ખાખનાં પોયણાં/કાળોતરાને નોતરું
| ← માથાભારે માનવી | ખાખનાં પોયણાં કાળોતરાને નોતરું પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
એરુનો દંસ → |
કાળોતરાને નોતરું
ને મંગળા માસ્તરને કહી રહી હતી.
આવા તુલસીના પંજામાં તે સપડાઈ અને ખાટી છાશ બની ગઈ ને તુલસીએ કહ્યું હતું તેમજ થયું, આજે એ ખાટી છાશ બનીને માસ્તર જેવા વૃદ્ધને પનારે પડી, ઉકરડે જ ઢોળાઈ ગઈ છે ને એની જુવાની !
તુલસી મંગળાને દાઢમાં ઘાલીને બેઠો હતો. અવારનવાર તે મંગળાને કહેતો ‘ભલી થઈને સમજી જા ! આ જુવાની તો ચાર દિનના ચાંદ જેવી છે. કાલે આથમી જશે ને મનના અરમાનો અકાળે કરમાઈ જશે !’
‘એની ચિંતા તું શા સારુ કરે છે?’ મંગળા જવાબ દેતી હતી અને કહેતી હતી. ‘મારી ચિંતા મને જ કરવા દેજે. તું નાહકને દુબળો ન થતો !’
‘અરે મંગળા તારામાં જો એટલી જ સમજ હોત ને તો તેં ક્યારનીય મારી વાત માની લીધી હોત !’ તુલસી મંગળા સામે એવી રીતે હસીને બોલતો હતો કે જાણે મંગળા પર તે હેતના કટકા વરસાવતો હતો.
‘તારી વાતમાં માનવા જેવું શું છે ધૂળ ?’
‘કેમ, હું જુવાન નથી ? ને બ્રાહ્મણ નથી શું ?’
‘જુવાન ખરો પણ પ્રજાપતિના ખીલે બંધાય તેવો; બ્રાહ્મણ પણ...’ બોલતાં બોલતાં મંગળા અટકી ગઈ.
‘કેમ અટકી ગઈ ? બોલી નાંખને તારે જે કાંઈ કહેવાનું હોય તે કહી દે. મનમાં શા માટે રાખે છે ?’ મંગળાના શબ્દો કાળજામાં ઊંડા ઘા કરી જાય તેવા હતા છતાં તુલસી ઉશ્કેરાયા વિના શાંતિથી હસવાનો પ્રયત્ન કરતાં કહેવા લાગ્યો ને પછી તેની સાવ નજીક આવીને બોલ્યો. ‘પછી ભવિષ્યમાં તારે પસ્તાવાનો વખત ન આવે તે જોજે!’
‘પસ્તાવાનો વખત મારે શા માટે આવે ?’
'કારણ કે આજે જેને તુ પ્રજાપપતિના ખીલે બાંધે છે તેનું જ ઘર તારે માંડવું પડશે !’
‘લે બેસ હવે !’ વચ્ચે જ મંગળા બોલી ઊઠી, ‘તારું ઘર માંડવા કોણ કમભાગી નવરી હશે ?’
‘કેમ કમભાગી ?’ તુલસીએ પૂછ્યું ને ઉમેર્યું, ‘તું કાંઈ ઓછી જ કમભાગી છું ?’
‘જા. હવે નાહકના...’
‘સાચું કહું છું. મંગળા !’ ને તેણે કહ્યું, 'આવતી કાલે જ જીવકોરકાકી પાસે તારું માંગુ થવાનું છે.’
‘કોણ કરવાનું છે ?’
‘મારી મા, વળી બીજું કોણ ?’
‘ને...’
‘હા, જો જીવકોરકાકી તો મારી માતાનું માંગુ સાંભળતાં જ રાજી રાજી તો થઈ જશે.’
‘ઓહો હો...’ મંગળાએ હાથનો લહેકો કર્યો ને કહ્યું, ‘શું મોં મલકાય છે ?’
‘મલકાય જ ને!’
‘તો સાંભળી લે મારી વાત તુલસી !’ જરા ગંભીર બનતાં મંગળા બોલી ને કહ્યું, ‘મેં તને ભાઈ કહેલો છે: હવે તને મારો પતિ શી રીતે બનાવવાની હતી ?’
‘અરે ગાંડી! જ્યાં સુધી કંકુમાં પાણી ન પડે ત્યાં સુધી તો કંકુ અને પાણી બન્ને જુદાં, પણ જ્યાં બે ભેગાં થાય ત્યાં કંકુને પાણી જુદાં પાડી શકાતાં નથી, એમ અત્યાર પહેલાં આપણે ગમે તે હતાં પણ જ્યાં પરણ્યા એટલે કંકુ પાણી ભેગાં !’
તુલસીના મલકાતા મુખડાં પર જાણે જોરથી તમાચો ચોઢી દેતી હોય એમ મંગળા બોલી, ‘કંકુ ને પાણી ભેગાં ! બોલ્યા ? જરા શરમ આવે છે બોલતાં ?’
‘એ તો સમય આવે સમજાશે !’ તુલસીએ જવાબ દીધો ને વિદાય થયો. મંગળા એકલી પડતી ત્યારે વારંવાર તુલસીના શબ્દો એના કાનમાં ગુંજારવ કરતા હતા. તુલસી જે રીતે બોલતો હતો તે જોતાં મંગળાને ખાત્રી થઈ ચૂકી હતી કે તે માતાને સમજાવવાનો પ્રયત્ન કરશે. પણ મંગળાના મનમાં તુલસી વિષે પૂર્વગ્રહ બંધાયો હતો. મંગળાને એના પ્રત્યે ભારોભાર નફરત હતી. ગામનો ઉતાર ગણીને તેનું નામ પડતાં જ તેના નાકનું ટેરવું ચઢી જતું હતું.
‘શા માટે તુલસી પોતાની પાછળ પડ્યો છે?’ મંગળા વિચારતી હતી. તેણે તુલસીની માતા ઝવેરના મોંએથી સાંભળ્યું હતું કે મારા તુલસીને માટે તો કેટકેટલાં માંગા આવે છે પણ હજી એનું મન જ માનતું નથી ને ? ને પછી પોતાનો દીકરો જાણે દેવનો દીકરો હોય એવો ગર્વ ધરતાં ઝવેર કહેવા માંડતી, ‘કોક ભાગ્યશાળીએ પાંચે આંગળીએ પૂજ્યાં હશે તેને મારા તુલસી જેવો પતિ મળશે !’
મંગળા વિચારતી હતી, ‘આવો તુલસી પોતાની જ ઝંખના કેમ કરી રહ્યો છે? પોતે તો પાંચે આંગળીએ ભગવાનને પૂજ્યા નથી ને પોતાના મનમાં તુલસી વિષે સદ્ભાવ જ નથી ત્યાં તેને પામવાની ઈચ્છા પણ ક્યાંથી હોય ?’
ને મનોમન તે હસી પડતી, સ્વગત બબડતી, ‘તો તો તુલસીની માની વાત ખોટી જ ગણાય ને? તુલસીએ જ મને પામવા માટે પાંચે આંગળીએ ભગવાન પૂજ્યા હશે?’
‘પણ ના, પોતે તુલસીને પરણવા માંગતી જ નથી, પછી ભલેને તુલસી કહે છે તેમ માતા પોતાને ખાટી છાશની જેમ ગમે ત્યાં પરાણાવી દે. પણ તુલસી તો! નહિ જ, નહિ.’
બીજા દિવસે તુલસીએ કહ્યું હતું તેમ તેની માતા ઝવેર, જીવકોર પાસે આવી ત્યારે મંગળાના આશ્રર્યનો પાર ન રહ્યો. તુલસી અવારનવાર આવતો. જીવકોર બતાવે તે કામ કરતો. પણ તુલસીની માતા ક્યારેય આવી ન હતી, એટલું જ નહિ પણ તુલસી પોતાને ત્યાં આવે તે તેને ગમતું પણ ન હતું, છતાં તુલસી આવતો ત્યારે ફળિયામાં ઊભા રહીને જીવકોરના ઘર સામે હાથ લાંબા કરીને તે યદ્વાતદ્વા બકવાસ કરતી હતી.
‘તુલસીને જ ભાળી ગયાં છે મા-દીકરી !’ એક વખત તો ઝવેરે જીવકોર અને મંગળા સામે એવો ભયંકર આક્ષેપ મૂક્યો હતો, જે સાંભળીને રસોડામાં બેઠેલી જીવકોર કાળઝાળ થતી બહાર ધસી આવી હતી ને તુલસીની માનો લાગલો જ હૈડો પકડતા ગર્જી ઊઠી હતી, ‘જીભ સાચવીને બોલ ઝવેર નહિ તો માથું ફાડી નાંખીશ સમજીને ?’
‘તે મેં ખોટું કહ્યું છે ?’ ઝવેર પણ જાણે વાગ્ય યુદ્ધે ચઢવાના નિશ્ચય સાથે જ બહાર આવી હોય એમ કહેવા લાગી ને ઉમેર્યું, ‘જ્યારે ને ત્યારે તુલસી તારા ઘરમાં જ ભરાયલો હોય છે?’
‘તે અમે ક્યાં એને નોંતરા દેવા જઈએ છીએ ?’ જીવકોરે જવાબ દીધો ને કહ્યું, ‘ગમે તેમ બોલતાં પહેલાં તારે વિચારવું જોઈએ કે તું કોને માટે કેવા શબ્દ બોલે છે ?’
આ ઝઘડા પછી તુલસી જીવકોરને ત્યાં જતો અને કહેતો, ‘કાકી ! માના શબ્દો પર ખોટું ન લગાડતા ! એને તો મોંએ ચોકઠું જ નથી.’
પણ ત્યાર પછી જીવકોર તુલસીને કોઈ કામ ચિંધતી નહિ, છતાં તુલસી આવતો ને પૂછતો, ‘કાકી કામકાજ ?’
જીવકોર મનનો મેલ બહાર વ્યક્ત ન થાય તેની પૂરતી સંભાળ રાખીને જવાબ દેતી, ‘ના, ભાઈ કાંઈ જ કામ નથી. અને હશે તો હવે મંગળા ક્યાં નાની છે?’
મંગળાને હવે સમજાયું કે તુલસી શા માટે પોતાને ત્યાં અવારનવાર આવી રહ્યો છે.
તુલસીની મા જીવકોર પાસે બેઠી કે તરત જ મંગળા ત્યાંથી ઇરાદાપૂર્વક ખસી ગઈ ને રસોડામાં જઈને બેઠી, હાથમાં જાણે વાસણ પકડ્યાં પણ તેના કાન તો તુલસીની માની વાતો જાણવા ઉત્સુક બની રહ્યા હતા.
ને તેણે જાણ્યું કે વાતનો પ્રારંભ પણ તુલસીની માએ જ કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘જીવકોર આ મંગળા વિષે તેં કાંઈ વિચાર્યું છે કે ? ઉકરડીની જેમ શી વધી ગઈ છે?’
જીવકારે નિશ્વાસ નાખતાં જવાબ દીધો, ‘ના બેન ! ઘેર કયો ભાયડો છે કે મંગળા માટે શોધવા નીકળે? પણ આ માસ્તરને કહી રાખ્યું છે તે નજર રાખશે.’
એને પોતાને મંગળા વિષે કશી જ ચિંતા નથી, એવો ભાવ ઠસાવવાના હેતુથી જ જીવકોરે કહ્યું, ‘મને તો મંગળાની કશી જ ચિંતા નથી, એનામાં કળજગનો વાયરો નથી તો બેન !’
‘એ તો આજે નથી પણ આ કળજગનો પ્રભાવ કાંઈ પડ્યા વિના રહેવાનો છે?’ ઝવેર જીવકોરના વિશ્વાસને ડગાવવા મથતી હોય એમ બોલી, ‘છોકરો મોટો થાય તેની ચિંતા નહિ, ગમે તેમ તોપણ એ તાંબાના લોટો, મેલો થાય તો પણ અજવાળીને પાણિયારે મુકાય પણ દીકરી તો ઠીકરી જેવી, નંદવાઈ એટલે તેને ફેંકી દેવાની, એટલે જ દીકરી નજર આગળ મોટી હોય તો માવતરને ચિંંતા થાય જ !’
અને પછી જીવકોરના મર્મસ્થાનને વીંધવાનો પ્રયત્ન કર્યો, ‘દીકરીને સાપનો ભારો આપણા વડીલોએ અમથી કહી છે?’
રસેાડામાં બેઠેલી મંગળા આ સંવાદ સાંભળવા એકધ્યાન થઈ ગઈ હતી ! ઝવેરને મા શો જવાબ આપે છે તે જાણવાની તેની ઇંતેજારી વધી ગઈ હતી.
જીવકોરે કહ્યું, ‘નારે બેન, એવી ચિંતા કરીને કાંઈ છોકરીને ગમે ત્યાં ફેંકી દેવાય છે ?’
‘નારે ગમે ત્યાં શા માટે ફેંકી દેવાય ?’ ઝવેરે ઉત્સાહપૂર્વક કહ્યું ને ઉમેર્યું, ‘નાત જાતમાં જુવાનો કોઈ કાતરે ખાધા છે ?’ ને સલાહ આપવા માંડી, ‘આ તો એમ કે સારું હોય તો કાંઈક ગોઠવી રાખ્યું હોય તો ઠીક.’
‘ખરું છે ! પણ માસ્તર બિચારા ઘણીય ચિંતા કરે છે!’
‘તે માસ્તરની નજરમાં નથી કોઈ ?’ ઝવેરે બોલીને મોં મચકોડીને ઉમેર્યું, ‘પણ માસ્તરને તો ઘર આંગણામાં જોવા આંખ જ ક્યાં છે બાકી...’
‘માસ્તર તો બિચારા મંગળાને તેમની દીકરી જ ગણે છે એટલે એમનું મન જ્યાં ઠરે ત્યાં જ વાત નાંખેને ?’ જીવકોરે માસ્તરનો બચાવ કર્યો.
‘જવા દોને એ બધાય ઠીક, મારાભાઈ.’ ઝવેરે માસ્તરનો કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો ને ઉમેયું, ‘તાપીશંકર જીવતા હતા ત્યાં સુધી એમને આંખની શરમ નડતી હતી પણ હવે તો એકલાને? કાંઈ તમારી શરમ નડે કે ?’
જીવકોર પણ ઝવેરના આવાં વચનોથી મનમાં અકળાતી હતી. પંડ્યા માસ્તર સાથેનો તેમનો ઘરોપો એટલો બધો હતો કે તાપીશંકરના અવસાનને વર્ષો થયા છતાં જીવકોરને માસ્તરે કોઈ વાતે તાપીશંકરની ઊણપ આવવા દીધી ન હતી; એવા માસ્તર વિષે ઝવેર કટુવેણ ઉચ્ચારે તે જીવકોરથી સહન ન થાય તે સ્વાભાવિક હતું. પણ ઘણા વખતે પોતાની પાસે આવેલી ઝવેરને માઠું લગાડવાની વૃત્તિ નહિ હોવાથી તે દબાઈને બેસી રહી.
ઝવેર હવે મુખ્ય વાત પર આવતી જણાઈ. તેણે પૂછ્યું, ‘તમારી ઇચ્છા હોય તો એક વાત કરું ?’
‘કહો ને બેન ! તમે ક્યાં અમારા નથી ?’ જીવકોરે કહ્યું.
‘તે મારો તુલસી તમારી નજરમાં કેમ આવતો નથી? અમારે ત્યાં શાની ઊણપ છે? ગામમાં ને ગામમાં તો ખરું ને? એક પગ પિયેરમાં તો એક પગ સાસરીમાં.’
ઝવેરની વાત સાંભળીને અંદર ભરાઈ બેઠેલી મંગળા જીભ કરડી ગઈ. એનાં અંગે અંગ ધ્રુજી ઊઠ્યાં, એની આંખોમાં ખૂન્નસ ભરાઈ આવ્યું ! ઠીક થયું કે તે રસોડામાં જ હતી, કદાચ બહાર હોત તો તેનું આ સ્વરૂપ જોઈને જ ઝવેર ઊભી થઈ નાસી ગઈ હોત.
'બળ્યું, પણ એ ઠીક નહિ તો ઝવેર ?’ જીવકોરે જવાબ દીધો છતાં એ જવાબ દેવા ખાતર જ દેવાયો છે એમ તો એને પણ લાગતું હતું.
‘એમાં ઠીક શું નથી ? દીકરી તો ગમે તેટલી વ્હાલસોઈ હોય તો પણ પારકી જ થાપણ છે ને? આંખ આગળથી વેગળી કર્યા વિના છૂટકો છે કાંઈ ?’ ઝવેરે કહ્યું ને પ્રલોભન દેતી હેાય એમ ઉમેર્યું, ‘પણ તમારે એ વાતનોય અજંપો નહિ, તમારી આંખ સામે જ રહેશે !’
છતાં જીવકોરનું મન માનતું ન હતું. તુલસી એના હાથ જેવો હતો છતાં તુલસીને પોતાની દીકરી માટે યોગ્ય પાત્ર ગણતી ન હતી. પણ સામે ચાલીને માંગુ કરવા આવેલી ઝવેરને ઉઘાડે મોંએ ના પણ કહેવાય તેમ ન હતું એટલે તેણે વાતને ટાળતાં કહ્યું, ‘જોઈશ !વિચારીશ !’
ઝવેર સમજી ગઈ હતી કે જીવકોરને ગળે પોતાની વાત ઊતરી નથી એટલે તેને મનોમન પસ્તાવો થયો કે પોતે માંગણી કરવા આવી એ ખોટું કર્યું. દીકરાની મા થઈને પાડોશમાં જ માગું કરવા જવામાં રહેલા જોખમનો તેને ખ્યાલ તો હતો જ પણ તુલસીએ જક્ક પકડી હતી એટલે તેને આવો જોખમભર્યો માર્ગ સ્વીકારવો પડ્યો. ને તેનું પરિણામ ધારણા જેવું જ આવ્યું એથી તે મનમાં અકળાઈ તો ખૂબ પણ એ અકળામણ વ્યક્ત થઈ શકે તેમ ન હતી.
જતાં જતાં ઝવેરે કહ્યું, ‘પછી પૈસા જોખવાની તો ઇચ્છા નથી ને? બિચારા તાપીશંંકરે વૈતરાં તો ઘણાં કર્યાં પણ નસીબના રાંક તે મા દીકરી માટે ન મૂકી ગયા. ના પણ દીકરીના પૈસે કાંઈ રોટલા ખવાય છે મારી બૈ?’
ઝવેરનાં વચનોએ જીવકોરના હૈયામાં આગ પેટાવી દીધી : લડવું હોય તો ઝવેરે તે માટેનું ઉઘાડું કારણ આપ્યું હતું પણ લડવાની તેની ઇચ્છા ન હતી, છતાં ઝવેરનાં વચનો એવાં હતાં કે જીવકોર તે ગળી જઈ શકે તેમ પણ ન હતું.
તેણે કહ્યું, ‘એની ચિંતા તમે ન કરો ! મરનારની આબરૂનો મને પૂરતો ખ્યાલ છે હોં !’
અપમાનથી બળી ગયેલી ઝવેરે ઘેર આવીને તુલસીના નામના છાજીયાં લેવા માંડ્યાં. સક્રોધ બોલી, ‘મુઆ ! એનામાં તે શું મોહી પડ્યો છે? એ તે કાંઈ સ્વર્ગની અપ્સરા છે ? એ ભિખારણ પાસે મારું અપમાન કરવા મોકલી ? મૂઈ મોં બળી કેવાં કેવાં વચનો બોલી ગઈ ?’
માની પ્રતીક્ષા કરી રહેલા તુલસીને માના આગ જેવા શબ્દો સાંભળતાં જ સમજાઈ ગયું કે મા ખાલી હાથે પાછી ફરી છે.
‘શું થયું એ તો કહે મા ?’ તુલસીએ ઝવેરને પ્રશ્ન કર્યો.
‘કપાળ મારું ?’ ઝવેરે ક્રોધ કર્યો ને કહ્યું, ‘એ તો મોટા લાટની દીકરી છે. તારા જેવા ગરીબ બ્રાહ્મણને તે દેતા હશે ? એના માસ્તર એને માટે મોટો ચાંદલીઓ ચૂંટી લાવવાના છે !’
તુલસીના પૌરુષત્વને પડકાર દેતી ઝવેર હજી પણ બોલતી હતી, ‘એના પર શી છાપ મારી છે? આખરે કન્યા દેવા માટે કેટલાયને ધક્કા ખાવા પડે છે ! એક કરતાં એકીયાસી ઊભી છે તું કહે એટલી જ વાર !’
ઝવેર બોલતી હતી એટલું જ. પોતાના કુટુંબની મોટાઈ બતાવવા એ બોલતી હતી. એ માત્ર બાહ્ય દેખાવ હતો. હકીકતમાં તો તે પણ જાણતી હતી કે આટલો મોટો થયો હોવા છતાં કોઈએ તેને માટે માંગુ મોકલ્યું જ નથી ! થોડા દિવસ પહેલાં તેણે સામે ચાલીને પોતાના ભાઈને સંદેશો મોકલ્યો હતો. ‘ભાઈ રે ! જુવાન ભાણાનું કાંઈ વિચારજે. વાડ વિના વેલો ચડતો નથી પણ મારે તો તારા જેવી વાડ છે છતાંય વેલો રખડે એ ઠીક ન કહેવાય.’
તુલસી આ વાત જાણતો ન હતો. ઝવેરના શબ્દોને તે સાચા માની રહ્યો હતો એટલે તેના મનમાં શંકા પેદા થઈ કે રખેને મા આ અપમાનનો બદલો લેવા ક્યાંક પોતાનું ચોકઠું ગોઠવી દેશે તો એટલે તેણે બેઠો હતો ત્યાંથી ઊભા થતાં કહ્યું ‘જોજે, મા ! ક્યાંક ગોઠવી દેતી ?’
‘ત્યારે મંગળાની રાહ જોઈને કુંવારો મરીશ ?’ ઝવેરે ક્રોધાગ્નિમાં તપાવીને ધીખતા બનાવેલા શબ્દોના તુલસીને ડામ દેવા માંડ્યા. ને ઉમેર્યું ‘મારે હવે ક્યાંક નક્કી કરી જ નાખવું છે પછી એ પણ જોઈ લે કે ઝવેરના દીકરાને કન્યાની ક્યાં ખોટ છે?’
‘એ ચિંંતા તું ન કરતી, હું મારું ફોડી લઇશ !’ તુલસીએ કહ્યું ને ઊભો થયો. ઓરડામાં આમથી તેમ ચાર આંટા માર્યા ને મનમાં કાંઈક ગોઠવવા લાગ્યો. એણે જ્યારે માતાને જીવકોર પાસે મોકલી ત્યારે એના મનમાં આશા હતી કે મંગળા ના પાડતી રહેશે પણ જીવકોર કાકી તો માતાની વાત સાંભળીને હરખઘેલાં થઈ જશે પણ એ જીવકાર કાકીએ જ ઘસીને ના પાડી દીધી ?
‘તે હેં મા? જીવકોર કાકી પણ...’
‘હા હા ? એ જીવકોર ના જોઈ હોય તો મોટી ?’ ઝવેરનો રોષ હજી શાંત થયો ન હતો, તેના દિલનો ભડકો સહસ્ર શબ્દો દ્વારા વ્યક્ત થઈ રહ્યો હતો. તેણે કહ્યું, ‘તું જીવકોરકાકી, જીવકોરકાકી કહીને તેમને ત્યાં દોડતો હતો ને ઘેર મારું કામ પડતું મૂકીને એનાં આટાંફેરા ખાતો હતો, શાકભાજી લઈ આવતો. બળતણથી વાડા ભરી દેતો હતો, એ જીવકોરને તું ન ઓળખી શક્યો !’
અને પોતાના વિષે તેણે કહેવા માંડ્યું, ‘તું પણ મારા રોયા મારા જેવો કાળજા વિનાનો છે, ન બોલાવે એને ત્યાં દોડી જાય છે.’
મા ભલેને કહેતી હોય કે પોતે તેના જેવો કાળજા વિનાનો છે, પણ હકીકતે પોતે કાળજા વિનાનો નથી જ, તેની મા પણ ક્યાં કાળજા વિનાની છે ?
‘હવે બધું થઈ રહેશે !’ તુલસીએ બોલતા બોલતા હોઠ કચાવીને માતાના રોષને શાંત કરવા માટે કહ્યું, ‘માડી! તું કોઈ વાતે ચિંતા ન કરતી. એ તો જોઈ લઈશ !’
‘ના બેટા, આપણે હવે એનું નામ નથી દેવું !’ ઝવેર સમજી ગઈ કે તુલસી ધારે તો ઊડતાં પંખી પાડે તેવો છે એટલે કદાચ કાંઈક કરી બેસે તો એને તો જીવવા આરો ન રહે, એટલે તેને શિખામણ દેતાં કહ્યું, ‘જીવકોરની મરજી ન હોય તો આપણે શું કરવાના હતા ? જેવાં જેનાં નસીબ !’
‘એ બધું થઈ પડશે !’ તુલસી માત્ર આટલા જ શબ્દો બોલતો હતો ત્યારે એના મનમાં એ ઘાટ ગોઠવતો હતો એની મુખમુદ્રા પર દૃઢતા છવાયેલી હતી. એની આંખોમાં નિશ્ચલ બળ વ્યક્ત થતું હતું.
એણે બે હાથની મુઠ્ઠીઓ વાળી અને એક બીજા હાથની હથેલીમાં પછાડતાં સ્વગત બબડવા લાગ્યો. ‘ઓહોહો! આટલો મિજાજ ? સામે ચાલીને માંગુ કરું ત્યારે મોં ધોવા જાય છે પણ હરામની બચ્ચી જશે ક્યાં? મારા ૫ંજામાં સપડાઈ કે બસ... તેણે પોતાના એક હાથને બીજા હાથે વળ દીધો.
ઝવેર એને મૂકીને રસોડામાં પેસી ગઈ હતી. ચૂલામાં લાકડાં ભડભડ સળગતાં હતાં. ચૂલા પર મૂકેલી હાંલ્લીમાં ખીચડી ખદબદતી હતી. ઝવેરની હાલત પણ એવી જ હતી. જીવકોર પાસે વાત નાંખવામાં પોતે કેટલી ગંભીર ભૂલ કરી છે એના પસ્તાવાથી એના મનની ખીચડી ખદબદતી હતી તો જીવકોરનાં વેણ યાદ આવતાં એનું અંતર ભડકે બળતું હતું.
રહી રહીને એના મનમાં એક જ વાતનો અજંપો હતો, ‘કાલ ઊઠીને જીવકોર વાત બહાર કાઢશે તો ? ઝવેર મંગળાનું માંગુ કરવા આવી હતી. તો સમજમાં તેનું કેવું નીચા જોવાપણું થશે ? પોતાનું કુળ કંઈ સામાન્ય છે? આ મૂળને કન્યા દેવા તો કેટલાય બિચારા કરગતા હોય છે, એ કુળ માટે કન્યાનું માંગું કરવા તે સામે પગલે ગઈ ?’
ને એના અંતરનો આતશ જલતો હતો મનમાં પ્રાર્થના કરતી હતી કે જીવકોર આવી વાત બહાર ના પાડે તો સારું ! ને સ્વગત પસ્તાવો કરવા લાગી : પોતે જ કહી દેવું જોઈતું હતું કે વાતને દાટી જ દે.
જ્યારે તુલસી અને ઝવેર પોતપોતાના અજંપામાં સળગતાં રહ્યાં હતાં ત્યારે મંગળાની સ્થિતિ તો, અસહ્ય બની હતી. જીવકોરને તો આ પ્રસંગનું કાર્ય મહત્ત્વ ન હતું, પણ મંગળા સમજતી હતી ! તુલસી જેવો અધમ જુવાન કઈ રીતે વેર લઈ શકે છે. એના દિલને કરાર ન હતો. હોલું ફફડે તેમ એનું દિલ ભયભીત બનીને ફફડતું હતું.
અંદરના ભાગમાં અસ્વસ્થ બનેલી મંગળા જીવકોરનો સાદ સાંભળતાં ઊભી થઈ અને આંખો સાફ કરીને બહાર આવતાં ફસડાઈ પડી. જીવકોરના કંઠમાં પોતાના બન્ને હાથની માળા પરોવતાં તેનાથી એક ધ્રુસ્કો પડે મૂકાઈ ગયો.
જીવકોરને મંગળાનું આ વલણ ગમ્યું નહિ, એટલું જ નહિ પણ એના મનમાં થોડીક ગેરસમજ પણ પેદા થઈ. ‘મંગળા તુલસીને ચાહે છે ? તો શા માટે તેણે પોતાની વાત મને કહી નહિ?’
પોતાના ખભા પર માથું નાખીને પડેલી મંગળાના મસ્તક પર હાથ ફેરવતાં ફેરવતાં જીવકોરના દિલમાં તરંગો ઊઠવા લાગ્યા. ‘ઝવેરને મંગળાની માંગણી કરવાનું પ્રયોજન તુલસીને હશે તો. તુલસી ઉત્તેજન આપનાર મારી મંગળા હશે ?’ ને જીવકોરનું ચિત્ત ચગડોળે ચઢવા લાગ્યું. મંગળાએ જ તુલસીને સમજાવ્યું હશે, નહિ તો ઝવેર દીકરાની મા થઈને મંગળા માટે માગું કરવા ન આવે !’
અને તેણે પોતાનું કપાળ કૂટ્યું, મન સાથે જ બબડી ‘હાયરે નસીબ ! ઘર આંગણે ગંગા આવી ત્યારે તે પૂંઠ ફેરવી બેઠી !’
તેણે મંગળાને કહ્યું, ‘તો તારે મને વાત તો કરવી હતી ? હું સાફ ના પાડવાને બદલે લંબાવત !’
પણ મંગળા અનુત્તર હતી. ન તો ઊંચું મોં કરીને જીવકોર સામે જોઈ શકતી હતી કે ન તો જીવકોરના પ્રશ્નનો જવાબ આપી શકતી હતી.
પરિણામે જીવકોરના મનમાં શંકાઓનાં ગૂંચળાં પેદા થવા લાગ્યાં, પોતાની દીકરીને હૈયા સરસી ચાંપતાં જીવકોરે કહ્યું, ‘પણ આમ શા માટે કરે છે ? જરા મને કહેતો ખરી?’
અને તેની હડપચી ઊંચી કરી, રડી રડીને સૂઝી ગયેલી એની આંખો સામે જોતાં જીવકારનું હૈયું ધ્રુજી ઊઠ્યું ને ઉત્સુકતાથી પૂછ્યું, ‘તુલસી તને ગમે છે ?’
મંગળા માને શું કહે? ગ્રામ્ય જીવનમાં ઓતપ્રોત થયેલી લજ્જા મંગળાના મોં પર છવાઈ ગઈ હતી. તેણે નીચે નજર કરી લીધી ત્યારે જીવકોર હેતથી તેના માથા પર હાથ ફેરવતી રહી.
ચાલ ઊઠ ઊભી થા ! જીવકોરે મનમાં જ કોઈ નિર્ણય કરી લીધો હોય એમ મંગળાને સહેજ અળગી કરતાં કહ્યું ને ઊભા થવાનો પ્રયત્ન કર્યો, બોલી. ‘અત્યારે જ ઝવેર પાસે જઈને વાત બદલી નાખું નહિ તો...’
તે જીવકોર ઊભા થઈને કદમ ઉઠાવ્યા પણ તે આગળ વધે તે પહેલાં મંગળાએ તેનો હાથ પકડી લીધો ને લજ્જાને હડસેલી દેતાં બોલી, ‘ના. મા ! નથી જવું!’
જીવકોરના આશ્ચર્યમાં વધારો થયો, તેની સમજમાં આવતું ન હતું કે મંગળા આ શું કરી રહી છે ? રડે છે શા માટે ? તો વળી જવાની ના પાડે છે શા માટે ? શું છે એ સ્પષ્ટપણે કહી દેતી હોય તો ?
‘તો છે શું એ તો કહે?’ થાકીને મંગળા પાસે બેસી પડતાં જીવકોરે પૂછ્યું ‘તું રડે છે અને પાછી જવા પણ નથી દેતી, તને એમ છે કે મારું અપમાન કરશે ઝવેર ?’
અને દીકરીને આશ્વાસન દેતી હોય એમ તે બોલી, ‘બેટા ! દીકરીના માબાપની હાલત તો દબાયેલા જેવી છે. તને તુલસી ગમી ગયો હોય તો તારા સુખ માટે મારે કદાચ ઝવેરનાં બે કડવાં વેણ સાંભળવાં પડે તો તેમાં પણ મારો તો રાજીપો હોય ને ?’
અને તેણે મંગળાનું માથું ખોળામાં લીધું. એના મસ્તક પર પ્રેમાળ કર ફેરવવા માંડ્યો.
માતાના હેતથી આળું બનેલુ હૈયું માતાના અંતરમાં જામેલા ગેરસમજના જાળાથી વધુ ઘાયલ થયું. હવે તે શાંત રહી શકે તેમ ન હતું. એટલે તે માતાના ખોળામાં પડ્યાં પડ્યાં જ પોતાની ડોક ઊંચી કરીને બોલી, ‘મા ! એવું નથી. તુલસી તો મને દીઠો પણ ગમતો નથી.’
‘તો પછી આ બધું શું છે?’ જીવકોરે પૂછ્યું ને ઉમેર્યું, ‘મેં તો ઝવેરને સાફ ના પાડી જ દીધી છે, પછી તારે આમ વેવલા થવાનું શું કારણ હતું ?’
‘મા ! મને તુલસીની બીક લાગે છે. એ...’ મંગળા હવે વધુ કાંઈ પણ બોલી શકી નહિ, અને ફરીને પાછું માના ખોળામાં માથું નાંખી દીધું.
‘બીક શાની લાગે છે? એ તે કાંઈ વાઘ છે તે તને ખાઈ જશે?’ મંગળાના દિલમાં છવાયેલા ડરને દૂર કરવાનો પ્રયત્ન કરતાં જીવકોર બોલી ને કહેવા લાગી. ‘એમ પાણીમાં રહેવું ને મગરથી ડરવું એ પરવડે કે ? આંખ એવી લાલ રાખીએ ને કે તુલસીના છક્કા છૂટી જાય !’
મંગળા તુલસી સામે પોતાની આંખને લાલ બનાવવા માગે તો પણ એના દિલમાં ડર પેસી ગયો છે તેનાં કારણ બતાવી શકે તેમ ન હતું.
‘મા ! એ કાળોતરો...’
‘તે આપણે શું એની જાતને ભારે!’
પણ મંગળાના મનમાં તો તુલસીએ કહેલા પેલા શબ્દો. ‘મારા પંજામાંથી છૂટીને ક્યાં જશે ?’ ના પડઘા પડતા હતા. અને તેને હવે ભય હતો કે છંછેડાયેલો કાળોતરો તેને ડસ્યા વિના રહેશે નહિ. અને જો એમ થાય તો પછી પોતાનું શું થશે ?
કલ્પિત ભયથી એની કાયા થરથર કાંપવા લાગી હતી. જીવકોરનો હાથ તો એની કાયા પર ફરતો જ હતો પણ એને સમજ પડતી ન હતી કે મંગળા કંપે છે શા માટે ? અને ભય રાખવાની જરૂર શી છે ?
પણ બીજી પળે એના મનમાં વિચાર ઉદ્ભવતો. હવે મંગળાના હાથ તરત જ રાતા થવા જોઈએ. તુલસીની છાપ ગામમાં જે હતી તે જોતાં મંગળાનો ભય વ્યાજબી હતો. તેણે એને કાળોતરો કહ્યો હતો તે બરાબર હતું.
અને પોતે ઝવેરની વાતનો ઇન્કાર કરીને કાળોતરાને નોતરું આપી બેઠી છે તેના ભયથી જ મંગળાનું મન ફફડતું રહે છે, તેની પણ તેને પ્રતીતિ થઈ. તેણે મંગળાને હેતપૂર્વક છાતીએ વળગાડીને કહ્યું, ‘બેટા! તું જરા પણ ચિંતા ન કરતી, એ કાળોતરાનું મોં ભાંગી નાંખતાં મને આવડે છે.’
માતાના દિલાસાભર્યા શબ્દોએ મંગળાને થોડીક શાતા આપી. આંખો સાફ કરીને તે ઊભી થઈ. અને તેની પાછળ જીવકોર પણ ઊભી થઈ. બન્ને મા-દીકરી કામે તો વળગ્યા પણ બન્નેના મનમાં કલ્પનાતિત ભય પથારો નાંખીને પડ્યો હતો.
મંગળા વિચારતી હતી. એ કાળોતરો પોતાની કાયાને અભડાવે નહિ, તે માટે તેણે હવે એની આડે જ ઊતરવું નહિ, મુઆનું નામ બાળીને ચાલવું.
તો જીવકોર વિચારતી હતી આજે બપોરે જ માસ્તર પાસે જઈને મંગળાના હાથ આ વર્ષે તો રાતા થઈ જાય તે માટે ઉતાવળા થવા દબાણ કરવું. ગમે તેમ થાય પણ આ વર્ષે મંગળાના હાથ રાતા થઈ જાય તો પોતાને નિરાંત થાય ને વળી તુલસી સામે એક મજબૂત ઓથ તો મળે !
આમ બન્ને મા-દીકરીને કાળોતરાનો ભય સતાવી રહ્યો હતો.