહે ‘હું પણ ભગવાન રામની જેમ બાણ વિદ્યા શીખી લઈને પછી આમ રાક્ષસોને મારી નાંખીશ.’ પ્રસાદના વેણ સાંભળી રહેલી મંગળા સ્વગત બબડી ‘બેટા, આજના યુગના રાક્ષસો બાણ વિદ્યાથી ખતમ થતા નથી, એમને ખતમ કરવા માટે તો બીજા શસ્રો વાપરવા જોઈશે.’

‘પછી રામની વાત કહેને મંગળા ?’ પ્રસાદે મંગળાનું ધ્યાનભંગ કરતાં કહ્યું.

ને મંગળાએ ભગવાન રામના પરાક્રમની ગાથા કહેવા માંડી : કહ્યું ‘એક વખત રામ–લક્ષ્મણને મારી નાંખવા માટે તાડકાસુર નામનો જબરો રાક્ષસ ધસી આવ્યો. તેણે વિકરાળ ગર્જનાઓથી ચો દિશા ધ્રુજાવી મૂકી, તેની ત્રાડ પડતાં પશુ પંખી પણ ધ્રુજી ઊઠતાં. આમ ચોદિશા ધ્રુજી ઊઠી હતી, અને તાડકાસુર ભગવાન રામ પર પહાડોનો મોટા મોટા ઝાડોનો વરસાદ વરસાવતો હતો, છતાં એ નજરે પડતો ન હતો. એટલે ભગવાન રામચંદ્ર બાણ ક્યાં મારવું તે જોઈ શકતા ન હતા. અને મૂંઝાતા હતા.

એ વખતે વિશ્વામિત્રે ભગવાન રામને કહ્યું, ‘તમે ડરશો ના ! એ રાક્ષસ સંતાઈને તમારા પર ઘા કરે છે. માટે તમે હવે જરાપણ સમય વિતાવ્યા વિના ચારે દિશામાં બાણવર્ષા કરો, જ્યાં હશે ત્યાંથી તે વિંંધાશે.’

‘હં, હું પણ આમ ચારે બાજુ બાણ મારીને રાક્ષસને વીંધી નાંખીશ હોં, મંંગળા’ વચ્ચે જ પ્રસાદ બોલી ઊઠ્યો.

‘ભલે બેટા !’ મંગળાએ તેને ઉત્તેજન દીધું ને કહ્યું, ‘પછી ભગવાન રામે, વિશ્વામિત્રે કહ્યું હતું તેમ જ ચારે બાજુ મંત્રો ભણીને બાણ છોડવા માંડ્યાં. જેમ જેમ ભગવાન બાણ છોડવા લાગ્યા તેમ તેમ તાડકાસૂરની ગર્જના અને હાકોટા વધવા લાગ્યા. વન આખું ધ્રુજી ઊઠ્યું હતું. પણ રામના હૈયામાં અપાર હિંમત હતી. એટલે તાડકાસુરે રામને છોડીને લક્ષ્મણ પર પહાડોની મોટા મોટા તોતીંગ ઝાડોની વર્ષા શરૂ કરી. લક્ષ્મણે પણ બાણ છોડવા માંડ્યા. પણ લક્ષ્મણ પર આવતા પહાડો અને ઝાડો ભગવાન રામના બાણ ભાંગી નાંખતા હતા.

‘અને છેવટે ભગવાન રામના બાણથી તાડકાસૂર વીંધાયો. જાણે મોટો પહાડ તૂટી પડતાં ધરા ધ્રુજે તેમ, આભમાંથી તાડકાસૂર ઘવાયેલી હાલતમાં નીચે તૂટી પડતાં ધરતી ધ્રુજી ઊઠી હતી. ત્યારે પણ ભગવાન રામ તો ડર્યા જ ન હતા, તો મારો રામ, આભમાં વિજળી ગર્જે તેથી શેનો ડરે ?’ તેણે કહ્યું.

‘ના, નહિ જ ડરું !’ મંગળાના શબ્દોથી પ્રોત્સાહન પામીને જાણે પોતાનામાં પણ હિંમતનો સંચાર થતો હોય એમ પ્રસાદ મંગળાનું પડખું છોડીને ઊભો થયો અને પોતાની નાનકડી છાતી ફૂલાવીને કહેવા લાગ્યો, ‘આભની વીજળી ભલેને ત્રાટકે, હું કાંઈ ડરું તેવો નથી તો !’

પ્રસાદના દિલમાંથી ભય ઓછો કરવાનો મંગળા પ્રયત્ન કરતી હતી. પણ એના દિલમાં જ છાનો છાનો ભય વ્યાપી રહ્યો હતો. મુશળધાર વરસતો, નભોમંડળમાં વાદળો અથડાતા ને એના થતા કડાકા, ઝબકતી વીજળીની ગર્જના એના દિલને ડરાવતા હતા, પણ જ્યારે મકાન તૂટી પડવા લાગ્યા ત્યારે તો એ ભયભીત બની ગઈ હતી. પોતાનું મકાન પણ કદાચ રાતમાં જ તૂટી પડે તો ? પોતાના રામ–લક્ષ્મણને શું થાય ? એવા અમંગળ વિચારો એના મનને ઘેરી વળ્યા હતા.

અને જાણે તેના મનના ભયનો જ પડઘો પાડતો હોય એમ તુલસી એને કહી રહ્યો હતો. માએ કહાવ્યું છે કે, આ વરસાદના દિવસોમાં તું અમારી સાથે આવી ને રહે, વખતે કવખતે તને જરૂર પડે તો અમારી સાથે હોય તો તને ઓથ મળે.’

તુલસી ઝવેરના આગ્રહને ભારપૂર્વક વ્યક્ત કરી રહ્યો હતો. પણ હકીકતમાં તે જ્યારથી ગામમાં પાણી પેઠા અને ઉપરવાસના મકાનો રાતોરાત ધરાશયી થવા માંડ્યા, ત્યારથી તુલસીના મનમાં પણ ભય પેઠો હતો કે કદાચ રાતના વખતે મંગળાનું મકાન પણ આમ જ અચાનક બેસી જાય તો ? અને પછીનો વિચાર તેણે દબાવી દીધો હતો. પણ વિચારને દબાવવાથી કાંઈ મનને શાંતિ મળતી નથી ને ? ઊલ્ટું દબાયેલો વિચાર પળે પળે ઉછાળા મારવા જોર કરતો હોય છે. તુલસીના મનમાં પણ એ દબાયેલો વિચાર જોર કરતો હતો, ને બીજી બાજુ મંગળા પ્રત્યેનો બીજો ભાવ પણ ઉછાળા મારતો હતો.

તેણે જ ઝવેરને ઉપરવાસમાં રાતોરાત બેસી ગયેલા મકાનોની હકીકત કહેતાં કહેતાં પૂછી લીધું હતું. ‘મંગળાનુ મકાન બેસી જાય તો મા ?’

ને ઝવેરના દિલમાં પણ ધ્રાસ્કો પડ્યો. પોતાના મનમાં આ વાત કેમ ન ઉગી એવું મનોમન આશ્ચર્ય પણ થયું. એને યાદ આવ્યું, થોડાં વર્ષો પહેલાં એનો કરો બેસી જાય તેવો હતો ત્યારે તાપીશંકરે થાગડ–થીગડ કરીને ઊભો રાખ્યો હતો પણ બિમારીથી કૃશ થયેલી કાયા મોટા રોગની પ્રચંડ શક્તિ સામે ક્યાં સુધી ટકી શકે? એમ આ થાગડથીંગડ મારીને ઊભો રાખેલો કરો, વરસાદના આવા પ્રચંડ તોફાન વચ્ચે કેમ કરીને ટકી રહે ? છતાં અત્યાર સુધી ટકી રહ્યો, એ જ પ્રભુનો પાડ.

તુલસીના પ્રશ્નના જવાબમાં ઝવેર બોલી ‘હા તુલસી! મંગળાના મકાનનો એક કરો તો બોદલો જ છે, અને હવે જો વરસાદ ચાલુ જ રહે તા ગમે ત્યારે બેસી જાય...’

‘ઓ મારે !’ ઝવેરની નજર સમક્ષ ભયંકર સ્વપ્ન ઊપસી આવ્યું! જાણે મંગળાનો કરો તૂટી પડ્યો છે અને ત્રણ જીવો દટાઈ ગયા છે.

‘શું થયું મા ?’ ઝવેરની ચીસથી તુલસીને પણ નવાઈ લાગી, એવું તો કશું જ પોતાની વાતમાં ન હતું કે જેથી ઝવેરના દિલને આઘાત પહોંચે !

‘કાંઈ નહિ બેટા !’ સ્વસ્થ થતાં ઝવેર બોલી, છતાં એના મુખ પર ચિંતાની વાદળીઓ ઘેરાયેલી હતી, અને તેણે ઉતાવળાં ઉતાવળાં કહ્યું, ‘જા તો મંગળાને અહીં જ તેડી લાવ, ભલે થોડા દિવસ આપણા ત્યાં રહેતી, વખત છેને? વખત બે વખત કાંઈ બને તો ?’

તુલસીના મનમાં જે વિચારે આકાર લીધો હતો તે જ વિચાર ઝવેરે વ્યક્ત કરતાં તુલસીના આનંદનો પાર ન રહ્યો, તેણે પળના પણ વિલંબ વિના મંગળાના ઘર તરફે કદમ ઉપાડ્યા ને મંગળા પાસે ઝવેરની વાત મૂકી.

ને તેણે ઉમેર્યું : ‘મા કહે છે કે મંગળાના મકાનનો એક કરો તો બોદલો છે જ, એટલે આવા વરસાદમાં અહીં રહેવુ જોખમ ભર્યું ગણાય.’

પ્રત્યુત્તરમાં મંગળાના મોં પર સ્મિત છવાયું. તુલસીની આંખમાં પોતાના પ્રત્યે ઉભરાતો સ્નેહ તે જોઈ શકતી હતી ને મનમાં રાજીપો અનુભવતી વિચારતી હતી, તુલસીનું કેવું પરિવર્તન થયું છે ? આવો જ તુલસી પહેલાં હોત તો પોતે એને પામીને જીવનનો આનંદ જરૂર ભોગવી શકત, પણ ત્યારે તો એનામાં શયતાનનો વાસ હતો. નહિ તો તેણે પોતાની સાથે દુર્વ્યવહાર કર્યો જ ન હોત ને ?

અને વિચાર માળાના મણકા ફરતાં ફરતાં શિવ પર આવીને ઊભા, ‘શિવ અત્યારે તો મોટી ઘાતમાં છે. ભગવાન એની રક્ષા કરશે. પણ છેલ્લી વાર જ્યારે તે બંદીવાન બનીને પોતાની પાસે આવ્યો ત્યારે કેવો બદલાયેલો લાગતો હતો? તેણે પોતાને મા કહીને બોલાવી હતી. પોતાના પ્રત્યે તેણે જે આચરણ કર્યું હતું એ માટે, એના દિલમાં પસ્તાવો થતો હતો. તુલસીની જેમ જ શિવ પણ બદલાઈ ગયો છે.’

મંગળા પાસે જવાબ મેળવવા ઉભો રહેલો તુલસી, મંગળાને ચિંતાતુર જોઈને કહેવા લાગ્યો ‘જ્યારે ને ત્યારે તું વિચારમાં જ કેમ પડી જાય છે મંગળા ? માની વાત શી ખોટી છે કહે તો ? આ ઉઘાડ નીકળે ત્યાં સુધી તું અમારી સાથે રહે તો તને શો વાંધો છે ?’

ને સલાહ આપવા માંડ્યો ‘આ તે કઈ મોટી વાત છે કે તેમાં આટલો લાંબો વિચાર કરવાનો હોય ?’ ને કહ્યું, ‘લે ચાલ તું લક્ષ્મણને લઈ લે. હું પ્રસાદને ઉંચકી લઉં છું ને તાળું મારી લઉં છું’ એમ કહીને તેણે પ્રસાદને ઉંચક્યો.

હવે મંગળાએ મૌન ખોલ્યું. તેણે તુલસીને કહ્યું: ‘અહીં એવો શો ભો છે તુલસી ? અને કંઈ હશે તો, તું ક્યાં દૂર છે ?’ અને પછી પોતાના હૈયાની કોર તુલસીના વર્તનથી કેવી ભીંજાઈ છે તે બતાવતી હોય એમ બોલી ‘તારો દેહ ત્યાં હશે પણ તારું દિલ તો અહીં છે એ હું જાણું છું ને તુલસી.’

બોલતાં બોલતાં એ શરમિંદી બની ગઈ.

‘પણ માનો આગ્રહ છે તો?’ તુલસીએ ઝવેરને નામે આગ્રહ કરતાં કહ્યું ! ‘એનું તો માન રાખ, મંગળા !’

બોલતાં બોલતાં એ દીન બની ગયો; મંગળા વિષે તેના દિલમાં જે ભારોભાર મમતા હતી તેના કારણે જ તે મંગળા સામે દીન બની જતો હતો.

‘એ તો હું જાણું છું કે તું માનો મોકલ્યો જ આવ્યો હશે ?’ મંગળાએ કહ્યું ને ઉમેર્યું. ‘માની મમતા કેટલી છે; એ તો હું જાણું છું ને ?’

‘ના મંગળા, એમ નથી !’ પોતે ઝવેરનો મોકલ્યો જ આવ્યો છે એ વાત સાચી હોવા છતાં, પોતાના મનમાં પણ એ વાત ઉગી જ હતી અને માના મનમાં પણ પોતે જ એ વાત ઉગાડી એમ તુલસી કહેવા માંગતો હતો.

તેણે કહ્યું ‘મારા મનમાં તો જ્યારથી ગામમાં મકાનો બેસવા માંડ્યા, ત્યારથી તારા વિષે ચિંતા રહ્યા કરે છે. પણ તું ક્યાં કોઈની વાત માને તેવી છે?’ બોલતાં બોલતાં પોતાને ગુસ્સો આવ્યો છે એમ બતાવતા તેણે કહ્યું ‘તારી મરજી મુજબ તું ચાલે છે. બીજાની લાગણીને આદર આપતાં તું ક્યારે શીખી છે?’

મંગળા સમજી ગઈ કે તુલસી ક્રોધે ભરાયો છે. એના મનમાં જન્મેલી નિરાશાથી તે અવશ બની ક્રોધ કરી રહ્યો છે.

‘તુલસી ! તારે ચિંતા કરવાની હોય જ નહિ, મંગળા બધું સમજી શકે છે એટલે તારા અને કાકીના મારા પ્રત્યેના ભાવને હું ન સમજુ તેવી નાની નથી. પણ અહીં શો ભો છે? શાને માટે મારે આ ઘર છોડવું એ તો કહે ? જો મોત આવવાનું જ હશે તો, તમે મારી પડખે હશો એથી મોત કાંઈ ડરી જવાનું છે તમારાથી ?’ તે હસી પડી, પછી એકદમ ગંભીર બની ગઈ અને તુલસીને કહેવા લાગી ‘જો તુલસી તારી શંકા કદાચ સાચી પડે અને એવું કાંઈક થાય તો.’―

તુલસી એકદમ આવેશમાં આવીને મંગળાના મોં આડે પોતાનો હાથ ધરી દેતાં બોલ્યો ‘મારી શંકા ખોટી છે, ખોટી જ પડવાની છે. માત્ર સલામતીને ખાતર જ હું તને કહી રહ્યો છું.’

‘હા એમ !’ પોતાના મોં આડે તુલસીએ ધરેલો હાથ પોતાના હાથથી દૂર કરતાં મંગળા બોલી ‘એમ છતાં પણ જો અકસ્માત બને તો રામ-લક્ષ્મણને તું જાળવજે. મને હવે તારો પૂરતો વિશ્વાસ છે.’

ને જાણે પોતાના મનમાં તુલસી પ્રત્યે અત્યારે કેટલો બધો આદરભાવ છે તે વ્યક્ત કરતી હોય એમ, તેની સામે નેત્ર પલ્લવી રચવા માંડી.

‘બોલ મારી વાત માનીશને ?’ તેણે પૂછ્યું.

તુલસી આવી અમંગળ વાત સાંભળવા આવ્યો ન હતો, એ મંગળાની અમંગળ વાત પચાવી શક્યો નહિ. એટલે એકદમ દોડતો ઘરની બહાર નીકળી ગયો ને ભીંજાતો ભીંજાતો પોતાના ઘર પ્રતિ ચાલતો થયો.

તુલસીના ગયા પછી ક્યાંય સુધી અનિમેષ નજરે મંગળા બારણું પકડીને તુલસીને જોતી ઊભી રહી. તુલસી જતો રહ્યો એથી જાણે એનું દિલ ઘવાઈ ગયું હતું. એના મનનો તડફડાટ સહસ્ત્રધા વધી ગયો હતો. સમય વીતતાં જેમ તેમ કરીને મનનો તડફડાટ દબાવીને તે કામે વળગી મનને સ્વસ્થ બનાવવા તેણે પ્રસાદ અને લક્ષ્મણ સાથે રમત આદરી ને ચિત્તતંત્રને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો.

બહાર જોર જોરથી પવન ફુંકાતો હતો, અને વરસાદ એના તમામ શસ્ત્રો સાથે તૂટી પડ્યો હતો, અંધકાર છવાયેલો હતો. પાણી છલકાતા હતા અને સર્વત્ર જળ જળાકાર સિવાય ક્યાંય કશું નજરે પડતું ન હતું. દિવસ ક્યારે આથમ્યો ને રાત્રિ ક્યારે થઈ એની પણ માનવોને કલ્પના આવતી ન હતી.

મંગળાએ કોડીયું પેટાવ્યું, પ્રસાદને ભોજન કરાવ્યું, લક્ષ્મણને પયપાન કરાવીને તેને ઘોડીયામાં સૂવાડ્યો ને મીઠા ગળામાંથી હલકે સાદે હાલરડાંની હારમાળા શરૂ કરી. વળી વળીને તે બાજુના ખાટલામાં પોતાની બાજુમાં સૂતેલા પ્રસાદની પીઠ પર હાથ ફેરવીને તેની સામે જોઈને કાંઈક ગાતી તો, ઘડીકમાં ઘોડીયામાં પોઢેલા લક્ષ્મણ સામે જોઈ મંદમંદ સ્મિત કરતી ને હાલરડા લલકારતી હતી. આમ બન્ને બાળકો શાંત થયા, ગુલાબી નિંદમાં પોઢી ગયા અને પછી પોતે પણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પથારીમાં લંબાવ્યું, પણ બપોરે તુલસી એના મનમાં એક વિચાર મૂકી ગયો હતો. એના ઘરની એક દિવાલ દોદરી છે. કદાચ ધસી પડશે તો ? એ વિચાર ભયે તેની નિંદ્રા હરામ થઈ ગઈ હતી. બહાર પવનના સૂસવાટા એના બારણા સાથે જોર જોરથી અથડાતા હતા. કદી નહિને આજે તેને ભય લાગતો હતો, અમંગળ કલ્પનાઓ અને કુશંકાઓ તેના મનને ડહોળી રહ્યા હતા. પથારીમાં તે આમથી તેમ પડખાં ફેરવતી. પડખે પોતાના વિશ્વાસે ભર નિદ્રામાં પોઢલા પ્રસાદ પર તે પોતાનો હાથ ફેરવતી હતી. તો ઘડીકમાં બેઠી થઈને ઘોડીયામાં પોઢેલા લક્ષ્મણ સામે જોઈ લેતી.

આમ કરતાં રાત્રિ સુસવાટા કરતી વહી રહી હતી. પવન શાંત થયો હતો. વરસાદનું જોર પણ ઓછું થયું હોય એમ જણાતું હતું. અને તેની આંખોમાં નિદ્રાના ઘેન ઉભરાવા લાગ્યા. તે નિંદ્રાધીન બની ગઈ.

હજી તો ભર નિંદ્રામાં તે ઘસડાઈ ન હતી ત્યાંજ એની અમંગળ કલ્પનાઓ સાકાર થઈ, તુલસીએ કહ્યું હતું તેમ જ થયું, ભયંકર અવાજ વચ્ચે કરો જમીનદોસ્ત થયો, છાપરૂં તૂટી પડ્યું અને કાળી ચીસ સંભળાઈ અને શાંત થઈ ગઈ. એ કાળી ચીસ તુલસીના કાનના પડદા ચીરી ગઈ, એકદમ તે ઉભો થઈ ગયો, ને ગભરાટમાં પડ્યો હોય એમ તે બોલ્યો ‘મા. મંગળા દટાઈ ગઈ.’

ઝવેર જાગે તે પહેલાં તો તેણે બારણાં જોરથી ઉઘાડી નાંખ્યા ને દોડ્યો. સાચે જ મંગળાના ઘરનો કરો બેસી ગયો હતો. અને ત્રણે જણા કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ફળિયાના લોકો જમા થઈ ગયા હતા અને ત્રણેને બચાવવા કાટમાળ ઉથામી રહ્યા હતા. ત્યાં તુલસી પાગલ જેવો આવી પહોંચ્યો ને કાટમાળને આઘો પાછો કરીને ઘોડિયાને ખુલ્લું કરતાં લક્ષ્મણ નજરે પડ્યો, ને તેણે ઊંચકી લીધો. ઝવેરે દોડતા જઈને તેના હાથમાંથી લક્ષ્મણને લઈ લીધો ને છાતીએ વળગાડતાં કહ્યું, ‘ભગવાને તારી રક્ષા કરી બેટા !’

ત્યાં તો પ્રસાદને પણ બહાર કાઢ્યો. ઊંઘમાંથી જાગી ગયેલો પ્રસાદ ભયના કારણે બેભાન બની ગયો હતો, એને બાજુના ઘરમાં લઈ જવામાં આવ્યો. બારણામાં સુવાડી કેટલીક બહેનો તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતી હતી.

પણ મંગળાનુ મોં છુંદાઈ ગયું હતું. એનો મૃતદેહ જ બહાર આવ્યો. એના માથામાંથી લોહીની ધારા વહી રહી હતી, એની આંખો ફાટી ગઈ હતી. એના મોં પરનું સૌંદર્ય નંદવાઈ ગયું હતું.

ઝવેર અને તુલસી ફાટી આંખે મંગળાના આ બિહામણા મૃત દેહ સામે જોઈ રહ્યા હતાં.