ખાખનાં પોયણાં/કાળજાનો ઘા
| ← પહેલો તણખો | ખાખનાં પોયણાં કાળજાનો ઘા પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
ઊંબરો ઓળંગ્યો → |
કાળજાનો ઘા
આખા ગામમાં હોબાળો થયો હતો.
નાનાં ને મોટાં સૌ કોઈના મુખમાંથી એટલા જ શબ્દો સરી પડતા હતા. ‘જતી જિંદગીએ માસ્તરને મરવા દા’ડો આવ્યો ! શિવે તો ગજબ કર્યો?’
માસ્તર પણ જ્યારથી શિવ પોલીસના પંજામાં પડ્યો હોવાનું જાણ્યું ત્યારથી સમસમીને બેસી રહ્યા હતા. એમને પોતાના જીવન પર પણ કંટાળો આવતો હતો. પણ આત્મહત્યાના પાપથી તેઓ ડરતા હતા. કોણ જાણે કયા ભવના પાપ અત્યારે તેઓ ભોગવી રહ્યા છે, તો વળી આત્મહત્યા કરીને સાતે ભવ શા માટે બગાડવા ? એવા કાંઈક ખ્યાલથી તેઓ હિંમત હારી જતા હતા.
મુખીએ માસ્તર સમક્ષ શિવ તેમની શરમને કારણે પોલીસના હાથમાં સપડાતો બચી ગયો તે વિષે જે કાંઈ કહ્યું તે પછી માસ્તરના મનમાં રોજનો અજંપો ઘર કરી ગયો હતો. એ દિવસે શિવની પત્ની રૂખીનાં આકરાં વેણ તેમણે શાંતિથી સહી લીધાં હતાં. અને સાંજે જ્યારે શિવ ઘેર આવ્યો ત્યારે તેમણે પોતાના પેટના પાસે પણ જાણે કુટુંબની પ્રતિષ્ઠાની ભીખ માગતા હોય એમ તેણે અતિ આર્દ સ્વરે કહ્યું હતું...
‘શિવ ! બેટા ! જોજે મારું મોત બગાડતો ?’ તેવા દીન વચનો હતા માસ્તરના: વૃદ્ધાત્વ, અશક્તિ અને અસહાયતા, સિંહને પણ કંગાલ બનાવી મૂકે છે અને જેઓ એક વખત તેની સમક્ષ ઢૂંકી શકતા ન હતા તેવાં શિયાળવાં પશુ સિહની મજાક કરતા હોય છે. માનવીના સંબંધમાં પણ એવું જ કાંઈક છે ને ? નહિ તો દેવશંકર માસ્તરનો એક વખત જમાનો હતો. સૌના આદરભાવ પામતા આ માસ્તરની સૌ અદબ જાળવતાં પણ આજે તેઓ પોતાના દીકરા પાસે દીન બનીને પોતાના હાથ લંબાવી રહ્યા હતા. પોતાના દેખતાં, પોતાના જીવતાં પોતાની પ્રતિષ્ઠાના લીરા ન ઊડે તે જોવાની જ તેમની એક માત્ર અંતિમ ઇચ્છા હતી. તેઓ જાણતા હતા કે જે પ્રતિષ્ઠા તેમણે ગામમાં સ્થાપતિ કરી છે તેની પાછળ પોતાનો અને ચંચળનો કેટલો શ્રમ, અને ત્યાગ પડેલો હતો.
પણ શિવને પિતાની વાત કાનમાંથી હૈયામાં ઉતરતી જ ન હતી ને! માસ્તરે તેની સમક્ષ ભીખ માંગી તે પહેલાં રૂખીએ તેની સાથે બરાબરનો મોરચો માંડ્યો હતો. શિવ ઊભો ને ઊભો સળગી જાય તેવા શબ્દોમાં તેણે ડામ દીધા હતા.
તેણે કહ્યું હતું, ‘આવા રખડેલ, જુગારીની બૈરી પછી કાળાં ધોળાં ન કરે તો શું કરે? ધણીને ભરખી જાય ?’
અને શિવે પણ પત્નીના સકારણ રોષને ગણકાર્યા વિના જ જવાબ દીધો હતો.
'તો તને કોણે બાંધી રાખી છે ? વહેલા મોડા તું એ કરવાની જ છું ને!’
ને રૂખીના હાડ સળગવા લાગ્યાં. માથું કૂટતાં, આક્રંદ કરતાં તે બોલી, ‘તમે તો એમ જ ઇચ્છો છો ને? જરા લાજશરમ છે ? ગમે તેમ તો પણ હું બ્રાહ્મણની દીકરી છું. તમારી તો નહિ પણ મારા બાપની આબરુનો મને ખ્યાલ છે.’
ઝઘડો વધી પડે તે પહેલાં શિવ બહાર નીકળી ગયો. એક તો ગઈ કાલે જે કાંઈ બની ગયું હતું તેની શરમ તેની આંખોમાં હતી એટલે પત્ની સાથેનો ઝઘડો લંબાવવાથી તેના જે અનર્થો પેદા થવાના હતા તેનો તેને ખ્યાલ હતો, એટલે મૂંગો મૂંગો તે બહાર નીકળી ગયો.
તો બહાર માસ્તરે એને પકડ્યો ને પોતાની પ્રતિષ્ઠાની ભીખ માંગી, એથી પત્નીના ગુસ્સાને ગળી ગયેલો શિવ, માસ્તર પર ઉકળી પડ્યો ને તોછડાઈથી બોલ્યો, ‘તમારું મોત ક્યાં બગાડું છું ?’
માસ્તરે કહ્યું, ‘બેટા! ગામમાં હું જે સાંભળું છું તેથી મને લાગે છે કે તું મારું મોત બગાડીશ.’ ને આર્દ સ્વરે કહ્યું, ‘તને આ શું સૂઝ્યું છે એ તો કહે? ઉચ્ચ જાતમાં જન્મ્યા છતાં નાના હલકા લોકોના લક્ષણો તારામાં ક્યાંથી આવ્યાં? જીંદગીભર મેં કોઈ વ્યસન રાખ્યુ નથી. જુગાર વિષે હું જાણતો પણ નથી છતાં તારામાં આ બધું ક્યાંથી આવ્યું ?’
'તમે શા માટે મારી ચિંતા કરો છો?’ શિવે કહ્યુંને ઉમેર્યું, 'હું મારી ચિંતા કરું એવો સમર્થ છું; તમને ન ફાવે તો હું તમારા ઘરમાં ન આવું પછી તમને શું જોઈએ ?’
કેવી વિચિત્ર વાત હતી ? પોતે તો શિવને સલાહ દેતા હતા; પણ શિવ એના કેવા જવાબ દેતો હતો? મર્યાદાનો લોપ કરીને કેવાં કડવાં વેણ સંભળાવી રહ્યો હતો ?
‘ના રે બેટા !’ માસ્તરે જવાબ દીધો ને કહ્યું, 'તું શા માટે ન આવે? આ ઘર તો તારું છે, મારું શું છે અહીં કહે તો બે ટાણા તારી વહુ થાળી ઠેલી મૂકે છે તેમાંથી ભાવે તેટલું ખાઈને પડી રહું છું. મારે અને આ ઘરને હવે શો સંબંધ છે?’
‘તો પછી તમ તમારે શાંતિથી જે કરતા હો તે કરોને!’ શિવ માસ્તરના દિલ પીગળાવી નાંખે તેવા વચનોથી પીગળ્યો હોય એમ જણાતું હતું.
‘છતાં પણ તારા વિષે જ્યારે કાંઈક સાંભળું છું ત્યારે ત્યારે મારા મનની શાંતિ હણાઈ જાય છે. મને જીવવું પણ અકારું લાગે છે.’ માસ્તર દિલ ખોલીને દીકરા સમક્ષ હૈયાની વેદના ઠાલવતા હતા.
‘તો પછી તમને ઠીક લાગે તેમ કરો.’ શિવ સાવ છૂટી પડ્યો ને ઘરમાં જઈ માથે ટોપી મૂકીને ઘરમાંથી બહાર નીકળતાં બોલ્યો, ‘ઓરડામાં ખોલકી બોલે ને બહાર બાપા બોલે, ક્યાં જઈને બેસવું ?’
ઘરમાંથી બહાર જતાં શિવનું કાંડું પકડીને તેને ઊભો રાખતાં માસ્તરે કહ્યું, ‘તું ક્યાં જાય છે આ ઘરમાંથી? આ ઘરમાં તું પેદા થયો, આ ઘરમાં તું મોટો થયો, આ ઘરના ઓરડામાં તારી પત્ની છે અને બાળક છે. તારા માટે તો આ ઘરમાં ઘણુંબધું છે. તું શા માટે ઘર બહાર જાય છે ?’
‘મને જવા દો. તમારું ઘર મને ખાવા ધાય છે ?’ બાપના પંજામાંથી કાંડુ છોડાવતાં શિવ ઘૂરક્યો ને બોલ્યો, ‘તમે બંને જણા અહીં રહો. હું ગમે ત્યાં પડ્યો રહીશ !’
માસ્તર પણ હવે દીનતા છોડીને થોડાક ટટ્ટાર થયા. મરવા પડેલો સિંહ પણ શિયાળવાંના હદ ઉપરાંતના ત્રાસથી થાકીને જેમ ઘૂરકારી કરે તેમ માસ્તરે પણ શિવ સામે રાતા લોચન કરતાં જરાક ઊંચા સાદે કહ્યું, ‘અક્કરમી ! આ ઘરના તો તેં ફના ફાતિયા કરી નાંખ્યાં છે, ગામમાં નાક તો વાઢી નાંખ્યું છે. સાત પેઢીની આબરુનું તો લીલામ કર્યું છે. હવે તું ક્યાં જવાનો હતો કહે તો? પેલા રજપૂતને ત્યાં પડી રહીશ ! એના એંઠા ચાટીશ ! મદિરા પીને ગાંડો બનીશ, જુગાર ખેલીને સર્વનાશ નોંતરીશ ?’
‘બાપા ! હવે હદ થાય છે?’ શિવને ક્યારેય આવા વચનો તેના બાપ પાસેથી તેની આટલી મોટી વય થવા છતાં સાંભળવા મળ્યા ન હતાં. એથી માસ્તરના વચનો સાંભળતાં શિવ પણ બગડી બેઠો. તેણે એક છાસીયું કર્યું.
‘હદ તો હજી હવે થશે જ્યારે ફરીને તું પોલીસના પંજામાં સપડાઈશ.’ માસ્તર આગળ વધી ગયા. પોતાના દીકરા વિષે આવી ભવિષ્યવાણી પોતાના મુખમાંથી કેમ નીકળી પડી તે પણ તેમને સમજાતું ન હતું.
‘જોઈ લેવાશે એ તો !’ શિવે પણ તુચ્છકારથી કહ્યું ને દૂર જતાં બોલ્યો, 'પડશે એવા દેવાશે. તમે તમારે નિરાંતે ખાજો પીજો ને મજા કરજો ! સાંભળો તો પણ દોડતા ન આવશો !’
શિવ વિદાય થયો અને માસ્તર તેને પોતાની નજરથી દૂર થતો જોઈ રહ્યા; જ્યારે તેમણે પાછું વળીને જોયું. ત્યારે તેમના કાને ઘરમાં બારણાની આડે ઊભી રહેલી રૂખીના હિબકાં સંભળાયા, ને પ્રસાદનો રડતો સ્વર સાંભળ્યો.
માસ્તર અબોલ થઈને આંગણાની ઓટલી પર ફસડાઈ પડ્યા. પોતાના કપાળ પર હાથ મૂકતાં તેમણે નિસાસો નાંખ્યો ને સ્વગત બબડ્યા, ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.’
આ વાતને હજી ઝાઝા દિવસો થયા ન હતા ત્યાં તો આખા ગામમાં હોબાળો મચી ગયો. ગઈ રાતે વળી પાછું જુગારીઓએ ઘણું મોટું ધાંધલ મચાવ્યું હતું. અને તેમાં એક બેના જીવ પણ ગયા હતા. પોલીસે નાસી જતા ગુન્હેગારોનો પીછો પકડ્યો હતો અને તેમને પકડી લીધા હતા. એમના હાથમાં લોખંડની બેડીઓ જકડાઈ ગઈ હતી.
શિવ પણ તેમાં હતો. પોતાના સાથીદારો સાથે હાથમાં લોખંડની બેડી સાથે તે પોલીસ થાણામાં બેઠો હતો ત્યારે પરિસ્થિતિનો ડંખ તેના દિલને ડંખતો રહ્યો હતો. બે પગ વચ્ચે માથું નાંખીને બેસી રહ્યો હતો. થાણામાં ધમાલ મચી ગઈ હતી. બે માણસોના મરણ નીપજ્યા હતા. એટલે એના કાગળિયા કરવા વડા મથકેથી મોટા સાહેબો ઉતરી આવ્યા હતા.
આખા ગામમાં વાત પ્રસરી રહી હતી અને શિવને પણ સંડોવાયેલો જોતાં માસ્તર પ્રત્યેની અનુકંપાથી સૌનાં દિલ દ્રવી ઊઠતાં હતાં. માસ્તરને પાછલી જિંદગીમાં જે ફટકા પડી રહ્યા હતા એનો અફસોસ સૌને થતો હતો.
સાંજ સુધી માસ્તર શિવની ખબર કાઢવા ન ગયા કે આંગણામાં ઊભા રહીને ન તો તેમણે કોઈને પ્રશ્ન કર્યો કે શિવને પોલીસે કેમ પકડ્યો છે? આખા દિવસ તેઓ ઘરમાં જ ભરાઈ રહ્યા, ન તો બહારના ઓટલે પણ બેઠા કે ન તો પ્રસાદને પણ હેતથી હૈયા સરસો ચાંપ્યો. જિંદગીમાં આવો ઘા તેમણે ક્યારેય સહન કર્યો ન હતો. પત્ની પોતાને છોડીને વિદાય થઈ ત્યારે પણ એમની આંખમાં આંસુ આવ્યાં ન હતાં. તેમણે પોતાના મન પર સંયમની લગામ એટલી મજબૂતાઈથી નાંખી હતી કે મનનો ઘોડો ક્યારેય ચસકી શકે તેમ ન હતો. એટલે શિવ પોલીસના હાથમાં સપડાયો છે એવા સમાચાર જ્યારે તેમને મળ્યા ત્યારે પહેલાં તો પિતૃવાત્સલ્ય ઉછળી આવ્યું. એમ પણ થયું કે એક વખત મુખીએ તો તેને પોલીસના પંજામાંથી છોડાવ્યો હતો તો આ વખતે તે પોતે જ જાય અને ફોજદારને વિનવીને શિવને છોડાવી લાવે પણ બીજી પળે તેમણે મનમાંથી આ વિચારને દૂર હડસેલી દીધો. શા માટે પોતે જાય ? લોકોના ટિખળનો ભોગ બનવા ? લોકોના શબ્દબાણો ઝીલવા ? ના ના, પોતાનામાં હવે એવી હિંમત જ નથી રહી કે જેથી તે લોક સામે ઊભા રહી શકે ? શિવને વિષે આખું ગામ જાણે છે: એ કેવો છે તે પોતાના કરતાં ગામના લોકો વિશેષ જાણે છે.
દિવસ પૂરા થવા આવ્યો : શોકમગ્ન બનીને ટુંટિયું વાળીને પોતાની પથારીમાં માસ્તર પડી રહ્યા હતા. સવારના મુખપ્રક્ષાલન સિવાય તેમણે કાંઈ જ કર્યું ન હતું. ચાહ પીવાની પણ તેમણે તમા કરી ન હતી, તો અંદરના ભાગમાં રૂખીની હાલત પણ એવી જ હતી. ઘરમાં આજે જાણે અગિયારસ ઘુમ્મરીઓ લેતી હતી. નાનો પ્રસાદ પણ પરિસ્થિતિ પામી ગયો હોય એમ પડી રહ્યો હતો, વચ્ચમાં તે ઊઠ્યો હતો અને ભૂખથી પીડાતાં રડતો હતો. ત્યારે રૂખીએ તેના હાથમાં ગઈ રાતના રોટલાનું બટકું મૂકી દીધું. જે ખાઈને પાછો સૂઈ ગયો હતો. આંસુની ગંગા જમના વહાવીને તેનું મુખ પણ મ્લાન બની ગયું હતું. ક્યારેક એના મનમાં થયું કે પોતે માસ્તરને વિનવીને તેમને મોકલે, તપાસ તો કરી આવે કે મામલો શો છે ? અને તે બહાર પગ દેતી ત્યારે માસ્તરની હાલત જોતાં વાત કરવાની હિંમત તેનામાં પેદા થતી ન હતી.
‘અરે માસ્તર ઘરમાં છે કે ?’ ગંભીર શૂન્યતાને ચીરતો અવાજ માસ્તરના કાને અથડાયો ને જાણે મૃત્યુગાહમાંથી ઊઠતા હોય એમ માસ્તરે પથારીમાં બેઠા થઈને જવાબ દીધો.
‘હા. ભાઈ ઘરમાં જ છું !’ એ અવાજ ધીમો હતો. દર્દ દુઃખથી ઘેલો બની ગયો હતો.
‘તો શિવનું શું કરવાનું છે ?’ માસ્તરને પ્રશ્ન થયો. એ પ્રશ્નકાર મુખી પોતે જ હતા. માસ્તરે તેમને ઘરમાં આવતા જોયા અને પથારીમાંથી ઊભા થતાં મુખીને જવાબ દેવા માંડ્યો.
'શું કરવાનું છે મુખી ?’ વળતા પ્રશ્ન થયો.
‘તમે તો દેખાયા જ નહીં ને?’ માસ્તરની પથારીની કોર દબાવીને બેસતાં મુખી બોલ્યા.
અંદરના ભાગમાં થોડો સળવળાટ થયો : અચેતની મૂર્તિશી રૂખી પણ વાત સાંભળવા દીવાલ પાસે આવી હોય એમ લાગતું હતું, ને પ્રસાદ રડતો હતો.
‘શું આવું મુખી ?’ માસ્તરની આંખોમાં ગમગીની હતી; કહ્યું, ‘આ કાળું મોં હવે કોને દેખાડું ? કુલાંગારે મારું તો મોત બગાડ્યું.’
ને પછી કાંઈક યાદ આવ્યું હોય એમ તેઓ બોલ્યા, ‘મારી સામે તો ભલે ન જોયું, પણ આ નાનકડા પ્રસાદની અને તેની માની તો દયા ખાવી હતી ?’
બોલતાં બોલતાં હૈયું હાથ ન રહ્યું. ગળામાં ભરાઈ આવેલો ડૂમો અવ્યક્ત રહી શક્યો નહિ: તેમણે ધ્રુસ્કા નાંખવા માંડ્યા: ગદ્ગદ્ કંઠે કહેવા લાગ્યા, ‘મુખી તમે પણ ઘણું કર્યું…’
માસ્તરનું આક્રંદ જોઈને મુખીનું હૈયું પણ વલોવાઈ જવા લાગ્યું. અંદર બેઠેલી રૂખીનાં ડૂસકાં પણ સંભળાતાં હતાં.
મુખીએ કહ્યું, ‘માસ્તર કાલ સવારે તો તેને શહેરમાં લઈ જશે તે પહેલાં એકવાર તો તમે મોંએ થઈ આવો ! જે થયું તે ખરું ! પણ પેટ છે, માસ્તર તમે હવે હિંમત રાખો ને તેને પણ હિંમત તો આપો.’
‘અરે મુખી !’ બોલતાં બોલતાં માસ્તરે પોતાનું કપાળ કૂટ્યું ને કહ્યું, ‘હું શી રીતે હિંમત રાખું ? ને એને પણ શી હિંમત આપું ? આ તે કયું સારું કૃત્ય છે કે દીકરો દેશાવર જાય છે તે વળાવા જવાનું મન થાય ?’
‘છતાં પણ પગ પર પાણો પડ્યો છે તે દૂર કર્યા વિના ચાલવાનો છે માસ્તર ? ર્કોટમાં એનો બચાવ કરવા વકીલ તો કરવો પડશે ને? માવતરથી કાંઈ મૂંગા મરી રહેવાય છે?’
પણ માસ્તરનું મન માનતું ન હતું, એમના દિલનો ઘા મુખીના દિલાસા ને આશ્વાસનોના મલમપટ્ટાથી પણ રૂઝાતો ન હતો.
તેમણે કહ્યું, ‘એમ કરો મુખી ! તમે રૂખીને અને પ્રસાદને લઈ જાવ અને મારા વતી કહેજો કે તું તારા કર્મો ભોગવે ત્યાં સુધી તારો બાપ જીવતો હશે તો તારી વહુ ને દીકરાને જાળવશે: એની ચિંતા ન કરતો!’
‘તે હું જઈને શું કરવાની હતી ?’ અત્યાર સુધી મૂંગી રહેલી રૂખી પણ બોલી ઊઠી ઉમેર્યું : ‘મારે પ્રસાદનું પણ શું કામ છે ?’
‘કાં વહુ !’ માસ્તરને રૂખીના શબ્દો સ્પષ્ટપણે સમજાતા ન હતા એટલે સ્પષ્ટતા કરવા પૂછ્યું.
રૂખીએ સ્પષ્ટતા કરતાં કહ્યું. ‘તમારા દીકરાની તમને જો પડી નથી તો મારે કયા સાત ભવ કાઢવા છે? એ જશે આમ તો હું જઈશ, મારા બાપને ત્યાં રોટલા તો મળી રહેશે.’
બીજો સમય હોત તો કદાચ માસ્તરે તેનો જવાબ આપ્યો હોત પણ અત્યારે એ સમય ન હતો. રૂખી જે કાંઈ કહેતી તે તેનો અવિકાર છે એમ તેઓ સમજતા હતા. શિવ આવો અક્કરમી પાક્યો ને રૂખીના જીવતરને બાળી મૂક્યું એનો તેમને અજંપો પણ હતો. એટલે તેઓ શાંત રહ્યા. ન બોલ્યા કે ન પ્રતિકાર કર્યો.
‘ના માસ્તર તમે પણ આવો જ !’ મુખીએ આગ્રહ કર્યો ને તેમનો હાથ પકડીને ઊભા કરતાં કહ્યું ‘ચાલો ઊભા થાવ! દુઃખ તો માણસને માથે પડે છે માસ્તર ! એમ તે કાંઈ હારી જવાતું હશે ?’ માસ્તર ઊભા થયા, એટલે દીવાલ પરની ખીંટી પરથી માસ્તરની ટોપી લઈ માસ્તરને માથે હાથ મૂકતાં કહ્યું લે ચાલો હવે ! ‘ને અંદરના ભાગ તરફ દૃષ્ટિ નાંખતા રૂખીને કહ્યું તમે પણ ચાલો ! મળી તો લો પછી એનો ઉપાય થઈ રહેશે.’
આભમાંથી અંધારા વરસતા હતા, રસ્તાઓમાં શૂનકાર છવાયો હતો ત્યારે માસ્તરને દોરીને મુખી પોલીસ ચોકી તરફ જઈ રહ્યા હતા, એમની પાછળ કાખમાં પ્રસાદને બેસાડીને રૂખી ચાલતી હતી.
તળાવના કાંઠે ગામની ભાગોળે પોલીસ થાણું આવેલું હતું. નાનકડા ગામમાં પોલીસ અને જમાદારો પણ ગામનો જ એક ભાગ બની રહ્યા હતા. પરિણામે કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની જવાબદારી ક્યારેક અંગત સંબંધોને કારણે ઢીલમાં પણ પડતી હતી. જમાદાર કેટલાય વખતથી જાણતા હતા કે શિવ અઠંગ જુગારી બની ગયો છે. આખા દિવસ જુગારના ધામા ચલાવે છે. એટલું જ નહિ પણ શિવના જુગારના થાણામાં રમવા માટે બહારથી પણ જુગારીઓ આવી રહ્યા છે છતાં માસ્તરની આંખની શરમ જમાદારને નડતી હતી. કેટલીકવાર તેમણે શિવને ચેતવણી પણ આપી હતી કે જો માસ્તરની શરમ નડતી ન હોત તો તને ક્યારનોય જેલ ભેગો ધકેલી દીધો હોત, હજી પણ સમજ !’
પણ શિવને જમાદારની આ ચેતવણીની કોઈ જ પરવા ન હોય એમ જમાદારને કહેવા લાગ્યો. ‘જમાદાર સા’બ ! તમે કશી જ ચિંતા ન કરશો.’
‘ચિંતા તો મારે શી હોય શિવ ?’ શિવ પોતાની મશ્કરી કરે છે એવો સંદેશો થતાં જ જમાદારની આંખ રક્તવર્ણી બની ગઈ, સત્તાનો કેફ આંખોમાં વર્તાવા લાગ્યો.
ને કહ્યું ‘મને તો માસ્તરની દયા આવે છે, બાકી તો હમણાં તને શીખવી દઉં ?’
શિવ જમાદારના શબ્દોની ઉપેક્ષા કરતો ચાલ્યો ગયો ત્યારથી જમાદારે પણ મનમાં ગાંઠ વાળી દીધી હતી કે એક દિવસ શિવને ચમત્કાર બતાવવો જ પડશે.
એટલે થોડા દિવસ પહેલાં શિવના સાથીઓએ ગામની પેલી ભાગોળે ખેતરમાં દંગો મચાવ્યો ને આખું ગામ હલબલી ઊઠ્યું ત્યારે જમાદારે શિવાને ઝડપી લીધો ને ફોજદાર સમક્ષ તેને રજૂ કરતાં કહ્યું. ‘આ પાપ જ આ બધાનું મૂળ છે, સાહેબ ! એનો નિકાલ કરશો તો ગામમાં શાંતિ રહેશે.’
ફોજદાર નવા હતા અને જમાદારના કથન પર તેમને પૂરતો ઈતબાર હતો. શિવને એક જ દૃષ્ટિએ માપી લીધો ને પૂછ્યું ‘તું જ જુગારનો અખાડો ચલાવે છે ને?’
શિવ સમજી ગયો હતો કે પોતે આબાદ સપડાયો છે; એટલે તેણે ફોજદારને શાંત મગજથી જવાબો દેવા માંડ્યા;
તેણે કહ્યું, ‘કોઈક વાર હું રમું છું એટલું જ !’
‘કોઈકવાર ! બદતમીજ ?’ શિવનો જવાબ સાંભળીને બાજુમાં ઉભેલા જમાદારે ત્રાડ નાંખીને કહ્યું ‘મેં તને કેટલીવાર ચેતવ્યો, હતો, માસ્તરની શરમ પણ ક્યાં સુધી રાખવી ?’
ફોજદાર શિવને સળિયા પાછળ ધકેલી દે તે પહેલાં ગામમાં થયેલા કોલાહલથી નિદ્રાભંગ થયેલા મુખી દોડતા આવ્યા. શિવને જોતાં જ તેઓ પરિસ્થિતિ પામી ગયા.
ને તેમણે ફોજદારને સમજાવી લીધા, તત્કાળ શિવ કાયદાની ચૂંગાલમાં સપડાતાં બચી ગયો : મુખીના મનમાં એવો વિશ્વાસ હતો. કે માસ્તર તેને હવે આગળ વધતો અટકાવશે એટલે તેમણે માસ્તરના કાને વાત તો નાંખી પણ શિવ એટલી હદે આગળ વધી ગયો હતો. કે તેને હવે પાછો વાળવાની વાત તો ક્યાં રહી પણ અટકાવી શકવાની વાત માસ્તરને માટે સહેલી ન હતી. માસ્તરે પ્રયત્ન કર્યો હતો ત્યારે શિવે તેનો જવાબ કેવું છાસીયું કરીને વાળ્યો હતો ? રસ્તે ચાલતાં માસ્તરના મનનો મનોવ્યાપાર એવો હતો કે શિવ પાસે તે જઈને શું કરશે ? ફોજદારને તે કઈ રીતે વિનવી શકશે ? શિવનો છૂટકારો થાય તો પણ શિવ પાછો ફરવાનો હતો શું?
ત્યારે માસ્તરની પાછળ પગલાં દબાવીને ચાલતી રૂખીના મનમાં પણ વિચિત્ર પ્રકારનું ર્ઘષણ ચાલતું હતું.
અને આમ બંને અંધારા ચીરીને પોલીસ ચોકીમાં આવ્યા. ત્યારે ફાનસના અજવાળામાં ફોજદાર સાહેબ કાંઈક લખતા હતા જમાદાર બાજુમાં બેઠા હતો, તેણે માસ્તરને જોતાં જ મોટા સાદે કહ્યું ' અરે માસ્તર તમે આટલી રાત્રે?'
ફોજદારે ચશ્માની દાંડી ઊંચી કરીને માસ્તર સામે નજર નાંખી: વૃદ્ધાવસ્થામાં જેની કાયા જર્જરીત થઈ ગઈ છે એવા માસ્તરના વદન પર ગમગીની છવાયેલી હતી. નિસ્તેજ. આંખો દુઃખની વેદના વ્યક્ત કરી રહી હતી. પોલીસ ચોકીમાં પગ મૂકતાં જ જાણે જીવન હારી બેઠા હાય એમ માસ્તર ઢગલો થઈને પડ્યા. પાછળ રૂખી પ્રસાદને લઈને ઊભી હતી.
ફોજદારને માસ્તર વિષે માન હતું. મુખીએ તેમને વિષે જે કાંઈ કહ્યું હતું, તે ઉપરથી તેમના મનમાં માસ્તર વિષે ભારે આદર પેદા થવા પામ્યો હતો. માસ્તર પ્રત્યે દયાભરી દૃષ્ટિ નાંખતા ફોજદારે અફસોસ વ્યક્ત કર્યો.
ને કહ્યું. - ‘માસ્તર ! હવે મારા હાથની વાત નથી. કાગળો થઈ ગયા છે અને કાલ સવારે તેમને શહેરમાં લઈ જવાશે.’
'જેવી પ્રભુની મરજી !' પોતે બેઠા હતા ત્યાં જ ભીંત સાથે માથાના પાછળને ભાગ પછાડતાં માસ્તરે કહ્યું.
ત્યાં જમાદારે બાજુની કોટડીમાંથી શિવને બહાર કાઢ્યો. માસ્તર સાથે તેનો મેળાપ કરાવવાનો હેતુ હતો. શિવે પણ માસ્તરને અને રૂખીને આવતાં જોયા હતા, એથી એ ગુસ્સે થયો હતો. પોતાની પત્ની અને પોતાનો દીકરો, પોતાને બંદીવાનની હાલતમાં જોઈ જાય એની તેને શરમ ઉપજતી હતી એટલે પહેલાં તો તેણે જમાદારને કહી દીધું કે પોતે કોઈને પણ મળવા માંગતો નથી.
પણ જમાદારે તેને હડસેલો મારીને બહાર કાઢ્યો અને માસ્તર સમક્ષ ઉભો કર્યો.
રૂખી શિવને બંધાયેલી હાલતમાં જોઈને ધ્રૂસ્કા નાંખવા માંડી. બોલી ‘મારા હાથમાં તો તમારા નામની કાચની બંગડીઓ છે પણ તમારા હાથમાં તો સરકારના નામની લોઢાની બંગડીઓ પડી છે ને શું? તે શું આ બંગડીઓ ક્યારેય તૂટશે નહિ?'
રૂખીના વચનો કાળજે વાગે તેવાં હતાં. પત્નીનાં આવાં આકરાં વેણ શિવની મર્દાનગીને પડકારતાં હતાં, પોતે તો સ્ત્રી છે, શિવની પત્ની છે, અને તેની બંગડીઓ ધારણ કરીને તેના ઘરમાં બેઠી છે પણ શિવ તો પુરુષ છે ને? એના હાથમાં આવી લોખંડની બંગડીઓ કેમ? શું શિવ પણ સરકારની પત્ની બની ગયો છે. રૂખી મનોમન પૂછતી હતી.
‘હવે ઝાઝી પંચાત કર્યા વિના તારે ઘેર જ પાછી જાને?' શિવે ગુસ્સામાં જવાબ દીધો.
પણ રૂખીનો ક્રોધ તો શિવના ગુસ્સા કરતાં સહસ્ર ઘણો વધારે ઉગ્ર હતો.
તેણે કહ્યું ‘હવે કોણ છે? જેને પરણીને આવી હતી તે તો જેલમાં જવા બેઠો છે.’
‘તે ઘર કાંઈ હું લઈ જાઉં છું ?'
‘પણ એ ઘર મારા માટે વગડા સમાન છે.'
‘તો તારે ફાવે ત્યાં જા.' શિવે આવેશમાં આવીને જવાબ દીધો ને જમાદાર સામે જોઈને કહ્યું ‘મને પાછો લઈ ચાલો ઊંધ આવે છે!’
પતિ-પત્ની વચ્ચેનો વિવાદ શાંતિથી સાંભળી રહેલા માસ્તરથી હવે શાંત રહી શકાયું નહિ તેઓ જરા ટટાર થયા ને શિવ સામે જોઈને કહેવા લાગ્યા.
‘શરમ નથી આવતી તને કુલાંગાર ?’ માસ્તરના શબ્દોમાં ક્રોધ હતો, એમની આંખોમાં અગ્નિ કણિકાઓ પ્રગટવા લાગી. ‘બૈરી છોકરાને આમ રખડતાં મૂકી દેતાં તને જરા પણ વિચાર ન આવ્યો ?’
‘ને પોતાનું કપાળ કૂટતાં બોલ્યો, ‘મારું તો તેં મોત બગાડ્યું પણ આ નિર્દોષ છોકરાને માથે કલંકનો ટીકો મૂકતાં તને શરમ ન આવી ? કાલે મોટો થશે, ફળિયાના છોકરા સાથે રમવા જશે ત્યારે એ છોકરાં તેને મહેણાં મારશે. તારો બાપ તો જેલમાં છે ત્યારે તેના શા હાલ થશે? હરામખોર, જરા તો લાજ શરમ રાખવી હતી ?’
માસ્તર હજી શાંત થયા ન હતા. શિવ પિતાજીના શબ્દો નીચી મૂંડીએ સાંભળી રહ્યો હતો. મનમાં તો સળગતો હતો પણ તે બોલી શકતો ન હતો ત્યાં તો રૂખીએ પોતાના હાથની કાચની બંગડીઓ ઉતારીને શિવના હાથમાં મૂકી દીધી! પ્રસાદને માસ્તરના ખોળામાં મૂકી દીધો.
ને બોલી, ‘આ તારી બંગડીઓ તને! અને તારો છોકરો તારા બાપને હવાલે, હું હવે છૂટી!’
રૂખીનું આ વર્તન જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. રાત્રિની નીરવતા ગંભીર બની રહી હતી. ફોજદાર તો રૂખી સામે વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા હતા.
શિવે જોરથી ડોકું હલાવીને કહ્યું, ‘રૂખી અત્યારે જો હું આ સ્થિતિમાં ન હોત તો તને બતાવી દેત, પણ જ્યારે હું છૂટીશ ત્યારે આ અપમાનનો બદલો લીધા વિના નહિ રહું એટલું યાદ રાખજે.’ પણ રૂખીને એની કશી જ પરવા ન હતી.
‘માસ્તર તો આ જોઈને આભા બની ગયા. રૂખી આવો કોઈ તમાસો કરી બેસશે એવો તો એમને ક્યાંથી ખ્યાલ હોય ? અને તેમાં પણ બ્રાહ્મણ સ્ત્રી આવા વેણ કાઢશે એમ પણ તેઓ કોઈ માની શકે?
તેમના કાળજામાં શિવે ઘા કર્યો હતો. એ ઘામાંથી રક્ત વહી જતાં તેઓ જીવન હારી બેઠા હતા, પણ રૂખીએ તો તેમના કાળજાને ચીરી નાખ્યું હતું. મોતને પણ તેઓ કદાચ રૂખીના ઘા કરતા મીઠું માની લેત; એમની હાલત તો કહી જાય તેવી ન હતી. પણ સાથે જ તેઓ કાળ અને સ્થાન પરત્વે એટલા સભાન હતા કે તેઓ શાંતિથી રૂખીને સમજાવવા લાગ્યા.
‘વહુ બેટા ! આવાં આકરાં વેણ આપણા મોંમાં ન શોભે! આપણે કાંઈ કોળી વાઘરી છીએ બા?’
પણ રૂખીના મન પર ક્રોધનું ભૂત સવાર થઈ ગયું હતું. લગ્ન જીવનનો આનંદ તો તેણે માણ્યો ન હતો, અત્યાર સુધીનો તેનો સંસાર રગડદગડ ચાલતો હતો. એમાં પ્રસાદના જન્મ પછી માસ્તરને શાંતિ થઈ હતી કે હવે વહુનો જીવ ઘરમાં ચોટશે પણ રૂખીના શબ્દોએ માસ્તરને પણ સમજાયું કે ચોરીમાં દાઝેલી વહુ આજે સંસારને આગ ચાંપવા બેઠી છે.
રૂખીએ કહ્યું, ‘કોળી વાઘરી તો તમારા કરતાં ઘણા સારા, પોતાની પરણેતર અને પોતાના પેટનાની તો સંભાળ લે છે ને ?’
‘પણ એ તો બનવા કાળે બની ગયું. કાલે એ પાછો આવશે ને શાંતિ થશે.’ માસ્તરે તેને મનાવવા માંડી.
‘હવે એવો કોઈ અભરખો મને નથી રહ્યો.’ રૂખીએ માસ્તરને પણ જવાબ દીધો ને શિવ સામે સામે રાતી આંખો કરતાં પૂછ્યું ‘પરણ્યાને આટલા વર્ષો થયાં કો’ દિ મારી સારસંભાળ લીધી છે?’
શિવ અનુત્તર હતો.
માસ્તરે કહ્યું, ‘હવે એ પંચાત અહીં કરવાની હોય વહુ ? ચોરે બેસીને તો ઘરના ઝઘડાના વહિવંચા વંચાતા હશે ? ઘેર ઘેર માટીના ચૂલા છે, બેટા ?’
‘જે હોય તે પણ હવે હું અહીં રહેવાની નથી.’
‘ભલે તો શાસ્ત્રી કુટુંબની શોભા વધે તેમ કરજે !’ માસ્તરે કહ્યું ને ઢીંચણ પર હાથનો ટેકો દઈ ઊભા થતાં ફોજદાર સામે બે હાથ જોડીને દયાભર્યા સ્વરે કહ્યું, ‘તમને તસ્દી આપી છે, ક્ષમા કરજો.’
ફોજદારનું હૈયું પણ દ્રવી ગયું હતું. પણ તેઓ માસ્તરને કોઈ રીતે સહાયભૂત થઈ શકે તેમ નહોતા.
પ્રસાદને લઈને માસ્તરે અંધારામાં ડગ દેવા માંડ્યા. એમની પાછળ પાછળ રૂખી ખેંચાતી હોય તેમ ડગ દેતી હતી.