ખાખનાં પોયણાં/ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ
| ← તુલસી પાસે માગણી | ખાખનાં પોયણાં ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
કપાતર → |
ચંડિકાનું રૌદ્ર સ્વરૂપ
માસ્તરે જ્યારે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે મંગળાએ જોયું કે
માસ્તરનું માત્ર મુખ જ નહિ પણ એમનાં અંગેઅંગ હસી રહ્યાં હતાં.
એમના મુખ પર પ્રસન્નતાની આભા પથરાયેલી હતી. એમની
વૃદ્ધાવસ્થાને કારણે ઊંડી ઊતરી ગયેલી આંખોમાં જુસ્સો જણાતો હતો.
મંગળાએ માસ્તરને સીધો પ્રશ્ન કરવાને બદલે પોતાની કેડમાં બેઠેલા પ્રસાદને કહેવા માંડ્યું. ‘પ્રસાદ ! તારા દાદાને આજે તો દિવાળી હોય એમ લાગે છે.’
માસ્તરે હાથમાંની લાકડી ખીંટી પૂર મૂકી, તેના પર પોતાની ટોપી મૂકતાં મંગળા તરફ ફરીને મુખ મલકાવતાં કહેવા માંડ્યું. ‘હા, મંગળા આજે તો મારા મનની સાચી દિવાળી છે. આ જિંંદગીમાં દિવાળીઓ તો ઘણી જોઈ છે. એનો આનંદ પણ માણ્યો છે. પણ આજની દિવાળી તો અનોખી છે!’
ને તેમણે પ્રસાદને પોતાની પાસે લેવા હાથ લંબાવ્યો : મંગળાએ પ્રસાદને સ્હેજ દૂર કરતા કહ્યું, ‘ના, પ્રસાદ ! ભલે તારા દાદા એકલા જ દિવાળીનો આનંદ માણતા ! આપણે શું?’
પ્રત્યુત્તરમાં માસ્તર ખડખડાટ હસી પડ્યા ને કહેવા લાગ્યા ‘મંગળા, તું તો જાણે પ્રસાદ પર કબજો જમાવી બેઠી છો ને?’
‘હાસ્તો !’ પ્રસાદને હૈયા સરસો ચાંપતા તેણે કહ્યું ને ઉમેર્યું ‘પ્રસાદ તો તમે જ મને સોંપ્યો છે ને ? પછી હું કબજો ન જમાવું તો શું કરું?’
માસ્તરના મનનો હરખ મા’તો ન હતો. હૈયું હેલે ચઢ્યું હતું. હજારો મણનો બોજ માથા પરથી દૂર થયા પછી હળવો ફુલ જેવો બનેલો માનવી જેમ પ્રફુલ્લતા અને પ્રસન્નતા બન્નેનો અનુભવ કરે તેમ માસ્તર પણ બન્નેનો અનુભવ કરતા હતા. મંગળાએ પૂછ્યું ‘કહો તો શી ધાડ મારી આવ્યા છો તે આખું વદન હસી રહ્યું છે?’
‘મંગળા ! ધાડ મારવા જેવી જ કઠીન વાત છે, પણ ભગવાન દયાળુ છે ને ? એ મદદે આવ્યો ને બધું હેમખેમ પાર ઉતર્યુંં. માસ્તરે પાસે પડેલા ઢોલીયા પર આસન જમાવ્યું. મંગળાએ પ્રસાદને તેમના ખોળામાં મૂકીને રસોડામાં જતાં કહ્યું, ‘તમારા માટે ચાહ મુકવાનું તો ભૂલી જ ગઈ, વખત તો ઘણો થયો છે, પણ રો’ મૂકી લાવું છું.’
રસોડામાં જતી મંગળાને માસ્તર તીતીક્ષાની નજરે જોઈ રહ્યા. યૌવનની ફુલ ગુલાબી ચાદરમાં મઢાયેલી મંગળા સાચે જ અદ્ભૂત લાગતી હતી. જીવન બળી ગયું હોવા છતાં એના મોં પર ક્યારેય ખિન્નતા જોવા મળી ન હતી. જ્યારે ને ત્યારે એના હોઠ પર મરક મરક કરતું હાસ્ય જ છવાએલું જોવા મળતું હતું. પણ માસ્તર એને જોતાં ને મનમાં ને મનમાં નિશ્વાસ નાંખતાં સ્વગત બબડતા પણ ખરા ‘બિચારી કોઈક જુવાનનો હાથ પકડીને સંસાર પથની કેડીએ ચાલતી હોત તો, એના હૈયાનો ઉંમંગ કેવો નર્તન કરતો હોત ? એના અંગે અંગ કેવાં ઉન્માદઘેલાં બન્યાં હોત ?’
અને ભાગ્યનો જ વાંક શોધતા માસ્તર ‘જેવા એના નસીબ’ એમ કહીને જ સંતોષ માનતા. પણ આ સંતોષ ક્ષણજીવી બનતો. બીજી પળે જ મંગળાના જીવન વિષેનો અજંપો તેમના કાળજાને કોરી ખાતો હતો, ‘તાપી આજે જીવતો હોત તો મંગળાની આવી હાલત થાત ખરી ? તાપી પોતે જ આગળ થઈને તુલસીનું કાંડું પકડીને મંગળાની તેને ભાળવણી કર્યા વિના રહ્યો હોત ? તુલસીએ એના જીવનને અભડાવ્યું તો પછી એ તુલસીને જ અર્પણ થવી જોઈતી હતી. એમાં લોકલાજનો પ્રશ્ન જ ક્યાં હતો? પણ તાપી આજે નથી ને જીવકોરને તો મંગળા ખાટી છાશ જેવી જણાઈ એટલે મધરાતે આવીને મારે માથે ઠોકી દીધી.’
‘પણ તાપી નથી તો શું થયું ?’ એમના મનના ઉંડાણમાંથી પ્રશ્ન ઊઠ્યો. એ પૂછતો હતો ‘તમે તો જીવતા છો ને ? મગંળા તમારી પણ દીકરી જ જેવી છે ને ? શા માટે તમે એને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કરતા નથી ?’
‘મંગળાને ન્યાય અપાવવા મારે પ્રયત્ન કરવો જોઈએ.’ પોતાના અંતરના ઊંડાણમાંથી ઊઠેલા પ્રશ્નોનો જવાબ દેતા હેાય એમ માસ્તર પોતાની જાતને જ પૂછતા હતા ને કહ્યું ‘મંગળા મને પરણાવી દેવામાં આવી છે એ તો આખું ગામ જાણે છે ને?’
પેલો પ્રશ્ન જાણે હસતો હતો ને માસ્તરની મજાક કરતો હોય એમ કહેવા લાગ્યો ‘લોક જાણે છે ને? પણ તમે અને મંગળા તો સાચી વાત જાણો છો ને?’
‘પણ એ વાત જાહેર શી રીતે થઈ શકે?’
‘જાહેર કરવાની જરૂર શી છે?’
‘તો પછી ?’
‘અરે માસ્તર, તમારા જેવા વ્યવહારીઆ પણ આમ મતિ ગુમાવી બેસે છે એ જોઈને નવાઈ લાગે છે.’ માતરનો પ્રશ્ન માસ્તરને ઠપકો દેતો હતો. ને માસ્તર મનોમન શરમિંદા બની ગયા હતા.
એમને અંતરનો અવાજ સંભળાતો હતો. એ કહેતો હતો ‘તુલસી તો જવાબદાર છે ને ? એ પાપભીરૂ તમારી વાતનો ઇન્કાર કરી શકવાનો છે? એને પણ ભય તો છે જ કે મંગળા સાથેના તેના દુર્વ્યવહારની વાત જાહેર થાય તો ? અને માસ્તર તમે જે વાત કહો તેને સમાજ વજનદાર ગણશે. તુલસીના ઇન્કારને કોઈ વજનદાર નહિ ગણે.’
અંતરનો અવાજ સાંભળતા જ માસ્તરના મૂંઝાયેલા મનને માર્ગ મળ્યો; પણ બીજી પળે પાછા ગંભીર બની ગયા !
‘પોતે મંગળાને અત્યારે જ તો તુલસીને સોંપી દઈ શકે તેમ નથી. મંગળા પ્રત્યે તો પોતાનો વહેવાર ભલે પિતા જેવો છે પણ લોક દૃષ્ટિએ તો મંગળા તેમની પત્ની જ છે ને? એટલે અત્યારે તો તુલસી પાપભીરુ હોવા છતાં પણ મંગળાને પોતાની છાયામાં લેવા તૈયાર થાય જ નહિ.’
ને ફરીને મન મૂંઝવણના ખાબોચિયામાં ડૂબવા લાગ્યું. પોતાને મંગળાના વર્તમાન વિષે ચિંતા ન હતી. હા એનું યૌવન સુયોગ્ય માળીની રખેવાળી વિના અકારણ કરમાઈ રહ્યું છે એ તેઓ નિશદિન જોતાં અને અજંપો અનુભવતા પણ એનો તો પોતાની પાસે કોઈ ઉપાય જ ન હતો. પણ એમની ચિંતા મંગળાના ભાવિ વિષે હતી. પોતાના મૃત્યુ પછી જે વેલના જતન માટે તેમણે કલંકનો ટીકો પોતાના ભાલ પ્રદેશ પર લાગવા દીધો એ વેલ પોતાના અવસાન પછી કરમાઈ ન જાય અને ખાખમાંથી પણ પોયણાં પ્રગટે જ એ માટેની વ્યવસ્થા કરવાની તેમને ચિંતા હતી.
પોતાનો દીકરો શિવ કેવો નપાવટ છે એનાથી તેઓ સારી રીતે જાણકાર હતા. એમને વિશ્વાસ હતો કે પોતાનો દેહ પડશે એની બીજી જ પળે શિવ મંગળાને ઘરમાંથી હાંકી કાઢશે અને ત્યારે ચોધાર આંસુ વહાવતી સંસારના પરિતાપમાં શેકાયેલી મંગળા ક્યાં જશે ? કોણ એને દિલાસો આપશે? કોણ એને આશરો આપશે ?
અને વિચારોના વમળમાં જેમ જેમ માસ્તર ગોથાં ખાતા તેમ તેમ માસ્તરનું મન વિહ્વળ બની જતું. રહી રહીને પણ એમનું મન કહેતું હતું, ‘માસ્તર ! મંગળાના જીવનની રક્ષા કરવાનો તમારો ધર્મ છે. તમારી પત્ની તમારા દેહ વિલય પછી અનાથ બનીને રસ્તામાં રખડતી ટુકડા રોટલા માટે વલખાં મારતી દારૂણ દુઃખમાં ડૂબી જાય તો તમારું જીવતર એળે ગયું ગણાશે. લોકો પણ તમને ફીટકાર દેશે ને કહેશે, ‘આવા ડાહ્યા માસ્તરે મંગળા સાથે લગ્ન કર્યાં પણ એના લાંબા દિવસો માટે કશી જ જોગવાઈ ન કરી ?’
ને તેઓ મનમાં ગણતરી કરવા લાગ્યા. શિવ તો હાથથી ગયો છે. એના હાથમાં જો મિલકત જશે તો જુગારમાં તેનો ખુર્દો થઈ જશે એટલે મિલકતની વ્યવસ્થા મંગળાને નામે જ કરવી કે જેથી મંગળાના જીવનનો પ્રશ્ન ઉકલી જાય અને મિલકત સચવાશે તો પ્રસાદને પણ તે મળશે.
તેમણે એક દિવસ મંગળા સમક્ષ પોતાના હૈયામાં રમી રહેલી ભાવના વ્યક્ત કરતાં કહ્યું, ‘મંગળા આ ઘર જમીન બધું તારા નામે કરવાનો મારો વિચાર છે. તારે હજી જિંદગીના ઘણા લાંબા દિવસો જોવાના છે એનો વિચાર તો મારે કરવો જ જોઈશે ને ?’
માસ્તરના શબ્દો મંગળાના કાનમાં પડતાં જ જાણે તેનો દેહ સળગી ઊઠ્યો હોય એમ તે તપી ગઈ. એની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા ને બોલી તે પણ અગ્નિમાં ઝબોળીને બહાર કાઢ્યા હોય એવા ધખધખતા શબ્દો તેણે કહ્યા, ‘માસ્તર ! મને તમારી મિલકતની શી જરૂર છે? તમે એની ચિંતા શા માટે કરો છો ? હું તો કંઈ તમારી મિલકત ભોગવવા આવી છું?’
માસ્તર મંગળાનો ક્રોધ જોઈ શક્યા હતા. મંગળા સ્વમાનનું પૂતળું છે એનાથી તેઓ કાંઈ અપરિચિત ન હતા. નાનપણમાં તાપી સાથે તે આવતી ત્યારે ઘણા પ્રસંગોએ માસ્તરને મંગળાની સ્વમાન વૃત્તિનો ખ્યાલ આવ્યો હતો અને પોતે તાપીને કહ્યું પણ હતું કે ‘તાપી આ મંગળા ભારે સ્વમાની થશે !’
અત્યારે એ સ્વમાની મંગળાનું રૌદ્ર સ્વરૂપ તેમને જોવા મળ્યું હતું.
‘મંગળા ! તું જરા શાંતિથી મારી પરિસ્થિતિનો તો વિચાર કરી લે. તું માતા પણ બનવાની છે, એ સંતાન મારું ન હોય તો પણ સમાજની દૃષ્ટિએ તો હું જ એનો પિતા ઠરવાનો હતો ને? ને આવનાર બાળકના ભાવિની ચિંતા મારે કરવી જ જોઈએ ને? અને આ શિવ કાંઈ તને એક કાણું તપેલું પણ આ ઘરમાંથી લઈ જવા દે એમ નથી એટલે મારે જ તારા માટે પ્રબંધ કરવો જોઈએ. નહિ તો લોકો કહેશે માસ્તરે મંગળાનુ જોબન લૂટ્યું ને પછી એને રખડતી મૂકી ગયા. ધિક્કાર છે તેને !’
માસ્તરના શબ્દમાં ભારોભાર દર્દ હતું. પોતે જેને માટે જવાબદાર નથી જ એવી જવાબદારીઓ પોતે ઉઠાવે ને એ માટેના ભાવિની પણ તે ચિંતા કરે એ વાત આજના કોઈ માનવી માટે શક્ય નથી. પણ માસ્તર તો દેવપુરૂષ છે. મંગળાની દૃષ્ટિમાં માસ્તર દેવ પુરૂષ તરીકે જ વસી ચૂક્યા હતા. એટલે એમના મનને દુભવવાની તેની ઈચ્છા ય ન હતી. કદાચ માસ્તરને બદનામીના જાળામાંથી મુક્ત કરવા તેણે માસ્તરનું ઘર છોડી જવાનો જે વિચાર કર્યો હતો તે પણ એટલા માટે જ પડતો મૂક્યો હતો કે જેથી માસ્તરનું દિલ દુભાય નહિ, માસ્તરના કરૂણા ભર્યા શબ્દોએ મંગળાના મનના ક્રોધને શાંત કર્યો. મંગળા પણ કરુણા મૂર્તિ માસ્તર સામે જોઈ રહી.
‘તમારી વાત સાચી છે, તમારા માટે એ જ પરમ કર્તવ્ય છે એ પણ હું સમજુ છું.’ મંગળાએ જવાબ દીધો ને પછી ઉમેર્યું ‘પણ મારી વાતેય તમારે ધ્યાનમાં લેવી જોઈશે ?’
‘હા ! કહે તારી વાત મારે પહેલાં જાણવી જોઈશે.’ માસ્તરે ગંભીરતા તોડતાં કહ્યું, ને ઉમેર્યુંં ‘હું જાણું તો છું કે મંગળા કેવી સ્વમાની છે તે ?’
‘તો મારી વાત આટલી છે કે તમે મને પાંગળી ન બનાવશો ? જે તે પરિસ્થિતિનો મુકાબલો કરવાની શકિત તમે મારામાં સિંચતા રહો !’ મંગળાએ દૃઢતાપૂર્વક કહ્યું ને પછી ઉમેર્યુંં ‘મારે શા માટે શિવના હક્ક પર અકારણ ત્રાપ મારવી જોઈએ ?’
‘પણ તારા સંતાનનું શું ?’ માસ્તરે ચિંંતા વ્યકત કરી.
‘એની ચિંતા મને કરવા દેજો !’ મંગળાના સ્વરમાં મક્કમતા હતી. પ્રત્યુત્તરમાં માસ્તર ખડખડાટ હસી પડ્યા. ને બોલ્યા.
‘મંગળા તારી ભાવના સાથે હું સંમત છું પણ આકરા તાપનો તને અનુભવ નથી. તું હજી પુષ્પ શી કોમળ છે અને તેમાં પણ માતા બનતા તારી જવાબદારી વધી પડશે, એ વખતે તને સહારો જોઈશે ત્યારે તું વખાના મારી ઠામઠામ ભટકતી રહે અને તારું સંતાન જન્મતાં જ બિચારું બાપડું બની રહે તો માસ્તરના જીવતરમાં ય ધૂળ પડી અને મૃત્યુમાં ય ધૂળ પડી !’
‘માસ્તર તમે આવી ચિંતા ન કરશો !’ મંગળાએ માસ્તરને વિશ્વાસ આપવા માંડ્યો ને કહ્યું ‘જરૂર પડશે તો, મારી માતાનું ઘર મોજૂદ છે, પિતાનું ખેતર પણ છે વળી બે ચાર ઢોર રાખી લઈશ ને હું જીવતર પુરૂં કરીશ !’
અને તેણે વધુમાં કહ્યું, ‘ને પ્રસાદના પૂરતા લાલન પાલન કરીશ, શિવ માંગશે તો પણ પ્રસાદ તેને હવાલે નહિ કરું. કારણ કે તમે જ મને એની જવાબદારી સોંપી છે ને ?’
મંગળા માસ્તર સામે જોઈને મરક મરક હસતી હતી ત્યારે માસ્તર મંગળાના દૃઢ મનોબળની મનોમન પ્રશંસા કરતા હતા ને વિચારતા હતા. ‘આવા દૃઢ મનોબળવાળી સ્ત્રીને માટે મારે ચિંતા શી કરવાની હોય ? જમાના સાથે ટક્કર ઝીલે તેવી છે, સંજોગો સામે બાથ ભીડે તેવી તેની હામ છે, પછી મારે શા માટે ચિંંતા કરવી જોઈએ ?’
પણ આ વિચાર માસ્તરના મનમાં સ્થિર થઈ શક્યો નહિ, એ વિચાર તૂટવા લાગ્યો જ્યારે તેમની નજર સમક્ષ પોતાના દીકરા શિવની મૂર્તિ જોઈ જાણે શિવ મંગળાને આ ઘરમાંથી હડસેલો દઈ રહ્યો છે. એના માસુમ બાળકને બળતા તાપે શેકાઈ જતો જોઈને પણ એનું પાષાણ દિલ પીગળતું નથી અને મંગળાનો છેડો પકડીને તેની સાથે જતા પ્રસાદને પણ બહાર હડસેલી રહ્યો હતો એથી માસ્તરના દેહમાં ધ્રુજારી આવી ગઈ, ને ફરીને મંગળા માટે નિશ્ચત વ્યવસ્થા કરવાનો તેઓ વિચાર કરવા લાગ્યા.
મંગળાના ભાવિ વિષેનો પ્રશ્ન જ છેલ્લા કેટલાય દિવસથી પંડ્યા માસ્તરની વિચારણાનો પ્રશ્ન હતો, કેટલીય રાત્રિઓ તેમણે અશાંતિમાં ગાળી હતી અને જ્યારે કોઈ જ માર્ગ તેમને સૂઝતો નહિ ત્યારે હતાશ થઈને સ્વગત બબડતા, ‘જીવકોરે કયા ભવના વેર વાળ્યાં ? કેવી મોટી મુશ્કેલીમાં મને તેણે મુકી દીધો છે ?’
આખરે તેમના મનમાં વિચારવીજ ઝબુકી, શા માટે પોતે તુલસી પાસે જઈને પોતાની હયાતી બાદ મંગળાની જવાબદારી તેને જ સુપ્રત ન કરવી ?
ઓહ, કેવો સરસ વિચાર હતો ? જો એમ થઈ શકે તો મંગળાના જીવનમાં પણ ઉત્સાહ પ્રગટે, અને પોતાને માટે પણ પારકી થાપણ જેવી મંગળા, તેના માલિકને સુપ્રત કરી જવાનો સંતોષ મળે. પણ વિચાર જેટલો સુંદર હતો, કલ્યાણદાયી હતો, એટલો જ મુશ્કેલ હતો. તુલસીને તેઓ બરાબર જાણતા હતા. પોતાનો દીકરા શિવ જો એક પ્રકારનો નપાવટ છે તો, તુલસી બીજા પ્રકારનો, કહો કે અધમ કોટીનો નપાવટ છે. ગમે તેમ તોપણ શિવ અને તુલસીની તુલના કરતાં એમને શિવ સારો જણાયો એનું કારણ શિવ પોતાનો દીકરો છે તે નહિ પણ તુલસીની જેમ ગામની કન્યાઓની છેડતી કરવાનો મહારોગ તુલસીને લાગુ પડ્યો હતો તેવો મહારોગ શિવને લાગુ પડ્યો નથી અને તેનું તેમને ગૌરવ પણ થયું.
‘તુલસી પોતાની વાત માનશે ?’ જે વિચારવીજ ઝબૂકી હતી એ વિચાર બીજનું તેમના મનમાં વાવેતર થવા માંડ્યું. પહેલાં શંકાસ્પદ પ્રશ્ન ઊઠ્યો અને કશી જ લાંબી વિચારણા વિના જ તે સ્વગત બબડ્યા ‘રામ રામ કરો ! કોઈ પોતાના પાપનો એવો એકરાર કરીને તેની જવાબદારી ઉઠાવવા તૈયાર થાય ખરો ?’ અને આ જ વિચારતંતુ લંબાતો જતો હતો.
જો તુલસીના હૈયામાં રામ પ્રગટ્યો હોત તો, પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા એ જાતે જ જીવકોર પાસે ગયો હોત અને જીવકોરના જીવનો અજંપો દૂર કરીને મંગળાને પોતાની પત્ની તરીકે પોતાના ઘરમાં લઈ ગયો હોત, અને વિચારતાં વિચારતાં પંડ્યા માસ્તર ભૂતકાળમાં સરી પડ્યા. જો તુલસી એવો સમર્થ હોત, તો પોતાને પણ જાણી જોઈને અગ્નિમાં હાથ નાંખવા ન પડ્યા હોત.
ગમે તેમ પણ એક વખત તુલસી પાસે જઈ આવવાનો તેમણે નિર્ધાર કર્યો અને તેને અમલમાં મૂકવા, છેલ્લા કેટલાય દિવસથી તુલસી પાસે જવા તેઓ સવારે નક્કી કરતાં પણ મન પાછું પડતું એટલે તેને પટાવતાં સાંજે જઈશું અને સાંજ પડતા વળી પાછા મનને સમજાવતાં. ‘કાલે નિરાંતે જઈશું.’
આમ ને આમ દિવસો વહી ગયા પણ જે નિર્ણય કર્યો હતો તે નિર્ણયને અમલમાં મૂકવાની તેમનામાં હામ ન હતી. તેમના મનમાં તુલસીને વિષે ભયગ્રંથી બંધાઈ ગઈ હતી. તુલસી પોતાનું અપમાન કરે તો ? પોતાના જ વિષે ગમે તેવા હલકા શબ્દો ઉચ્ચારે તો ? ?
ને સૌથી વિશેષ ભય તેમને તુલસીની માતા ઝવેર વિષેનો હતો. તુલસી ભૂલેચૂકે પણ જો પોતાની વાત તેની માતાને કહી દે તો ઝવેર આભમાં ચંદરવો બાંધવા તૈયાર થાય એની જીવ્હામાં રહેલું ઝેર એ ફળિયાના માનવોથી પરિચિત હતું. અટલે ફળિયાના લોકોમાંથી કોઈ તેને છંછેડવાની હિંમત કરતું નહિ.
પણ મંગળા ઘરમાં હરતી ફરતી પ્રસાદને હૈયા સરસો ચાંપતી અને માસ્તરની આંખો પણ તેની પાછળ પાછળ ફરતી હતી ત્યારે એમના મનમાં પુનઃ પેલો પ્રશ્ન ઊઠતો હતો. ‘મારી હયાતી નહિ હોય ત્યારે આ મંગળાનું શું થશે ? એનો રામ પૂછતો હતો માટે તેં કાંઈ જ વિચાર્યું નથી ? તારી કોઈ જ ફરજ નથી શું ? સમાજની દૃષ્ટિએ તો એ તારી પત્ની છે ને ? તે એના આવનાર બાળકનો પિતા પણ સમાજની નજરે તો તું જ ઠરશે ને? ત્યારે એના ભાવિનો વિચાર કેમ તને આવતો નથી?’
અંતે તેમણે સાહસ કર્યુંં જ, અને તુલસીને મળી આવ્યા પછી એમનું મન પ્રસન્નતા અનુભવવા લાગ્યું. તુલસીના ખેતરેથી પાછા ફરતાં એમના મનમાં જે આનંદ ઉછાળા મારતો હતો તે મંગળા પાસે વાત મૂકવાનો પ્રશ્ન ઉદ્ભવતા શાંત થઈ જતો હતો. એમના મનમાં સ્વમાની મંગળા પોતાની વાત માનવા તૈયાર થશે કે કેમ તેને વિષે ભારે શંકા હતી. જે મંગળા પોતાની-લોકદૃષ્ટિએ તો તેના પતિની મિલકતને સ્પર્શ કરવા પણ તૈયાર નથી, એ મંગળા પોતાના દેહ વિલય પછી તુલસીની છાયામાં જવા તૈયાર કેમ થશે ?’ એવી શંકાના જાળાં તેમના મનના ખૂણામાં જામી પડતાં હતાં.
રસોડામાંથી ચાહનો પ્યાલો હાથમાં લઈને મંગળા બહાર આવી ત્યાં જ બારણામાં કોઈકનો પડછાયો તેની નજને પડ્યો અને ઊંચું જોતાં ખભે ડાંગ મૂકીને ઊભેલો તુલસીને જોયો અને તે ડરી ગઈ, એ કાળમુખો જાણે પોતાને ગળી જવા આવ્યો હોય એના ભયથી તે કાંપવા લાગી.
ત્યારે માસ્તરે મંગળાના હાથમાંથી ચાહનો પ્યાલો હાથમાં લેતાં બારણામાં ઊભેલા તુલસીને જોતાં જ ભર્યા મોંએ તેને આવકાર દીધો ‘આવ આવ તુલસી !’
ને મંગળાને કહ્યું, ‘જરા બીજો ચાહ લાવજે તો ?’
માસ્તરે જોયું તો મંગળાના મોં પર ક્રોધની રેખાઓ ઊપસી આવી હતી. તુલસીનું આગમન તેને ગમ્યું ન હતું એમ માસ્તરને સમજાઈ ગયું હતું, છતાં માસ્તરે તુલસીને ભાવપૂર્વક પોતાની પાસે બેસાડ્યો, મંગળા ચાહનો બીજો પ્યાલો આપીને અંદરના ભાગમાં ચાલી ગઈ. એની ચાલમાંથી પણ તેનો ગુસ્સો અવ્યક્ત રહી શકતો ન હતો, માસ્તરે મંગળાનું લાલઘૂમ બની ગયેલું મોં જોયું ન હતું એ ઠીક થયું હતું.
તુલસી પણ માસ્તર પોતાને જાળમાં સપડાવી ગયા છે અને પોતે હવે એ જાળમાંથી છૂટવા માંગે છે એવા નિશ્ચયથી આવ્યો હતો એટલે એના મુખ પર પણ વ્યગ્રતા છવાયેલી હતી.
‘માસ્તરકાકા !’ તુલસીએ ચાહનો પ્યાલો ખાલી કરતાં પોતાની વાતનો પ્રારંભ કર્યો ને કહ્યું, ‘તમે ખેતરમાં મને જે કાંઈ વાત કરી ગયા એ યોગ્ય નથી.’
‘એટલે ?’ અત્યાર સુધી સફળતાનો આનંદ માણતા માસ્તર તુલસીના આ જવાબથી ચમકી ઊઠ્યા. જાણે સેંકડો વીંછીઓએ એમના અંગને ડંખ દીધા, મોં પહોંળું કરીને તુલસી સામે જોઈ રહ્યા.
ને કહ્યું, ‘મારી વાત ન્યાયી છે. એમાં તારી વાત પરનો પડદો તો પડી જ જાય છે પછી ?’ ને તુલસીને જાણે વિનવતા હોય એવા કરુણાભર્યા સ્વરે કહેવા લાગ્યા, ‘મારા શિવને વિષે જો મને પૂરતો વિશ્વાસ હોત તો હું તારી પાસે આવ્યો નહોત !’
‘પણ તમે મને શા માટે સંડોવો છો ?’ માસ્તરના કરુણાથી મઢેલા શબ્દની તુલસીના હૈયા પર કશી જ અસર થઈ ન હોય એમ જણાતું હતું.
‘હું તને સંડોવું છું ?’ તુલસીના પ્રશ્નથી પંડ્યા માસ્તર એકદમ તાડુકી ઊઠ્યા ને બોલ્યા, ‘તારા પાપની સજા હું ભોગવી રહ્યો છું એની તો તને ખબર છે ને ?’
‘મારું પાપ ?’ તુલસી પણ સામે તાડુકી ઊઠ્યો ને મર્યાદાનો જાણે લોપ કરતો હોય એમ કહેવા લાગ્યો.
‘માસ્તર ! મારા ગળે પડવાનું રહેવા દો, પાપ તો તમારું છે, તમારા દીકરાની વહુને તો તમારા પાપના કારણે નાસી જવું પડ્યું એ ભૂલી ગયા ?’
તુલસીના આ અંગારા જેવા શબ્દોથી માસ્તરના રોમરોમ સળગી ઊઠ્યાં. એમની સૌમ્ય મુખમુદ્રા રક્તવર્ણી બની ગઈ, ક્રોધથી કાંપતા તેઓ ઊભા થયા ને કહેવા લાગ્યા.
‘તુલસી આ તું બોલે છે ?’
‘હું નહિ આખું ગામ કહે છે ! નહિ તો મરવા ટાણે મંગળાનો ભવ બગાડવાની દુર્બુદ્ધિ તમને ક્યાંથી સૂઝી ?’ તુલસીએ હવે તો સાચે જ મર્યાદાનો લોપ કર્યો હતો.
માસ્તરને દઝાડવા માટે જૂઠા તોહમતો મૂકતાં અંગારા તુલસી વેરી રહ્યો હતો એ જોઈને અંદર બેઠેલી મંગળા એકદમ બહાર ધસી આવીને વેર લેવા ઉતાવળી બનેલી વાઘણ શિકાર પર તૂટી પડે તેમ તેણે આવેશમાં આવીને તુલસીનો હાથ પકડીને પોતાની પાસે ખેંચતા કહ્યું.
‘હરામજાદા! પાપ કરીને પાછો પૂણ્યાત્મા થવા નીકળ્યો છે?’ મંગળાને વચમાં કૂદી પડેલી જોતાં માસ્તર અને તુલસી બંનેને ભારે આંચકો લાગ્યો.
મંગળાએ માસ્તરને કહ્યું, ‘માસ્તર, તમે હઠી જાવ આજે હું જ એની સાથેનો હિસાબ પૂરો કરી લઈશ. ગામની યુવાન બાળાઓ માટે આ તો કાળાતરો છે. તે દિવસે તે મારા હાથમાંથી છટકી ગયો હતો. પણ આજે તો હું એનો પૂરતો બદલો લેવાની છું.’
ને તુલસી સામે અંગારા વરસાવતી આંખો ફેરવતાં મંગળા બોલી, ‘બોલ હરામજાદા ! મારી પર તેં બળાત્કાર કર્યો હતો કે નહિ ?’
અને તુલસીના જવાબની રાહ જોયા વિના જ તેણે તુલસીના હાથને તેની આંખો સામે ધરતાં કહ્યું, ‘આ નિશાની તારા પાપની ગવાહી દે છે તેનુ શું?’
મંગળાના આક્રમણથી તુલસી તો એવો ડઘાઈ ગયો હતો કે એની ખભા પરની ડાંગ પણ ક્યાંય પડી ગઈ હતી, એનું મોં લેવાઈ ગયું હતું. મંગળાના હાથમાંથી પોતાનો હાથ પણ છોડાવવાની હામ તે હારી બેઠો હતો. માસ્તરની સાથે ક્રોધથી તપાવેલા લોઢા જેવા ગરમ શબ્દો બોલતો તુલસી મંગળાની સામે મીંદડી શો બની ગયો હતો.
ત્યારે મંગળાનું આક્રમણ ચાલુ જ હતું.
તેણે કહ્યું, ‘તુલસી તું એમ ન સમજતો કે તારા પાપનો હિસાબ તારે આપવાનો નથી. માસ્તર મંગળાને પરણી બેઠા એટલે તું નરવો થઈ ગયો ? યાદ રાખજે સમય આવશે ત્યારે તારી પાસે હું જવાબ માંગવાની છું. આ દેવ પુરુષ માસ્તરે મને આશરો આપ્યો છે, એમને માથે તું આળ મૂકતા શરમાતો નથી ?’
અને તેણે તુલસીનો હાથ છોડી દીધો, માસ્તર તરફ ફરીને તેણે કહ્યું, માસ્તર તમે પણ શા માટે આવા લફંગાને કાકલુદી કરો છો? તમને શાની ચિંંતા છે? મંગળાની ચિંતા તમે છોડી દો, હા, જે પળે તુલસીએ ખેતરમાં મારા શીલ પર આક્રમણ કર્યું ત્યારે અબળા હતી. પણ હવે હું અબળા નથી, માસ્તર હું જીવું છું કારણ કે મારે તુલસી સાથેનો હિસાબ પતાવવાનો છે.’
અને અધરોષ્ટને દંતાવલી વચ્ચે દબાવતાં કહ્યું, ‘માસ્તર તમે તો સાવ ભોળા છો, તમને માનવીને પારખતાં જ આવડતું નથી, નહિ તો આ માનવ દેહમાં છૂપાયેલા કાળોતરાને તમે દૂધ પીવડાવો શાના?’
તુલસી તો જેમ તેમ કરીને માસ્તરનું ઘર છોડી ગયો, એણે ચોપાસ નજર કરી લીધી મંગળાએ તેને ભીડાવ્યો હતો તે જોવાને કોઈ ત્યાં હાજર નહોતું એથી તેને નિરાંત થઈ. માસ્તરના ઘરની બહાર આવીને તેણે થોડીક સ્વસ્થતા ધારણ કરી ને જાણે પોતાના સ્વમાન પર એક નારીએ ઘા કર્યો જ નથી એવો દંભ કરતો તે આગળ વધ્યો.
મંગળા પણ વિચારવા લાગી. પોતાનામાં આટલો બધો જુસ્સો ક્યાંથી આવ્યો ? તુલસી જેવા લફંગા સામે થવાની આટલી હિંમત ક્યાંથી આવી ?
ને માસ્તર સામે નજર કરતાં જ તે શરમાઈ ગઈ. માસ્તરની અડોઅડ બેસી જતાં તે બોલી, ‘બળ્યું; ન કહેવા જેવા ઘણા શબ્દ મેં તેને સંભળાવ્યા ખરું ને ?’
પણ માસ્તર તો મંગળાના નારી દેહમાં છુપાયેલા પૌરુષેયના તત્ત્વોને સમજવા મથતા હતા.
‘માસ્તર તમે શાની ચિંતા કરો છો ?’ માસ્તરને મૂંગા બેસી રહેલા જોઈને મંગળાએ પ્રશ્ન કર્યો ને પૂછ્યું, ‘શા માટે એ કાળોતરો અહીં આવ્યો હતો ? તમે બોલાવ્યો હતો ?’
‘હા !’ માસ્તરે અભાનપણે જવાબ દીધો ને તરત જ ભાનમાં આવતાં ફેરવી નાંખતા હોય એમ કહેવા લાગ્યા ‘ના, ના, એની જાતે જ આવ્યો હતો !’
‘પણ વાત તો કંઈ પહેલાંની હતી ?’
‘હા, આજે હું એના ખેતરે ગયો હતો !’ માસ્તરે સ્પષ્ટતા કરી અને પોતાના મનમાં દિવસો થયાં રમી રહેલા પ્રશ્ન વિષેનો ઉકેલ શોધવા તુલસી પાસે પોતે કેવી માંગણી કરી હતી તે હકીકતથી તેને પરિચિત કરી.
મંગળા માસ્તરની વાત સાંભળતાં જ ગુસ્સે ભરાઈ ને બોલી ‘માસ્તર તમને જો હું ભારે પડતી હોઉં તો અત્યારે જ હું ચાલી જવા તૈયાર છું, તમે એમ કહી શકો છો, પણ આ કાળોતરાએ મારા જીવનનો નાશ કર્યો–એ કાળોતરાને જ હવાલે કરવાનો અનિષ્ટ વિચાર તમને ક્યાંથી સૂઝ્યો ?’
માસ્તરની ગરદન શરમથી ઝૂકી ગઈ હતી. એમને પોતાને પસ્તાવો થતો હતો કે પોતાને કયા કાળ ચોઘડીયે આવો વિચાર ક્યાંથી સૂઝ્યો ?
ત્યારે મંગળા કહેતી હતી ‘માસ્તર ? તમે વિશ્વાસ રાખજો કે મંગળા પોતાના જીવન વિષે નિશ્ચંત છે. ખાખ થયેલા જીવનમાંથી પણ પોયણાં પ્રગટી શકે છે એ હું અવસર આવે બતાવીશ. તમારી હૂંફ મને ઘણું ઘણું આપી રહી છે.’
બોલતાં બોલતાં મંગળાની આંખમાંથી ગંગા-જમનાનો પ્રવાહ વહી રહ્યો હતો.