ખાખનાં પોયણાં/એરુનો દંસ
| ← કાળોતરાને નોતરું | ખાખનાં પોયણાં એરુનો દંસ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
દેવપુરુષ → |
એરુનો દંસ
માસ્તર ધ્યાનસ્થ હાલતમાં બેઠા બેઠા મંગળાની કહાણી સાંભળી રહ્યા હતા. એમના ખોળામાં પ્રસાદ રમતો હતો. વાતાવરણ ગંભીર હતું. માત્ર પ્રસાદ જ એ ગંભીરતા પોતાના નિર્દોષ હાસ્ય, ને રમતથી તોડવાનો પ્રયત્ન કરતો હતો.
માસ્તરની સાવ નજીકમાં બેસીને મંગળા આંખોમાં ચોધાર આંસુ વહાવી રહી હતી. માસ્તર જેવા દેવ પુરુષને પોતે છેતર્યા છે તેનો પસ્તાવો તો મંગળાના દિલમાં જલતો હતો. પણ તેને વિશ્વાસ હતો કે માસ્તર જે અપૂર્વ બલિદાન આપી રહ્યા છે એ પોતાના આંસુના બળે ડગશે નહિ.
તેણે પોતાની કહાણી આગળ ચલાવી. તુલસીના પંજામાં પોતે કેવી રીતે સપડાઈ એની એ કરમ કહાણી હતી. તો તુલસીની એ પાશવતા, માસ્તરના દિલને હલબલાવી મૂકે તેવી હતી.
તુલસીએ જ્યારથી મંગળાને દાઢમાં ઘાલી હતી ત્યારથી મંગળા એનાથી સાવધાન રહેતી હતી. તો ઝવેરનું વેણ જીવકોરે પાછું ઠેલ્યું ત્યારથી તુલસી પણ જીવકોરનું ઘર ભૂલી ગયો હતો. એટલે સુધી કે ફળિયામાં ક્યારેક બંને સામસામાં થઈ જતાં તો પણ જાણે એકબીજાને તેઓ ઓળખતાં જ નથી એમ મોં ફેરવીને ચાલી જતાં હતાં.
જીવકોર પણ સમજતી હતી કે તુલસી સાથે અકારણ વેર બંધાયાં છે. તુલસી કેટલી નીચી કક્ષાએ જઈ શકે તેમ છે તેનો તેને પૂરતો ખ્યાલ ન હતો. એક વખત એવો પણ હતો કે ગામમાં જ્યાં જ્યાં તુલસીની વિરુદ્ધ વાતો તે સાંભળતી ત્યાં ત્યાં તે આવેશમાં આવીને તુલસી વિરુદ્ધ બોલનારને તોડી પાડતી હતી.
તે કહેતી : ‘હોવે ! તમને બધાને તુલસી જ ભૂંડો લાગે છે. પણ એના જેવો એક છોકરો તો બતાવો આ ગામમાંથી ?’ અને તુલસી જાણે પોતાના પેટનું જ સંતાન હોય એમ આંગણાંમાં બેસીને કહેતી. ‘મારો તુલસી લાખોમાં એક છે.’
મારો તુલસી કહેતાં એનું મન આનંદથી ભર્યું ભર્યું બની રહેતું. અંતરનો ઉમળકો ઠલવાતો હતો પણ વખત જતાં જીવકોર તુલસીના પરાક્રમથી અજાણ ન હતી. તે જાણતી હતી કે મા-બાપના કહ્યામાંથી તુલસી છટકી ગયો છે. સોબતો ભૂંડી થતાં તે અવળા માર્ગે ચઢી ગયો છે. છતાં પણ તુલસી પ્રત્યેનું તેનુ મમત અપાર હતું. જીવકોરની ઇચ્છા પૂર્ણ કરવા તુલસી જરૂર પડે તો આભના તારા પણ તોડી શકતો હતો. એટલે જ તેની નજરમાં તુલસીની જે પ્રતિમા વસી ગઈ હતી તે ગામના બીજા લોકોની આંખમાં વસી ગયેલી તુલસીની પ્રતિમા કરતાં બીજા પ્રકારની હતી.
‘ગોરાણી મા ! તમે હજી તુલસીને પૂરતો જાણતાં નથી.’ તુલસીનો બચાવ કરતાં જીવકોરને પેલી બાઈ કહેતી. જીવકોરને ગામ ગોરાણીમાને નામે ઓળખતું. મરનાર તાપીશંકર ગોરપદું પણ કરતા હતા. તે કહેતી, ‘ગોરાણીમા ! તુલસી તો કાળોતરો છે. જેની સાથે એને વેર બંધાયાં કે એનો જીવ લીધા વિના તે જંપતો નથી તે તુલસીના છેલ્લાં પરાક્રમો વર્ણવતાં તે બોલી, ‘પેલા સોમાની વાત તમે ક્યાંથી જાણતાં હો ? પેલી પાલીના આંસુ તમે ક્યાં જોયાં છે, ગોરાણીમા ? બિચારીની જિંદગી બરબાદ કરી નાંખી !’
‘બામણનું ખોળિયું છે, બાકી કામો તો મલેચ્છના છે ગોરાણીમા !’
ને ગોરાણીમાને પણ ચેતવતાં બોલી, ‘તમે પણ સાચવજો ! ઘરમાં જુવાન દીકરી છે ! એ તો ન વતાવ્યો જ સારો, ભૂંડાનું તો નામ દાટીને જ ચાલવામાં સાર છે.’
જીવકોરે જ્યારથી મંગળાનો અજંપો જોયો ત્યારથી તુલસીના પરાક્રમોની પોતે સાંભળેલી ગાથાના પાના એક પછી એક પવનના ઝપાટે જેમ ઊડવા લાગે તેમ ઊડવા લાગ્યા ને વાંચી શકાય તેવા ખુલ્લા પડી રહેતા હતા. એટલે તો મંગળાને તે છાતીએથી દૂર કરતી ન હતી. બેચાર દિવસ પોતાના ભાઈને ત્યાં જવાનું થતું ત્યારે તે મંગળાને સાથે લઈ જતી અથવા તો માસ્તરને ત્યાં મૂકી જતી હતી.
જીવકોરનો આવો અવિશ્વાસ જોઈને ઝવેર મનમાં મનમાં સમસમી જતી. કહી શકતી ન હતી પણ સમજતી તો હતી જ કે જીવકોર મંગળાની ચોકી શા માટે કરે છે ? તુલસીનો ભય તેને આવા હવાતિયાં મારવા પ્રેરી રહ્યો છે.
પણ તુલસી આ ગામડા ગામમાં જીવતો હોવા છતાં એ ઊડતાં પંખી પાડવામાં પારંગત બની ગયો હતો. એની પોતાની એક ટુકડી હતી. અને ગામના લોકો પણ પોતાનું કામ કઢાવવા તુલસીની સહાયતા લેતા અચકાતા ન હતા. એટલે તુલસી પણ થોડા દિવસોની શાંતિ પછી મંગળા પર ત્રાટકી પડવાની રાહ જોતો હતો, અને જે અવસરની તે રાહ જોતો હતો તે અવસર તેને અચાનક જ સાંપડ્યો.
બપોરનો વખત હતો. શિયાળાના દિવસો હતા. ઠંડીનો ચમકારો થતો હતો પણ બપેારનો તડકો સૌને મીઠો લાગતો હતો એવી એક બપોરે મંગળા અને તેની ચારેક બહેનપણીઓ ફળિયામાંથી બહાર જતી હતી. તુલસી પોતાના ઘરની ઓસરીમાં ખાટલો નાંખીને પડ્યો હતો. પોતાના આંગણા પાસેથી જ આ યુવતી મંડળ પસાર થતું હોવા છતાં, પોતાને એમની સામે દૃષ્ટિપાત કરવાની પણ કશી જ જરૂર નથી એવો દેખાવ કરીને તુલસી પડી રહ્યો હતો. માત્ર એ યુવતી મંડળ વચ્ચે ચાલતા વાર્તાલાપને સાંભળવા તેણે પોતાના કાન સરવા કર્યાં હતા.
મંગળા કહેતી હતી. ‘લલ્લુકાકા આજ સવારે જ આવીને માને કહી ગયા હતા. ગોરાણીમા ! તુવેર મંગાવી લેતા હો તો. ઘણી વાર તેઓ કહી જતા પણ મા એમની વાત કાને ધરતી જ ન હતી. પણ આજ તો એમનો આગ્રહ જ એવો હતો કે માને નામરજીએ પણ તેમનું વેણ રાખવું પડ્યું.’
તુલસીના કાને મંગળાના આ શબ્દ પડતાં જ, મન સાથે તેની ગેડ બેસી ગઈ. અને શિકાર પર તૂટી પડવાની તૈયારી કરતો તે એકદમ ઊભો થયો. જે શિકારને પોતે ઝડપવા માંગતો હતો તે શિકાર આમ તેના હાથમાં આટલી સરળતાથી આવી પડશે એવો ખ્યાલ તો તેને પણ ન હતો. અને તેમાં પણ તેણે જોયું કે મંગળાની સાથે જીવકોરની જીવતી ચોકી ગોઠવાઈ ગઈ હતી.
મંગળા અને તેની સખીઓ ફળિયામાંથી વિદાય થઈ. ખેતરનો માર્ગ પકડ્યો. નાનકડાં નેળિયામાંથી બપોરના મીઠા લાગતા તાપમાં કાયામાંથી ઠંડી ઉડાડતા આગળ વધી રહ્યા હતા. ત્યારે તુલસી ખાટલામાંથી ઝડપ કરતાંને ઊભો થયો ને ખીટીએ નાંખેલી પછેડી હાથમાં લઈને તેણે માથું બાંધવા માંડ્યું.
તુલસીને આમ ઊભો થયેલો જોઈને ગમાણ સાફ કરતી ઝવેર પૂછવા લાગી: ‘વળી પાછો ક્યાં ઉપડ્યો?’
હજી અડધા કલાક પહેલાં તો તે ઘેર આવ્યો હતો. થોડુંક વાળુ કરીને તે આડો પડ્યો હતો. પડખે બેઠેલી ઝવેર તેને શિખામણ દેતી હતી. કહેતી હતી, ‘તુલસી, હમણાં હમણાં તારા નામનાં છાજીયાં કાંઈ બહુ લેવાય છે બેટા ?’
‘છાજીયાં લેવાનુ જ જેમનું કામ હોય તે બીજું શું કરે?’ માની વાત ટાળતાં તુલસી બોલ્યો.
‘પણ આ ઠીક ના કહેવાય ! તારા બાપનું નામ વગોવાય છે એ કાંઈ સમજે છે ?’ માએ દીકરાને શિખામણ આપવા માંડી.
પણ તુલસીના મનમાં રહેલો શયતાન અત્યારે ઉશ્કેરાયેલો હતો. માનવતા પરવારી ગઈ હતી શયતાનિયતનું સામ્રાજ્ય તેના મનમાં વ્યાપી રહ્યું હતું. એની આંખો બદલાઈ ગઈ હતી. જાણે તુલસી બ્રાહ્મણનો દીકરો જ નથી રહ્યો, ઝવેર દીકરાના આ સ્વરૂપને જોતાં છળી પડી. ખભે પછેડી નાંખીને ઉભેલો તુલસી જાણે કોઈ રાક્ષસ શિકારને હડપ કરવા તલપી રહ્યો હોય એવો ભાસતો હતો.
‘તુલસી ?’ ઝવેરનો સાદ ફાટી ગયો હતો. તેણે ઊભા થઈને તુલસીના ખભે નાંખેલી પછેડી ખેંચી લેતાં કહ્યું, ‘અત્યારે કાંઈ જવું નથી, બેસ શાંતિથી ! મારે તને થોડાક શબ્દો કહેવા છે !’
‘કહી દે જે કહેવું હોય તે ?’ તુલસીએ તેના હાથમાંથી પછેડી ઝુંટવી લઈને આંખમાં રોષ લાવીને કહ્યું, ને ઉમેર્યું, ‘મને શિખામણની જરૂર નથી. હું કોઈ નાનકડો બચ્ચો નથી કે મને કોઈની શિખામણની જરૂર હોય ?’
‘પણ તારા ધંધા સારા નથી, લોકો તો મને ચૂંટી ખાય છે !’ ઝવેરે વલોપાત કરવા માંડ્યો ને પોતાની કુખને ચૂંટણી ભરતાં બોલી, ‘મૂઆ બ્રાહ્મણના પેટે અવતાર લઈને રાક્ષસ જેવાં કામો ક્યાંથી કરવા લાગ્યો ?’
‘લે, હવે બીજી કોઈ વાત છે તારે કહેવાની?’ તુલસીએ જવા માટે બહાર પગ દેતાં કહ્યું ને ઝવેર સામે તીરછી નજર કરતાં બોલ્યો, ‘લોકો તો નવરા છે તે ગમે તેમ બોલે !’
‘પણ તારું જ કેમ બધા વાંકું બોલે છે?’
‘શું કર્યું છે મેં એ તો કહે?’ તુલસીને માતાના શબ્દો ગમતા ન હતા. અને આવા અણગમતા શબ્દો સાંભળીને તેનું મગજ તપી ગયું હતું. તે આકળો થઈ ગયો ને બોલ્યો, ‘મા ! હું મારું હિત બરાબર સમજું છું પણ આ દુનિયા તું ધારે છે તેવી નથી. માંયકાંગલા ને નિર્બળને તો કોઈ જીવવા દે તેમ નથી.’
ને તેણે ત્વરિત ગતિએ ઉંબરો ઓળંગ્યો. છલાંગ મારીને પરસાળમાંથી બહાર નીકળી ગયો ને જાણે પવન પાવડી પર ચઢીને ઊડતો હોય એમ જોતજોતામાં તો તે ફળિયાની બહાર નીકળી ગયો.
ઝવેર અને જોતી રહી. એની પૂંઠ દેખાઈ ત્યાં સુધી એના મનમાં વ્યાપી રહેલો ક્રોધ ફૂંફાડા મારતા રહ્યો.
ત્યારે છટકી ગયેલા શિકારને પકડી પાડવા, શિકારી પ્રાણી જેમ ચારે પગે દોડે તેમ તુલસી દોડતો હતો.
જેમ તેની ગતિમાં ઝડપ દેખાતી હતી તેમ એનું મન પણ સાથે વિચારોમાં દોડતું હતું. ‘કેટલે પહોંચ્યા હશે ?’
‘અરે નેળિયામાં હશે હજી તો ? જરા પગ દબાવ તો ! પહોંચી વળીશ.’ એના અંતરમાં બેઠેલો શયતાન કહેતો હતો. એને ખાતરી હતી કે પોતાને જોતાં જ મંગળા ભયભીત બની જશે. પેલા રાંક હોલાની જેમ ફફડશે. તે દીનવદને પોતાને જવા દેવા પ્રાર્થના કરશે પણ તે હવે જવા દેશે જ નહિ. ‘હરામજાદી ! હજી તુલસીને તું ઓળખતી નથી તો ?’ ને તેણે દાંત કચકચાવ્યા. બે હાથની મૂઠીઓ વાળીને તે દોડતો હતો. એણે એક હાથની મૂઠી હવામાં વીંઝીને સ્વગત બબડ્યો. ‘તુલસી કરતાં બીજો ક્યાં તેને મળવાનો હતો ?’
ને જોતજોતામાં મંગળા અને તેની વચ્ચેનુ લાંબું પડેલું અંતર કપાવા લાગ્યું. નેળિયામાં જ્યારે તેણે પગ દીધો ત્યારે લાંબી નજરે તેણે જોયું તો નેળિયાના બીજા છેડે મંગળા અને તેની સાહેલીઓ આગળ વધી રહી હતી, અને ત્યાંથી જ બધા વિખૂટા પડવા લાગ્યા. મંગળા ડાબી બાજુએ આવેલા તેના ખેતરમાં પેઠી, તો તેની સખીઓ થોડેક આગળ ગઈ.
તુલસીને નિરાંત થઈ. મંગળાની એકલતાનો લાભ હવે તે યથેચ્છ લઈ શકશે એવી ગણતરી તેના મનને પુલકિત કરી ગઈ. અને હવે કશી જ ઉતાવળ નથી એવા વિશ્વાસ સાથે તેણે પોતાની ગતિ હળવી બનાવી દીધી.
ત્યારે ખેતરમાં તુવેરોની વચ્ચે મંગળા પ્રવેશી ચૂકી હતી અને પોતાના ખભે નાંખેલા કપડાના છેડામાં તુવેરોની સીંગો તોડી તોડીને ભરતી હતી. ઘણા દિવસ થયા લલ્લુકાકા કહેતા. એટલે આજે તે સારા પ્રમાણમાં તુવેરો લઈ જવા માંગતી હતી. જ્યારે તેની સખીઓ પોતાના ખેતર તરફ વળી ત્યારે તેણે કહ્યું હતું, ‘જતી વખતે મને બૂમ મારો.’
એટલે તેને વિશ્વાસ હતો કે પાછા ફરવાનો સમય થશે ત્યારે તેને બોલાવવામાં આવશે જ.
વિશ્વાસપૂર્વક, નિરાંતના, કશા જ ભય વિના તુવેરો વીણતી મંગળાને તો ખબર પણ ન હતી કે તેની પાછળ તુલસી રાક્ષસ બનીને દોડી આવ્યો છે. ત્યારે મંગળાની એકલતાનો લાભ લેવાની ચોક્કસ ગણતરીથી ધસી આવેલો તુલસી એવી ચુપકીદીથી ખેતરની વાડની ઝાંપલી ઉઘાડીને ખેતરમાં પેઠો હતો કે મંગળાને તેનો અણસારો પણ થવા પામ્યો ન હતો, મંગળા તુવેરના ઝુંડમાં આગળ વધી રહી હતી. ખોળામાં ઠીક ઠીક પ્રમાણમાં તુવેર ભેગી થઈ હતી.
શિયાળાના બપોરનો તડકો તુવેરોના ઝુંડની વચ્ચેથી ચળાઈને મંગળાના દેહ પર પડતો હતા. અને એ ઉષ્માથી એના તન મનને પ્રફુલ્લતા મળતી હતી. ક્યારેક કોઈક ગીતની એકાદ બે કડી તે ગણગણતી, તો ક્યારેક તે પદ્ધતિસર ગાતી હતી. એના મનનો મોરલો જાણે થનગન નાચતો હોય એમ તે આનંદમગ્ન બની રહી હતી.
ત્યાં અચાનક આકાશની અટારીએ ઉભેલા સૂર્યને ગ્રહણ લાગ્યું. વાદળો ઘેરાયાં, વાવાઝોડુ પણ સાથે જ ફૂંકાવા લાગ્યું. અને સૂર્યને ગ્રહણ લાગતાં જ પ્રકાશ અલોપ થયો, અંધકાર છવાયો. જાણે તુલસીએ મનમાં ગોઠવેલી યોજનાને કુદરત કામયાબ બનાવી રહી હતી. અંધકારમાં તુલસી તુવેરોના ઝુંડમાં આગળ વધ્યો. વાવાઝોડાથી તુવેરના ઝુંડ એકબીજા સાથે જોરજોરથી અથડાતા હતા અને તેના અવાજો એવા જોરથી થતા હતા કે તુવેરોના ઝુંડની વચ્ચે જ ઉભેલી મંગળા ડરી ગઈ હતી, ભયભીત બનીને તે ઝુંડમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધતી હતી. ખોળામાં સીંગો ભરેલી હતી. તેને સંભાળપૂર્વક સાચવીને મંગળા બહાર મેદાન પર આવવા માંગતી હતી. પણ પવન એટલા જોરથી ફૂંકાંતો હતો કે ઘડીકમાં તે રસ્તો ભૂલી જતી અને અટવાયા કરતી હતી.
ત્યાં કોઈનો મજબૂત હાથ તેના હાથ પર પડ્યો. મંગળા રાડ પાડી ઊઠી. ભયભીત બની ગઈ. આવા તૂફાનમાં એનો હાથ કોણે પકડ્યો એ જોવાની પણ તેનામાં શક્તિ જ રહી ન હતી.
છતાં તેણે ચીસ નાંખતા પૂછ્યું, ‘કોણ મુવો છે ?’ અને પવન સહેજ શાંત થતાં હિલોળે ચઢેલા તુવેરના છોડવા પણ શાંત થયા અને મંગળાએ જોયું તો કાળાતરાના મૂખમાં તે બરાબરની સપડાઇ ગઈ હતી. પરિસ્થિતિ પામી જતાં એના હૃદયના ધબકારા વધી ગયા એની નાડીમાં વહેતુ ખૂન જોરથી દોડવા લાગ્યું. એની આંખોના ડોળા ભયથી આમતેમ ચક્કરવક્કર થતા હતા.
‘હું છુ મંગળા ! તુલસી !’ તુલસીએ બીજો હાથ તેની કેડ પાછળ નાંખ્યો તે મજબૂતપણે તેની કાયાને પોતાની પાસે ખેંચવા માંડી ને કહેવા લાગ્યો, ‘ડરવાનું કારણ નથી તો ? આવા તોફાનમાં તને સપડાયેલી જોઈને મને તારી દયા આવી, બિચારી મંગળાને કાંઈક થાય તો ?’
મંગળા ભયથી થર થર કાંપતી હોવા છતાં જોતી હતી કે તુલસીના હાસ્યમાં લુચ્ચાઈ છે, ખંધાઈ છે.
‘મને કશું જ થવાનું નથી, છોડી દો મને તુલસીભાઈ !’ મંગળા કરૂણાભર્યા શબ્દોથી તુલસીને વીનવતી હતી. ગભરાટમાં કહેવા લાગી, ‘કોઈ જોઈ જશે તો ?’
‘તો શું?’ તુલસી બેપરવાઈથી જવાબ દેતો હતો ને પાસે જ ખેંચેલી મંગળાને પોતાના દેહ સાથે જ એ જ હાલતમાં દબાવી દેતા બોલ્યો. ‘સ્ત્રી-પુરુષની સાથે હોય એમાં અનર્થ શો છે એ તો કહે ?’
‘પણ સ્ત્રી માટે તો જીવવું ભારે થઈ પડે !’ તુલસીના પંજામાંથી છૂટવાનો ભારે પ્રયત્ન કરતી મંગળા બોલી ને આંખોમાંથી આંસુ વહાવતાં કરગરવા લાગી ‘તુલસીભાંઈ! મેં તમારું શું બગાડ્યું છે તે તમે મને આમ હેરાન કરો છો ?’ ને બોલી, ‘હું તમારા પગે પડું છું મને જવા દો, હમણાં પેલીઓ આવતી હશે.’
ને આકુળવ્યાકુળ બનીને તેણે ચોપાસ નજર નાંખી. તેની સખીઓ આ તમાસો જોઈ તો ગઈ નથી ને ! એની તેણે ખાત્રી કરી લીધી ને કોઈ આવ્યું જ નથી એવી પ્રતીતિ થતાં સંતોષપૂર્વક તેણે તુલસીના હૈયાને કરુણાભર્યા શબ્દો દ્વારા સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો.
‘પગે લાગવાની શી જરૂર છે ?’ તુલસીના હૈયામાં રમતો શયતાન ઉન્મત બન્યો હતો. પાગલની જેમ તુલસીએ મંગળાને ખેંચી અને તુવેરના ઊભા ઝુંડમાંથી તેને બહાર ખેંચી લાવ્યો. આકાશ અંંધારઘેરું હતું. પવન શાંત થઈ ગયો હતો. પણ શિયાળાની ઠંડક હવામાં ભળી ગઈ હતી એટલે ઠંડીનું જોર જણાતું હતું. શિકારીના તીક્ષ્ણ દાંત વચ્ચે પીસાતા શિકાર જેમ લોહી નીકળતા દેહની વ્યથા ભૂલીને પણ મુક્ત થવા પોતાના દુર્બળ અંગોથી શિકારીના દેહ પર ઘા કરવા પ્રયત્ન કરે તેમ મંગળા પણ પોતાના બન્ને હાથો વડે તુલસીની છાતી પર મુક્કા લગાવતી હતી. જ્યારે તુલસીના બન્ને હાથ મંગળાના દેહને કેદ કરી રહ્યા હતા.
ને મહા મહેનતે વીણેલી તુવેરસીંગો મંગળાના ખોળામાંથી ધરતી પર પડી જઈને વેરાઈ ગઈ હતી, જેમ મંગળાનો કેશકલાપ આ ઝપાઝપીમાં વિખરાઈ ગયો હતો, એની લટો અદ્ધર ઝુલતી હતી તેમ.
‘મંગળા !’ આખરે મંગળાના નારીત્વને તુલસીના દેહમાં રહેલો કાળોતરો ડસી ગયો ને મંગળાનું જીવન જાણે નંદવાઈ ગયું. અશ્રુ સારી સારીને આંખો સુઝી ગઈ હતી; ચૂંથાયેલી કાયા ભાંગી ગઈ હતી. એનો સુરમ્ય લાગતો કેશકલાપ વિખરાઈ ગયો હતો. જીવનની વસંત મહોરે તે પહેલાં કરમાઈ ગઈ હતી.
ભગ્નાશ થઈને જમીન પર પડેલી મંગળા દુઃખ સાગરના તળિયે ડૂબકા ખાતી હતી તો, પોતાના પંજામાં સપડાયેલી હરણિના બેહાલ જોઈને પોતાની કુશળતા માટે મનમાં આનંદ માણતા શિકારીની જેમ તુલસી ઊભો ઊભો હસતો હતો.
‘હવે અફસોસ શાનો કરે છે મંગળા ! અહીં કોઈ જોનાર તો નથી પછી હાથે કરીને ફજેતા શા માટે કરે છે !’ તુલસી એને આશ્વાસન દેતો હતો પણ તુલસીના શબ્દો મંગળાના મનમાં ધૂંધવાઈ રહેલા આતશને પ્રજ્વલિત બનાવવા માટે પૂરતા હતા. તે એકદમ ક્રોધાવેશમાં આવીને ઊભી થઈ અને ઘવાયેલો શિકાર પોતાનું મૃત્યુ આવે તે પહેલાં વૈર લેવા શિકારી પર ઝનૂનપૂર્વક તૂટી પડે તેમ મંગળા તુલસી પર તૂટી પડી. એના હાથમાં રહેલું દાતરડું તેણે જોર કરીને ખેંચી લીધું અને બોલી ‘હરામજાદા ! હું તો જીવનથી બરબાદ થઈ પણ તારો પ્રાણ લીધા વિના છોડીશ નહીંં’ અને તેણે દાતરડાનો છૂટો ઘા કર્યો !
વિફરેલી મંગળાનું વિકરાળ સ્વરૂપ જોઈ તુલસી ભયભીત બન્યો. એનું ગુન્હાહિત હૈયું કંપી ઊઠ્યું. પવનના ઝપાટે જેમ વૃક્ષનાં પાંદડાં હાલી રહે તેમ જ તો ! અને મંગળાના હાથમાંથી છૂટેલું દાતરડુ પોતાને કારમો ઘા કરે તે પહેલાં તે સહેજ દૂર હટી ગયો. છતાં દાતરડાને પકડવા જતાં તેના હાથમાં પેસી ગયું અને હથેળી ચીરાઈ ગઈ. લોહી વહેવા માંડ્યું, વેદનાની આછી ચીસ તુલસી પાડી ઊઠ્યેા, ‘ઓ બાપરે...’
તુલસીના હાથને પોતાનું દાતરડું બરાબર વાગી ગયું છે અને તેમાંથી લોહી વહેતું થયું છે એ જોતાં જ તેનો ગુસ્સો અનેક ગણો વધી ગયો. લોહીથી ખરડાયેલા દાતરડાને જમીન પરથી મંગળા એ ઉઠાવી લીધું ને આવેશમાં આવીને તેણે તુલસીની છાતીમાં ઘા કરવાનો પ્રયત્ન પણ કર્યો. પણ એ પ્રયત્ન સફળ થાય તે પહેલાં તો બહારથી વાડ પરથી અવાજ આવ્યો ‘મંગળા લે હેંડ અમે ચાલતા થઈએ છીએ આવી પહોંચ તો !’ ને અવાજ સાંભળતાં જ ગભરાયેલો તુલસી, હાથમાંથી વહી જતાં લોહીને બીજા હાથે દબાવતો વાડ ઠેકીને ભાગી ગયો; ખેતરની ધરતી પર લોહીની ધાર થયેલી હતી.
મંગળા વિસ્ફારીત નેત્રે નાસી છૂટતા તુલસી પર ફિટકાર વરસાવતી રહી. ‘મૂઆ કાળોતરા તારું તો મોં જ છુંદી નાંખવું જોઈએ.’
ત્યારે મંગળાની રાહ જોતાં નેળિયામાં થોડેક દૂર જઈને ઊભી રહેલી સખીઓએ લોહીથી તરબોળ હાલતમાં તુલસીને ખેતરની વાડ કૂદીને ભાગી જતો જોયો. જીવ લઈને ભાગતા કોઈ હરામખોર જેવી તેની હાલત હતી. અને મંગળા જે ખેતરમાં હતી તે ખેતરની વાડ ઠેકીને બહાર આવેલા તુલસીને લોહી નીતરતી હાલતમાં જોતાં તેઓ ગભરાઈ ગયા. કાંઈ અનિષ્ટ બન્યું હોવાની તેમને શંકા થઈ, લોહીથી ખરડાયેલો તુલસી આમ ભાગી છૂટ્યો તો ખેતરમાં એકલી રહેલી મંગળાના શા હાલ થયા હશે એવી ચિંતા પણ તેમને થવા માંડી ને તેમણે પાછા પગલાં દીધાં. ખેતરમાં આવીને તેમણે સામટી બૂમો મારવા માંડી ‘મંગળા રે ઓ મંગળા !’
મંગળા હજી પણ ભયથી કાંપતી ફાટી ગયેલી આંખોએ શૂન્યમનસ્ક બનીને જમીન પર બેસી રહી હતી, ક્ષણેકમાં શું થઈ ગયું એના જ વિચારમાં તે ગરક થઈ ગઈ હતી. સખીઓની બૂમો તેના કાન પર અથડાતી હશે પણ એની ચેતનાને બૂમો સ્પર્શી શકતી ન હતી.
‘મંગળા, ઓ મંગળા...!’ નિર્જન ખેતરમાં મંગળાની બૂમો પડતી હતી; અને સખીઓ આમતેમ જોતાં આગળ વધતી હતી. ત્યાં તો સાવ જડ બની ગયેલી મંગળા એમની નજરે પડી અને સૌના શ્વાસ ઊંચા ચડી ગયા. તુલસીને જે સ્થિતિમાં તેમણે નાસી જતાં જોયો હતો એ જોતાં તેમના મનમાં જે અમંગળ શંકાઓ જન્મી હતી એ અમંગળ શંકાઓ મંગળાની હાલત જોતાં વાસ્તવિક જણાઈ અને તેઓ સામટા હાંફળા હાંફળા તેની પાસે દોડી આવ્યા, એને ઘેરી બેઠા. સૌના વદન પર ચિંંતાની વાદળી દોડતી હતી.
‘મંગળા...’ એકે તેના દેહને હલાવીને પ્રશ્ન કર્યો. ‘એલી આમ કેમ લાકડા જેવી બની ગઈ છું ? શું થયું એ તો કહે ? પેલો હરામખોર તુલસી અહીં આવ્યો હતો? એને લોહી કેમ નીકળતું હતું ?’
પણ મંગળા પાસેથી તેનો જવાબ મળતો ન હતો, હજીયે તે અચેત જડ શી બેસી રહી હતી. જે કાંઈ બની ગયું હતું એનું દુઃખ એના હૈયાની લાગણીઓને ખતમ કરી ગયું હોય તેમ વિસ્ફારિત નેત્રે સ્થિર દૃષ્ટિએ બેસી જ રહી હતી. મંગળાની આ હાલત જોતાં તેની સખીઓના દિલમાં પણ દારૂણ વ્યથા વ્યાપી ગઈ હતી.
‘મંગળા ઊઠ, ઊભી થા તો!’ આખરે બે જણાએ તેના હાથ પકડીને તેને ઊભી કરી અને લગભગ પોતાની સાથે જ તેને ખેંચવા માંડી.
અને હળવે હળવે મંગળાના જડ દેહમાં ચેતન પાંગરતું હોય એમ તે ચાલવા લાગી; પણ અબોલ હતી, તો એની સખી પણ કાંઈ બોલતી ન હતી. સૌના મનમાં મંગળાની આ હાલત દારૂણ વ્યથા પેદા કરતી હતી.
સૌના મનમાં એક જ કોયડો હતો. મંગળાની આ મૂઢ દશા અને લોહી નીકળતો શિકાર પાછળ પડ્યો હોય અને જીવ લઈને કોઈ પ્રાણી નાસવા માંડે નાસતાં નાસતાં કાંટા, ઝાડ, ઝાંખરાંમાં કાયા ફસાઈ જતી હોય પણ મૃત્યુ પાછળ જ ઊભું છે એવા ભયથી કશી જ પરવા કર્યા વિના નાસવા માંડે અને તેની કાયામાંથી લોહી વહેતું રહે છતાં જીવ બચ્યાનો સંતોષ લઈને દોડે તેમ તુલસી દોડતો હતો. એને મંગળાની આ હાલત સાથે કોઈ સંબંધ ખરો ?
પણ મંગળા જ બોલતી ન હતી ને ! બળપૂર્વક તેને ઘેર ઢસડી લાવ્યા હતા ને ઘરના આંગણામાં જ બેઠેલી જીવકોરને જોતાં જ તે સખીઓના હાથમાંથી છૂટીને જીવકોરના ગળે વળગી પડી હતી. એનુ રૂંધાયેલું રૂદન શરૂ થઈ ગયું હતું. જીવકોરના ખભા ઉપર માથું મૂકીને મંગળાએ ડૂસકાં લેવા માંડ્યાં.
જેમ જીવકોરને મંગળાની આ હાલત સમજાતી ન હતી તેમ એને મૂકવા આવેલી સખીઓ પણ કાંઈ કહી શકે તેમ ન હતું. લાચાર બનીને તેઓ પાછી ફરી અને જીવકોર મંગળાને આશ્વાસન દેતાં પૂછવા લાગી, ‘પણ થયું છે શું એ તો કહે ? લલ્લુકાકાએ કાંઈ કહ્યું ? તુવેરસીંગ પડાવી લીધી ?’
મંગળા તો આંસુ જ સારતી મૂંગી રહી હતી. જીવકોરના તમામ પ્રયત્ન છતાં મંગળાના મોંમાંથી જાણે કોઈએ જીભ જ ખેંચી કાઢી હોય ને વાણી છીનવાઈ ગઈ હોય એમ એક શબ્દ પણ બહાર નીકળતો ન હતો.
જીવકોરની તો મતિ મૂંઝાઈ ગઈ; જ્યારે તે પોતાની સખીઓ સાથે લલ્લુકાકાને ખેતરે તેમના આગ્રહથી તુવેર લેવા ગઈ ત્યારે તે સાવ સાજી સમી નરવી હતી ને આ શું બની ગયું ? શાથી બન્યું ?
પ્રશ્નોના જવાબ શોધતાં શોધતાં એનું મન વહેમના વમળમાં અટવાઈ પડ્યું. કોક વળગાડ હશે? ખેતરમાં જતાં કાંઈક વળગ્યું હશે ? ને મંગળા મૂંગી રહી. માત્ર આંસુ સારતી પડી રહી હતી એ જોઈને જીવકોરના મનને વળગેલો વહેમનો વળગાડ વધુ જોર પકડતો હતો.
આકાશમાંથી ભગવાન ભાસ્કર વિદાય લઈ રહ્યા હતા. શિયાળાની ઠંડી વધતી હતી. અને પ્રકાશ પાછળ અંધકાર ઝડપથી આગળ વધી રહ્યો હતો. સંધ્યાના રંગ માનવી જોઈ શકતો ન હતો; તરત જ રાત્રિના અંધારા પૃથ્વી પર છવાઈ જતા હતા.
જીવકોરનું મન બળતું હતું. પોતાની દીકરીની આવી હાલત એનાથી જોવાતી ન હતી, દીકરીને હૈયા સરસી ચાંપીને તેણે પણ રડી લીધું હતું. આંસુભરી આંખે તેણે દીકરીની આંખ સામે લાવીને પૂછ્યું હતું, ‘શું થયું છે મંગળા ? મને તો કહે ?’
પણ મંગળા કહી શકતી ન હતી. માતાની દારૂણ વ્યથા, એની જે આંખોમાંથી પોતે સદાકાળ સ્નેહ નીતરતો જોયો છે તે આંખોમાંથી અવિરતપણે અશ્રુધારા વહેતી જોઈને એનું મન પણ વ્યથિત બની રહ્યું હતું. કહેવું હતું. પણ જીવ્હા ટૂંકી થઈ જતી હતી એટલે તે માતાને વળગી પડતી હતી.
ને મા દીકરી આમ લાંબા વખત સુધી એકબીજાને વળગીને બેસી રહ્યાં. રાત્રિ જામવા લાગી હતી. ફળિયું શાંત થઈ ગયું હતું. ઠંડીના કારણે ફળિયામાંનાં કૂતરાં પણ હૂંફ મેળવવા ક્યાંક પડી રહ્યાં હતાં. ચોમેર નિર્જનતા હતી. જીવકોરના ઘરમાં છવાયેલી નિર્જનતાનો ક્યારેક મા-દીકરીના ડૂસકા ભંગ કરતાં હતાં.
‘ચાલ ઊઠ તો મંગળા, સૂઈ જા ! જે હોય તે સવારે વાત !’ એમ કહીને જીવકોરે મંગળાને ઠંડીથી બચાવવા કામળો ઓઢાડતાં કહ્યું ને પોતે ઊભી થઈ ગઈ. એનો હાથ પકડીને ઊભી કરતાં કહ્યું, દીકરી જો પોતાના દિલને જનેતા સમક્ષ નહિ ઉઘાડે તો જગતમાં તેને માટે એવું કોઈ બીજું સ્થાન જ નથી કે જ્યાં તે દિલ ખોલીને વાત કરી શકે.’
ને મંગળાને ખાટલામાં સુવાડી પોતે તેની પડખે બેસી તેના દિલના દર્દને જાણવા મથી રહી હતી.
ને એમ મંગળાની આંખ મીંચાઈ ગઈ હતી પણ જીવકોર તો પોતાની પથારીમાં પડ્યા પડ્યા અજંપાની વેદનામાં સળગતી હતી. મંગળાને શું થયું છે શા માટે એક શબ્દ પણ બહાર કાઢતી નથી વિગેરે પ્રશ્નો એની મૂંઝવણને વધારી રહ્યા હતા.
અવારનવાર પથારીમાં આમથી તેમ પડખાં ફેરવતાં મનમાંની શંકાઓના જાળાઓને તોડવા મથતી તો ક્યારેક ભગવાનનું નામ સ્મરણ કરતી. અને પોતાની બાજુના ખાટલામાં જ ઉંઘમાં પડેલી મંગળા સામે નજર કરતી તો અંધકારમાં પણ તેની રડી રડીને સૂઝી ને ટોટો જેવી થઈ ગયેલી આંખો જોઈને છળી ઊઠી હતી.
ક્યારેક ઊંઘમાંથી ઝબકીને મંગળા ચીસ પાડી ઊઠતી, ‘એરુ ...ઓ બાપરે...’
ને એકદમ જીવકોર ઊભી થઈને તેને હૈયા સરસી દબાવીને કહેતી, ‘મંગળા ઓ મંગળા !’
પ્રત્યુત્તરમાં મંગળા પુનઃ શાંત થઈ જતી હતી.