લખાણ પર જાઓ

ખાખનાં પોયણાં/ઊંબરો ઓળંગ્યો

વિકિસ્રોતમાંથી
← કાળજાનો ઘા ખાખનાં પોયણાં
ઊંબરો ઓળંગ્યો
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પાંદડું ખરી પડ્યું ! →






૧૦
ઊંબરો ઓળંગ્યો

જિંદગીનો સરવાળો અત્યારે જ પૂરો થતો હોય એમ પંડ્યા માસ્તર, પ્રસાદને હૈયા સરસો દબાવીને સૂતા હતા, છતા એમની આંખો સામે પોતાના જિવનના છેલ્લા સ્મરણો વ્યક્ત થઈ રહ્યા હતા. પુત્ર તો કપૂત નીવડ્યો, પણ કુળને ઉજાળનારી પુત્રવધૂ તો શિવ કરતાં પણ વધુ કપાતર નીવડી. શિવ સાથે તેને જાણે કોઈ સંબંધ ન હોય, એમ તેણે પોતાનાં સૌભાગ્ય ચિન્હો હાથમાંથી ઉતારીને શિવને આપી દીધાં ને એથીય પણ અદકું તો પોતાના પેટના દીકરાને પણ ઉતારી દીધો, કેવું વિનાશક એ દૃશ્ય હતું ? સંસારમાં પતિ પત્નીનો સંબંધ આવો સાવ સામાન્ય બની રહે તો સંસાર જીવી કેમ શકે ? પુરૂષોના કુછંદ કાંઈ નવા છે ? રાવણ જેવો પણ પરસ્ત્રીના મોહમાં ક્યાં અંધ બન્યો ન હતો ? સીતાને ઉઠાવી લાવ્યો ને એને માટે લંકાનો સર્વનાશ કરવા તૈયાર થયો છતાં એની પત્ની મંદોદરીએ રૂખીની જેમ કર્યું ન હતું તો ?

માસ્તર ઉઘાડી આંખે પથારીમાં પડ્યા પડ્યા રૂખીના વર્તન વિષે વિચારતા હતા. પોતાનો દીકરો રાવણ જેવો તો નથી ને ? જુગારની લત એને વળગી છે એ સાચું પણ એથી તેના કર્મોની સજા તે ભોગવે છે ત્યારે રૂખીએ એની સાથેના સંબંધનો આવો અંત લાવવો જોઈએ ? કંકુમાં પાણી પડ્યા પછી તે કદિ વિખૂટા થઈ શકે છે? એમ લગ્નથી જોડાયેલા સ્ત્રી-પુરૂષને મૃત્યુ વિના કોણ જુદા પાડી શકે એમ છે?

‘તો રૂખીને આ શું સૂઝ્યું ?’ માસ્તરનું મન વિચારના ચગડોળે ઘૂમવા લાગ્યું; તેઓ વિચારતા હતા. રૂખી બ્રાહ્મણની દીકરી છે, એના બાપના કુટુંબની પ્રતિષ્ઠાનો પણ ખ્યાલ ન આવ્યો. શિવને છોડીને તે ક્યાં જશે ! શાસ્ત્રીજી આવી રીતે પતિ અને ઘરબાર છોડી આવેલી દીકરીને રાખશે ? ને એનું મન બોલી ઉઠ્યું.

‘ના રે ના ! શાસ્ત્રી સમજે છે જ કે પરણેલી દીકરીનું સ્થાન સાસરામાં જ હોય, ત્યાંથી તે જીવતાં નહિ પણ તેનો મૃતદેહ જ બહાર નીકળી શકે.

‘જો શાસ્ત્રી નહિ રાખે તો પછી ક્યાં જશે ?’ માસ્તરનું મન પણ ભાતભાતના તર્ક લડાવતું હતું તો !

‘તો પછી સાસરે જ આવ્યા વિના એનો છુટકો જ ક્યાં છે ?’ મનમાંથી જવાબ મળ્યો. પણ જવાબ સંતોષકારક ન હતો; રૂખી કાંઈક કરી બેસશે તો ? એવો શંકાનો થડકો રહી રહીને એના બ્રાહ્મણના હૈયાને આંચકો આપતો અને એનું મન હચમચી જતું.

‘બ્રાહ્મણની દીકરી કાંઈક આડુંઅવળુ કરે તો પોતાની રહીસહી પ્રતિષ્ઠા પણ બળી જ જાયને ! લોકો કહેશે જોયું, માસ્તરની દોઢ મણની કાયામાં રહેલું પેલું ટચુકડું નાક, રૂખીએ કેવું કાપીને તેમના હાથમાં આપ્યું ? પથારીમાં આમથી તેમ પડખાં ફેરવતાં માસ્તરની આંખમાં ઊંઘ નહોતી, એમનું સમસ્ત વિચાર તંત્ર એટલી ઝડપથી ચાલતું હતું કે ક્યારે કયો વિચાર પ્રવેશ્યો ને જતો રહ્યો તેની પણ તેમને ગતાગમ પડતી ન હતી, એ વિચાર તંત્રમાં જ્યારે આ વિચારનો પાર્દુભાવ થયો ત્યારે તો એમને ધરતી પણ રસાતાળ જતી જણાઈ ‘વાણીયા બ્રાહ્મણના પરણેતર એ પરણેતર ! બાકી બધાં ઠીક, મન મનાવવાના ખેલ.’ એમ માનતાં માસ્તરના મનને આંચકો આપે તેવો આ વિચાર હતો. રૂખી છતાં ધણીએ બીજાનું ઘર માંડે ? માસ્તરના બ્રાહ્મણ દેહની છાતી બેસી જાય તેવો આ પ્રશ્ન હતો.

સ્વગત બોલી ઊઠ્યા ‘બાપ રે!’

એમનું કાળજું હોલાની જેમ ફફડતુ હતું; ‘રૂખી આટલી હદે જઈ શકે?’ પ્રશ્ન ઊઠ્યો.

‘એવું જ કાંઈક તેણે વિચાર્યું હશે ને ?’ અંતરના ઊંડાણમાંથી જવાબ મળ્યો ને એના મનમાં પડેલો તણખો પ્રજ્વળી ઊઠ્યો; એ જવાબ કહેતો હતો ‘ધણીના નામની બંગડીઓ કાઢી નાંખીને, પેટના જણ્યાને દાદાને ભરોસે મૂકી દીધો એનો અર્થ તો એવો જ થાય ને કે તે હવે પોતાને સૂઝતું કરવા માંગે છે ?’

માસ્તર મનમાં ઊઠતા આગના તખણા જેવા આ વિચારોમાંથી મૂક્ત થવા માંગતા હતા. બારણાં બંધ હતાં. ઘરમાં ઘોર અંધકાર હતો. ખાટલામાં પોતાની પડખે પ્રસાદ નિરાંતની ઊંઘ લઈ રહ્યો હતો. માસ્તરની માયામાં તે રત હતો એટલે રૂખીએ તેને પોતાની કેડમાંથી ઉતારીને બાવડામાંથી પકડીને જ્યારે માસ્તર પાસે મૂક્યો ત્યારે તે માસ્તરના અંકમાં એવો લપાઈ ગયો હતો કે માની મમતાના તાર તેણે, માના અંતરભાવો સમજીને જ તોડી નાંખ્યો કેમ ન હોય ?

પોતાના પડખામાં જ નિરાંતની નિદ્રા લઈ રહેલા પ્રસાદના મુખને અસાવધ હાલતમાં માસ્તરે ચૂમી લીધું. એના દેહ પર હળવે હળવે કર ફેરવ્યો. પ્રસાદને વિશ્વાસ દેતા હોય એમ, પછી તેમણે એક મોટું બગાસું ખાધું ને ભગવાનનું સ્મરણ કરતાં મોટા સાદે બોલ્યા ‘સૌનાં લેખાં લેનારો તું બેઠો છું બાપ !’

માસ્તર આ શબ્દો બાજુના ઓરડામાં સૂતેલી રૂખીને સંભળાવવા માટે જ બોલ્યા હતા. રૂખી પણ એ શબ્દોનો મર્માર્થ સમજી ગઈ હતી પણ તેને જવાબ દેવાનું ઊચિત જણાતું ન હતું. ચૂપચાપ એ પોતાના નિશ્ચયને અમલમાં મૂકવા માંગતી હતી. પોતે હજી જાગૃતાવસ્થામાં છે એનો આભાસ માસ્તરને થાય નહિ તેની કાળજી રાખતી. મનમાં વિચારણાના મણકા ગોઠવતી હતી, અત્યારે તો તે પિતાને ત્યાં જ પાછી ફરવા માંગતી હતી. ગુસ્સો એના મન પર એટલી હદે કાબુ જમાવી બેઠો હતો કે પોતાના પેટના દીકરા પ્રત્યેની માયા, મમતા પણ તેણે ઉતારી દીધી હતી.

‘જેના લાગ્યા જે ભાગવે !’ તેણે મન સાથે વાત કરવા માંડી ને કહ્યું, ‘મુઓ જુગારી, મને આ જિંદગીમાં શાં સુખ આપવાનો હતો તે આ કુતરા બિલાડા જેવા સંસારમાં શું બળ્યું છે?’

તે પોતાના નિશ્ચયમાં એટલી અડગ હતી કે પ્રભાતનો પહેલો પહો ફાટ્યો ત્યારે તે એકદમ પથારીમાંથી ઊભી થઈ, ને પોતાનાં કપડાં ફાટ્યા તુટ્યાં ગાભા સહિતની એક પોટલી બાંધી, ને તેણે હળવેથી બહારના ભાગમાં પગ દીધો ત્યારે માસ્તર પ્રભાતના ઠંડા પવનમાં નિદ્રાધીન બન્યા હતા, એમનો મનોવ્યાપાર શાંત પડ્યો હતો; પડખે જ ગલગોટા જેવો પ્રસાદ સૂતો હતો. ‘માસ્તરનો એક હાથ એના પર એવી રીતે મૂકાયેલો હતો કે જાણે તેને કોઈ પોતાની પાસેથી ઊઠાવી જવાનો ભય એમના મનમાં વ્યાપી રહ્યો હોય!

અનિચ્છા છતાં રૂખીની નજર પ્રસાદ પર ગઈ, અને તેના હૈયામાં દબાઈ રહેલું માતૃત્વ ઉછાળા મારવા લાગ્યું, એનો આવેગ વધી ગયો. પ્રસાદના ગલગોટા જેવા ગાલને ચૂમી લેવાનું મન થયું, છેલ્લી જ વાર તેનું હેત વરસી જવા માંગતું હતું. હવે પોતે પ્રસાદને ક્યારે જોવા પામશે? એવો પ્રશ્ન પણ એના મનની મરુભૂમિમાં ઊઠ્યો ને માતૃ દિલ દ્રવી રહ્યું, હળવે પગલે તે ખાટલા તરફ આગળ વધી ને ખાટલાની ઠેઠ પાસે જઈને બે પળ અનિમેષ નજરે તે દીકરા સામે જોઈ રહી, ઊંઘમાં પડેલા પ્રસાદના હોઠ પર સ્મિત ફરકી રહ્યું, પોતાની જનેતા, પોતાનો સદા માટે ત્યાગ કરી રહી છે એવું જાણીને માતૃત્વ પ્રત્યે જાણે હસતો કેમ ન હોય ?

રૂખીનું હૈયું હાથ ન રહ્યું; કાળમીંઢ પથ્થરોની શીલા વચ્ચે થઈને પણ સરિતાના વહેણ પોતાનો માર્ગ શોધી શકે છે ને વહી જાય છે તેમ, રૂખીના હૈયામાં રહેલું માતૃત્વ પણ એના દિલમાં ભરેલા પાષાણોની વચ્ચેથી માર્ગ કરીને વહેતું હતું. પ્રસાદને ચૂમવા તે નીચી નમી, પણ હાય રે નસીબ ! પ્રસાદને જ એ ગમતું ન હોય એમ તેણે મોં ફેરવી લીધું; ને દાદાની સોડમાં મોં સંતાડી દીધું.

રૂખીની આંખમાંથી આંસુનાં ટપકાં પડ્યાં... તે સ્વસ્થ થઈ અને માસ્તર જાગી જાય તે પહેલાં ઘરનો ઊંબરો છોડી દેવા ઊતાવળી થઈ, હાથમાં પોટલું પકડીને તે આગળ વધી અને ઊંબરા બહાર પગ દેવા જાય છે ત્યાં તો માસ્તરનો અવાજ સંભળાયો.

‘વહુ !’

રૂખીનો પગ થંભી ગયો. પાછું જોયા વિના જ તેણે જવાબ દીધો. 'તમે જાગી ગયા ? ઠીક થયું !’ ને ઉમેર્યું ‘હું તમારું કાંઈ જ લઈ જતી નથી, જે છે તે બધું તમારા હાથમાં આવે તે રીતે મૂક્યું છે.’

ને તેણે ઊંબરો ઓળંગવા પગ ઉઠાવ્યો.

'પણ આવું હિણપતભર્યું પગલું શા માટે ઉઠાવો છો વહુ?’ માસ્તરના સ્વરમાં નરી આર્જવતા હતી; મર્દાનગી જાણે ભૂ પીતી થઈ ગઈ હોય એમ યાચક વૃત્તિ શબ્દોમાં ભારોભાર જણાતી હતી.

‘મને એનો જવાબ દેવાની જરૂર નથી જણાતી!’ રૂખી મનને મક્કમ કરીને બોલી ને કહ્યું, ‘હવે અહીં રહીને મારે શું કરવાનું છે ? તમારા લુંડાપાને ?’

‘અરે વહુ !’ માસ્તર ખાટલામાં બેઠા થયા ને કહેવા લાગ્યા ‘વૃદ્ધ માબાપની સેવા કરવી એને તમે લુંડાપા ગણો છો ? શાસ્ત્રીજીની સેવા તમારા ભાઈની વહુ કરે છે તેને લુંડાપો કહેવાય !’

‘પણ એને માથે તો સાત મણનો ધણી બેઠો છે.’ રૂખી છંછેડાયેલી વાઘણ જેમ લવા નાંખે તેમ આજે પહેલી જ વાર સસરાની મર્યાદા લોપીને ફટફટ જવાબ દેતી હતી.

'તો તારે માથેય ધણી તો જીવતો છે ના ?’ રૂખીનો જવાબ માસ્તરના વૃદ્ધત્વના કારણે થીજી ગયેલાં હાડને સળગાવી રહ્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો ને ઊમેર્યું 'એના નસીબમાં ભોગવવાનું લખ્યું હશે તે જેલ ભેગો થયો, પણ જિંદગીભર જેલમાં તો રહેવાનો નથી ને? આ તે ક્યાં એણે ખૂન કર્યું છે?’

રૂખીને માસ્તરની આવી સલાહ રુચતી ન હતી. તેણે મન સાથે નિશ્ચય કર્યો હતો અને એ નિશ્ચયને અમલમાં મૂકવા તે ઉતાવળી થઈ રહી હતી.

તેણે કહ્યું, ‘જે દિ તમારો દીકરો ઘેર આવે તે દિ મને તેડવા મોકલજો. હું એ વખતે વિચારીશ.’

ને ઊંબરો ઓળંગ્યો; પતિના છેડે પોતાના પાનેતરની ગાંઠ વાળીને પરિણીતા જ્યારે પતિના ગૃહને પોતાનું ગૃહ બનાવવા ગૃહરાણી થઈને સસરાના ઘરના ઊંબરા ઓળંગી અંદર પ્રવેશે ત્યારથી તે ઊંબરો એને માટે લક્ષ્મણ રેખા જેવો બની જાય છે; ઊંબરાની અંદરના ભાગમાં જ તેને જીવન વ્યતિત કરવાનું હોય છે. જીવતાં કદિ તે ઊંબરો ઓળંગી શકતી નથી. માત્ર તેનો મૃતદેહ જ ઊંબરો ઓળંગી શકે છે.

પણ આજે રૂખીએ જીવતાં એના પતિ ગૃહનો ઉંબરો ઓળંગ્યો હતો, માસ્તર વિસ્ફારિત નજરે પોતાની પુત્રવધૂને, પોતાના કુળની પ્રતિષ્ઠાનો ઊંબરો ઓળંગીને બહાર જતી જોઈ રહ્યા હતા. એમનું અંતર સળગતું હતું. એમનું મન ભડકે બળતું હતું. છતાં તેઓ લાચાર હાલતમાં બેસી રહ્યા હતા. શિવ આજે હાજર હોત તો તેઓ દીકરાને કહેત, ‘ઊઠ, બાવડું ઝાલીને રૂખીને પાછી લઈ આવ !’ પણ અફસોસ એ વાતનો હતો કે આજે તેઓ અસહાય બની રહ્યા હતા. સંસાર તો ભર્યો ભર્યો હતો. પણ પોતે સહાય વિનાના એકલા પડી રહ્યા હતા.

ક્યાંય સુધી બારણા પ્રતિ જ નજર નાંખીને ખાટલામાં હતાશાપૂર્ણ હાલતમાં માસ્તર બેસી જ રહ્યા. રૂખીએ સાચે જ ગજબ કર્યો હતો. કોઈ પરણેતર આવું કરી જ ન શકે એવું રૂખીએ કર્યું હતું. તેઓ એટલી હદ સુધી ચિતશૂન્ય બની ગયા હતા કે પ્રસાદ ઊઠીને દાદાની સામે જોઈ રહ્યો હતો તેનું પણ તેમને ભાન ન હતું. પ્રસાદ દાદાને ભાનમાં લાવવા જાણે મથતા હોય એમ ઘડીકમાં માસ્તનો ખભો પકડીને ઊભો થતો હતો, તો ઘડીકમાં એમના અંક પર ચઢવા મથતો હતો.

બારણામાં ઉભેલી જીવકોરનું, માસ્તરની આ અસ્વસ્થતા જોઈને હૈયું વલોવાઈ ગયું; ગઈ કાલે શિવને પોલીસ પકડી ગઈ એથી માસ્તરના દિલને જે આઘાત લાગ્યો હતો તે ઘાને દિલાસાના મલમપટાથી રૂઝવવા તે આવી હતી, એની પાછળ જ દબાતે પગલે મંગળા પણ ઊભી હતી! જીવકોર બારણામાંથી ધસમસતી માસ્તર પાસે આવીને બોલી, ‘અરે માસ્તર તમે હતાશ શું થઈ ગયા છો ? જરા આ બાળક સામે તો જુઓ!’

તો મંગળાએ પ્રસાદને ઉઠાવી લીધો તે તેને પોતાના ખોળામાં લઈ રમાડવા માંડ્યો. પછી અંદરના ઓરડા તરફ જતાં તે બોલી ‘અરે, ભાભી ! આ બિચારો ભૂખ્યો થયો છે તે જરા એને લે તો ?’ પણ ઓરડો ખાલી હતો. જવાબ આપવા કે પ્રસાદને હૈયા સરસો ચાંપવા રૂખી ત્યાં હાજર ન હતી.

‘બા ! ભાભી તો જણાતાં નથી !’ મંગળાએ જીવકોરને ફરિયાદ કરી અને પ્રસાદ પ્રત્યે વહાલ ઠાલવતાં પૂછ્યું ‘ક્યાં ગઈ તારી માડી ?’

પ્રસાદ જવાબ દઈ શકતો ન હતો.

ત્યારે માસ્તરને સ્વસ્થ બનાવવા જીવકોર તેમની પાસે બેઠી હતી ને દિલાસાના શબ્દો ઉચ્ચારતી હતી, ‘માસ્તર ! તમે સમજુ થઈને આમ ઢીલા થઈ જશો તો વહુનું શું થશે ? આ નાનકડા પ્રસાદનું શું થશે ?’

પ્રત્યુત્તરમાં માસ્તરની આંખોમાંથી ગંગા-જમના વહેવા લાગી, હૈયા પર પથ્થર મૂકીને અત્યાર સુધી શાંત રહેલા માસ્તર, પથ્થરનો બોજ ફગાવી દઈને હૈયું હળવું કરવા લાગ્યા; એમની આંખોમાંથી અસ્ખલિત અશ્રુપ્રવાહ વહી રહ્યો હતો.

ત્યારે મંગળાના ખોળામાં ભૂખ્યો પ્રસાદ પેટ ભરવા માટે ફાંફાં મારતો હતો. મંગળા ઉઠીને અંદરના ભાગમાં ગઈ, ને પ્રસાદ માટે દૂધ હોય તો તેની તપાસ કરવા માંડી પણ રૂખીએ ગઈ રાતથી પેટના દીકરાને અળગો કર્યો હતો એટલે તેને માટે દૂધની પણ વ્યવસ્થા કરવાની દરકાર લીધી ન હતી. સવારમાં વહેલી ઊઠીને ફળીના પેલા ખૂણેથી દૂધ લઈ આવવા માટે તે ગઈ ન હતી. ને માસ્તર તો રૂખીએ ઊંબરો ઓળંગ્યો ત્યારથી અવાક બની ગયા હતા. ભાન ગુમાવી બેઠા હતા.

મંગળા આખર હારી થાકીને બેસી ગઈ. પ્રસાદ એના ખોળામાં પડ્યો પડ્યો, એના નાજુક હાથોએ, મંગળાના સ્તન પ્રદેશ પર હુમલો શરૂ કર્યો. એને પયપાન કરવું હતું. એનું પેટ ખાલી હતું. મંગળા એ હાથને દૂર કરતી ને મનમાં મૂંઝાતી હતી, ત્યાં તો પ્રસાદે તેના સ્તન પ્રદેશને ચૂસવા માંડ્યું.

ને મંગળાનો આખો દેહ કોઈ અજબની મસ્તી અનુભવી રહ્યો. એના અંતરનો ઉમળકો હિલોળે ચઢ્યો. ઊર્મિઓ નર્તન કરવા લાગી જેમ જેમ પ્રસાદ એના કુમકુમની ઢગલી શા સ્તન બે હાથે પકડીને જોરથી ચૂસતો હતો તેમ મંગળા સ્પંદનથી અદ્‌ભૂત રોમાંચ અનુભવતી હતી.

પણ પ્રસાદ હાર્યો; એની આશાઓ નિષ્ફળ ગઈ. મંગળાના પયપાનનો પ્રયત્ન, એની ક્ષુધાને સંતોષી શકે તેમ ન હતો એટલે છેલ્લા ઉપાય તરીકે તેણે રૂદન શરૂ કર્યું.

પ્રસાદને છાનો રાખવા, મંગળાએ ઊભો કર્યો ને એની સામે દયામણો ચહેરો કરીને બોલી, 'તને ભૂખ લાગી છે પણ માસ્તર કાકા હજી ક્યાં ભાનમાં છે? ને કોણ જાણે તારી મા અત્યારમાં ક્યાંય ગઈ હશે ?’

અને સક્રોધ બોલી, 'છોકરાની માને ગતાગમ નહિ પડતી કે રાતનો ભૂખ્યો છોકરો સવારમાં કાંઈ માંગશે ?’

મંગળાના વચનો માસ્તરના કાને પડતાં જ એમની આંખમાંથી વહી જતાં આંસુ અટકી પડ્યાં, જીવકોરને પોતાની સમક્ષ જોઈને દિલની ઊંડી વેદના વ્યક્ત કરતા નિશ્વાસ નાંખ્યો.

ને કહ્યું, ‘મંગળા ! એને માટે દૂધ લઈ આવ તો, જરા, ઉતાવળી થાજે તો !’

મંગળા પ્રસાદને ઊંચકીને દૂધ લેવા ઉપડી, બોલી, ‘લે ચાલ! તારા માટે દૂધ લઈ આવીએ.’ તે પછી એને હૈયે ચાંપતાં સ્વગત બબડી, 'મારા થાનમાં તે દૂધ ક્યાંથી હોય ?’

જીવકોર સામે જોઈને માસ્તર બોલ્યા, ‘ભાભી ! આ જિંદગીનો તાંતણો હવે ભગવાન તોડી નાંખે તો સારું !’

‘પણ માસ્તર આવો તે વલોપાત હોતો હશે ? છોકરો અક્કરમી પાક્યો તેને તમે શું કરો ?’

‘મૂઓ છોકરો તો અક્કરમી પાક્યો તો ! પણ આ તો નાક અને આંખ બન્ને ગુમાવવા જેવું થયું છે, ભાભી !’ માસ્તર નિસાસો નાંખતા હતા.

‘વહુ કેમ જણાતી નથી? ક્યાં ગઈ છે ?’ જીવકોરે વાતને વળાંક આપવાના હેતુથી જ આ પ્રશ્ન કર્યો હતો. પણ એ પ્રશ્ને તો માસ્તરના બળતા હૈયામાં નવા ઈંધણો નાંખ્યા જેવું થયું.

‘મરી ગઈ !’ માસ્તર બોલ્યા, ‘આ પાછલી અવસ્થામાં મારે કેવા દિવસો જોવાનો વખત આવ્યો છે? છોકરો જેલ ભેગો થયો ત્યારે વહુ પણ નાસી ગઈ.’

‘નાસી ગઈ?’ જીવકોરે હોઠ કરડ્યા. નાસી ગઈ શબ્દ એટલો બધો વજનદાર હતો કે તેનાથી તે ઉપાડી શકાયો નહિ. ચીસ નાંખી દીધી. બ્રાહ્મણની દીકરી આમ છતાં ધણીએ નાસી જાય એ વાત જીવકોર માની શકે તેમ ન હતું.

તેણે ફરીને પૂછ્યું, ‘માસ્તર ? શું કહો છો ? વહુ નાસી ગઈ ?’

‘હા ભાભી ! અત્યારમાં જ ચાલી ગઈ.’ કપાળ પર હાથ પછાડતાં માસ્તરે જવાબ દીધો.

ત્યાં તો મંગળા દૂધ લઈને આવી પહોંચી ને પ્રસાદને પોતાના ખોળામાં લઈને પ્રેમભર્યા નેત્રો એના દેહ પર ઠેરવતાં કહેવા લાગી, ‘ચાલ તો ભાઈ, દૂધ પી જઈને પછી દાદાજીના ખોળામાં ઘોડલા ખેલાવ.’

‘જીવકોર તો માસ્તરના શબ્દો સાંભળીને એવી વિમૂઢ બની ગઈ હતી કે તે મંગળા સામે જોઈ જ રહી.

‘હશે ભાભી ! ભગવાનની જેવી મરજી !’ જીવકોરની વિમૂઢતા જોતાં માસ્તરે કહ્યું ને ખાટલામાંથી ઊભા થઈને મંગળા સામે જોતાં કહેવા લાગ્યા, ‘મંગળા ! હવે પ્રસાદને સાચવવા તું રોજ આવતી રહેજે !’

ત્યાં તો જીવકોર સ્વસ્થ બની ગઈ ને ઊભા થઈ માસ્તરના ઘરને વ્યવસ્થિત કરવાના કામે લાગી ગઈ.

મંગળાને કહ્યું, ‘મંગળા ! પ્રસાદને દૂધ પીવડાવીને બે બેડાં પાણી લઈ આવજે તો !’

'પણ ભાભી ક્યાં ગયાં છે ?’ મંગળા રૂખી ક્યાં ગઈ છે તે જાણવા માંગતી હતી.

‘જહન્નમમાં!’ માસ્તરે ગુસ્સાથી કહ્યું ને ઉમેર્યું, ‘મહેરબાની કરી સવારના પહોરમાં એનું નામ ન દેશો.’

‘માસ્તરના છાસિયાથી મંગળા છોભીલી પડી ગઈ અને તરત જ તેણે પાણિયારા પરથી બેડું લઈને વાવ ભણી પ્રયાણ કર્યું. દરમ્યાન જીવકોરે માસ્તરના ઘરમાં સફાઈ કામ પૂરું કર્યું.

'માસ્તર ? જમવાનું મારે ત્યાં ફાવશે !’

‘ના ભાભી ? આ કાંઈ એક દિવસનું છે? હવે તો ભવનાં લાગ્યાં. હું ફોડી લઈશ.’ માસ્તરે જવાબ દીધો.

‘તો પ્રસાદ...’ જીવકોરે પ્રશ્ન તો કર્યો, પણ મનના ભાવો અવ્યક્ત જ રહ્યા.

‘એને માટે તો હવે જીવવું છે !’ માસ્તરે જવાબ દીધો, ઘડી પહેલાંનો જીવન પ્રત્યેનો વૈરાગ્ય પ્રસાદ સામે જોતાં જ ઊડી ગયો હોય એમ જણાતું હતું. માસ્તરે જીવવાનો નિર્ણય કર્યો હતો.

દિવસો આફતના સમયમાં ઘણો મોટો સહારો આપનાર બની રહે છે. માસ્તરના દુઃખમય જીવનમાં દિવસો મહત્ત્વના બની રહ્યા : પ્રસાદને કેન્દ્રમાં રાખીને તેઓ નવી ઉપાધિઓને પણ પચાવી શકતા હતા. મંગળા દિવસનો ઘણો વખત ત્યાં રોકાતી, માસ્તરની એક હાથલાકડી બની રહી હતી. પ્રસાદ તો એની સાથે એવો હળીમળી ગયો હતો કે માતા વિહોણા દીકરાને મંગળાની ઉપસ્થિતિ માતાના વાત્સલ્યને પણ ભૂલાવી દેતી હતી.

પણ પ્રસાદ જબરો હતો, મંગળા મુગ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકી હતી, યૌવનની વસંત એના અંગઅંગમાં એવી રીતે પાંગળી ચૂકી હતી કે તેના તાનમાં તે અજબ મસ્તી અનુભવતી હતી એની એ યૌવન વસંતમાં પ્રસાદ અજાણતાં પણ તેના મનને હિલોળે ચઢાવતો હતો. મંગળા તેને ખોળામાં લેતી કે તરત જ પ્રસાદ પયપાન કરવા રૂખી જેમ એને છાતીએ વળગાડતી તેમ મંગળાની છાતીએ વળગવા ઉછાળા મારતો અને નાનકડા નાજુક હાથ વડે તેના સ્તન પ્રદેશને મુક્કી મારતો હતો. રૂખી ત્યારે જ તેને પયપાન કરાવતી હતી. પ્રસાદ એવી રીતે મંગળાને પજવતો. તો મંગળાના હૈયામાં જાગતા અકથ્ય ભાવો અજ્ઞાતપણે પ્રસાદને ઊભો કરીને પોતાની છાતી સરસો લાવી મૂકતા. પ્રસાદ દૂધ વિનાના કઠણ સ્તનને ચૂસવા મથતો પણ પરિશ્રમનું પરિણામ જ્યારે પ્રાપ્ત થતું નહિ ત્યારે તે મંગળા સામે એવી રીતે જોતો કે જાણે તેણે ઠપકો દેતો હોય ! આમ માસ્તરના જીવનનું વાવાઝોડું હમણાં શાંત થયું હતું પણ એ શાંતિ ક્ષણજીવી હતી.

ઘરનો ઊંબરો મૂકીને પિતાને ત્યાં ચાલી ગયેલી રૂખીના ચારિત્ર્યે માસ્તરને માટે નવો વંટોળ ઊભો કર્યો. શાસ્ત્રીજી જાતે જ માસ્તર પાસે દોડી આવ્યા હતા. અને તેમને ઠપકો દેતા હતા. માસ્તર શાસ્ત્રીજીને સમજાવવા માગતા હતા. પણ રોષની જ્વાલા પેટાવી રહેલા શાસ્ત્રી માસ્તરને સાંભળવા જ માગતા ન હતા. તેઓ માસ્તરના ચારિત્ર્ય સામે હલકા પ્રકારના આક્ષેપો મૂકતા હતા.

‘માસ્તર ! તમને હું દેવપુરુષ ધારતો હતો પણ તમે આવા ઊંડા પાણીમાં રમતા હશો એની તો ખબર નહિ !’ શાસ્ત્રીએ માસ્તરના આંગણામાં ઊભા રહીને, આજુબાજુના લોકો સાંભળે તેમ બોલવા માંડ્યું.

માસ્તર એમનો હાથ પકડીને ઘરના અંદરના ભાગમાં લઈ જવા માગતા હતા. કહેતા હતા, ‘તમે અંદર તો આવો. આપણે શાંતિથી વાતો કરીએ. મારો દોષ હોય તો તમે કહો તે પ્રાયશ્ચિત કરવા હું તૈયાર છું.’

પણ રૂખીએ શાસ્ત્રીના કાનમાં જે ઝેર રેડ્યું હતું તે એટલું તો જલદ હતું કે તેમની શાંતિ હણાઈ ગઈ હતી. મનનો કરાર ઊડી ગયો હતો, અને એવી જ હાલતમાં તેઓ માસ્તરને ખખડાવવા માટે અહીં ધસી આવ્યા હતા. એટલે માસ્તરના આગ્રહ છતાં પણ તેઓ ઘરમાં જવા તૈયાર થયા નહિ. માસ્તરે બહાર ખાટલો ઢાળી દીધો ને કહ્યું, ‘તો અહીં બેસો ને જે કહેવું હોય તે ધીરેથી કહો, પછી મારી વાત પણ સાંભળો !’

‘તમારી વાત શી સાંભળવાની છે?’

‘જે હોય તે ! સંભવ છે કે તમારી દીકરીએ તમારી સમક્ષ સાચી રજુઆત ન પણ કરી હોય !’

‘રજુઆત તો સ્પષ્ટપણે દેખાય છે કે તમે એને માટે રાક્ષસ બન્યા એથી તેને નાસી આવવું પડ્યું.

‘હું રૂખીને માટે રાક્ષસ બન્યો ?’ માસ્તરને માથે જાણે વીજળી પડી હોય એમ તેઓ ચોંકી ઊઠ્યા તે મોં પહોળું થઈ ગયું, કહ્યું, ‘આ તમે બોલો છો ? શાસ્ત્રીજી આજે પહેલી જ વાર પંડ્યા માસ્તરને ઓળખે છે ?’

‘માસ્તર !’ શાસ્ત્રીજીને માસ્તરના દિલમાં પોતાના વચનોએ કેવી ચોટ લગાડી છે તે જોવાની પરવા જ ન હતી, એ તો રૂખીએ કહેલી વાતને જ સાચી માનીને માસ્તરને ઉઘાડા પાડવા આવ્યા હતા.

તેમણે કહ્યું, ‘તમને જો આવા રાક્ષસ જાણ્યા હોત તો, હું મારી દીકરી અહીં દેવા આવ્યો જ ન હોત !’

'તો હું રાક્ષસ થયો શી રીતે ? એ તો કહો?’ માસ્તર પૂછતા હતા.

'દીકરાની જવાન વહુની એકલતાનો લાભ લેવા મથનાર રાક્ષસ નહીં તો બીજું શું હોઈ શકે ?’ શાસ્ત્રીજીએ માસ્તરના માથામાં વાગે તેવો સીધો ઘા કર્યો.

‘શું ?’ માસ્તર આભા બની ગયા હતા. પૃથ્વી જાણે માર્ગ આપે તો તેમાં સમાઈ જવા માંગતા હોય એવા વિવશ બની ગયા હતા.

એમનો સાદ ફાટી ગયો હતો, 'શાસ્ત્રીજી ! આ તમે બોલો છો? મને આવાં વચનો તમે કહો છો ?

અને પોતાની છાતીઓ પર મુષ્ઠિ પ્રહાર કરતા પોતાની મનોવ્યથા ઠાલવતાં માસ્તર બોલ્યા, ‘આ શબ્દો તમને રૂખીએ કહ્યા છે ? એણે ભગવાનનું નામ દઈને તમને કહ્યું છે? અને તમને પણ એ નાદાનના શબ્દો પર એટલો બધો ઇતબાર બેઠો કે માસ્તર સાથેનો વર્ષોનો પરિચય પણ તમે ભૂલી ગયા, ને અહીં દોડી આવ્યા.’

પણ માસ્તરનો વલોપાત, એમની દારુણ મનોવ્યથા અને હૈયું વલોવાઈ જાય તેવી છાતી પરના મુષ્ઠિ પ્રહારો, શાસ્ત્રીના દિલને સ્પર્શી શકે તેમ ન હતા.

‘તો રૂખીને ખોટું બોલવાનું કાંઈ કારણ ?’ શાસ્ત્રીજીએ પ્રશ્ન કર્યો.

‘ભગવાન જાણે !’ માસ્તરે હતાશ થતાં કહ્યું ને ઉમેર્યું, ‘મારે જો સાબિતી આપવાની હોય તો શાસ્ત્રીજી આ ફળિયામાં તમે અગ્નિ પેટાવો અને હું સત્યની પ્રતિતી આપવા હોમાઈ જવા તૈયાર છું.’

‘એવા વેવલાવેડા રહેવા દો માસ્તર !’ શાસ્ત્રીજી માસ્તરની તત્પરતાથી જરા શાંત પડ્યા હતા.

‘શાસ્ત્રીજી! આ વેવલાવેડા નથી. સાચી વાત કહું છું. આજે સત્યના પારખા કઈ રીતે આપવાં ? અગ્નિમાં સ્વેચ્છાપૂર્વક હોમાઈ જઈને તો તમને અને જગતને એટલી પ્રતિતી કરાવી આપીશ કે માસ્તર શુદ્ધ હતા, સાચા હતા.’

શાસ્ત્રીજી શાંત હતા, તો માસ્તર હૈયાની દારુણ વ્યથા ઠાલવતા હતા.

તેઓ કહેતા, ‘શાસ્ત્રીજી તમે જ્યારે શિવ માટે માંગુ કરવા આવ્યા ત્યારે જ મેં કહ્યું હતું કે મારો દીકરો કુલાંગાર છે પણ તમે એ વાત માનવા તૈયાર ન હતા. આજે એ વાત હકીકત બની રહી છે પણ એનું મને દુઃખ નથી. દુઃખ તો એ વાતનું છે કે આ નાનકડા પ્રસાદને, અહીં મરવા ભોંય સૂંઘતા માનવી પાસે મૂકીને રૂખી ચાલી ગઈ બાપને ઘેર ! શિવના નામની ચૂડીઓ ઉતારી ગઈ.’ ને કપાળ કૂટતા કહેવા લાગ્યા, ‘ફૂટેલા નસીબના માસ્તરને મરવા ટાણે આવા દિવસો જોવાના આવ્યા ! વાહ પ્રભુ, વાહ !’

ને તેમણે શાસ્ત્રીજીને કહ્યું, ‘શાસ્ત્રીજી ! આ માસ્તરના નિષ્કલંક જીવન પર એક નાનો સરખો ડાઘ નથી તેની ખાત્રી રાખજો. રૂખી મારી દીકરી છે પણ એની અવળચંડાઈથી હું દાઝ્યો છું. હવે સાપનો ભારો તમે સાચવજો, મારે માટે તો જે પળે તે આ ઘરનો ઊંબરો છોડીને ગઈ ત્યારથી તે મારા દીકરાની વહુ હતી એ હું ભૂલી ગયો છું ...પ્રસાદને હું જાળવીશ ને એનો બાપ આવશે ત્યારે તેને હેમખેમ સોંપી દઈશ.’

માસ્તર ચોધાર આંસુ વહાવતા હતા. પ્રસાદ કરુણાભર્યા મુખે માસ્તર સામે જોઈ રહ્યો હતો.