ખાખનાં પોયણાં/છેલ્લું દર્શન
| ← વાત ચગડોળે ચઢી | ખાખનાં પોયણાં છેલ્લું દર્શન પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
તર્પણ કરું છું → |
છેલ્લું દર્શન
મંગળા કસોટીની આકરી તાવણીમાં તળાઈ રહી હતી. તુલસીએ તેની માતા સમક્ષ જે ઘટસ્ફોટ કર્યો તેથી એના દિલને ભારે આઘાત લાગ્યો હતો. તુલસીની સતત માંગણીનો મંગળાએ અત્યાર સુધી દૃઢતાપૂર્વક ઇન્કાર કર્યો હતો ને માસ્તરે પણ તુલસીને ગુન્હેગાર માનીને એક કડવો શબ્દ કહ્યો ન હતો. કારણ કે એના છાંટા પોતાને પણ ઉડવાના જ એવી તેમને ખાત્રી હતી. એટલે તુલસીએ જ્યારે ઝવેર સમક્ષ પોતાની ભૂલનો એકરાર કર્યો ત્યારે જેમ ઝવેર કાળી ચીસ પાડી ઊઠી હતી તેમ મંગળા પણ સ્તબ્ધ બની ગઈ હતી. જડવત અચેત શી ખાટલામાં બેસી રહી હતી. એના મનમાં અત્યારે હજાર તરંગો ઉઠતા હતા. જો અંતે પાપાચારનો ટીકો પોતાને કપાળે લાગવાનો જ હતો તો પોતે માસ્તરના જીવનને શા માટે બરબાદ કર્યું ? શા માટે લોકો સમક્ષ તુલસીને ઉઘાડો પાડીને પોતે તુલસીના ઘરમાં જ ન બેઠી? શા માટે તેણે અત્યાર સુધી પોતાના આવનાર બાળકના પિતા તરીકે માસ્તરને જ વ્યક્ત થવા દીધા ?
એનું મન મૂંઝાઈ ગયું હતું. આંખોમાં આંસુ પણ છલકાતા ન હતા. જાણે આ પરિતાપના અગ્નિએ તેના હૈયાને જળ સાગરને સૂકવી નાંખ્યો હતો. એની આંખોમાં ભારોભાર વિષાદ હતો. પણ આંસુના બિંદુ જામતાં ન હતાં.
શૂન્ય મનસ્ક ઝવેર ચાલી ગઈ હતી, એની પાછળ તુલસી પણ મંગળા સમક્ષ વધુ વખત ઊભો રહી શક્યો નહિ. મંગળાની આંખોમાં ધખધખતા જ્વાલામુખી સામે તુલસી દૃષ્ટિ માંડી શકે તેમ ન હતું. એ દાઝતો હતો.
એક પણ શબ્દ બોલ્યા વિના તુલસી પણ ભારે હૈયે ઘરની બહાર નીકળ્યો. તેણે પ્રસાદને પોતાની સાથે જ લઈ જવાનો વિચાર કર્યો અને પરસાળમાં એકલા એકલા રમતા પ્રસાદને ભારે સાદે તેણે પૂછ્યું, ‘પ્રસાદ મારી માથે આવવું છે કે અહીં રમીશ ?’
‘અહીં રમીશ !’ રમતમાં ચિત્ત પરોવી બેઠેલા પ્રસાદે તુલસી સામે જોયા વિના જ જવાબ આપ્યો અને તુલસીએ પોતાના ઘરપ્રતિ કદમ ઊઠાવ્યા. ત્યાં તો પોલીસ સાથે બંધનમાં જકડાયેલા શિવને ફળિયામાં પેસતાં જોયો ને ચમકી ઊઠ્યો.
‘શિવ ?’ તેણે પોલીસ સાથે બંધનમાં જકડાયેલા શિવને જોતાં જ ચિત્કાર કર્યો, ત્યાં તો પોલીસ શિવને લઈને નજીક આવી પહોંચી અને મંગળાની ઓસરીમાં જ સૌએ બેઠક જમાવી.
હાથમાં લોખંડની બેડીઓ બાવડાએ દોરડાનું બંધન અને ચાર પોલીસોથી ઘેરાયેલા શિવે ઓસરીમાં પ્રવેશ કરતાં જ રમતનાં પ્રવૃત્ત બનેલ પ્રસાદને જોયો ને એનું પિતૃ હૈયું લાગણીઓથી ભિંજાઈ ગયું. પ્રસાદને બોલાવવાનું અને છેલ્લી વાર એને હૈયા સરસો લગાડીને બે ચાર ચૂંબનો દઈ દેવાનું મન તો થઈ આવ્યું પણ એણે પોતાના મનને વાળી લીધું.
પણ ત્યાં તો પ્રસાદે શિવને જોયો ને પોતાને લઈ જવા માટે જ આવ્યો છે એવા ભયથી પિડાતા પ્રસાદે રાડ પાડી ‘મંગળા...’
અને તે દોડતો મંગળાના ખાટલા પાસે પહોંચી ગયો.
મંગળા પણ ઓરડામાં બેઠી બેઠી બહાર શી ધમાલ છે તે જાણવા અધિરી બની હતી, ત્યાં તો તુલસીએ પસાળમાંનું આડું કરેલું બારણું ઉઘાડી નાંખ્યુ ને મંગળાની દૃષ્ટિ બંધનમાં જકડાયેલા શિવ પર પડી અને તે પણ ચમકી ઊઠી ‘શિવ તું ?’ શરીરે અશક્તિ એટલી બધી હતી કે તે ખાટલામાં પણ માંડ માંડ બેસી શકતી હતી એટલે ઉભા થઈને શિવ પાસે જવાની તેનામાં હામ ન હતી. માંડ માંડ પ્રયત્નપૂર્વક ખાટલામાં બેઠી બેઠી મંગળા બોલી. એનો સાદ ફાટી ગયો હતો. ભગવાન જાણે એની આકરી કસોટી કરવા માંગતો હતો.
પ્રત્યુત્તરમાં શિવે જમીન સાથે માથું ઝુકાવી દીધું. અનુત્તર રહ્યો.
તુલસીએ સાથેના જમાદારે પૂછ્યું ‘શું કર્યું છે શિવે તે એને તમે પકડીને અહીં લાવ્યા છો ?’
‘ખૂન કર્યું છે.’ જમાદારે જવાબ દીધો અને કહ્યું, ‘તેની માંગણીથી તેને અહીં લાવ્યા છીએ. તેણે માંગણી કરી કે હવે છેલ્લીવાર તે પોતાના દીકરાનું મોં જોઈ લેવા માંગે છે.’
‘ખૂન?’ તુલસી અને મંગળા બંને જમાદારની વાત સાંભળતા ચોંકી ઉઠ્યા. બન્નેના મોંમાંથી એક સાથે જ પ્રશ્ન સરી પડ્યો.
‘હા એની પોતાની ઓરતનું!’ જમાદારે કહ્યું.
તુલસીએ શિવને પૂછ્યું ‘શિવ તેં આ શું કર્યુંં? રૂખીનું તે ખૂન કર્યુંં? શા માટે?’
‘મેં જે કર્યું તે બરાબર કર્યુંં છે.’ તુલસીને શિવે જવાબ દીધો. પણ મંગળા સામે નજર માંડી શકતો ન હતો. ‘તુલસી મારા સ્થાને તું હોત કે બીજો કોઈ જવાન હોત તો, તેણે પણ આમ જ કર્યું હોત મને એનો કશો જ અફસોસ નથી.’
‘તો અહીં શા માટે આવ્યો ? લોકોને જણાવવા કે પંડ્યા માસ્તરના કુલાંગારના કેવા પરાક્રમો છે તે લોકો નજરે જુએ ?’ મંગળા ક્રોધથી કાંપતી હતી. તેણે શિવ સામે રોષભરી નજર નાંખતાં કહ્યું ને ઉમેર્યું ‘દીકરાને છેલ્લીવાર જોવાના કોડ જાગ્યા છે તને ?’ અને તેણે થોડોક શ્વાસ લઈને પછી પોતાની પાછળ છુપાઈ ગયેલા પ્રસાદને માથે હાથ ફેરવતા બોલી ‘આ પ્રસાદ જાતે જ તારાથી કેવો ડરીને સંતાઈ ગયો છે ? એને માટે તો તું જીવતા રાક્ષસ જેવો છું !’
વધુ બોલવાના કારણે અને ક્રોધાવેશમાં આવી જવાના પરિણામે મંગળા શ્રમિત થઈ ગઈ હતી. તેણે ખાટલામાં પડતું નાખ્યું. આંખો મીંચી દીધી. હોઠ પર સખ્તાઈ વ્યક્ત થઈ હતી.
‘મંગળા !’ શિવના મોંમાં રહેલી જીવ્હા હવે સરવરાટ કરતી હોય એમ જણાયું. તેણે કહ્યું. ‘તારે જે કાંઈ કહેવું હાય તે કહે, હું અપરાધી છું... પિતાજીનો મેં પ્રાણ લીધો છે અને પ્રસાદને માટે હું ઘાતકી બની રહ્યો છું એ સાવ સાચું છે.’
‘પણ રૂખીનું ખૂન શા માટે કર્યું ?’ તુલસી એ જાણવા માંગતો હતો, તે શિવની જીવ્હાનો સળવળાટ શરૂ થતાં જ પૂછી બેઠો.
‘ખૂન ન કરું તો શું કરું ?’ શિવે પોતાનું મસ્તક ઊંચું કર્યુંં અને તુલસી સામે જોઈને બોલ્યો, એની આંખોમાં ખૂન્નસ ઉભરાતું હતું. તેણે કહ્યું. ‘રૂખી જ મારા ને મારા પિતાના જીવનની બરબાદીનું કારણ છે ને? શાસ્રીજીની દીકરી પોતાના ઘરમાં વહુ થઈને આવે છે તેને પોતાનું પરમ સૌભાગ્ય માનતાં ભોળા દિલના પિતાજીએ શાસ્ત્રીજીની દીકરી વિષે કશી જ તપાસ કરવાની પરવા કરી જ નહીં ને? એનું જ આ પરિણામ છે. પિતાજી અકાળે મૃત્યુ પામ્યા અને હું પણ ફાંસીએ લટકીને જીવનનો અંત લાવીશ. ને રૂખી પણ મારા હાથે જ રામશરણ થઈ.’
શિવના શબ્દોમાં પોતાના કૃત્ય માટે પસ્તાવાનો રણકો ન હતો. રૂખીનું ખૂન જાણે ઈરાદાપૂર્વક ઠંડે કલેજે કર્યુંં હોય, ને તેના પરિણામો ભોગવતા તેને કોઈ પણ જાતનું દુઃખ જ ન થતું હોય એમ, તે સ્થિરતાપૂર્વક કહી રહ્યો હતો.
તેણે કહ્યું ‘મને પસ્તાવો માત્ર મંગળા પ્રત્યે મેં જે કઠોર વર્તન ચલાવ્યું હતું, તેનો જ થાય છે.’
‘ને તારા દીકરાની તને ચિંંતા નથી ?’
‘ના; પ્રસાદ મારો દીકરો જ ક્યાં છે? મંગળાનો દીકરો છે ! એના માને બાપ તો કુલાંગાર હતા. સારું થયું કે મંગળાએ તેને હૈયા સરસો ચાંપ્યો, તે હવે મારા જેવો અકરમી ને દુષ્ટ નહિ નીવડે !’
ને તેણે લોહ શૃંખલામાં જકડાયેલા પોતાના બન્ને હાથને ભેગા કરી, મંગળા સામે જોઈને પગે લાગતા કહ્યું ‘મંગળા ! મારી મા ! મારા કૃત્ય માટે મને ક્ષમા કર ! મૃત્યુ પામતા પહેલાં તારી દયામય આંખોમાંથી મારા પર દયાનો ઝરો વહાવ ને મારું મૃત્યુ ધન્ય બનવા દે !’
શિવની આંખમાંથી ખરેખર અશ્રુધારા વહી રહી હતી, ખાટલામાં બેઠેલી મંગળાની આંખમાંથી પણ આંસુ વહેતાં હતાં, ત્યારે તુલસી તો શિવને જોઈ રહ્યો હતો.
પોલીસના બંધનમાં જકડાયેલા શિવને જોવા આખું ફળિયું ઉમટી પડ્યું. ઘેર ઘેરથી સૌ કોઈ બહાર નીકળી આવ્યા હતા. જેઓ ઘરમાં હતા તેમને પણ પાડોશી હોંશે હોંશે વાવડ પહોંચાડતાં હતા. ‘માસ્તરના દીકરાને પોલીસે પકડ્યો છે.’
ને તમાશાને તેડાં શાં? માસ્તર જેવી ગામની સૌની સન્માનીય વ્યક્તિના દીકરાના ફજેતા જોવામાં અંતરાય શા? જોત જોતામાં મંગળાની ઓસરી સ્ત્રી પુરુષોથી છલકાઈ ગઈ. શિવ સૌની સામે જોતો હતો અને હસી હસીને સૌના ખબર અંતર પૂછતો હતો ત્યારે લોકો મનમાં જ કહેતા ‘નફ્ફટાઈની કોઈ હદ છે?’
‘જમાદાર સા’બ ! શિવને ક્યાં લઈ જશો હવે ?’ મંગળાનો કરુણાભર્યો પ્રશ્ન સાંભળતા બીડીના ધૂમાડા કાઢતા જમાદારે કહ્યું, ‘એને હવે શહેરની જેલમાં મોકલી દેવાશે? તે પછી તેનો કેસ ચાલશે. પછી તો તેના ભાગ્યમાં હશે તે થશે!’
‘ભાગ્યમાં તો ફાંસી સિવાય બીજું કાંઈ નથી જમાદાર !’ શિવે કહ્યું ને મંગળાને ઉદ્દેશીને બોલ્યો, ‘મા ! તારી ક્ષમા માંગવા આવ્યો છું, મારી ભૂલોની તું ઉદારતાપૂર્વક ક્ષમા આપી દે એટલે હું મોતનો પાલવ પકડી લઉં. મારે કશો જ બચાવ કરવાનો નથી. ફોજદારને પણ મેં કહ્યું છે કે રૂખીનું ખૂન મેં કર્યું છે. જે છરીથી મેં તેનું ખૂન કર્યું હતું તે છરી પણ ફોજદારને હવાલે કરી છે, બદલામાં મને અહીં તારા દર્શન માટે લાવવાની પરવાનગી મળી છે!'
અને પોતાના હૈયા પરનો બોજ જાણે હળવો થઈ ગયો હોય એમ તે બોલ્યો, ‘તુલસી ! એક જ વાતનો ખટકો રહી ગયો છે અને તે અમરા સાથેનો હિસાબ પતાવવાનો !’
‘અમરો ?’ અમરાનું નામ સાંભળતાં જ તુલસી ચમક્યો. અમરો ગામનો અઠંગ ઉઠાવગીર હતો. ઉડતાં પંખી પાડવામાં તે પાવરધો હતા. પોતાને પણ અધમતાના માર્ગે દોરી જનારો અમરો હતો, એ અમરા સાથેનો હિસાબ શિવને પતાવવાનો હતો ? શો હતો એ હિસાબ ? તુલસી મનોમન વિચારતો હતો.
‘હા ! એ હરામજાદો જ આ વિનાશનું મૂળ છે; રૂખી પકડાઈ ગઈ પણ તે વાડ ઠેકીને નાસી ગયો.’ અને પછી જમાદાર સામે જોઈને તેને કરગરતો હોય એમ કહેવા લાગ્યો, ‘જમાદારસા’બ મને બે એક દિવસ માટે છૂટો મૂકો તો, અમરાનો હિસાબ પતાવીને તમારી પાસે આવી પહોંચીશ.’
અને જમાદારના દિલમાં વિશ્વાસ પેદા કરવા મથતો હોય એમ બોલ્યો, ‘ભગવાનના, આ મારા પ્રસાદના...’
પણ જમાદાર અનુત્તર હતો. કાયદાએ તેના હાથ બાંધી લીધા હતા. એકવાર પકડાયેલા આરોપીને કાયદો જામીન પર મુક્ત કરે તે સિવાય આરોપીની દયા ખાઈને એકાદ પળ માટે પણ તેને બંધનમુક્ત કરવાનો કોઈને અધિકાર ન હતો, એટલે જમાદાર પાસે મૌન રહેવા સિવાય બીજો કોઈ માર્ગ જ ન હતો ને?
તુલસી શિવની વાતની કડીઓને મેળવીને સળંગ ઈતિહાસ રચી રહ્યો હતો.
શિવ જુગારની બદીએ ચઢ્યો ત્યારે અમરો તેનો સાથી હતો, અને શિવને ઘેર માસ્તરની ગેરહાજરીમાં અમરો જ્યારે પહેલીવાર શિવની સાથે આવ્યો હતો, ત્યારે જોબનમાં ઝુલતી રૂખી પર તેની આંખ ઠરી હતી. રૂખી ત્યારે પરણીને પહેલી વાર પતિગૃહે આવી હતી. અરમાનો એના ઊરમાં અંગડાઈઓ લઈ રહ્યા હતા. મનોરથો એના મનમાં પાંગરવા મથતા હતા. પતિનું સતત સાનિધ્ય ઝંખતી રૂખી પહેલી જ રાતે શિવ સાથે ઝઘડો કરી બેઠી હતી, એના મનમાં તો એ પ્રણય કલહ હતો. પહેલી રાત જેને કવિઓએ માઝમ રાતનું રૂપાળું નામ દીધું છે: શાયરોએ જેના ગીતડાં ગાયા છે અને જેની સૌરભ યુગો સુધી માનવીના સ્મરણ પટમાં અંકિત થઈ રહે છે એ માઝમ રાત, મધુરજની ઉજવવાના રૂખીના કોડ શિવની પ્રતીક્ષા કરતાં કરતાં જ સૂકાઈ ગયા, અને અંતે જમીન પર નિંદ્રાધીન થઈ ગઈ. રાત્રિ વહી ચૂકી હતી, પ્રભાતનો પહેલો પહોર ફાટવાને થોડી જ વાર હતી. માસ્તર બહાર ખાટલામાં સૂઈ રહ્યા હતા. મોડી રાત સુધી તેઓ પણ અસ્વસ્થ ચિત્તે જાગતા પડી રહ્યા હતા. પણ ઠંડા પવનના સૂસવાટે તેમની આંખ ક્યારે બીડાઈ ગઈ તેની તેમને ખબર ન રહી અને પછી તો શિવ ક્યારે આવ્યો તેની પણ તેમને જાણ ન થઈ. સવારે તેઓ ઊઠ્યા ત્યારે શિવ ઘોરતો હતા; રૂખી પણ ઘર કામમાં પરોવાઈ ગઈ હતી, પણ જીવનનો ઉલ્લાસ ઓગળી ગયો હોય એમ, તેના હલનચલન પરથી વ્યક્ત થતું હતું.
જ્યારે શિવ ચૂપકીદીથી ઓરડામાં પ્રવેશ્યો ત્યારે ભર નિંદ્રામાં પડેલી રૂખી ચમકી ઊઠી અને તેણે આંખ ઉઘાડી તો શિવ તેની પાસે હતો. એ વિસ્ફારિત નેત્રે શિવ સામે જોઈ રહી. લગ્ન જીવનની પહેલી રાત, એકાંતમાં દિલ ખોલીને એકબીજને હૈયા સરસા ચાંપવાની એ પળે બન્નેના મોં બીડાઈ ગયા હતા, છતાં શિવની આંખમાં લજ્જા હતી, તો રૂખીની આંખમાં રોષ હતો. તેણે ઊઠતાં ઊઠતાં માત્ર એટલું જ પૂછ્યું, ‘આટલા વહેલા શા માટે આવ્યા ? દિવસ ઉગવાને તો હજી વાર છે !’
પ્રત્યુત્તરમાં શિવે એક છાસીયું કર્યું. ‘મારો જવાબ લેવા તને નથી લાવ્યો સમજીને ?’
ને પથારીમાં પડતું મૂક્યું, થોડીક ક્ષણમાં ઘસઘસાટ ઊંઘી ગયો ત્યારે નિસાસા નાંખતી રૂખી કેટલીય પળો મૂઢ બનીને એની સામે જોઈ રહી. ને પછી ઊભી થઈ બહાર આવી.
લગ્ન જીવનના પ્રારંભે જ પતિ, પત્ની વચ્ચે મનમેળ થઈ શક્યો નહિ. રૂખીના જીવનમાં અસંતોષનો આતશ પ્રગટતો રહ્યો. શિવ જુગારના છંદમાં વધુ ઘેરાતો ગયો, પરિણામે કેટલીક વખત તો દિવસો સુધી તે ઘેર આવતો ન હતો.
રૂખીના લગ્ન જીવનમાંં વેરાયેલા અસંતોષના અંગારા ઠારવાને અમરો ઉત્સુક હતો અને એક વખત માસ્તરની ગેરહાજરીમાં અમરો રૂખીને પોતાના હૈયા સરસી ચાંપી દેતાં બોલ્યો, ‘તારે ચિંતા શાની છે તારા જેવી છબીલીને માટે પ્રાણ પાથરવા અમરો મોજુદ છે ને પછી ?’
અને ત્યારથી રૂખીના જીવનમાં અમરો પ્રવેશ્યો. રૂખીના બ્રાહ્મણ દેહને રાજપૂત અમરાએ અભડાવ્યો અને રૂખી અમરાના પ્રેમનો અભિષેક કરતી રહી.
દિવસો જતાં, શિવને અમરા વિષે શંકા પેદા થઈ હતી એટલે તો તેણે એક દિવસ ક્રોધમાં આવીને માસ્તર સમક્ષ ઘટસ્ફોટ કરવાનો નિર્ણય કર્યો હતો, પણ સાહસ કરી શક્યો નહિ માત્ર બે શબ્દો બોલીને જ તે અટકી ગયો હતો.
તુલસી જ્યારે પ્રસાદને પોતાની પાસેથી લઈ ગયો ત્યારે, હરખાકાકીએ તેને મેણું માર્યુંં હતું. એ મેણાએ તેના કથળી ગયેલા સંસાર માટે રૂખી જ જવાબદાર છે એનું ભાન કરાવ્યું હતું. જેલમાંથી છૂટતાં તેના મનમાં રૂખી પ્રત્યેના વૈરની જે ભઠ્ઠી ધીખતી હતી તે ફરીને ધખધખવા લાગી. અને તેણે તત્ક્ષણ શાસ્ત્રીજીના ગામની વાટ પકડી.
આખા રસ્તે રૂખીના જ સ્વપ્ના તેના રોષમાં વધારો કરતા હતા અને એ રોષમાં ને રોષમાં રસ્તામાં ક્યાંય પણ ફંટાયા વિના જ તે શાસ્ત્રીજીના ઘેર પહોંચ્યો ત્યારે શાસ્ત્રી ગામમાં જવાની તૈયારી કરતા હતા. શિવનું ભયંકર સ્વરૂપ જોઈને તેમના પેટમાં ફાળ પડી. કાંઈક અનિષ્ટ બનવાની આશંકાથી એમનું મન હોલાની જેમ ફફડતું હતું, છતાં પોતાની છાતી સામે જ આવી ને ઊભા રહેલા પોતાના જમાઈને ભર્યા મોંએ આવકાર આપ્યા વિના શાસ્ત્રીનો છૂટકો જ ન હતો.
‘ક્યારે આવ્યા ? ગામમાંથી આવ્યા ? પિતાજી કેમ છે ?’ શાસ્ત્રીએ સામટા પ્રશ્નો કર્યા અને આંગણામાં ઊભા ઊભા જ પોતાની પત્નીને ઉદ્દેશીને કહેવા માંડ્યું, ‘અરે ક્યાં છો તમે, જરા બહાર તો આવો. તમારા જમાઈરાજ આવ્યા છે?’ પતિનો અવાજ સાંભળીને ઓરડામાં, ઘર કામમાં પરોવાયેલી પત્ની સ્વગત બબડી : ‘અહીં શું દાટ્યું છે તે, આવ્યો હશે ?’
પણ મનનાં ભાવો મનમાં જ દબાવી દઈને બહાર આવીને જાણે શિવને જોતાં એનું અંતર હર્ષથી છલકાતું હોય એવો દેખાવ કરતાં કહ્યું, ‘ઓહોહો ઘણા વખતે કાંઈ?’
અને તેમણે જમાઈરાજના ઓવારણા લેવા માંડ્યા. પણ શિવને તો આ બધું નાટક જ ભાસતું હતું. એની આંખો રૂખીને શોધતી હતી, પૂછવાનું મન થઈ આવ્યું હતું. પણ પૂછી શકાતું ન હતું. જિંદગીમાં જેણે ક્યારેય શરમને પિછાની નથી એવા શિવને શાસ્ત્રીજીની શરમ નડતી હતી.
‘આવો ને અંદર. રૂખી હમણાં જ આવશે.’ આંગણામાં ઊભેલા શિવને સાસુએ આવકાર આપ્યો ને ઓસરીમાં પડેલો ખાટલો ઢાળી તેના પર ગોદડું નાખતાં કહ્યું, ‘બેસો, નિરાંતે હમણાં જ ભોજન બનાવી દઉં છું, જમીને તમે આરામ કરો ત્યાં સુધીમાં રૂખી આવી પહોંચશે.’
પત્ની તો શિવને દિલાસો દેતી હતી પણ આંગણામાં જ ચિંતાતુર બની ગયેલા શાસ્ત્રીની આંખો કહી દેતી હતી કે, આ બધા ઠાલા આશ્વાસનો છે. રૂખી હવે ગામમાં આવી શકે તેમ નથી અને આ ઘરમાં જો તે પગ મૂકે તો તેનો ટાંટિયો જ ભાંગી નાંખવાની શાસ્ત્રીએ પ્રતિજ્ઞા લીધી છે.
કદાચ શાસ્ત્રીની આંખો જોઈને જ શિવ તેમની વિમાસણ પામી ગયો હશે અને રૂખી અહીં નથી એવો અંદેશો એના મનમાં દૃઢ થયો હશે, એટલે તેણે ખાટલામાં બેસવાને બદલે આંગણામાંથી જ પાછા ફરવા માંડ્યું. આંગણામાં આવેલા જમાઈને આમ પાછો ફરતો જોઈને સાસુ બોલી ઊઠી, ‘ક્યાં જાવ છો ?’ ઊભા તો રહો. પાણી બાણી તો પીતા જાઓ.’
શિવે પાછું ફરીને જોયા વિના જ જવાબ દીધો, ‘પાણી દેનારીને શોધી કાઢીશ, પછી જ તેના હાથનું પાણી પીશ.’
ને શિવ આવ્યો હતો તેવો જ રોષ ભર્યો, જુસ્સાદાર કદમ ઉઠાવતો ચાલતો થયો. શાસ્ત્રીજી આંગણામાં ઊભા ઊભા તેની પીઠ જોઈ રહ્યા હતા, ત્યારે શાસ્ત્રીજીની પાછળ ઊભેલી તેમની પત્ની પાલવ વડે આંસુ લૂછતી હતી. બબડતી હતી, ‘રૂખીએ નાક વઢાવ્યું.’
‘હવે શિવ રૂખીને પણ વાઢી નાંખશે.’ હતાશ થતાં શાસ્ત્રીના મુખમાંથી નિશ્વાસ નીકળી પડ્યો. ગામમાં જવાનું માંડી વાળીને તેમણે કપડાં ઉતારી ખાટલામાં પડતું નાંખ્યું ને ઊભેલી પત્ની સમક્ષ મનનો બળાપો ઠાલવતાં કહ્યું, ‘જમાઈ, રૂખીના ચરિતર વિષે જાણી ગયો લાગે છે, એની આંખમાં ખૂન્નસ હતું, એનો ચહેરો કેવો ભયંકર બની ગયો હતો ? રૂખીને ગમે ત્યાંથી શોધીને વાઢી નાખ્યા વિના નહિ જ જંપે.’
‘મૂઈ મરશે તો, ધરતીનો ભાળ હળવો થશે !’ પતિના નિસાસાને ગણકાર્યા વિના જ પત્ની જવાબ દેતી હતી, તેણે કહ્યું, ‘પછી તો એ પણ ફાંસીએ જ ચઢશે ને?’
‘હાસ્તો !’ નિસાસો નાંખતા શાસ્ત્રી બોલ્યા.
‘મરશે ત્યારે બન્ને, એમના કર્યાં ભોગવશે.’
બન્નેને ચિંંતાતુર હાલતમાં મૂકીને શિવ રૂખીની શોધમાં જાણે દોડતો હતો. એને જાણે ભાળ મળી ગઈ હોય અને એ સ્થળે જ તે પહોંચી જવા ઉતાવળો થયો હોય એમ ત્વરિત ગતિએ જઈ રહ્યો હતો, એની આંખમાંથી ખૂન વરસતું હતું. વેરના ઝનૂનથી એની કાયા કાંપતી હતી. સાંજ થયે સૂરજ પશ્ચિમે ઉતરી જાય તે પહેલાં તેને મનમાં ધારેલા સ્થળે તેને પહોંચી જવું હતું. એના મનમાં કલ્પનાઓના ઘોડા પણ એની જેમ જ પૂરપાટ દોડતા હતા. તે સંધ્યા પહેલાં ખેતરમાં લપાઈ જવા માંગતો હતો, એ પછી તે રૂખીની લીલા જોવા માંગતો હતો અને રૂખીની સાથે જ અમરાને પણ ખતમ કરવા માંગતો હતો. મનમાં તે ઘાટ ગોઠવતો હતો. રૂખીની છાતીમાં એક જ ઘા કર્યા પછી અમરાને પકડીને પૂરો કરીને હું જિંદગીનો હિસાબ ચૂકતે કરીશ, પછી રૂખીને પણ ખતમ કરીશ ને પોલીસ સમક્ષ હાજર થઈશ.
કલ્પનામાં જેમ જેમ તે રંગ પૂરતો હતો, તેમ તેનો જુસ્સો વધતો હતો અને આખરે સૂરજદાદા પશ્ચિમમાં ઊતરવાની તૈયારી કરતા હતા, ત્યાં તો પિતાના આંબાવાડીયાવાળા ખેતરમાં આવી પહોંચ્યો. આ આંબાવાડીયું જ માસ્તરનો કમાઉ દીકરો હતો, એની ઉપજ ઉપર જ તેમનો જીવન નિર્વાહ સારી રીતે ચાલતો હતો. માસ્તર ક્યારેક બપોરના અહીં રહેતા અને કુદરતનું સાનિધ્ય માણતા, એટલે આંબાના ઘટાટોપ વચ્ચે તેમણે એક પર્ણકુટી પણ બનાવી હતી. આ પર્ણકુટી જ રૂખીના પાપાચારનું સ્થાન હશે એવી કલ્પનાથી જ શિવ અહીં આવી પહોંચ્યો હતો. અમરો રૂખીને ઉઠાવી લાવ્યો હશે એવી કલ્પના તો શાસ્ત્રી અને તેમનાં પત્નીના મુખારવિંદ જોતાં જ તેને થઈ આવી હતી અને એ કલ્પના સાથે જ બીજા અંકોડા મેળવતા તેને ખાત્રી થઈ હતી કે અમરો રૂખીને લઈને અહીં જ આવશે. લલ્લુકાકા અત્યારે આ ખેતરમાં રાતવાસો રહેતા નથી, એટલે રૂખી સાથે મોજ કરવા માટે અમરાને, આના કરતાં બીજી કોઈ જગ્યા મળી શકે તેમ નથી.
સૂરજદાદા પશ્ચિમે ઊતરી જતાં જ શિવ પર્ણકુટી પાસે સંતાઈ રહ્યો અને રાત્રિના અંધારા પૃથ્વી પર ઉતરતાં જ રૂખી અને અમરાએ ખેતરની ઝાંપલી ઉઘાડીને પ્રવેશ કર્યો, તે જોતાં જ શિવનો વૈરાગ્નિ ભડકો થઈને સળગી રહ્યો.
પર્ણકુટીમાં બન્ને દાખલ થયા કે તરત જ તેમની પાછળ શિવ પણ જુસ્સાભેર દાખલ થયો અને રૂખીની પીઠમાં ઉપરાઉપરી બે ઘા કર્યાં. રૂખીએ બૂમો પાડી, ઝનૂને ચઢેલો શિવ દાંત કચકચાવીને અમરા પર તૂટી પડ્યો પણ અમરો અંધારાનો લાભ લઈને તેના પંજામાંથી છટકી ગયો અને વાડ ઠેકીને ભાગી ગયો.
હાથમાં આવેલો અમરો આમ ભાગી ગયો, એથી શિવનું ઝનૂન ઘવાયું. જમીન પર પોતાના પગ પાસે જ તરફડીયાં મારતી રૂખી સામે જોયું, એના દેહમાંથી વહી જતું લોહી એની આંખોમાંથી વહેતી અશ્રુસરિતા કે તેનું કલ્પાન્ત શિવના હૈયાને સ્પર્શી શકતાં ન હતાં. તેણે રોષમાં જ રૂખીના દેહને એક પાટુ લગાવી દીધું ને કહ્યું ‘કમજાત ! તારા લક્ષણ હું પહેલેથી જાણતો હતો પણ પિતાજી મારી વાત માનતા ન હતા.’ અને બીજી લાત લગાવતા કહ્યું, ‘અમરા જોડે નાતરું જ કરી લેવું હતું ને ! તારા બાપનું નાક તો કપાત !’
રૂખી પાસે હવે ઝાઝો સમય ન હતો, શિવે કરેલો ઘા એના મૃત્યુને માટે‚ નિશ્ચિત બની ચૂક્યો હતો, દેહમાંથી લોહી ઘણું વહી રહ્યું હતુ, એણે આંખો બંધ કરી દીધી અને બે ત્રણ આંચકી સાથે તેનો પ્રાણ પંખેરું ઉડી ગયો, એનો નશ્વર દેહ પર્ણકુટીમાં પડી રહ્યો.
શિવે રૂખીના મૃત દેહને પણ ગુસ્સામાં એક લાત મારી અને ઉતાવળો ખેતરમાંથી બહાર નીકળી ગયો. થોડેક દૂર ગયા પછી એના મનમાં વિચારો ઉદ્ભવ્યા. નાસી ગયેલો અમરો પોલીસને બાતમી આપશે અને પોલીસ પોતાની શોધમાં ગામમાં જઈને મંગળાને ધમકાવશે.
મંગળાની સ્મૃતિ સહસા એના સ્મરણપટમાં ઉપસી આવી અને પોતે મંગળા પ્રત્યે કરેલા અનિષ્ટ વર્તાવ માટે પસ્તાવો થયો. સાથે જ પોલીસ મંગળાને પરેશાન કરશે એવી કલ્પનાથી એનું મન વિવશ બની ગયું. તેણે મંંગળાને હવે દુઃખી નહિ કરવાનો મન સાથે જ નિશ્ચય કર્યો હતો, એટલે તેણે અમરો જઈને પોલીસને બાતમી આપે ને પોલીસ પોતાની શોધમાં દોડદોડ કરે તે પહેલાં પોતે જ શા માટે પોલીસ પાસે જઈને એકરાર ન કરે? અત્યારે તે છટકી શકે તેમ છે, પણ સત્તાવાળાઓના લાંબા હાથ તેને પાતાળમાંથી પણ શોધી કાઢી શકે તેમ છે એની એને ખાત્રી હતી. એટલે રખડીરખડીને કૂતરાને મોતે મરવું એના કરતાં હસતાં હસતાં ફાંસીનું દોરડું ગળામાં નાંખીને અપરાધોના જવાબ દેવા ભગવાન સમક્ષ ઉપસ્થિત થવુંં એમાં પણ વીરતા છે એવા ખ્યાલ સાથે તેની ગરદન ટટ્ટાર થઈ અને પ્રભાતનો પહો ફાટે તે પહેલાં તો પોતે જાતે જ પોલીસને શરણે થયો.
શિવને પોલીસ પીછાનતી હતી, અઠંગ જુગારી શિવે પોતાની પત્નીને અમરા જુગારી સાથે જોતાં જ ઉશ્કેરાઈને તેનું ખૂન કર્યુંં હોય એ વાત વિષે પોલીસને કશી જ શંકા ન હતી. શિવે જ ફોજદાર સમક્ષ પોતાના કૃત્યનો એકરાર કર્યો હતો. લોહીથી ખરડાયેલી છરી પણ તેણે જાતે જ રજૂ કરી હતી, પછી પોલીસ નિષ્ક્રિય કેમ રહે ? તેણે તરત જ ખેતરમાં જઈને રૂખીની લાશનો કબજો લીધો અને ખૂનના તોહમત માટે શિવના હાથમાં લોહશૃંખલા પડી.
શિવ આખો વખત શાંત હતો, ફોજદાર જે કાંઈ પ્રશ્નો કરતા તેનો નિષ્કપટ ભાવે જવાબ દેતો હતો. તે કહેતો હતો, ‘ફોજદાર સાહેબ! મારે કાંઈ જ છુપાવાનું નથી. રૂખીએ મારા દેવ તુલ્ય પિતાજીનું નાક કાપ્યું, મારી સાથે દગો કર્યો તો મેં એનો બદલો લીધો.’
‘ભગવાન પણ જ્યારે મને પૂછશે ત્યારે, મારો આ જ જવાબ હશે.’
ખૂનની તપાસ પૂરી થઈ અને તેને શહેરમાં લઈ જવાનો ફોજદારે નિર્ણય કર્યો ત્યારે તેણે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું, ‘સાહેબ મારી એક છેલ્લી ઇચ્છા પૂરી કરશો ? મને મારા દીકરાના અને મંગળાના છેલ્લા દર્શન કરવાની તક આપશો?’
અને ફોજદારના શંકાશીલ મનને જાણે શાંત કરવા માંગતો હોય એમ તે બોલ્યો, ‘સાહેબ શંકા ન લાવો ! જો મારે નાસી જ છૂટવું હોત તો અહીં હું આવ્યો ન હોત. નાસી છૂટવા માટે મારી પાસે પૂરતો સમય પણ હતો, પણ હું જાણું છું ને કે અપરાધી નાસીને ક્યાં જવાનો હતો ?’
ફોજદારનું મન પણ પીગળી ગયું, શિવના વચનોમાં તેને શ્રદ્ધા બેઠી અને તેણે જમાદારને કહ્યું, ‘આરોપીને પૂરતા બંદોબસ્ત સાથે તે કહે ત્યાં લઈ જાવ, તે નાસી જવાનો નથી એનો મને વિશ્વાસ છે, છતાં તમે સાવધ રહેજો.’
‘ભલે સાહેબ!’ જમાદારે સલામ કરીને કહ્યું ને ચાર પોલીસ સાથે શિવને લોહ શૃંખલા અને હાથે દોરડા બાંધીને મંગળા સમક્ષ લઈને ઉપસ્થિત થયા. શિવે પોતાના ગુન્હાનો તો એકરાર કર્યો એના જીવનની છેલ્લી ઝંખના એક જ હતી, ‘મંગળા પોતાને ઉદાર દિલે માફી આપે તો પોતે શાંતિથી મૃત્યુ પામશે.’
તેણે ફરીને મંગળા તરફ દયા યાચતી દૃષ્ટિ કરતા કહ્યું, ‘મંગળા ! મારી મા ! તું જ મારી સાચી જનેતા છો. તને મેં દુભવી છે, તારી પ્રત્યે મેંં અમાનુષી વર્તાવ કર્યો છે, છતાં તેં મારા દીકરાના જતન કર્યા છે. પિતાજીએ પ્રસાદ તને સોંપ્યો છે એટલે મને એની ચિંતા નથી. દૂરથી તું એનું મોં મને જોવા દે, મારી આંખો તેને જોવા ઝંખે છે.’
બોલતાં બોલતાં તે ચોધાર આંસુ વહાવતો હતો, ત્યારે ખાટલામાં બેઠી બેઠી મંગળા પણ આંસુ વહાવતી હતી. શિવને જોતાં જ ભયગ્રસ્ત પ્રસાદ મંગળાની પાછળ લપાઈ ગયો હતો. તેને મંગળાએ ઊંચક્યો. અશક્તિ છતાં વહાલ ભર્યા હાથે તેને પોતાના ખોળામાં બેસાડ્યો ને કહ્યું, ‘પ્રસાદ ! તારા મોટાભાઈને બે હાથ જોડીને વંદન તો કર ભાઈ!’ અને તેણે જાતે જ પ્રસાદના બે હાથ ભેગા કર્યાં. પ્રસાદે વિના વિરોધે માથુ નમાવ્યું.
‘ચાલો ! ઊઠો તો !’ જમાદાર ઊભો થયો. પોલીસો પણ આગળ આવ્યા ને શિવનો હવાલો સંભાળ્યો.
શિવ હજી તો મંગળા સામે જોઈ રહ્યો હતો. એની નજર પૂછતી હતી ‘મંગળા તેં મને માફ કર્યો ?’
આંસુ વહાવતી મંગળા ગદગદ કંઠે બોલી ‘શિવ ! તારી ભૂલો હું યાદ કરતી નથી. તને માફ કરું છું અને તને બચાવવા હું મારાથી બનતું કરીશ ! માસ્તરનું સાચું તર્પણ મારા માટે એ જ હશે.’
શિવના હૈયા પરનો ભાર હળવો થયો. તેણે જમાદારને કહ્યું, ‘ચાલો જમાદાર !’
ને પોતાને જોવા જમા થયેલા સૌને બે હાથે વંદન કરીને શિવ પોલીસ સાથે રવાના થયો.