ખાખનાં પોયણાં/આશ્ચર્ય અવધિ
| ← કપાતર | ખાખનાં પોયણાં આશ્ચર્યની અવધિ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
અંતરનો ડંખ → |
આશ્ચર્યની અવધિ
તુલસી જ્યારે ઘેર આવ્યો ત્યારે જે વાત જાણવા તેની ઈંતેજારી હતી તે વાત તેની માતા ઝવેર તેને કહી રહી હતી. માતા પાસેથી મંગળા પ્રત્યેનું પોતાનું વેર શિવે જે રીતે લીધું તેની કહાણી સાંભળતાં તુલસીનું મોં હસી રહ્યું હતું.
ઝવેરના મનમાં ભારોભાર રોષ હતો. માસ્તર પ્રત્યે જે તિરસ્કાર હતો તે અદૃશ્ય થયો હતો અને શિવે માસ્તર પ્રત્યે જે ઘાતકી વર્તન દાખવ્યું હતું તે જોઈને તેના દિલમાં સહજ ભાવે માસ્તર પ્રત્યે અનુકંપા પ્રગટી. એ અનુકંપાના ભાવો તેના મોં પર વ્યક્ત થતા હતા.
ઝવેર ગુસ્સામાં કહેતી હતી, ‘મૂઆ એ દીકરા ! એવા દીકરા ન હોય તો બ્રહ્માંડ તૂટી પડવાનું હતું શું?’ ને તેણે તુલસીને કહેવા માંડ્યું, ‘મા બાપ સંતાનની ઝંખના એટલા માટે કરે છે કે પોતાને પાછલી જિંદગીમાં સંતાનનો સહારો મળે પણ...’
‘પણ શું ?’ ઝવેર એક તરફી જ હાંકે છે એ જોઈને તુલસીને આશ્ચર્ય થયું. છાશવારે માસ્તરની વિરુદ્ધ પેટભરીને વાતો કરતી ઝવેર આજે માસ્તર પ્રત્યે આટલી હમદર્દ શાથી બની ગઈ તે તુલસી સમજી શકતો ન હતો, એટલે તેણે ઝવેરની વાતને અધવચ્ચે અટકાવીને કહેવા માંડ્યું.
‘મા ! માસ્તર પણ કોઈ ઓછા નથી તો ? બિચારા શિવાનો કાંટો કાઢવા તેમણે મંગળા સાથે ઘર માંડ્યું ને મંગળા હવે મા બનવાની છે.’
‘હવે એનો કાંટો નીકળી જ ગયો છે તો ! જેલમાં તો જઈ આવ્યો એથી મોટું કલંક માસ્તરને માટે બીજું કયું હોય ?’ ઝવેર માસ્તરનો જ પક્ષ કરતી હતી. તુલસી માસ્તરની વિરુદ્ધમાં ગમે તેવી દલીલો કરે તો પણ ઝવેર એને દાદ દેવા માંગતી ન હતી. તુલસીની સો દલીલોનો ઝવેર એક જ શબ્દમાં જવાબ દેતી હતી.
‘મૂઆ આવા દીકરા ! એના કરતાં પથરા થયા હોત તો કામમાં આવત !’ માતાના પલટાયેલા વલણથી તુલસીને આશ્ચર્ય થયું. તત્કાળ તો એ વાત ત્યાંથી અટકી. પણ તુલસીના એકલા પડેલા મનમાં ઘર્ષણ જાગ્યા વિના રહી શકતું નહિ, કોડિયામાં દીવા પ્રકટ્યો હતો. આભમાંથી અંધરાં વરસી રહ્યાં હતાં. ઝવેર ચૂલા પાસે બેસીને તુલસી માટે રોટલા ઘડતી હતી, ત્યારે તુલસી બહાર બેઠો બેઠો ભૂતકાળના ઊંડાણમાં ઊતરી રહ્યો હતો.
એનો આત્મા એના દેહમાં પડેલા શયતાનને પુછતો હતો. ‘માસ્તરની આ બરબાદી માટે તું જ જવાબદાર છે ને? તારા પાપનો બોજ માસ્તર ઉઠાવી રહ્યા છે ને? અને છતાં તને માસ્તર પ્રત્યે હમદર્દી પેદા થતી નથી શું?’
‘બોલ, જવાબ દે ! તેં મંગળાને ભ્રષ્ટ કરી હતી કે નહિ? મંગળાને તું મેળવવા માંગતો હતો કે નહિ ?’ તુલસીનો આત્મા જોરથી તેને ઢંઢોળતો હોય એમ પૂછતો હતો. ‘તો જવાબ આપ, શા માટે તે મંગળાને તારી પાંખમાં ન લીધી? શા માટે હજી પણ તું મંગળાનો બોજ જાહેરમાં ઊઠાવવા તૈયાર થતો નથી?’
ને તેણે સત્તાવાહી સ્વરે પૂછ્યું ‘માસ્તર તારી પાસે મંગળાના ભાવિ માટે રક્ષણ માંગવા આવ્યા ત્યારે તેં તેની અવગણના કેમ કરી ? તું એમ ઈચ્છે છે કે મંગળા માસ્તરના અવસાન પછી રસ્તાની રખડતી ભિખારણ બને ? કે પછી તારા જેવા લંપટ જુવાનોની વાસના સંતોષવાનું રમકડું બને ? અને તું એની બેહાલી પર હસતો રહે ?’
‘કાયર, જવાબ તો દે? મૂંગો કેમ છે ?’ એ અવાજ તુલસીની સ્વસ્થતાને ખળભળાવી રહ્યો હતો. એના સમસ્ત ચિત્તતંત્રને પણ હલાવી દીધું હતું. તેનો મનોવ્યાપાર, આ એક જ પ્રશ્ન પર કેન્દ્રિત થઈ ગયો હતો. ત્યારે પેલો અવાજ કહેતો હતો ‘ભૂલ કરવી એ માનવ જાતીનું લક્ષણ છે અને ભૂલનો પ્રસ્તાવો કરવો એ માનવતા છે પણ ભૂલનો જાહેરમાં સ્વીકાર કરવો, અને ફરીથી એવી ભૂલ ન થાય તેની કાળજી રાખવી એ માનવતાની ઉત્તમ ભેટ છે. તેં ભૂલ કરી પણ એ ભૂલની ભોગ બનેલી મંગળાના જીવનને બચાવી લેવાનો પણ તારો ધર્મ છે, કહે એ ધર્મ તું બજાવવા માંગે છે કે નહિ ?’
તુલસીની આંખો સમક્ષ કરુણામૂર્તિ મંગળાની પ્રતિમા ખડી થઈ, એની આંખોમાં ભારોભાર વિષાદ છવાયો હતો. એના દેહને જાણે કોઈ ભૂતાવળ ભરખી જવા માંગતી હતી. એના લાંબા કેશની લટો આમથી તેમ ઉડતી હતી. અને ભાલ પ્રદેશ પર ઉડતી લટ, જાણે નિસાસા નાખતી હતી. એક વખતની યૌવનમૂર્તિ, વિકસીત કળી શી મંગળા, અને ક્યાં આજની મંગળા ? શ્રમિત થયા છતાં જીવનનો પંથ કાપવા હળવે હળવે પગલાં માંડતી મંગળા અને ક્યાં એક વખતની ગુલબદન, ઉડતાં પંખી શી તરવરાટ કરતી મંગળા?’
એનો આત્મા પૂછતો હતો. ‘જોઈ આ મંગળા ? જીવનનું હીર નીચોવાઈ ગયું છે, આંખોના ઓજસ કરમાઈ ગયા છે, હોઠ પરનું હાસ્ય નંદવાઈ ગયું છે. જીવનનો બાગ, માળીની રખેવાળી છતાં કરમાઈ ગયો છે. કહે એને માટે જવાબદાર કોણ ? લોક દૃષ્ટિએ ભલે તું જવાબદાર ન હોય પણ...’
‘બસ, બસ, તુલસીના મનમાં જાગેલા મંથનથી તે અકળાઈ ઊઠ્યો ને પોતાનું માથું પકડતાં સ્વગત બબડ્યો ‘જે હોય તે, પણ હું એવી લપમાં પડવા માંગતો નથી.’
‘શાની લપ છે તુલસી?’ તાંસળામાં બે રોટલા ને તેને માથે મૂકેલા શાક સાથે તુલસી સામે ઉભેલી ઝવેરે પૂછ્યું ને કહ્યું, ‘ક્યારની તને બૂમ મારું છું તે સાંભળતો નથી?’
તે તુલસી સામે રોટલા શાકવાળું તાંસળું ધરતાં બોલી, ‘લે તો આ મંગળાને ત્યાં આપી આવ તો !’ અને દયા ખાતી હોય એમ કહેવા લાગી ‘બિચારીએ ખાવા પણ ક્યાંથી કર્યું હશે ?’
તુલસી અનિચ્છાએ ઝવેરે પોતાના હાથમાં મૂકેલું તાંસળું લઈને ઊભો થયો. મંગળાને આપવા તેણે ઘર બહાર પગ મૂક્યો ત્યારે ઝવેરના મુખમાંથી સરી પડેલા શબ્દો તેના કાને પડ્યા ‘બિચારી હરણ જેવી ભોળી છે; ક્યાંક પગ લપસ્યો હશે ભૂલથી.’
શબ્દો સાંભળતાં તુલસી ચમક્યો. બારણામાં જ ઊભા રહીને તેણે પાછું વળીને ઝવેર સામે જોયું. એની આંખમાં શંકાનો સળવળાટ થઈ રહ્યો હતો.
ઝવેરે તેને કહ્યું ‘તને નહિ બેટા ! જા આપી આવ !’
તુલસી વિદાય થયો, પણ ભાંગેલા પગે, એનું ચેતન જ હણાઈ ગયું હતું. ઝવેર અને મંગળાના મકાન વચ્ચે કાંઈ ઝાઝું અંતર ન હતું. બે પાંચ મકાનો જ વચ્ચે હતાં. પણ એટલો ટુંકો પંથ કાપતાં પણ તુલસીને પસીનો વળી ગયો હતો; એણે મંગળાનું જે રૌદ્ર સ્વરૂપ જોયું હતું તે રહી રહીને તેની નજરે પડતું હતું ક્રોધની સાક્ષાત મૂર્તિ જેવું એનું રૂપ હતું. એની આંખમાંથી ભારે તણખા ઝરતા હતા જે તેને દઝાડતા હતા.
અને તેના કાનમાં મંગળાના તે દિવસના શબ્દો ગુંજારવ કરતા હતા. મંગળાએ કહ્યું હતું ‘વખત આવશે ત્યારે હું જવાબ માગીશ’ અને તે ધ્રુજી ઊઠતો હતો. હાથમાંનું તાંસળું પડી ન જાય તેની તકેદારી રાખતો તુલસી જ્યારે મંગળાને ત્યાં પહોંચ્યો ત્યારે તેણે ઉઘાડા બારણામાં પ્રવેશ કરતાં જોયું તો, મંગળા માસ્તરના મસ્તકને પોતાના ખોળામાં લઈને માસ્તરના મોંમાં કાંઈક રેડતી હતી અને માસ્તર જીવનની ધન્યતા અનુભવતા હતા.
તુલસીએ માસ્તરના શબ્દો સાંભળ્યા. માસ્તર મંગળાને કહી રહ્યા હતા.
‘મંગળા ! શિવ નાલાયક છે અને તેના હાથે મારા આવા હાલ થવાના જ છે એવું જાણીને જ પરમાત્માએ તને મારી પાસે મોકલી હશેને, બેટા !’
માસ્તર પોતાનો હાથ મંગળાના હાથ પર ફેરવતા હતા ત્યાં તુલસીને જોતાં જ મંગળાએ પૂછ્યું, ‘શું લાવ્યા છો ?’
પણ તુલસી મંગળા સામે નજર માંડવા પૂરતી હિંમત પણ કરી શકતો ન હતો. તેણે નત મસ્તકે હાથમાંનુ તાંસળુ નીચે મૂકતાં કહ્યું, ‘બાએ રોટલા શાક મોકલ્યું છે !’
‘શા માટે આટલી તસ્દી લીધી કાકીએ ?’ માસ્તરના મસ્તકને હળવે રહી પથારીમાં મૂકીને ઊભી થતાં મંગળા બોલી ને કહેવા માંડ્યું ‘માસ્તર માટે તો રાબ કરી છે, મને તો ભૂખ જ લાગી નથી.’ તુલસી અનુત્તર ઊભો રહ્યો, કશો જ જવાબ આપી શકતો ન હતો. મંગળાએ તાંસળું હાથમાં લીધું ને અંદરના ભાગમાં જઈ રોટલા શાક પોતાની થાળીમાં મૂકીને, તાંસળું પાછું આપતાં મંગળાએ કહ્યું, ‘માને કહેજો મારી ચિંતા ન કરે, ભગવાન સૌનો ધણી છે’ તુલસીએ મંગળાના હાથમાંથી તાંસળું લીધું ત્યારે મંગળાના હાથનો જે સ્પર્શ થયો તેથી તે દાઝતો હોય એમ સહેજ ચમક્યો ને પછી ચાલતો થયો.
ઘેર આવીને તુલસી ખાટલામાં પડ્યો. મંગળાને તે પોતાના મનોપ્રદેશમાંથી હાંકી કાઢવા માંગતો હતો. પણ મંગળા તો એના મનોપ્રદેશ પર પકડ જમાવીને બેઠી હતી. તુલસી જેમ જેમ તેને દૂર હડસેલો દેવા મથતો હતો તેમ તેમ મંગળા એને પરેશાન કરતી હતી.
‘ચાલને બેટા, થોડુંક ખાઈલે !’ ઝવેરે ખાટલામાં ચિત્તશૂન્ય બનીને પડેલા તુલસીને કહ્યુંં ને ઉમેર્યું, ‘રાત વહી રહી છે.’
પણ તુલસી શાંત પડી રહ્યો હતો. એના પોપચા પર પેલો ભયંકર ભૂતકાળ બેઠો હતો. જે દિવસે તે શયતાન બન્યો હતો અને મંગળાનો શિકાર કર્યો હતો. એના જીવન પર પોતાના દાંત બેસાડીને એના જીવનને નષ્ટપ્રાય બનાવી દીધું હતું.
‘ઉઠ તો ભાઈ, જે ભાવે તે ખાઈ લે ને?’ કરીને ઝવેરે તેને ઢંઢોળતાં કહ્યું ને તુલસી ઊભો થયો.
તુલસી રોટલાની કોર ભાંગતો હતો અને વળી પાછો વિચારે ચઢી જતો હતો. ઝવેર તેની સામે જ બેઠી હતી અને તુલસીને આજે આમ વિચારમાં ગોથાં ખાતો જોઈને બોલી ઊઠી.
‘આજે તને થયું છે શું ? ખેતરમાં કાંઈ બન્યું છે? ખેડૂ સાથે કજિયો થયો છે?’ ઝવેરે પ્રશ્નો કર્યા.
‘ના રે ના કાંઈ નથી !’ ઝવેરના પ્રશ્નોથી ચોંકી ઉઠેલા તુલસીએ જવાબ દીધો અને ભોજનના કાર્યમાં તેજી લાવી ઝડપથી તેણે રોટલાની કોર ભાંગીને મોંમાં મૂકવા માંડી.
તુલસીને આજે આવી વિચાર મગ્ન હાલતમાં જોતાં ઝવેરને પણ મનમાં ઊંડે ઊંડે શંકા પેદા થવા લાગી. જ્યારથી તેણે માસ્તરની વાત કહી છે ત્યારથી તુલસી ઊંડાણમાં ઊતરી જાય છે એ કાંઈ એનાથી અજાણ ન હતું એટલે તો ક્યારેક એના મનને પણ શંકા થતી કે, ‘તુલસી શા માટે ચિંતા કરે ? અને એને ને મંગળાને શું ?’ અને મંગળાનો વિચાર આવતાં જ તેની સમક્ષ ભૂતકાળ ઊભો થયો. તુલસીના હઠાગ્રહને વશ થઈને જ તેણે જીવકોર પાસે મંગળાનું માંગુ કર્યુંં હતું. પણ ત્યારે જીવકોર મોં ધોવા ગઈ અને પરિણામે મંગળાનું આયખું બગડી ગયું.
‘જીવકોરે પોતાની વાત માની લીધી હોત તો ?’ ઝવેર પણ પાછી વિચારવા લાગી :
‘તો મંગળા સુખી હોત, અને માસ્તરને પણ મરવાની વેળાએ આવો ફજેતો થયો ન હોત !’ પોતે જ પોતાના પ્રશ્નનો જવાબ આપ્યો ને વળી પાછી મંગળાની હાલત વિષે વિચારે ચઢી. એના મનને કોણ જાણે કેમ પણ એવી શંકા પેદા થઈ હતી કે જીવકોરે રાતોરાત માસ્તરના ગળે મંગળાને વળગાડી દીધી તેનું કાંઈ કારણ ઊંડું હોવું જોઈએ; અને કદાચ મંગળાનો પગ લપસી પડ્યો હોય.
કેવી કલ્પના હતી ? અપરિણીત યુવતી વિષે આવી અમંગળ કલ્પના કરવાનું પણ સરળ નથી. પણ જ્યારે મંગળા જેવી યૌવન સભર આશાભરી યુવતીને રાતોરાત તેના પિતા જેવા ૫ંડ્યા માસ્તરને પરણાવી દેવામાં આવી ત્યારે કાંઈક હશે જ ને ?’ માત્ર ઝવેરને શા માટે ગામના સૌ કોઈને એવી શંકા થાય તે સ્વાભાવિક હતું અને ઝવેરે મનમાં ગાંઠ વાળી દીધી, સ્વગત બબડી પણ ખરી, ‘હા, એમ જ હશે?’
અને ખાટલામાં પડ્યા પડ્યા પડખું ફેરવતાં આ કલ્પનાઓના પ્રવાહને થંભાવી દેવા તેણે મોટા સ્વરે ભગવાનનું નામ સ્મરણ કર્યું. ‘એ પ્રભુ ! તું દયાળુ છે !’
પણ પડખું ફેરવતાં જ માસ્તરની મૂર્તિ તેની સમક્ષ ઉપસ્થિત થઈ. આજે આખો દિવસ તેના મનમાં માસ્તરના જ વિચારો રમતા હતા. જ્યારથી શિવના આઘાતનો ઘા માથામાં જીરવીને માસ્તર જીવકોરને ત્યાં આવ્યા ત્યારથી ઝવેરના મનમાં રહી રહીને માસ્તરનો જ વિચાર આવતો હતો. શિવ પ્રત્યે ભારોભાર રોષ પ્રગટતો, ત્યારે માસ્તર પ્રત્યે અનુકંપા પ્રગટતી અને મંગળાની હાલત જોઈને દયાના ઝરણા તેના હૈયામાં વહેવા માંડ્યાં હતાં.
‘માસ્તર હવે ઝાઝા દિ કાઢે તેમ નથી તો ?’ ઝવેરના મનમાં નવો વિચારનો તણખો પ્રગટ્યો, ને સાથે જ મંગળાના ભાવિની ચિંતા, વગર માંગ્યે પણ તેની પાસે આવીને ઉભી રહી.
‘પછી શું ? મંગળાને તો રડી રડીને જીવતર પુરું કરવાનું !’ એના મનોપ્રદેશના ખૂણામાં પડેલો મંગળા પ્રત્યેની સહાનુભૂતિનો ધોધ વહેવા માંડ્યો. વળી પાછી સ્વગત બબડી ‘મૂઈ જીવી, મરતી ગઈ અને છોકરીને મારતી ગઈ. કદાચ મંગળાનો પગ લપસી પડ્યો, હોય તો એના ઉપાય ક્યાં નથી થતા ? શહેરમાં તો આવા કામ માટે દવાખાનાઓ પણ છે, પણ બળ્યું એ પાપ ભલું, આમ મંગળાના જીવતરને બાળી દેવા કરતાં !’
ઝવેર જેમ ખાટલામાં પડી પડી મંગળાના વિચારોમાં પોતાની નિદ્રા ગુમાવી બેઠી હતી તેમ, બહારની ઓસરીમાં ખાટલો નાંખીને સૂતેલા તુલસીને માટે પણ આજે નિદ્રા હરામ થઈ હતી. રહી રહીને તેની સમક્ષ પોતે રોટલા શાક આપવા ગયો ત્યારે માસ્તરે મંગળાને જે સંબોધન કર્યું હતું તે યાદ આવતું અને તેમાંથી અનેક વિચાર વમળ પેદા થતાં હતાં.
માસ્તરે મંગળાને બેટાનું સંબોધન કર્યું હતું. તાજુબીની વાત છે. માસ્તર પોતાની પત્નીને બેટા કેમ કહી શકે? કદાચ આદતનું જોર હશે તો ? મંગળાના પિતા સાથે માસ્તરનો જે ઘરોપો હતો. તે જોતાં માસ્તર મંગળાને દીકરીવત ગણીને બેટા શબ્દથી તેને આવકારતાં હશે, પણ હવે તો મંગળાને તે પરણી બેઠા છે, છતાં પણ આવા શબ્દો કેમ બોલ્યા ?’
‘દંભ બીજું શું? જુવાન કન્યા સાથે ઘર માંડવું અને પાછી તેને બેટા કહીને સંબોધવી એ નર્યો દંભ નથી તો શું છે ?’ તુલસીના મનનો પેલો શયતાન, તુલસીને મંગળા પ્રત્યે હમદર્દ થતાં રોકવા માંગતો હોય એમ બોલી ઊઠ્યો, એ કહેતો હતો, ‘તુલસી આ માસ્તર જેવો પાખંડી, દંભી માણસ તેં ક્યાંય જોયો છે? જોને મંગળા માતા બનવાની છે એ જાણવા છતાં પણ પોતાના મૃત્યુ પછી એને તારે ગળે વળગાડવા નો’તા આવ્યા ? અને એ શયતાન ખડખડ હસતો સંભળાયો ‘જગતમાં પછી તારે માથે જ કાળી ટીલી રહે !’
તુલસી ઊંડા વિચારમાં પડ્યો હતો. ચોમેર અંધકાર હતો, દૂરદૂર ફળિયામાં એક ફાનસ આછો પ્રકાશ વેરતું હતું. ઓસરીના આગળના ભાગમાં ઊભા કરેલા માંડવામાં ઢોર પણ નિરાંતની નિદ્રા લઈ રહ્યા હતા; ફળિયાના કૂતરા પણ શાંત થઈને ક્યાંક લપાઈ ગયા હતા. તુલસીની આંખ ઊઘડી ગઈ હતી. નિદ્રાદેવીએ તેની સાથે આજે એવા તો રુસણા લીધા હતા કે તુલસીના પ્રયત્નો છતાં પણ તેની પાસે તે ઢૂકતી ન હતી.
ત્યાં તો તેણે અંદરના ભાગમાંથી માતાના શબ્દો પણ સાંભળ્યા અને તેને ખાતરી થઈ કે આજે માત્ર પોતાની જ નિંદ્રા ઊડી ગઈ છે એમ નહિ, પણ માતાની નિદ્રા પણ ઊડી જ ગઈ.
બંને મા–દીકરો આજે એક જ પ્રશ્ન વિષે વિચારતા હતા અને નિરાંતની નિંદ્રા ગુમાવી બેઠા હતા.
ત્યાં કોઈકનો પગરવ સંભળાયો ને તુલસીએ પૂછ્યું ‘કોણ એ ?’
પ્રત્યુત્તર મળ્યો ‘હું મંગળા, કાકી ક્યાં છે?’
મંગળાનો અવાજ સાંભળીને ઝવેરે તરત જ બારણું ઉઘાડ્યું. અંધારામાં પણ મંગળાની દીન મૂર્તિ તેઓ જોઈ શકતાં હતાં અને એમના દિલમાં મમતાના ઝરણાં વહેતા થયા હતા.
‘કેમ આટલી રાતે મંગળા ?’ ઝવેરે પૂછ્યું, ત્યારે તુલસી ખાટલામાં બેઠો બેઠો મંગળાનો જવાબ જાણવા અધિર બન્યો હતો આટલી રાત્રે મંગળાનું આગમન અમંગળ શંકાનુ કારણ તો બન્યું જ હતું છતાં મંગળા પાસેથી જાણવાને તેનું મન ઈંતેજાર હતું.
મંગળાએ કહ્યું ‘કાકી માસ્તરનો જીવ પ્રસાદમાં ભરાઈ રહ્યો છે અને પ્રસાદ તો શિવની પાસે છે. હું લેવા ગઈ તો પણ મને લેવા દીધો નહિ.’
ને ગદગદ કંઠે મંગળા બોલી ‘બિચારો પડી ગયો હતો, એના શા હાલ થયા હશે ?’
‘તો હું લઈ આવુ પ્રસાદને ?’ મંગળાની વાત સાંભળીને તુલસી ખાટલામાંથી હડફ કરતાંને ઊભો થયો ને કાળમીંઢ અંધારા પથરાયેલા હોવા છતાં નિર્ભયતાથી શિવને ત્યાં જવા તેણે પગ ઉપાડ્યો.
‘પણ શિવ...’ બોલતાં બોલતાં મંગળા અટકી પડી, શિવના શબ્દો તેની સ્મૃતિમાં હતા.
‘શિવની તાકાત શી છે કે મને ના કહે?’ મંગળાના અધૂરા રહેલાં પ્રશ્નનો તુલસીએ જવાબ દીધો.
‘જો જે. અડધી રાતે કાંઈક તોફાન કરતો ?’ ઝવેરે તેને શિખામણ દીધી.
તુલસી હોહો કરતો ઉપડ્યો; ફળિયું છોડીને તે બહાર પડ્યો ત્યારે મંગળા ઝવેરને લઈને માસ્તર પાસે આવી પહોંચી.
‘પ્રસાદને લેવા તુલસી ગયો છે માસ્તર !’ ઝવેરે આંખો ફાડી રહેલા માસ્તરની પાસે જઈને કહ્યું ને ઉમેર્યું - ‘હમણાં આવતો હશે.’
માસ્તરે સંતોષથી આંખ મીંચીં; મંગળા એના મસ્તક પાસે બેસી રહી. બન્ને જણા તુલસીના પાછા ફરવાની રાહ જોતાં હતાં. મંગળા પણ પ્રસાદને જોવા ઘણી આતુર હતી, એનુ માતૃ હૈયું પ્રસાદના વિરહમાં બળબળતું હતું, પણ માસ્તરની હાલત જોતાં તે પોતાના દિલનું દર્દ વ્યક્ત કરી શકતી ન હતી.
ત્યારે માસ્તર હરપળે પ્રસાદને ઝંખતા હતા. માસ્તરના જીવનનો આધાર જ પ્રસાદ હતો ને? રૂખીએ તેને પોતાના ખોળામાં મૂકીને વિદાય લીધી ત્યારથી મંગળાએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો અને પ્રસાદ તેને સોંપવામાં આવ્યો ત્યાં સુધી, માસ્તરના જીવનનો હેતુ પણ પ્રસાદ જ હતો ને? પોતાનો અંતકાળ નજીક છે એવા વખતે તેઓ ફરીને પ્રસાદ મંગળાને સોંપવા માંગતા હતા. તેઓ શિવને જાણતા હતા એટલે શિવ સાથે ઝઘડો કરવો પડે તો તેમ કરીને પણ મંગળાએ પ્રસાદને પોતાની પાસે જ રાખવો ને ઉછેરવો એમ તેઓ ઇચ્છતા હતા.
‘તુલસી રોટલા શાક આપી ગયો એ પછી માસ્તરની તબિયત બગડી.’ આંસુભીની આંખે મંગળાએ ઝવેરને કહેવા માંડ્યું; ને ઉમેર્યું ‘મને કહે મંગળા ! ગમે તેમ કરીને પણ તું પ્રસાદને લઈ આવ. મારે તેને છેલ્લીવાર જોઈ લેવો છે પણ હું શી રીતે લેવા જાઉં, મને તો શિવની બીક લાગે છે !’
‘હશે, હમણાં તુલસી લઈને આવતો હશે!’ ઝવેરે મંગળાને આશ્વાસન દીધું ને માસ્તર સામે જોઈને કહ્યું કોઈ વાતની ચિંંતા ન રાખશો માસ્તર ! સૌ સારા વાના થઈ જશે, તમે તમારે આરામ કરો !’
ને મંગળાને ઉદ્દેશીને તેમણે કહ્યું ‘ને મંગળા તારે જરૂર પડે તો અર્ધી રાતે મને ઉઠાડજે. પાડોશી કામમાં નહિ આવે તો કોણ આવશે ? ' મંગળા માસ્તરની બગડતી જતી હાલત જોઈને હીબકાં લઈ રહી હતી. માસ્તરની અસ્વસ્થતા પણ વધી પડી હતી પળે પળે તે બારણા સામે જોતાં; તુલસી પ્રસાદને લઈને આવ્યો કે? એવો પ્રશ્ન એમની દૃષ્ટિમાં હતો.
‘આવતો હશે !’ ઝવેર માસ્તરને બારણા સામે પ્રતીક્ષા કરતાં જોઈને પ્રસાદ માટેની તેમની તીવ્રતા સમજી જતી ને જવાબ દેતી હતી. ‘અંધારી રાતે, બે ફળિયા ઓળંગીને જવાનું. વળી શિવનો સ્વભાવ ખરાબ, એટલે તુલસીને આવતાં વાર જ થાય, ને માસ્તર ! આમ અધિરા શાને થાવ છો?' માસ્તરનું હૈયું હાથ રહેતું ન હતું. તેમની પ્રતીક્ષા જેમ જેમ તીવ્ર બની તેમ તેમ તુલસીને આવતાં વિલંબ કેમ થયો તેની વિષે ઝવેરના મનમાં ચિંતા પેદા થવા લાગી ને તર્કો ઊઠવા લાગ્યા.
‘વખત છે તે શિવ સાથે તુલસીને ઝઘડો કરવો પડ્યો હશે? શિવે પ્રસાદને આપવાની ના પાડી હશે ને તુલસી ગરમ થઈ ગયો હશે ?’ ઝવેરના મનમાં તર્કો ઊઠવા લાગ્યા ને સ્વગત બબડી ‘અર્ધી રાતે ઝઘડો ન થયો હોય તો સારું. મૂવો શિવ છે જ સાવ નપાવટ, નહિ તો બાપના અંતિમ સમયે તો તેની પાસે હાજર હોવું જોઈએ ને?’
ત્યાં તુલસી હાથમાં પ્રસાદને લઈને હાંફતો હાંફતો આવી પહોંચ્યો. આંગણામાં પ્રવેશ કરતાં તેણે પ્રસાદને હેઠો મૂક્યો અને તે ઊભો ઊભો હાંફવા લાગ્યો. મંગળાએ દોડીને પ્રસાદને ઊંચકી લીધો અને પ્રસાદે પણ મંગળાના ગળામાં પોતાના બે હાથની ચૂડ નાંખી. મંગળાની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાયાં ને પ્રસાદને ચૂંબનોના વરસાદથી ભિંજવી નાંખ્યો. તો પ્રસાદ પણ મગંળાને જોઈને હરખઘેલો થઈ ગયો હતો. માસ્તરની આંખો મિંચાઈ ગઈ હતી એટલે ઝવેરે મંગળાને ઈશારાથી સમજાવી દીધું કે ‘હમણાં ન ઉઠાડતી ભલે ઊંઘે’ પણ માસ્તર કાંઈ ગાઢ નિદ્રામાં પડ્યા નહતા. હા તેઓ પ્રગાઢ નિદ્રામાં પોઢી જવા તરફ જઈ રહ્યા હતા. ચિરનિદ્રાની સોડ તેઓ તાણી રહ્યા હતા. પણ તે પહેલાં તેઓ પળ બે પળ માટે આંખો ઉઘાડતા, ચોપાસ નજર ફેરવતા અને ફરતી ફરતી નજર પાસે જ ઊભેલી કરૂણામૂર્તિ મંગળા પર સ્થિર થતી. અને મંગળા એમના ભાલ પ્રદેશે હાથ મૂકીને પૂછતી ‘શું જુઓ છો માસ્તર ?’
‘કાંઈ નહિ મંગળા !’ હૈયામાં દુઃખનો, ચિંતાનો ભડકો થયો હતો, એ ભડકાના અંગારા તેમની આંખોમાં સ્પષ્ટપણે વર્તાતા હતા છતાં, તેઓ મંગળાથી છુપાવવાનો પ્રયત્ન કરતા હોય એમ આટલા શબ્દો બોલીને પડખું ફેરવી જતા હતા.
તેમણે જ્યારે આંખ ઉઘાડી ત્યારે પ્રસાદ મંગળા પાસે હતો. માસ્તરે બળપૂર્વક પોતાના બે હાથ પ્રસાદ તરફ લાંબા કર્યાં. તેઓ પ્રસાદને રમાડવા ઉત્સુક હતા. પ્રસાદે પણ દાદાજી તરફ પોતાના નાનકડા હાથ લંબાવ્યા. મંગળાએ હળવે રહીને પ્રસાદને માસ્તર પાસે મૂક્યો. માસ્તરે પ્રસાદને માથે હાથ ફેરવ્યો; વહાલનો સાગર જાણે ઉલેચાઈ રહ્યો હોય એમ, પ્રસાદ સામે જોતાં એમના નયનોમાંથી જળપ્રવાહ વહી રહ્યો હતો.
અને પ્રસાદના નાનકડા હાથ પોતાના હાથમાં લઈ એના પર ચુંબન મૂકીને મંગળા સામે નજર કરી, ને મંગળાને કાંઈક કહેવા માંગતા હતા. મંગળા સમજી ચૂકી હતી કે માસ્તર શું કહેવા માંગે છે એટલે તેણે પાસે આવી માસ્તરના મસ્તક પાસે બેસીને કહ્યું, ‘માસ્તર ! તમે પ્રસાદ વિષે કશી જ ચિંંતા ન કરો, તમારી એ ભેટનું હું મારા જીવના ભોગે પણ જતન કરીશ.’
માસ્તરે હાથ ઊંચા કર્યો. મંગળાના વચનોથી તેમના મનને અપાર શાંતિ થઈ હોય એમ જણાતું હતું. એમના સૂકા હોઠ પર સ્મિત બિંદુ પથરાયા, તેમણે મંગળાનો હાથ પોતાના હાથમાં લીધો. અને હળવેથી બોલવા લાગ્યા. એમનો કંઠ રૂંધાઈ ગયો હતો. સાદ ઝીણો બની ગયો એટલે મંગળાને ઠેઠ તેમના મોં પાસે પોતાના કાન લઈ જવા પડતા હતા.
‘મંગળા !’ માસ્તરે તેને કહ્યું.
માસ્તર કાંઈક કહેવા માંગે છે એ જાણીને પાસે બેઠેલ ઝવેર અને તુલસી પણ સાબદા બન્યા.
‘બેટા ! તારા જતન કરવાની મારી ફરજ હું પૂરી કરી શક્યો નથી પણ તું જરાય હિંમત ન હારતી. હું તારો પણ બાપ છું અને તારા આવનારા સંતાનના બાપ તરીકે પણ તું મને જ ઓળખાવજે, મારે હવે લોકોની વાતો ક્યાં સાંભળવી છે તે ?’
મંગળા માસ્તરની છાતી પર માથું મૂકીને ડૂસકાં લેવા લાગી. રડતા સાદે તે કહેતી ‘માસ્તર કાકા ! તમે માનવ નહિ પણ દેવ છો. તમે મને ન સાચવી હોત તો આજે હું ક્યાં હોત? મને માફ કરો, કાકા ! તમને પાછલી જિંદગીમાં મારા કારણે ઘણું ઘણું સહન કરવું પડ્યું !’
માસ્તર પણ ચોધાર આંસુ સારી રહ્યા હતા. ત્યારે માસ્તરની પડખે બેઠેલો પ્રસાદ નિદ્રાધીન બની ચૂક્યો હતો. નિર્દોષ પ્રસાદ દાદાના પડખે પડ્યો હતો. એને શી ખબર કે દાદાજી ગામતરા કરી રહ્યા છે, છેલ્લીવાર તેઓ તેને પડખામાં લઈને ચિર નિદ્રામાં પોઢી રહ્યા છે, હવે તેઓ ફરીને જાગશે નહિ. અને પ્રસાદને હેતપૂર્વક બોલાવશે પણ નહિ.
ઘરનું વાતાવરણ ગમગીનીભર્યું હતું. મંગળા અને માસ્તરને આંસુ સારતા જોઈને ઝવેર અને તુલસીના પોપચાં પણ ભીના થયાં.
માસ્તરે મંગળાને જે સંબોધન કર્યું અને મંગળાએ માસ્તરને કાકા કહીને જે પડદો ઉપાડ્યો તેથી ઝવેરને અચંબો પેદા થયો. ત્યારે તુલસીનું હૈયું દ્રવી ઊઠયું. એનો આતમરામ એને ડંખી રહ્યો હતો.
ને માસ્તરે મંગળાને માથે પોતાનો દુર્બળ કર મૂક્યો; ફાટી ગયેલા સાદે થોડાક શબ્દો માંડ માંડ તેઓ બોલી શક્યા; અને તેમણે સદાને માટે આંખ મીંચી દીધી !
મંગળાના હૈયાફાટ રૂદને ફળિયાના લોકોની નિંદ્રા ઊડી ગઈ. સૌ લોકો ભેગા થઈ ગયા. સંસારમાંથી વિદાય લેતાં માસ્તરના મુખ પર હાસ્ય પથરાયું હતું. એમના લલાટે તેજ ચમકતું હતું.
ને મંગળા માસ્તર કાકા કહીને તેમનાં ચરણો પર માથું મૂકીને વલોપાત કરતી બોલતી હતી ‘કાકા! મને આમ છત્ર વિનાની મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા ?’
મંગળાના શબ્દો જમા થયેલા ફળિયાના માનવોને માટે આશ્ચર્યજનક હતા. માસ્તર સાથે મંગળાના લગ્ન થયા હતા એ વાત આખું ગામ જાણતું હતું. છતાં મંગળા માસ્તરને કાકા કેમ કહેતી હતી ?
સૌ પોત પોતાની રીતે મંગળાના સંબોધનનો અર્થ ઘટાવતા હતા, ત્યારે તુલસી શૂન્ય મનસ્ક એક ખૂણામાં બેસી રહ્યો હતો.